માત્ર સ્ત્રી જ ફરિયાદ કરે, કરી શકે… એવું નથી

ગયા અઠવાડિયાના અખબારોમાં વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ કોઈ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો… એ સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ કરી છે ! નવાઈની વાત એ છે કે એ સ્ત્રી પેલા યુવક સાથે અનેક હોટેલમાં અને બહારગામ પણ ગઈ હતી, બંને જણની ઈચ્છા અને મરજીથી થયેલો સંબંધ ‘બળાત્કાર’ કહેવાય ? જરા વિચાર કરીએ તો સમજાય કે સરકારે આટલા બધા કાયદા સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવ્યા છે. દહેજ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ, ઈવટીઝીંગ કે મોલેસ્ટેશન… સ્ત્રીની ફરિયાદને ગંભીરતાથી લેવાય છે. અહીં આપણે ગામડાંની ચર્ચા ન કરીએ, તો એટલિસ્ટ અર્બન વિસ્તારોમાં મહિલા સુરક્ષાનો કાયદો પ્રમાણમાં ઘણો ગંભીરતાથી પાળવામાં આવે છે. કેટલાક અંતરિયાળ ગામડાંઓમાં ધર્મ, જાતિ કે વર્ણ-વ્યવસ્થાને કારણે સ્ત્રીઓની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એ પણ નતમસ્તક સ્વીકારવું જ પડે. સ્ત્રી સાથે જ્યારે જ્યારે દુર્વ્યહાર થાય છે ત્યારે દરેક વખતે પુરુષ જ જવાબદાર હોય છે એવું જેનેરીક અથવા સામાન્ય સ્ટેટમેન્ટ હવે થઈ શકે એવો સમય રહ્યો નથી!

ખાસ કરીને આ લેખ એક સ્ત્રીની કલમે લખાય છે ત્યારે માત્ર પુરુષ જ અત્યાચારી, દુરાચારી કે વ્યભિચારી છે એવો ન્યાય તોળવાનો અધિકાર હવે સ્ત્રી પાસે નથી રહ્યો એવું એક સ્ત્રી તરીકે જ આપણે સ્વીકારવું રહ્યું ! જે સ્ત્રીઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની કે રેપની ફરિયાદ કરે છે એમાં ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ જોવા મળે છે કે એમની સાથે છ મહિના સુધી કે અમુક વર્ષો સુધી ‘બળાત્કાર’ કરવામાં આવ્યો ! આ વાત કેટલી હદે સાચી માની શકાય ? જે સ્ત્રી ફરિયાદ કરે છે એનું અપહરણ કરવામાં નથી આવ્યું, અર્થ એ થયો કે સ્ત્રી પોતાની મરજીથી (મ્યુચ્યુઅલ કન્સેન્ટ) કોઈ એક વ્યક્તિ સાથે બહારગામ કે હોટેલના કમરામાં જાય છે. એની શારીરિક જરુરિયાત, પ્રેમ, સામેના માણસની વાક્પટુતા કે એના બદઈરાદાની અહીં ચર્ચા નથી. ઘરમાં રીપેરીંગ કરવા આવેલા કોઈ માણસ સાથે એટલી બધી દોસ્તી કેવી રીતે થઈ જાય કે એની સાથે હોટલમાં જઈને શારિરિક સંબંધ બાંધવા સુધી પહોંચી જવાય ? જો એવું થયું હોય, તો એ માટે એકલા પુરુષને જવાબદાર ઠેરવી શકાય ખરો ?

એ કયા ધર્મનો હતો, એ મુદ્દો નથી… અહીં મુદ્દો એ છે કે એક સ્ત્રી ‘પ્રેમ’ના નામે મૂર્ખ પૂરવાર થઈ ! સ્ત્રી માટે સૌથી લોભામણો અને લલચામણો શબ્દ ‘પ્રેમ’ છે, કદાચ ! કોઈ પોતાને ચાહે છે, એટલું સાંભળવા કે સાંભળ્યા પછી સ્ત્રી કોઈપણ હદે જતી જોવા મળે છે. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ, લગ્ન પહેલાં કે લગ્ન સિવાય મર્યાદાઓ ઓળંગી જનાર સ્ત્રીને પછીથી મુશ્કેલીમાં મૂકાવું પડે છે. જ્યારે જ્યારે આવા પ્રસંગો બને છે ત્યારે ‘વીડિયો અપલોડ કરી દેવાની ધમકી’ એક સામાન્ય ફરિયાદ તરીકે જોવા મળે છે. સવાલ એ છે કે આવા વીડિયો ઉતારવા દેવાની પરવાનગી કેવી રીતે આપી શકાય ? જો અજાણતા આવો વીડિયો ઉતારવામાં આવ્યો હોય તો, પોતે જાણતી ન હોય, એવી કોઈ પણ જગ્યાએ કે એવી વ્યક્તિને પૂરેપૂરી ઓળખ્યા વગર કોઈ પણ સ્ત્રીએ જવું જ શું કામ જોઈએ ? છેલ્લા ઘણા સમયથી આપણે સ્ત્રીઓના વિક્ટીમ કાર્ડને બહુ સહાનુભૂતિથી જોઈએ છીએ. બધા ખોટા છે એવું કહેવાનો આશય નથી, પરંતુ હવે આ સમાજે માત્ર પુરુષને જવાબદાર ઠેરવવાની મનોવૃત્તિને બદલવી પડશે, એટલું નક્કી છે !

નાનકડા ગામડાઓમાં જ્યાં વર્ણ-વ્યવસ્થાને આધારે દાદાગીરી કરવામાં આવે છે અથવા સ્ત્રી ઉપર થયેલા અત્યાચારની ફરિયાદ પણ નોંધાતી નથી ત્યાં આજે પણ બળાત્કાર અને ખૂન, અત્યંત સામાન્ય બાબત બનતી જાય છે. અભણ અને ગરીબ સ્ત્રીને કાં તો પોતાના અધિકારની ખબર જ નથી અને જો એને ખબર છે અને એ અધિકારનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો એને
પ્રશાસન કે પોલીસ તરફથી દરેક વખતે મદદ મળે જ છે એવું આપણે કહી શકીએ એમ તો નથી જ ! ઓનર કીલિંગ આવા ગામડાઓમાં સાવ સામાન્ય બાબત છે જેમાં સ્ત્રીને ‘પાઠ ભણાવવા માટે’ એના પર બળાત્કાર કરવામાં આવે છે…

જો ખરેખર કોઈને ફરિયાદ કરવાનો અધિકાર હોય તો એ આવી સ્ત્રીઓ છે, પરંતુ એમની ફરિયાદ કાં તો લેવાતી નથી અને કાં તો એની પૂરી તપાસ કરવામાં આવતી નથી. કદાચ તપાસ કરવામાં આવે તો પણ ગુનેગારો કોર્ટમાં સાવ નજીવા કારણસર ‘ગુનો પૂરવાર ન થઈ શકવાના કારણે’ છૂટી જાય છે.

બીજી તરફ શહેરમાં સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા આ કાયદાઓનો ભરપૂર દુરુપયોગ થતો જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી સિનેમા અને ઓટીટીમાં સ્ત્રીને શારીરિક સંબંધ બાંધવાની, સિગરેટ પીવાની, શરાબ પીવાની છૂટ હોવી જોઈએ એવો એક આડકતરો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ છૂટછાટ ‘સ્ત્રી મુક્તિ’ નથી. પુરુષ પણ શરાબ પણ સિગરેટ પીએ એ ખોટું જ છે, તો સ્ત્રી માટે પણ ખોટું જ છે. આપણી સંસ્કૃતિ આજથી સદીઓ પહેલાં ઘણી મુક્ત અને માનસિક રીતે મજબૂત સંસ્કૃતિ હતી. કૃષ્ણ-દ્રૌપદીની મિત્રતા કે રાધા-કૃષ્ણનો સંબંધ, સ્વયંવર કે દીકરીને ભણાવવાની પરંપરા આપણે ત્યાં સદીઓથી હતી. નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ વાસ કરે એવો શ્લોક આપણા શાસ્ત્રોએ આપ્યો છે.

આજે આવું કશું જ નથી, આપણે વિકસિત થયા છીએ, યંત્રો વાપરતા થયા છીએ, સ્ત્રીના વસ્ત્રો બદલાયા છે, સ્ત્રી ભણે છે, કમાય છે, મરજીથી પરણે છે અને છૂટાછેડા પણ લે છે ત્યારે હવે આપણે સ્ત્રીને જ માત્ર પીડિત કે શોષિત ચિતરીને સમાજમાં એના પ્રત્યે સહાનુભૂતિની લાગણી ઊભી નહીં કરી શકીએ. મલ્ટી નેશનલના ઉચ્ચ હોદ્દા પર કામ કરતી સ્ત્રીઓ પણ એમના જુનિયર પુરુષ કલિગનું શોષણ કરે છે, એવા કિસ્સા અવાર-નવાર સાંભળવા મળે છે. પત્નીના વિઝા પર વિદેશ ગયેલો પતિ કે સિનેમા મોડલિંગની દુનિયામાં પ્રવેશ ઈચ્છતા પુરુષ અભિનેતા કે મોડેલનું પણ સ્ત્રી દ્વારા શોષણ કરવામાં આવે છે. આ હકીકત જોઈએ એટલી બહાર નથી આવતી કારણ કે હજી આપણો સમાજ પુરુષ પ્રધાન છે. એક પુરુષને પોતાના શોષણની ફરિયાદ કરવામાં એનું પુરુષત્વ ઘવાતું લાગે છે એટલે કદાચ આવી ફરિયાદો ખુલીને બહાર નથી આવતી…

અત્યારે, અર્બન સોસાયટી અથવા શહેરોમાં પ્રશ્ન એ છે કે વ્યક્તિ તરીકે દરેકે પોતપોતાની સુરક્ષાનો વિચાર કરવાનો છે. હવે સ્ત્રી કે પુરુષ નહીં, જરુરિયાતમંદ, ગરજવાન કે મૂર્ખ અને અક્કલવાળા એવા વિભાગ પડવા લાગ્યા છે. આપણે બધા છેલ્લા થોડા સમયથી આપણી જિંદગીને કન્વીનિયન્સથી જીવતા થઈ ગયા છીએ, અજાણતા જ સ્વાર્થ અને લાભ આપણા મુખ્ય ધ્યેય બની ગયા છે. જ્યારે આપણને સ્વાર્થ સધાતો લાગે, કામ નીકળતું લાગે, સામેની વ્યક્તિ પાસેથી લાભ થશે એવી અપેક્ષા હોય ત્યારે જે કંઈ થાય એને આપણે સમજદારી અથવા બાર્ટરનું નામ આપીએ છીએ. કેટલાક હોંશિયાર લોકો એને લેવડદેવડ કહીને છૂટી જાય છે, પરંતુ જ્યારે આપણને જોઈતું ન મળે, અથવા જે વચન અપાયું હતું એ પૂરું ન થાય ત્યારે એ બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ તરીકે આપણને એ સંબંધ ‘શોષણ’ લાગવા માંડે છે. આ ક્યાંનો ન્યાય છે ?

એક સમય હતો જ્યારે ડિવોર્સી કે અપરિણીત, સિંગલ સ્ત્રી વિશે ‘અવેલેબલ’ હોવાનો એક ભ્રમ સેવવામાં આવતો હતો. હવે પુરુષ વિશે પણ આવી માન્યતા ધરાવતી સ્ત્રીઓની સંખ્યા વધવા લાગી છે. જો પુરુષ ડિવોર્સી છે, અપરિણીત છે તો એને આસપાસની સ્ત્રીઓમાં રસ હોવો જ જોઈએ અથવા એ પરિણીત હોય તો પણ કેરેક્ટરનો લુઝ હોઈ જ શકે છે એવું માનનારી સ્ત્રીઓ ઓછી નથી. આ સંબંધમાંથી પોતે પ્રમોશન, કામ, પ્રસિધ્ધિ, સત્તા અથવા પોતાને જે જોઈતું હશે તે મેળવી શકશે એવું માનીને સંબંધ બાંધવામાં આવે છે, પરંતુ જ્યારે એવું નથી થતું ત્યારે પેલા સિંગલ કે પરિણીત પુરુષ ઉપર શોષણ કે હેરેસમેન્ટનો આક્ષેપ કરીને એની અંગત જિંદગી અને કારકિર્દીને ગૂંચવી નાખે એને ‘ફેમિનિસ્ટ’ કહેવાય ?

સૌથી પાયાનો અને મુદ્દાનો સવાલ એ છે કે એક ભણેલી-ગણેલી સમજદાર સ્ત્રી એક પુરુષ સાથે સંબંધ બાંધે છે કે એક કમાતો વ્યવસાયી પુરુષ એક સ્ત્રી સાથે સંબંધ બાંધે છે ત્યારે પૂરી તપાસ કેમ નથી કરતા? જો તપાસ નથી થઈ અને એને ફસાયાની લાગણી થાય છે તો એ વિશે જ્યારે ફરિયાદ કરે છે ત્યારે, એ ‘છેતરપિંડી’ (બળાત્કાર નહીં) હોઈ શકે, જેની ફરિયાદ બંને પક્ષે હોઈ શકે એ વાત આપણે બધાએ સમજી લેવી પડે ! સોશિયલ મીડિયાના આટલા બધા સાધનો ઉપલબ્ધ હોવા છતાં જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે ફરિયાદ કરે છે તો એમાં એ વ્યક્તિનું બેધ્યાનપણું કે બેવકૂફી છે. છેતરનાર તો બજારમાં ફરે જ છે, સાવધ આપણે રહેવાનું છે ! આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી રહ્યો, હવે.

ખાસ કરીને, જુવાન દીકરીની મમ્મીઓ જે સતત ફફડતી રહે છે એવી જ રીતે દીકરાની મમ્મીએ પણ સાવધાન રહેવું પડશે. એમણે પોતાના સંતાન સાથે વિશ્વાસપૂર્વકની મિત્રતા કેળવવી પડશે. સંતાન કોને મળે છે, એના મિત્રો કોણ છે, એ જાણીને જે-તે વ્યક્તિ વિશે તપાસ કરવાની જવાબદારી હવે મા-બાપે લેવી પડશે.

ઓટીટી અને ઈન્ટરનેટ જેવા માધ્યમોમાં યુવાપેઢીની માનસિકતાને બગાડવાના અનેક સાધનો ઉપલબ્ધ છે. આપણે આપણા સંતાનને આ બધાથી દૂર નહીં રાખી શકીએ, પરંતુ એનો સાચો ઉપયોગ અને પોતાની સુરક્ષા વિશે ચોક્કસ જાગૃત કરી શકીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *