મૌન, એકાંત અને અજાણ્યું શહેરઃ સ્વયંને શોધવાનો એક અખતરો

આપણે બધા અજાણી પરિસ્થિતિથી ડરીએ છીએ. અસુરક્ષિત થઈ જઈએ છીએ.
પહેલાં નહીં ખાધેલું ભોજન, નહીં જોયેલું શહેર કે દેશ, ન મળ્યા હોઈએ એવા માણસો કે નહીં કરેલો
અનુભવ આપણામાં ભય જન્માવે. સત્ય તો એ છે કે, આપણે બધા કમ્ફર્ટ બ્લેન્કેટમાં જીવવા ટેવાઈ
ગયા છીએ. અનુકૂળ પરિસ્થિતિ અને અનુકૂળ થાય એવા જ લોકો સાથે રહેવાનું આપણે સૌ પસંદ
કરીએ છીએ.

છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં ‘સોલો ટ્રીપ’નું એક આકર્ષણ અથવા ‘ટ્રેન્ડ’ ઉભો થયો
છે, પરંતુ 50ની વય વટાવી ગયેલા લોકો આવી કોઈ ચેલેન્જ લેવા તૈયાર થતા નથી. નવાઈની વાત તો
એ છે કે, વિદેશ પ્રવાસમાં પણ ગુજરાતી ભોજન જમાડતી ટૂર જ વધુ પસંદ કરવામાં આવે છે.
જાપાન, વિયેતનામ કે બાકુ જેવા દેશોમાં પ્રવાસ કરીને આવ્યા પછી પણ ગુજરાતીઓ પહેલા વખાણ
ભોજનના કરે છે! ત્યારે મારે કહેવું છે કે, અજાણી જગ્યાએ સાવ એકલા જવાનો એક જુદો જ
અનુભવ લેવા જેવો છે.

ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે લંડન આવ્યા પછી મેં 10 દિવસ એકલા રોકાવાનું નક્કી
કર્યું. આમ પણ એકલા ફરવા માટે એવી કોઈ જગ્યા પસંદ કરવી જોઈએ જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ
સરળ હોય. લંડન, મેલબોર્ન, મુંબઈ અને પેરિસ જેવા શહેરો પબ્લિક ટ્રાન્સપોર્ટથી સુસજ્જ હોય.
અંડર ગ્રાઉન્ડ અને ઓવર ગ્રાઉન્ડ ટ્રેન, બસ અને આ બધામાં ચાલે તેવું એક જ કાર્ડ લંડનમાં ફરવા
માટે સૌથી મોટી સગવડ છે. લોકો માને છે કે બ્રિટિશ પ્રજા ‘સ્ટિફ અપરલિપ’ ધરાવતી થોડી અતડી
પ્રજા છે, પરંતુ હવે લંડનમાં વિશ્વભરના લોકો આવીને વસ્યા છે. ટુરિસ્ટ સતત આવતા રહે છે જેને
કારણે અજાણી વ્યક્તિને મદદ કરવા સહુ સરળતા અને સહજતાથી તૈયાર થઈ જાય છે.

લંડન પગે ચાલીને ફરવાની એક અલગ જ મજા છે. સેન્ટ્રલ લંડન અથવા જેને સાચે જ
લંડન સિટી કહેવાય છે. એ જૂના બ્રિટીશ મકાનો, કાટખૂણો બનેલા રસ્તાઓને એક સુંદર નગર
રચનાનો નમૂનો છે. કલાકો સુધી પગે ચાલીને ફર્યા કરો તો ય થાકો નહીં એવા આ શહેરમાં મેં જ્યારે
એકલા રોકાવાનું નક્કી કર્યું ત્યારે સૌએ મને પૂછેલું, ’10 દિવસ? એકલા રહીને શું કરશો? કંટાળી
જશો…’ પરંતુ, મને સમજાય છે કે, એકલા રહેવાથી સ્વયં સાથેનો સંવાદ અનઈન્ટરપ્ટેડ-કોઈપણ
પ્રકારના વિઘ્ન વગર કરી શકાય છે. સતત માણસોથી ઘેરાયેલા રહેવાની આપણી ટેવ આપણને
ભીતરનો અવાજ સાંભળવા દેતી જ નથી. બની ગયેલા પ્રસંગો કે આપણી આસપાસના સંબંધો વિશે
આપણે સામાન્ય રીતે વિચાર્યા વગર જ વર્ત્યા કરીએ છીએ. આપણું વર્તન ‘અક્ષમ’ નથી હોતું.
મોટાભાગે માત્ર ‘રિએક્શન’ હોય છે. એકલા રહેવાથી સ્વયં સાથે વાત થઈ શકે છે અને એકલા ફરવાથી
આત્મવિશ્વાસ વધે છે. એવું બને કે ખોટા સ્ટેશને ઉતરી જવાય. રસ્તો ભૂલી જવાય, અંધાર્યું થઈ
જાય, ક્યાંક ઓછા પૈસે પતતું હોય તેમ છતાં વધુ પૈસા ખર્ચાઈ જાય, પરંતુ આ બધા પછી જે મળે છે
તે ‘અમૂલ્ય’ છે. એ છે અનુભવ અને આત્મવિશ્વાસ.

ભારતમાં એવી કેટલીય સ્ત્રીઓ હશે જે પોતાની જાતે, સાવ એકલી, બે દિવસ પણ
ક્યાંક જઈને રહેવાનો વિચાર કરી શકે. સાચું પૂછો તો આવું ન કરી શકવા માટે માત્ર સ્ત્રી એકલી જ
જવાબદાર નથી. બાળપણથી એવું શીખવવામાં આવ્યું છે કે જો એ ‘એકલી’ હશે તો અચૂક એ
અસુરક્ષિત જ હશે. એ જાતે નિર્ણય કરશે તો એમાં ભૂલ જ હશે! કદાચ એટલે જ ભારતીય સ્ત્રીમાં
આત્મવિશ્વાસની ઉણપ જોવા મળે છે. આપણે ખોવાઈ જવાનો અધિકાર નથી આપતા માટે સ્ત્રી કે
વ્યક્તિ પોતાની જાતને શોધી જ શકતી નથી. ભૂલા પડવું એ ‘ભૂલ’ હોઈ શકે ગુનો નથી. અજાણી
જગ્યાએ એકલા રહી શકવાની હિંમત અને કલાકો સુધી મૌન રહી શકવાની આવડત માણસ માત્રને
આત્મનિર્ભર બનાવે છે. આ આત્મનિર્ભરતા એને વિચાર કરતા શીખવે છે. સતત બોલતા રહે એ
લોકો પાસે વિચારવાનો જ સમય રહેતો નથી અને જે વિચારતા નથી એમનો વિકાસ થતો જ નથી.
સવાલ લંડન કે લુધિયાણાનો નથી, કડી, કલોલ કે મહેસાણામાં રહેતી છોકરી કે સ્ત્રી બે
દિવસ માટે એકલી મુંબઈ પણ જઈ શકે તો એ અચિવમેન્ટ જ છે. પ્રવાસ કરવા માટે પૈસાની નહીં,
પ્રયાસ કરવાની જરૂર હોય છે. પહેલું પગલું ઉપાડવું જ અઘરું હોય છે. પછી તો મન અને શરીરને
રિધમમાં બીજું ડગલું ઉપાડવાની આવડત હોય જ છે. ઘણા બધા પિતા, ભાઈ અને પતિ ઘરની
સ્ત્રીને ‘એકલી’ જવા દેવામાં પોતે અસુરક્ષિત થઈ જાય છે. એમનો વાંક નથી. બહારની દુનિયા બહુ
સારી નથી જ, એ સત્ય છે તેમ છતાં એ દુનિયામાં રહેલા અનિષ્ટ તત્વો સામે લડવા અને સ્વયંની
સુરક્ષા જાતે કરતા શીખવા માટે પણ એકાદ કડવા અનુભવમાંથી પસાર થવું જરૂરી હોય છે. સોના કે
હીરાના દાગીના, મોંઘી સાડીઓ કે ડિઝાઈનર કપડાં, મોંઘી બેગ્સ અને મેક-અપનો સામાન ન
ખરીદીને પણ-સગા વહાલાના લગ્નોમાં થથારો ન કરીને પણ-બીજા માટે દેખાડો કે દંભ કરવાનું
ટાળીને પણ દરેક સ્ત્રી-છોકરીએ વર્ષના એકાદ દિવસ પોતાની જાત સાથે ગાળવા જોઈએ.

આ વાંચીને કદાચ એવું લાગે કે આ કોઈ બળવાખોરીની કે વિદ્રોહની વાત છે, પરંતુ
સત્ય તો એ છે કે મૌન અને એકાંત વ્યક્તિને વધુ નમ્ર બનાવી શકે. આપણી આસપાસ રહેતા આપણે
પિતા, પુત્ર કે પતિના આપણી સાથેના સંબંધો, એની આપણા માટેની લાગણી કે કાળજી, એ આપણા
માટે જે કંઈ કરે છે તે સમજવા માટે પણ, મેનોપોઝના સમયમાં આવતા મૂડસ્વિંગ્સને કંટ્રોલ કરવા
માટે કે ટીનએજની કે યુવાન દીકરી પર મૂકવામાં આવતા કેટલાક નિયંત્રણોને સમજવા માટે પણ
‘એકલા’ રહેવું જરૂરી છે.

જેમ હથેળી હાથની બહુ નજીક હોય કે મુઠ્ઠી વાળેલી હોય તો હસ્તરેખાઓ જોઈ
શકાતી નથી, પરંતુ હથેળીને સહેજ દૂર લઈ જઈએ અને મુઠ્ઠી ખોલી નાખીએ તો હસ્તરેખાઓ
જોઈ શકાય છે એવી જ રીતે આપણા જ મનની રેખાઓને જોવા માટે સૌથી થોડા દૂર અને સ્વયંની
થોડા પાસે આવવું જરૂરી છે.

હું આ પ્રયોગ કરી રહી છું, એકાદવાર તમે પણ કરી જો જો… સ્ત્રી હોવું એ સમસ્યા
નથી એ વાતની સમજણ સ્વયં સાથે રહેવાથી જ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *