છેલ્લા થોડા સમયથી બચ્ચન પરિવારના ઝઘડાએ સોશિયલ મીડિયાના લગભગ તમામ
પ્લેટફોર્મ્સ અને યુટ્યુબર્સને બિઝી કરી નાખ્યા છે. જાણ્યા-જોયા વગર, પ્રશ્નને સમજ્યા વગર
લગભગ બધા મંડી પડ્યા છે ને મજાની વાત તો એ પણ છે કે, આખા પરિવારમાંથી કોઈએ એ વિશે
કશું જ કહ્યું નથી… બીજી તરફ 21મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં બચ્ચન
સાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું, ‘મેરે બેટે, મેરે બેટે હોને સે ઉત્તરાધિકારી નહીં હોંગે! જો મેરે ઉત્તરાધિકારી હોંગે
વહી મેરે બેટે હોંગે.’ એ સમયે બાજુમાં અભિષેક બચ્ચન ઉભા હતા, સાથે જ જેમનો જન્મદિવસ હતો
એ-ગુજરાતનું ગૌરવ, જેમણે મુંબઈમાં રિઅલ એસ્ટેટ અને સિનેમાની દુનિયામાં એક ગુજરાતી તરીકે
જબરજસ્ત કામ કર્યું છે એવા આનંદ પંડિત પણ ઉભા હતા. બચ્ચન સાહેબે કહ્યું કે, ‘આનંદ પંડિત
બેટે સે કમ નહીં હૈ.’ ત્યારે, મનમાં એક વિચાર આવી ગયો… આપણે માત્ર લોહીના સંબંધો કે ‘લિગલ
સંબંધો’ને જ સ્વીકારવાનું શીખ્યા છીએ. ઈશ્વરે આપેલા કે સમાજે સ્વીકારેલા સંબંધો સિવાય પણ
કેટલાક એવા સંબંધો હોય છે જેને સ્વીકાર કે અસ્વીકારની બહુ પરવાહ હોતી નથી. ક્યારેક વિચારીએ
તો સમજાય કે રવીન્દ્રનાથ ટાગોર અને કાદમ્બરીનાં સંબંધો આમ તો દિયર-ભાભીના સંબંધ છે, છતાં
ઉત્કટ પ્રણય છે. કૃષ્ણ અને દ્રૌપદીનાં સંબંધો પણ આમ તો દિયર-ભાભીના, અને છતાં મિત્રતા
અકબંધ. કલાપી અને શોભના કે રાધા-કૃષ્ણ, સમાજે નહીં સ્વીકારેલો સંબંધ હોવા છતાં પણ એની
મજબૂતી અને પવિત્રતા એટલી બધી કે આપણને મસ્તક નમાવાનું મન થાય!
હજી હમણાં જ થોડા દિવસ પહેલાં અમૃતા પ્રીતમનાં સાથી, પ્રેમી, એમની સૌથી
નિકટની વ્યક્તિ એવા ઈમરોઝજીનું દેહાંત થયું ત્યારે ગુલઝાર સાહેબની પંક્તિઓ યાદ આવી ગઈ, ‘વો
અપને કોરે કેન્વાસ પર નઝ્મેં લિખતા હૈં, ઔર તુમ અપને કાગઝોં પે નઝ્મેં પેઈન્ટ કરતી હો.’ સાહિર
લુધિયાનવી જ્યારે મુંબઈ ગયા ત્યારે અમૃતાજીનાં તૂટેલા હૃદયને ઈમરોઝજીએ સહારો આપ્યો એટલું
જ નહીં, અમૃતાજીએ આખરી શ્વાસ ઈમરોઝજીની બાહોમાં લીધા. એમણે લગ્ન નહોતાં કર્યાં, પરંતુ
લગ્ન કરીને સાથે રહેતા અનેક યુગલો કરતાં વધુ સાચો અને વધુ મજબૂત સંબંધ ઈમરોઝજીએ
નિભાવીને બતાવ્યો. માત્ર પ્રણયના સંબંધોની જ અહીં ચર્ચા નથી, બચ્ચન સાહેબની એક ફિલ્મ
‘બાગબાન’માં જ્યારે એમના સંતાનો એમને ત્યજી દે છે ત્યારે એમણે ઉછેરેલો એક અનાથ છોકરો
એમને પોતાની સાથે લઈ જાય છે, અને બચ્ચન સાહેબ ત્યારે જાહેરમાં પોતાના સંતાનો સાથેના
સંબંધો તોડવાની જાહેરાત કરે છે. એવા કેટલાંય યુગલો આજે પણ આપણને જોવા મળે છે, જેમના
સંતાનો વિદેશ રહેતાં હોય કે માતા-પિતાનો ખ્યાલ ન રાખતાં હોય, પરંતુ પડોશી કોઈક અજાણ્યો
દીકરો કે દીકરી એમના સગાં સંતાન કરતાં પણ એમની વધુ કાળજી લેતાં હોય!
આપણે જ્યારે સગાં અને વહાલાં એવા બે શબ્દો વાપરીએ છીએ ત્યારે જ આપણી
પાસે એવી સ્પષ્ટતા છે કે, લોહીના કે સમાજે બાંધેલા, સામાજિક સંબંધો સિવાય પણ જીવનમાં
કેટલાક સંબંધો હોય છે, અને એ કદાચ આપણને મળેલા-બાંધેલા, બંધાયેલા સંબંધો કરતાં વધુ
મજબૂત અને સાચા પૂરવાર થતા હોય છે તેમ છતાં, આપણે હજીએ ‘મારાં’ અને ‘પારકા’ના તફાવતને
મહત્વનો માનીને સામાજિક પ્રતિષ્ઠા ખાતર, કશુંક પૂરવાર કરવા ખાતર અન્યોની સામે આપણા
સંબંધોને પ્રસ્થાપિત કરવા માટે કારણ વગરનો સંઘર્ષ કરતાં રહીએ છીએ. આ સંઘર્ષ કેટલો વ્યર્થ છે
એની આપણને તો જાણ હોય જ છે, સાથે સાથે આપણી આસપાસના લોકો પણ આ વાત સો ટકા
જાણતા હોય છે. સંતાનની બેદરકારી છતાં જ્યારે આપણે એનો બચાવ કરીએ ડોમેસ્ટિક વાયોલેન્સ
અને પતિના ખૂબ ખરાબ વર્તન છતાં પત્ની જ્યારે બિનજરૂરી બચાવ કરે કે પત્ની પોતાના સાસુ-
સસરા સાથે ખરાબ વર્તન કરે તેમ છતાં પતિ એનો બચાવ કરે ત્યારે બીજા લોકો તો સમજે જ છે-
આપણે એવું માનીએ છીએ કે, સામેની વ્યક્તિ નથી સમજતી, પરંતુ સત્ય એ છે કે જે સજ્જન છે તે
આપણો ભ્રમ અકબંધ રાખવાનો પ્રયાસ કરીને આપણું સન્માન કે સ્વમાન ન તૂટે એ માટે આપણી
વાત માનતા હોવાનો ડોળ કે દંભ કરે છે!
શ્રીમદ્ ભાગવતના ચોથા અધ્યાયમાં ગોકર્ણ પોતાના પિતા આત્મદેવને કહે છે, ‘તદાનીં
તુ સમાગત્ય ગોકર્ણો જ્ઞાનસંયુતઃ । બોધયામાસ જનકં વૈરાગ્યં પરિદર્શયન્ ।।73।। અસારઃ ખલુ
સંસારો દુઃખરૂપી વિમોહકઃ । સુતઃકસ્ય ધનં કસ્ય સ્નેહવાઝ્જ્વલતેડનિશમ્ ।।74।।’ અર્થ એ છે કે,
‘તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા
સમજાવ્યા ।।73।।’ તેમણે કહ્યું, ‘પિતાજી! આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં
નાખનારો છે. કોનો પુત્ર? ને કોનું ધન? સ્નેહ રાખનાર મનુષ્ય રાત-દિવસ દીપકની જેમ બળતો રહે
છે. ।।74।।’ ખલીલ જિબ્રાન કહે છે, ‘તમારા બાળકો એ તમારા બાળકો નથી એટલે કે તમારી
માલિકીના કે તમારા અધિકારની કોઈ મિલકત નથી. એ તમારા દ્વારા આવે છે, પણ તમારામાંથી
આવતા નથી…’ અર્થ એ થાય, કે આપણે આપણા સંતાનો કે સ્વજન માટે ગમે તે કરીએ, પરંતુ એ
આપણા મન અને આનંદથી કરવું, સામે કશું મળશે એવી અપેક્ષા સાથે સંતાનનો ઉછેર કે સ્વજનની
કાળજી લઈએ તો નિરાશા નિશ્ચિત છે.
ઈન્દીવર સાહેબના શબ્દો, ‘તેરા અપના ખૂન હી લેકિન, તુઝકો આગ લગાએગા…’ને
જો સાચી રીતે સમજીએ તો સમજાય કે, આપણા શાસ્ત્રોએ આ વ્યવસ્થા જ કદાચ એટલા માટે
ગોઠવી છે જેથી આપણને સૌને સંબંધોની નશ્વરતા, અને સાથે સાથે લાગણીઓ અને સંવેદનાઓનું
સત્ય સમજાય. જન્મ સાથે મળેલા કે સમાજે આપેલા સંબંધોને માન આપીએ, એમની કાળજી
લઈએ-સંભાળીએ કે સાચવીએ, પરંતુ માત્ર એ જ ‘સંબંધો’ છે એવું નથી એ પણ હવે સ્વીકારવું રહ્યું.
રાજકીય, સાહિત્યિક, ધાર્મિક કે કલાના ક્ષેત્રમાં દરેક વખતે કંઈ સંતાન જ વારસો જાળવે છે એવું નથી,
કેટલાંય ઉદાહરણોમાં સંતાન સિવાયના શિષ્યો, દત્તક સંતાન કે માનસ સંતાન વધુ સાચા વારસદાર
પૂરવાર થાય છે.