મેરી આવાજ હી પહચાન હૈ, ગર યાદ રહેં

‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, ગુજરતે વક્ત કી હર મૌજ ઠહેર જાયેગી…’ એક ઘેરો,
ભીનો, ઘૂંટાયેલો અને ઈમોશનલ અવાજ. ગઝલ હોય કે ગુલઝારની કવિતા, એ માણસ પાસે શબ્દને
સમજવાની અદભૂત આવડત હતી. ‘કિનારા’ ફિલ્મનું ગીત (મૂળ ગુલઝાર સાહેબની નઝમ) હોય કે
‘ઘરોંદા’ની નઝમ, ‘એક અકેલા ઈસ શહર મેં…’ ભૂપિન્દરસિંઘ સિયોન આ શબ્દોમાં જાણે પ્રાણ
નાખીને એમને જીવંત કરી દેતા. અમિતાભ બચ્ચનથી શરૂ કરીને, સંજીવકુમાર, ધર્મેન્દ્ર, અમોલ
પાલેકર અને બીજા અનેક અભિનેતાઓને એમણે પોતાનો અવાજ આપ્યો છે. એમના અવાજ અને
ગુલઝાર સાહેબના શબ્દોએ હિન્દી સિનેમાને અનેક ચીરસ્મરણિય ગીતો આપ્યાં.

હિન્દી સિનેમાના પ્લેબેક સિંગિંગની દુનિયા પોલિટિક્સથી ખદબદે છે. રેકોર્ડ લેબલ્સની
કંપનીઓ અને મ્યુઝિક માફિયા કોને ઉપર લાવે ને કોને નીચે લઈ જાય એ રમત શેરબજાર કરતાં
સહેજેય ઓછી નથી. ફિલ્મસ્ટાર્સના ઝઘડા અને એમના પરસ્પર વિરોધી સ્ટેટમેન્ટ્સ અને
ફિલ્મમેકર્સના કેમ્પના રાજકારણમાં મીડિયાને રસ પડે છે, એટલે એ સમાચાર આપણા સુધી પહોંચતા
રહે છે, પરંતુ પ્લેબેક સિંગિંગની દુનિયામાં પણ આવી પરિસ્થિતિ છે જ. આપણે બધા જાણીએ છીએ
કે, એક બહેને પોતાની સગી બહેનને વર્ષો સુધી આગળ ન આવવા દીધી અથવા કોઈ એક સફળ
સિંગર બીજા સિંગર સાથે ગાવાની ના પાડે તો એ ગાયકની કારકિર્દી લપેટાઈ જાય તેવા સંજોગો પણ
ઊભા થયા છે. જાણીતા મ્યુઝિક ડિરેક્ટર્સ કોઈ એક ગાયક કલાકારની આડોડાઈને કારણે વર્ષો સુધી
એમને મળવું જોઈએ એ સ્થાન અને માન ન પામી શકે એવા દાખલા ઓછા નથી. મ્યુઝિક ડિરેક્ટરનું
ગીત સ્ટેજ પરથી ગવાય અને સ્વયં પ્રધાનમંત્રી હાજર હોય તેમ છતાં, અંગત અદાવતને કારણે એમને
સ્ટેજ પર બોલાવવામાં પણ ન આવે, જે વાતનો ડંખ એમને જીવનભર રહી જાય… સુધા મલ્હોત્રા,
વાણી જયરામ, સુમન કલ્યાણપુર, અનુરાધા પોડવાલ જેવી અનેક ગાયિકાઓને કેટલાય મેઈલ પ્લેબેક
સિંગરને આવા રાજકારણનો ભોગ બનવું પડ્યું છે.

આમાં કેટલાક લોકો એવા છે જેમણે કામની લાલસા વગર આવા અનેક કિસ્સાઓની વચ્ચે
તદ્દન અલિપ્ત રહીને ફક્ત પોતાનું કામ, પોતાને ગમે તેવું કામ કરતા રહીને પોતાની એક અલગ
ઓળખાણ ઊભી કરી. મનહર ઉધાસ, પંકજ ઉધાસ અને ભૂપિન્દરસિંઘ જેવા ગાયકો પાસે ગીતો
કદાચ ઓછાં હશે, પરંતુ એમણે ગાયેલા ગીતો અમર થઈ ગયા છે. મનહરજીએ ગાયેલું, ‘હમ તુમ્હે
ચાહતે હૈ ઐસે’ (કુરબાની), ‘લૂટે કોઈ મન કા નગર’ (અભિમાન), ‘તુજે યાદ કિયા તેરા નામ લિયા’ (રામ
લખન), ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગીમેં’ (જાંબાઝ) જેવાં ગીતો આજે પણ લોકો યાદ કરે
છે. પંકજ ઉધાસનું ‘ચિઠ્ઠી આયી હૈ…’ આજે પણ વિદેશમાં ગવાય ત્યારે લોકોની આંખો ભીની થઈ
જાય છે. એવી જ રીતે, ભૂપિન્દરજીએ ગિટારિસ્ટ તરીકે જે ગીતોમાં ગિટાર વગાડ્યો એ ‘દમ મારો
દમ’ (હરે રામ હરે કૃષ્ણા), ‘મહેબૂબા મહેબૂબા’ (શોલે), ‘તુમ જો મિલ ગયે હો’ (હસ્તે ઝખમ), ‘ચૂરા
લિયા હૈ’ (યાદોં કી બારાત), ‘ચિંગારી કોઈ ભડકે’ (અમર પ્રેમ) જેવાં ગીતો હવે જો સાંભળીએ તો
સમજાય કે એમાં ગિટારનું મહત્વ એક પ્લેબેક સિંગર કરતાં ઓછું નથી. એમણે ગાયેલાં ગીતોમાં
જાણીતા ગીતો તો છે જ, પરંતુ એની સાથે સાથે ‘બીતી ના બીતાઈ રૈના’ (પરિચય), ‘કિસી નજર કો
તેરા ઈન્તજાર આજ ભી હૈ’ (એતબાર), ‘થોડી સી ઝમીં થોડા આસમાન’ (સિતારા), ‘કભી કિસી કો
મુકમ્મલ જહાં નહીં મિલતા’ (આહિસ્તા આહિસ્તા) જેવાં ગીતો પણ સામેલ છે.

અમૃતસર, પંજાબમાં જન્મેલા ભૂપિન્દરસિંઘે દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયો પર પોતાની
કારકિર્દીની શરૂઆત કરી. દિલ્હી દૂરદર્શન પર ગિટાર અને વાયોલિન વગાડવાનું કામ એ કરતાં.
1962માં ઓલ ઈન્ડિયા રેડિયોના પ્રોડ્યુસર સતીષ ભાટિયાને ત્યાં ભૂપિન્દરસિંઘને સાંભળીને
સંગીતકાર મદન મોહને એમને મુંબઈ બોલાવ્યા. દેવઆનંદના ભાઈ ચેતન આનંદની ફિલ્મ
‘હકીકત’માં મોહમ્મદ રફી, તલક મહેમુદ અને મન્ના ડેની સાથે એમણે પહેલીવાર પ્લેબેક સિંગિંગ કર્યું.
‘હકીકત’ ફિલ્મમાં એમણે એક નાનકડો રોલ પણ કર્યો. ‘આખરી ખત’ નામની ફિલ્મમાં એમણે
પહેલીવાર સોલો એટલે કે એકલા પ્લેબેક સિંગર તરીકે ગાયું. એ પછી ભૂપિન્દરસિંઘને અનેક ગીતો
મળવા લાગ્યા. એક જુદા જ પ્રકારનો અવાજ ધરાવતા હોવાને કારણે ગઝલ અને સંવેદનશીલ
કવિતાઓ માટે એમને ખાસ પસંદ કરવામાં આવતા. એમણે કિશોરકુમાર, મોહમ્મદ રફી, સુરેશ વાડકર
(માસુમ) જેવા અનેક પુરુષ સિંગર્સ સાથે પ્લેબેક કર્યું છે જે એક જુદો જ રેકોર્ડ છે. 1978માં એમનું
આલ્બમ રિલીઝ થયું જેમાં ગઝલ ગાયકીમાં એમણે સ્પેનિશ ગિટાર અને બેઝ ગિટાર, ડ્રમ્સ અને
સેક્સોફોન જેવા વાદ્યોનો કદાચ પહેલીવાર પ્રયોગ કર્યો હતો. એ પછી એમના આલ્બમ ‘વો જો શાયર
થા’ (1980) માટેની ગઝલો ગુલઝાર સાહેબે ખાસ એમના જ માટે લખી હતી.

ગિટાર ભૂપિન્દરસિંઘ એમના પિતા પાસે શીખ્યા હતા. એમના પિતા નાથાસિંઘજીને
સંગીતનો ખૂબ શોખ હતો. એ પોતે પણ ખૂબ સારું ગાતા. દીકરા ભૂપિન્દરને એમણે સંગીતની કડક
તાલીમ સાથે તૈયાર કર્યો. સ્પેનિશ ગિટાર ભૂપિન્દરજીનું પ્રિય વાદ્ય હતું. એસ.ડી. બર્મન સાથે અનેક
ફિલ્મોમાં એમણે ગિટાર અને વાયોલિન વગાડ્યા છે. સચિનદેવ બર્મન પછી એમણે આર.ડી. બર્મન
સાથે કામ કરવાનું શરૂ કર્યું. આર.ડી. બર્મન, ગુલઝાર અને ભૂપિન્દરજીની ત્રિપુટીએ ભારતીય
સિનેમાને અનેક અવિસ્મરણિય ગીતો આપ્યાં. જેમાં ‘મોસમ’, ‘કિનારા’, ‘ઘરોંદા’, ‘પરિચય’, ‘થોડી સી
બેવફાઈ’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

ગુલઝાર સાહેબ અને આર.ડી. બર્મનના એ પ્રિય સિંગર હતા. એમની દોસ્તી પણ છેક સુધી
અકબંધ રહી. 2004માં ‘વીર ઝારા’ મદન મોહનના સંગીતમાં ગવાયેલું ગીત ‘તેરે લિયે’ એમને
ગાવાની ખૂબ જ ઈચ્છા હતી. એમણે એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “બોલિવુડમાં જો કોઈ એક
ગીત નહીં ગાયાનો મને અફસોસ હોય તો એ ‘તેરે લિયે’ (વીર ઝારા)નું ગીત છે.” એમના એક બીજા
ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું, “એકવાર હું એક ફિલ્મી કાર્યક્રમમાં બેઠો હતો અને એક યંગ સિંગરે ‘દિલ
ઢૂંઢતા હૈ’ ગાઈને મને કહ્યું હતું, ‘મારા જીવનમાં મને આવું એક જ ગીત મળે તો હું મારી જાતને સફળ
માનીશ.’ એ સિંગર પછી સોનુ નિગમ તરીકે પ્રખ્યાત થયા.”

ભૂપિન્દરસિંઘે પોતાની ગઝલ્સના અંગત-નોન ફિલ્મી આલ્બમ્સ પણ કર્યા. ‘ડ્રીમ સેલર્સ’,
‘આરઝૂ’, ‘ચાંદની રાત’, ‘ગુલમહોર’ જેવાં ટાઈટલ્સ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *