મેરી બરબાદીયોં કા હમ નશીનોં, તુમ્હેં ક્યા, ખુદ મુઝે ભી ગમ નહીં હૈં

આહ ક્યા દિલ મેં અબ લહૂ ભી નહીં, આજ અશ્કોં કા રંગ ફીકા હૈ
જબ ભી આંખેં મિલીં ઉન આંખોં સે, દિલ ને દિલ કા મિજાજ પૂછા હૈ,
કૌન ઉઠ કર ચલા મુકાબિલ સે, જિસ તરફ દેખિએ અંધેરા હૈ
ફિર મિરી આંખ હો ગઈ નમનાક, ફિર કિસી ને મિજાજ પૂછા હૈ.

અસરારુલ હક, એક જાણીતા શાયર છે. શરૂઆતમાં ‘શહીદ’ અને પછી ‘મજાઝ’નું ઉપનામ લઈને
એમણે ઉર્દૂમાં ઉત્તમ શાયરી આપી છે. એ જ્યારે લખતા હતા ત્યારે બદલાતા સમયની વિચારધારાને
એમણે ક્રાંતિની દિશામાં લઈ જવાનું કામ કર્યું છે. જાણીતા શાયર ફૈઝ અહેમદ ફૈઝે મજાઝ વિશે લખ્યું છે,
‘મજાઝની ક્રાંતિ બીજા શાયરોથી અલગ છે. એ ક્રાંતિના પ્રચારક નથી, સ્વયં ક્રાંતિ છે. એમની કવિતાઓમાં
ક્રાંતિની આગ નથી, પણ વરસાદના દિવસોની આરામદાયક શીતળતા અને ઠંડીની રાતની ઉષ્મા છે.’

ઉર્દૂ પ્રગતિશીલ આંદોલન એ સમયમાં શરૂ થયું જ્યારે ભારત પોતાની આઝાદીના સંઘર્ષમાંથી
પસાર થઈ રહ્યું હતું. ભારતની આઝાદી માટે અને ઉર્દૂ શાયરીની ક્રાંતિ માટે ઉત્તમ રચનાઓ આપનાર આ
શાયર આઝાદી જોવા જીવી શક્યા નહી. ઉર્દૂ શાયરીને જુદા આયામ પર લઈ જનાર આ શાયરની
જીવનકથા બહુ રસપ્રદ છે. 44 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી જનાર શાયરે લખ્યું છે,

મુઝે આજ સાહિલ પે રોને ભી દો, કિ તૂફાન મેં મુસ્કુરાના ભી હૈ,
જમાને સે આગે તો બઢિએ ‘મજાઝ’, જમાને કો આગે બઢાના ભી હૈ.

મૂળ સમાજવાદી વિચારધારા ધરાવતા હોવા છતાં એમના શેરમાં હર્ષ, ઉલ્લાસ અને રોમાંસ
હતો. એ ભારતનો એવો સમય હતો જ્યારે ભણેલા યુવાનો પ્રમાણમાં ઓછા હતા. મજાઝે મુક્તિ ઝંખતા
નવયુવાનોની બેચેન આત્માને પોતાની રચનામાં સમાવીને સમાજના રૂઢિચુસ્ત બંધનો અને ગુલામીની
માનસિકતામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો… કેવી નવાઈની વાત છે, જેમણે દેશના નવયુવાનોને
એક નવી વિચારધારા આપી અને એમની ગુલામી, માનસિકતામાંથી બહાર નીકળીને મુક્તિની ઝંખનાનો
રસ્તો બતાવ્યો. એ પોતે જ, નર્વસ બ્રેક ડાઉનનો ભોગ બન્યા. કેટલીકવાર મોટિવેશનલ વાતો કરનાર
માણસ પોતે જ પોતાની વાતોને અનુસરી શકતો નથી… મજાઝની ગઝલો અને એમની માન્યતા, એમની
પોતાની જ માનસિકતાને સંભાળી શકી નહીં !

એમની પહેલી નોકરી ઓલ ઈન્ડિયા રેડિયોમાં હતી. 1939માં શિબતે હસન, અલી સરદાર
ઝાફરી અને મજાઝે મળીને ‘નયા અદબ’ નામનું મેગેઝિન શરૂ કર્યું. 1940માં મજાઝને પહેલો નર્વસ
બ્રેકડાઉન થયો. બેરોજગારી અને ભવિષ્યની નિરાશાથી ડરેલા મજાઝ ભીતરથી તૂટતા જતા હતા.
લખનઉમાં એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી. 1942થી 45 સુધી ફરી એકવાર એમણે લાયબ્રેરીમાં નોકરી
કરી. 45માં એમને બીજીવાર નર્વસ બ્રેકડાઉનનો એટેક આવ્યો. શાયરોના જગતમાં એમને જોઈએ તેવું
સન્માન મળ્યું નહીં. એમને લાગ્યું કે, આ જગતે એમની કદર કરી નહીં, કદાચ એટલે વધુ પડતી શરાબ
પીવાને કારણે 1952માં એમને નર્વસ બ્રેકડાઉનનો ત્રીજો એટેક આવ્યો. 5 ડિસેમ્બર, 1955માં એમનો
દેહાંત થયો…

આ નર્વસ બ્રેકડાઉન મદિરાપાન, કે નશો ગમે તેવા બુધ્ધિશાળી વ્યક્તિની કારકિર્દી ખતમ કરી
નાખે છે. આપણે એવા કેટલાય કલાકારો વિશે સાંભળ્યું છે કે, જે બુધ્ધિશાળી, ઈન્ટેએક્ચ્યુઅલ અને
કારકિર્દીની પ્રગતિના રસ્તે હતા તેમ છતાં નશાએ એમને ખતમ કરી નાખ્યા. પોતાની પાસેથી અપેક્ષા
એટલી બધી હતી કે, એ અપેક્ષા પૂરી ન થતા એમને નર્વસ બ્રેકડાઉનના એટેક આવ્યા. વિન્સેટ વાનગોગ
(ચિત્રકાર) કે મીનાકુમારી (અભિનેત્રી), વર્જિનિયા વુલ્ફ (લેખક), ફ્રાન્ઝ કાફકા (લેખક), આવું તો એક
મોટું લિસ્ટ બની શકે. જેમણે પોતાની યુવાની આવા નશા અને નર્વસ બ્રેકડાઉનને કારણે ખતમ કરી
નાખી અને જે આ દુનિયાને ઘણું બધું આપી શકતા હતા એવા લોકો અકાળ મૃત્યુ વહોરીને આ જગત
છોડીને ચાલી ગયા.

કલાને નશા સાથે સંબંધ છે એવું માનનારા લોકો કદાચ જીવનની મોટામાં મોટી ભૂલ કરે છે.
શરાબ પીવાથી કે ડ્રગ્સ લેવાથી કંઈક અદ્ભૂત સર્જન કરી શકાય છે, એવું માનીને કેટલાય લોકો એ રસ્તે
જાય છે. ક્રિએટિવિટી કે સર્જન શક્તિને શરાબ, નશો કે ડ્રગ્સથી કોઈ જ પ્રકારનો ફાયદો થતો નથી. કલા,
સાહિત્ય કે સંગીતનું કામ તો વ્યક્તિમાં રહેલા અધ્યાત્મને-બુધ્ધિ, શક્તિ કે ચેતનાને જગાડવાનું છે. સત્ય
એ છે કે, જે પોતે જ ઝૂમતા હોય, ખોવાયેલા હોય કે બેહોશીના સ્ટેટ ઓફ માઈન્ડમાં હોય એ બીજાને
કેવી રીતે જગાડી શકે ? અન્યની ચેતના કેવી રીતે ઉઘાડી શકે ?

નર્વસ બ્રેક ડાઉનનું સૌથી મોટું કારણ નિરાશા છે. કેટલાક લોકો પોતાની જાત પાસેથી, જગત
પાસેથી ખૂબ અપેક્ષા રાખે છે. એમને લાગે છે કે, આ દુનિયાએ એમને એ બધું જ આપવું જોઈએ,
એમને એ બધું મળવું જોઈએ જેની એ આશા રાખે છે. વિશ્વમાં ક્યાંય આ શક્ય નથી. જે લોકોને
પોતાના વિશે અનહદ ઊંચી કલ્પનાઓ છે, જે પોતાની જાતને વાસ્તવિકતાની ધરતી પર મૂકીને જોઈ
શકતા નથી એવા લોકો સામાન્ય રીતે ‘નર્વસ બ્રેક ડાઉન’નો ભોગ બને છે. પ્રેમ હોય કે પ્રસિધ્ધિ, પૈસા
હોય કે પદ, વ્યક્તિ હોય કે વિચાર… દરેક વ્યક્તિ આપણી સાથે સહમત થાય એવું માગવું કે માનવું ભૂલ
ભરેલું છે. આપણને જે જોઈએ તે બધું જ મળવું જોઈએ એવો આગ્રહ નિરાશા તરફ જવાનો સરળ
રસ્તો છે.

એકવાર આપણે નિરાશાની ગર્તામાં દાખલ થઈ જઈએ એ પછી નશો, કે નર્વસ બ્રેક ડાઉન
આપણને ઘેરી વળે છે. ભારતના કેટલાય યુવાનો આજે નશાની ચૂંગલમાં ફસાયેલા છે. શરાબ, તમાકુ,
સિગરેટ કે એથી આગળ વધીને વીડ અને કોકેઈન જેવી બદીઓ આ દેશની યુવાશક્તિને નષ્ટ કરી રહી છે
ત્યારે આપણે બધાએ એવું સમજી લેવું જરૂરી છે કે, નશો ભલભલાને ખતમ કરવાનું કામ કરે છે. એનાથી
સર્જનશક્તિ ખીલી ઊઠે કે કોઈ અદ્ભૂત રચના થશે એ વાત જ તદ્દન ખોટી છે… જે લોકો નશામાં ખતમ
થયા છે એમના દાખલા લઈને (બોલિવુડ-હોલિવુડ કે મ્યુઝિકની દુનિયા-પૂર્વ હોય કે પશ્ચિમ) નશાની
પાયાવિહોણી વકીલાત કરનારા લોકો ફક્ત બરબાદ થાય છે. ખરેખર સફળતા જોઈતી હોય તો
અનુશાસન અને મહેનત સિવાય બીજો કોઈ ઉપાય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *