આંગણામાં રમતું બાળક અચાનક જ ન મળે કે શાક લેવા ગયેલી પત્ની, કોલેજ ગયેલી દીકરી
પાછી જ ન ફરે તો પરિવારની શી હાલત થાય એની કલ્પના આ લેખ વાંચીને આવી શકે એમ નથી,
છતાં કેટલાક આંકડા પર નજર નાખીએ તો સમજાય કે, આપણે કેવા ટાઈમબોમ્બ પર બેઠા છીએ!
21મી માર્ચના અખબારમાં વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન 1145 મહિલાઓનાં ગૂમ
થયાનો સ્વીકાર કરવામાં આવ્યો. કુલ મળીને 2020માં 7673 મહિલાઓ ગૂમ થઈ હતી. જેમાંથી
6528 મહિલાઓ પરત આવી હતી, પરંતુ પોલીસે શોધખોળ કરવા છતાં 1145 મહિલાઓની કોઈ
ભાળ મળી શકી નથી… આ માત્ર ગુજરાતના આંકડા છે. એની સામે દર કલાકે ભારતમાં 48 સ્ત્રીઓ
અને 28 પુરુષો ખોવાય છે. એવરેજ કાઢીએ તો આખા દેશમાં રોજની 1,160 સ્ત્રીઓના સત્તાવાર
‘મિસિંગ રિપોર્ટ’ નોંધાય છે! જે નથી નોંધાતા એને વિશેની ચર્ચા તો થતી જ નથી. એવી જ રીતે
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના સત્તાવાર આંકડા કહે છે કે, 2020માં 59,262
બાળકો ખોવાયાના રિપોર્ટ નોંધાયા છે. જેનો અર્થ એ થયો કે, દર મહિને લગભગ પાંચ હજાર બાળકો
આ દેશમાં ગૂમ થઈ જાય છે અને લગભગ એક લાખ જેટલા બાળકોના કોઈ વાવડ કે સગડ મળતા
નથી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી એનસીઆરબીએ 2015થી 2019 દરમિયાન ખોવાયેલા બાળકો
અને સ્ત્રીઓના આંકડાની નોંધ રાખવાનું શરૂ કર્યું. એમના ડેટા મુજબ એ આંકડામાં દર વર્ષે વધારો
થાય છે એટલું જ નહીં, આ ચાર વર્ષ દરમિયાન 17 ટકા જેટલો વધારો નોંધાયો છે.
નવાઈની વાત એ છે કે, આ બાળકો કે સ્ત્રીઓના મિસિંગનો રિપોર્ટ ચોવીસ કલાક પહેલાં
નહીં નોંધવાનો બંધારણીય કાયદો છે. ‘જાણવા જોગ’ લખાવી શકાય છે, પરંતુ ‘ખોવાયા છે’નો રિપોર્ટ
ચોવીસ કલાકે નોંધાય… આ દેશમાંથી બીજા દેશમાં પહોંચતા અઢી કલાક જેવો સમય લાગે છે! આ
બાળકો અને સ્ત્રીઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર હોઈ શકે છે. યૂરોપના કેટલાક દેશો અને મિડલઈસ્ટમાં
એમને વેચી દેવાય છે. ઘર, ખેતર કે કારખાનામાં કામ કરવા, સેક્સ અને વિકૃતિ સંતોષવાની સાથે
સાથે ક્યારેક માનસિક રીતે વિકૃત લોકો અત્યાચાર કરવા માટે પણ ‘માણસ’ (સ્ત્રી કે બાળક)ની ખરીદી
કરે છે.
આ માત્ર ભારતની વાત નથી. વોશિંગ્ટન, ડીસીના 2020ના આંકડા મુજબ બાળકો અને
સ્ત્રીઓના ગૂમ થયાના એકલા વોશિંગ્ટન, ડીસીમાં જ 4,726 કેસ છે. અમેરિકાના અમુક રાજ્યોના
એરપોર્ટના લેડીઝ વોશરૂમના દરવાજાની પાછળ પોસ્ટર લગાડેલા છે જેમાં હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર
બનેલી સ્ત્રીઓને કયા નંબર પર ફોન કરવો એની સૂચના મૂકેલી છે… માણસ, બીજા માણસને વેચી
નાખે એ બદી કંઈ આજકાલની નથી. આજથી સેંકડો વર્ષો પહેલાં આફ્રિકાના દેશોમાંથી ગુલામોની
લે-વેચ કરવામાં આવતી હતી. મુગલો અને અંગ્રેજો આ ગુલામો પાસે ઘર અને ખેતરોમાં કામ કરાવતા
એટલું જ નહીં, એમના બાળકો અને પત્ની પણ ‘ગુલામ’ની જેમ જ જીવતા. ગુણવંતરાય આચાર્યની
નવલકથાઓમાં આફ્રિકાના અત્યાચારોની કથા રુંવાડા કંપી જાય એવી રીતે આલેખવામાં આવી છે.
રઝિયા સુલ્તાનને પોતાના ગુલામ અલ્તમશ સાથે પ્રેમ થઈ ગયેલો, એ પછી ‘ગુલામવંશ’ થોડા વર્ષો
સુધી રાજ કરી શક્યો, એમ ઈતિહાસ કહે છે.
આ લે-વેચ કે ગુલામી માત્ર પારકાં-દલાલો કે રાક્ષસી મનોવૃત્તિ ધરાવતા દેહવિક્રયના
વેપારીઓ જ કરે છે એવું નથી. ગરીબ રાજ્યોમાં થોડાક સો કે હજાર રૂપિયા માટે પોતાનું સંતાન વેચી
દેતાં માતા-પિતા કે લગ્નના નામે છોકરી ખરીદી લાવતા પરિવારો આપણાથી બહુ દૂર કે અજાણ્યા
નથી. અહીંથી ગેરકાયદે અમેરિકા કે ઈંગ્લેન્ડ ગયેલા લોકો એકવાર ત્યાં પહોંચે પછી એમની પાસે પણ
‘ગુલામી’ કરાવવામાં આવતી હોવાની ફરિયાદો નોંધાઈ છે. જાણીને નવાઈ લાગે, પરંતુ અહીંથી ‘લગ્ન’
કરીને વિદેશ લઈ જવામાં આવતી ભારતીય છોકરીઓ (હવે તો છોકરાઓ પણ)ને ક્યારેક ઘરના નોકર
તરીકે રાખવામાં આવે છે, જેમાં આત્મહત્યાના કિસ્સા પણ સાંભળવા મળે છે.
ભણતરના પ્રેશરથી ભાગી ગયેલાં બાળકો કે સાસરિયાંના ત્રાસથી ઘર છોડીને ભાગી ગયેલી
સ્ત્રીઓ, માતા-પિતાનો જાપ્તો અને શંકા-કુશંકાને કારણે ખોટા છોકરાના પ્રેમમાં પડીને ભાગી ગયેલી
સગીર દીકરીઓ કે મિત્રો સાથે ‘મજા કરવા’ ઘરમાંથી ચોરી કરીને ભાગેલા સગીર છોકરાઓ ખોટી
જગ્યાએ પહોંચી જાય છે. પાછા ફરવાની શક્યતા નથી, એમ માનીને એ સૌ પણ પરિસ્થિતિને નીચા
માથે સ્વીકારીને નર્કની યાતના સહન કરે છે. ઘણીવાર આપણે જોતાં અને જાણતાં હોઈએ તો પણ
આપણે એ વિશે ફરિયાદ કરવાનું કે અવાજ ઊઠાવવાનું પસંદ કરતા નથી કારણ કે, ‘એવા લફરાંમાં
કોણ પડે?’
આવાં આંકડા કે લેખ વાંચીને, છાપું ઘડી વાળીને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ અથવા આપણા
સંતાનને વંચાવીને, ‘જોયું ?’ કહીને ડરાવીએ છીએ, પરંતુ આ વિશે કંઈક કરવું જોઈએ એવું આપણને
કોઈને કેમ લાગતું નથી? ફરિયાદ એ નથી કે પોલીસ નિષ્ક્રિય છે, સેંકડોની સંખ્યામાં કામ કરતો ડિપાર્ટમેન્ટ
લાખો લોકોને શોધવાની પૂરતી જહેમત કરતો હશે એમ માની લઈએ તો પણ આવડા મોટા દેશમાં, જ્યાં
અંતરિયાળ ગામડાંમાં પહેલું પોલીસ સ્ટેશન પાંચ-સાત કિલોમીટર દૂર હોય કે એસ.ટી. દિવસમાં એકવાર પણ
માંડ આવતી હોય ત્યાંથી ઉપાડી લેવાયેલી અભણ બાળકીઓ કે ભોળવાઈને-ત્રાસથી ભાગી ગયેલી સ્ત્રીઓને કોઈ
ક્યાં અને કેવી રીતે શોધે? મોટાભાગના આવાં બાળકો કે સ્ત્રીઓને પોતાના ગામનું નામ ખબર હોય, એ
સિવાય સરનામું પણ ખબર ન હોય ત્યારે પોલીસને મળેલા આવાં ગૂમશુદા લોકોને પાછા
પહોંચાડવાનું કામ પણ કેટલું અઘરું છે એ સમજી શકાય એમ છે.
જાતે ઘર છોડીને ભાગી જતા કે અપહરણ-ભોળવીને ઉપાડી લેવાતા આ બાળકો અને
સ્ત્રીઓની સંખ્યા વર્ષોવર્ષ વધી રહી છે. આપણે બધા એક ‘મેક બિલિવ’ના, માની લીધેલી પરિકથાના
જગતમાં જીવીએ છીએ. બધું જાણતા હોવા છતાં આપણને આંખો બંધ રાખવાનું ફાવી ગયું છે. જ્યાં સુધી
આપણા પરિવારમાં કોઈ ભયાનક ઘટના ન બને ત્યાં સુધી બીજાની પીડા સાથે આપણી હવે નિસ્બત રહી નથી…
એ દિવસ દૂર નથી કે જ્યારે આપણા પડોશમાં, ઘરમાં કે આપણા જ પરિવારમાંથી કોઈ વ્યક્તિ ગૂમ થઈ જશે અને
ત્યારે આપણને આ આંકડા કોઈ ભૂતાવળની જેમ આપણી આસપાસ નાચતા દેખાશે.