ફિલ્મી દુનિયા ત્યાં સુધી જ કલાકારને યાદ રાખે છે જ્યાં સુધી એ ટિકિટ બારી ઉપર કમાઈ
આપે! એ પછી એ કલાકાર થિયેટરની દીવાલોના વોલપેપર કે ફિલ્મી દુનિયાના ઈતિહાસના પુસ્તકોના
પાનાં સિવાય ભાગ્યે જ કોઈને યાદ આવે છે. 1922માં જન્મેલા એક કલાકારને આજે સો વર્ષ પૂરાં
થાય છે. એક ક્રિકેટર છગ્ગા-ચોગ્ગા મારતો હોય, સેન્ચ્યુરી પૂરી થવાની તૈયારીમાં હોય ને અચાનક બે
રન માટે એની સેન્ચ્યુરી અટકી જાય એવી રીતે મોહંમદ યુસુફ ખાન (દિલીપ કુમાર) આપણી વચ્ચેથી
ચાલી ગયા! ટ્રેજેડી કિંગ, લેજેન્ડ જેવા અનેક વિશેષણો એમના માટે વપરાતા રહ્યાં. એ અભિનયની
એક સ્કૂલ હતા, જેને આજે પણ એક્ટર્સ ફોલો કરે છે.
1944નું વર્ષ… ‘જ્વારભાટા’ના સેટ પર પહેલીવાર ‘એ’ મધુબાલાને મળ્યા, ત્યારે મધુબાલા
‘સ્ટાર’ હતી. લોકો એને ‘મેરેલિન મોનરો સાથે સરખાવતા.’ 1949માં ‘સિંગાર’ બની રહી હતી ત્યારે
19 વર્ષની મધુબાલા એમની મજાક ઊડાવતી, એ અભિનયને બહુ ગંભીરતાથી લેતી નહીં, પરંતુ યુસુફ
સા’બ 27 વર્ષના હતા. અભિનય એમને માટે જિંદગીનો એક હિસ્સો નહીં, બલ્કે ‘જિંદગી’ જ હતી.
‘શહીદ’, ‘મેલા’, ‘અંદાઝ’ જેવી ફિલ્મોથી એમણે પોતાની ઓળખ ઊભી કરી હતી… એમની
ગંભીરતા, સરળતા અને જીવન પ્રત્યેનો અભિગમ જોતાં 1951માં ‘તરાના’ના શુટિંગ દરમિયાન
મધુબાલા એમના તરફ આકર્ષાવા લાગી. યુસુફ સા’બને પણ એ ચંચળ છોકરીનું સ્મિત અને
ખુશમિજાજ વ્યક્તિત્વ ગમી ગયાં હતાં, પરંતુ મધુબાલાના અબ્બા અતા ઉલ્લાહ ખાનને આ સંબંધ
મંજૂર નહોતો. એમને મધુબાલાની કારકિર્દી અને એમાંથી વરસી રહેલા રૂપિયામાં રસ હતો.
યુસુફ સા’બ એમના શુટિંગમાંથી દોઢ દિવસની રજા લઈને એ મધુબાલા સાથે ઈદ મનાવવા
માટે મુંબઈ આવ્યા, એને વીંટી આપીને પ્રપોઝ કર્યું… રાજ ખોસલાએ બંનેને સાથે લઈને ‘નયા
દૌર’ની જાહેરાત કરી, પરંતુ અતા ઉલ્લાહ ખાને ડેટ્સ આપવામાં જાણી જોઈને મોડું કરવા માંડ્યું.
1950માં કે. આસિફે ‘મુગલ-એ-આઝમ’ શરૂ કરી. 1953માં મધુબાલા એની સાથે જોડાયાં
અને દિલીપ કુમારે કોર્ટમાં સાક્ષીને પિંજરામાં ઊભા રહીને કહ્યું, ‘મેં મધુબાલા સે પ્યાર કરતા થા,
કરતા હૂં ઔર કરતા રહૂંગા’ તેમ છતાં એમણે અતા ઉલ્લાહ ખાન વિરુધ્ધ સાક્ષી આપી એટલું જ
નહીં, મધુબાલાના પિતાએ સાઈનિંગ અમાઉન્ટ પાછી આપવી પડી.
એક મધુબાલા જ નહીં, ફિલ્મી દુનિયામાં આવા કેટલાય કિસ્સાઓ છે જેમાં મા કે પિતા
પોતાની દીકરીની કમાઈ બંધ ન થઈ જાય એ માટે એના લગ્ન ન થવા દે-એના પ્રેમ, કે એના પ્રણયનું
બલિદાન આપીને પણ હિરોઈન પોતાની કારકિર્દી ચાલુ રાખે અને એના પ્રેમી કે પ્રિયજનને એણે
‘ગુડબાય’ કહેવું પડે. સુરૈયા, મીનાકુમારી, મુમતાઝ, હેમા માલિની, સારિકા જેવી કેટલીયે
અભિનેત્રીઓ છે જેમની કારકિર્દી જ એમના પરિવાર માટે જીવનદોરી સમાન હતી! મોટાભાગના
લોકોને લાગે છે કે, ફિલ્મસ્ટાર્સના જીવન કોઈ પરિકથા જેવા હોય છે, આટલા ફેન્સ, આવા પૈસા,
આટલી ગ્લેમર અને જીવનના તમામ સુખો જે લોકો ભોગવે છે, એમને વળી શું તકલીફ હોય! પરંતુ,
એમના જીવનના ચઢાવ-ઉતાર પણ બહુ રસપ્રદ અને ગૂંચવણ ભરેલા હોય છે… રેખા, તબ્બુ જેવી
અભિનેત્રીઓ કોઈકના માટે લગ્ન નથી કરતી તો શ્રીદેવી જેવી અભિનેત્રી જેને રાખડી બાંધતી હતી
એવા બોની કપૂર સાથે લગ્ન કરે, ને પછી એનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય! દિવ્યા ભારતી,
જિયા ખાન જેવી અભિનેત્રીઓ બે-ચાર ફિલ્મો કરીને આત્મહત્યા કરે તો મીનાકુમારી અને પરવીન
બાબી જેવી અભિનેત્રીઓ એકલવાયું અને પીડાદાયક મોત પામે.
યુસુફ સા’બને પણ એક અભિનેતા તરીકે ખૂબ માન, સન્માન, એવોર્ડ્સ અને પ્રશંસકો મળ્યા,
પરંતુ એમના જીવનમાં કોઈ વિચિત્ર પ્રકારનો ખાલીપો છેક અંત સુધી એમનો પડછાયો બનીને ચાલતો
રહ્યો. કદાચ એટલે જ એમની આત્મકથાનું નામ, ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’ આપવામાં આવ્યું.
દિલીપ કુમાર અને મધુબાલાના ઈમોશનલ નીકટતા અને ઘર્ષણ મધુબાલાના જીવનના અંત
સુધી ચાલતાં રહ્યાં. ત્યાં સુધી 1969માં મધુબાલા ગુજરી ગયાં, ત્યારે યુસુફ સા’બ બહુ મોટા સ્ટાર
હતા. 1966માં એમણે સાયરા બાનુ સાથે લગ્ન કરી લીધાં ત્યારે દિલીપ કુમાર 44 વર્ષના અને
સાયરા બાનુ 22 વર્ષનાં હતાં…
દિલીપ કુમારની ઓટોબાયોગ્રાફી ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’માં એમણે એમના બીજાં લગ્ન
વિશે લખ્યું છે, ‘એ મારા જીવનની એક મોટામાં મોટી ભૂલ હતી. હું એ એપિસોડને ભૂલી જવા માગું
છું’. અસ્મા રહેમાન નામની એક ફેન એમને હૈદરાબાદમાં યોજાયેલી કલાકારોની ક્રિકેટ મેચ વખતે
મળી હતી. દિલીપ કુમારની બહેનો ફૌઝિયા અને સઈદા (જે પરેશ રાવલના બિલ્ડિંગમાં જ રહેતી
હતી) એમણે દિલીપ કુમારને અસ્મા તરફ ધકેલ્યા હોવાની વાતો ધીમા અવાજે ચર્ચાતી રહી. અસ્મા
અને દિલીપ કુમારે 1981માં લગ્ન કરી લીધાં. એક લોકલ અખબારે એમના લગ્નના સર્ટિફિકેટ સાથે
આ સમાચારને હેડલાઈન બનાવીને છાપ્યા.
એ દિવસોમાં આ લગ્નની ખૂબ ચર્ચા થઈ અને સાયરા બાનુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘હું
એમની બેમાંથી એક પત્ની બનીને રહેવા તૈયાર નથી. અફવા અને રુમર્સને કારણે હું પણ થોડી
ડિસ્ટર્બ હતી, પરંતુ એમણે કુરાન પર હાથ મૂકીને સોગંધ ખાધા છે એ પછી મારે એમના પર શંકા
કરવાનું કોઈ કારણ નથી.’ (આ ઈન્ટરવ્યૂ મેરેજ સર્ટિફિકેટ છપાયા પછીનો છે)
એક માન્યતા એવી છે કે, સાયરા બાનુને સંતાન ન થવાથી દિલીપ કુમાર ધીમે ધીમે એમનાથી
દૂર થઈ રહ્યા હતા, દિલીપ કુમારની બહેનો ફૌઝિયા અને સઈદાનું એમના પર ખૂબ પ્રભાવ હતો. જેને
કારણે એમણે દિલીપ કુમારને બીજાં લગ્ન કરવા મજબૂર કર્યા હોય એવી શક્યતા નકારી શકાય એમ
નથી.
એમણે પ્રૌઢ વયે ક્રાંતિ, કર્મા, મશાલ, સૌદાગર, વિધાતા જેવી મોટી ફિલ્મો કરી. એમનું
સમાજસેવાનું કામ સતત ચાલતું રહ્યું. બ્લાઈન્ડ મેન્સ એસોસિએશન, સાથે જીવનભર જોડાયેલા
રહ્યા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઈઝેશન હેઠળ પાસમાન્ડા મુસ્લિમ્સ માટે એમણે ખૂબ
કામ કર્યું. મંડલ કમિશનના રિપોર્ટમાં 85 ટકા પાસમાન્ડા મુસ્લિમ્સને જે ફાયદો થવો જોઈતો હતો એ
મળતો નહોતો એને માટે દિલીપ સા’બે ઓફિશિયલી ઓર્ગેનાઈઝેશન જોઈન કર્યું એટલું જ નહીં,
દેશભરમાં સોથી વધુ જાહેરસભાઓમાં ભાગ લીધો અને લોકોને એ વિશે જાગૃત કર્યા.
અંતે પાર્શિયલી અલ્ઝાઈમરની બીમારીને કારણે સ્મૃતિભ્રંશ અને વૃધ્ધત્વની કેટલીક
સમસ્યાઓ સાથે એમણે 98 વર્ષે શરીર છોડી દીધું…
આજે, એમને સો વર્ષ પૂરાં થયા હોત!