મો કો કહાં ઢૂંઢે રે બંદે મૈં તો તેરે પાસ મેં, ખોજિ હોએ તુરત મિલ જાઉં એક પલ કી તલાશ મેં

થોડા સમય પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. મંદિરમાં ચોરી કરનાર એક માણસને
લકવો થયો એણે ચોરી કરેલા પૈસાની સાથે એક પત્ર મૂકીને પોતાની ચોરીની કબૂલાત કરી અને
જીવનમાં ક્યારેય ચોરી નહીં કરવાનો નિયમ લીધો… કોઈની પણ શ્રધ્ધા વિશે કદી કશું કહેવાનું ન
જ હોય, પરંતુ સવાલ એ છે કે, આ એક પ્રસંગ (કદાચ સાચો પણ હોય) ઉપરથી આપણને એવું
સમજવું રહ્યું કે, ફક્ત દેવસ્થાનમાં ચોરી કરનારને જ સજા મળે છે? ચોરી પોતે જ એક ગુનો છે.
આ ગુનાની સજા અથવા કર્મનું ફળ ફક્ત દેવસ્થાનમાં ચોરી કરનારને જ કેમ મળ્યું?

ઈશ્વર, અલ્લાહ કે ગોડની કલ્પના માણસને પોતાના જીવન વિશે કેટલાક નિયમો
બનાવવામાં મદદ કરે છે. આપણે સફળતાનું શ્રેય જાતે લઈએ અને નિષ્ફળતાનો દોષ ભાગ્યને
આપીએ, એ કેવી નવાઈની વાત છે! દેશમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે અનેક મંદિરોની મુલાકાત
લેતા રાજનેતાઓ એમના મતદારોને ભૂલી જાય છે અને જ્યારે જીતે ત્યારે પોતે લીધેલી બાધાઓ
કે હોમ હવન, જ્યોતિષને શ્રેય આપે છે, પરંતુ જેમણે જીતાડ્યા એ મતદારોનો આભાર માનવાનું
ચૂકી જાય છે. એવું જ કદાચ, ઈશ્વર અને માણસની બાબતમાં બનતું હશે. માણસ જ્યારે સુખમાં
હોય, આનંદમાં હોય ત્યારે એને પરમતત્વનો કે અસ્તિત્વનો આભાર માનવાનું યાદ આવતું નથી,
જ્યારે તકલીફ પડે, મુશ્કેલી આવે કે પોતાને કંઈ જોઈતું હોય ત્યારે બાધાઆખડી, હોમ-હવન,
જ્યોતિષ અને બાવા સાધુઓ યાદ આવવા લાગે છે. આપણે કોઈ આમાંથી બાકાત નથી, કદાચ!

સાવ નાના બાળકથી શરૂ કરીને પુખ્તવયના, વૃધ્ધ માણસ સુધી સૌને પરમતત્વના
અસ્તિત્વનો ઉપયોગ ભય માટે કરવામાં આવે છે. દોષ લાગે, પાપ લાગે, ચિત્રગુપ્તનો ચોપડો
અને કયામતનો દિવસ જેવી કલ્પનાઓ માણસને ડરાવે છે. આ ડરને કારણે માણસ પોતાનાથી
સુપિરિયર-ઊંચું, મજબૂત, વધુ બળવાન એવું કોઈ અસ્તિત્વ છે એ વાતને સ્વીકારતો થાય છે. જે
ક્ષણે ભય લાગે છે એ ક્ષણે જ એ ભયને ભગાડવાના ઉપચારો શોધવા એ માનવ સ્વભાવ છે. જો
ઈશ્વર છે અને એના ગમા-અણગમા છે, પાપ-પુણ્ય છે, કર્મનું ફળ છે તો એમાંથી છટકવા માટે શું
થઈ શકે એના રસ્તા શોધનારા-શોધી આપનારા લોકો પણ છે જ, એવું માણસ શીખવા-સમજવા
લાગે છે. અહીંથી શરૂ થાય છે એક વિચિત્ર પરિસ્થિતિની એવી ગૂંચવણ જે એક જાળ બનીને
સમગ્ર સમાજને એમાં બાંધવા લાગે છે.

માણસ છે તો ઈચ્છા છે, ઈચ્છા છે તો સરખામણી છે, સરખામણી છે તો ઈર્ષા છે અને
ઈર્ષા છે તો બીજાને પછાડવાની, હરાવવાની અને બીજાથી ઉપર-આગળ નીકળી જવાની ઝંખના
પણ છે જ. આ ઝંખનાનો ઉપયોગ કરીને, ઈશ્વરનો ભય બતાવીને કેટલાંક લોકો ઈશ્વરના
એજન્ટ બની જાય છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર આપણને એવા ઘણા મેસેજ જોવા-
વાંચવા કે સાંભળવા મળે છે જેમાં ન માની શકાય એવી વાતોનો પ્રચાર અને પ્રસાર કરવામાં
આવે છે. એક મેસેજ કે ચિત્ર જોવા મળે જેમાં લાઈક કરીએ તો 24 કલાકમાં આર્થિક ફાયદો થાય
એવું વચન આપવામાં આવે! ફાયદો ન થાય તો કોને પકડવાના? કોઈને નહીં… ને જો બે-ચાર
જણાંને ફાયદો થવાનો જ હોય, અને થઈ જાય… એમણે આ ચિત્રને કે મેસેજને લાઈક આપી
હોય-એને આગળ આઠ કે દસ જણને મોકલ્યો હોય તો માનવમન તરત જ માની લેવા તૈયાર થઈ
જાય છે કે, આ ફાયદો એને પેલો મેસેજ મોકલવાને કારણે અથવા ચિત્રને લાઈક કરવાને કારણે
થયો છે, બસ! પછી શું? પછી તો અંધશ્રધ્ધાની એવી પરંપરા કે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ બની
જાય.

પરમતત્વના અસ્તિત્વ વિશે કોઈ વિવાદ નથી. એનું નામ શું છે, એ કયા ધર્મને બિલોંગ
કરે છે કે એનો સંદેશ શું છે એ વિશે ચોક્કસ વિવાદ ચાલે છે ને ચાલતો રહેવાનો છે, પરંતુ આટલા
વાયુઓમાંથી ઓક્સિજન છુટ્ટો પડીને કરોડો લોકોના જીવન ટકાવે છે. આકાશ તૂટી પડતું નથી,
વરસાદ પડે છે. સૂરજ આથમે છે અને બીજે દિવસે ફરી ઊગે છે આ બધું જ વિજ્ઞાન સમજાવી
શકે છે તેમ છતાં વિજ્ઞાન પાસે પણ કેટલાક સવાલોના જવાબ નથી મળતા કારણ કે, એ સવાલો
પરમતત્વ સાથે જોડાયેલા છે. મૃત્યુ પછી શું થાય છે? જન્મ પહેલાં જીવન ક્યાં છે? કોણ કેટલું
જીવશે? બાળક એક્ઝેક્ટલી કયા સમયે જન્મ લેશે? આ સવાલોના જવાબો વિજ્ઞાન પાસે પણ
નથી કારણ કે, અસ્તિત્વએ કેટલાક મુદ્દા પોતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યા છે. આ નહીં સમજાતી
બાબતો માણસને પરમતત્વની સામે નમવાની સમજણ આપે છે.

ઋગ્વેદનો એક શ્લોક કહે છે, અમર્ત્યો મર્ત્યના સયોનિઃ તા શાશ્વતા । અમરણધર્મી
(શાશ્વત) અને મરણધર્મી (નાશવંત) એક સાથે અસ્તિત્વ ધરાવે છે. તે બંને સાથે સાથે ચાલે છે
કારણ કે, બંને એકબીજા વગર ટકી શકે તેમ નથી. શરીર વારંવાર બદલાય છે, પરંતુ અનિવાર્ય
શાશ્વત છે, પરંતુ બદલાય છે માટે મૃત્યુની જરૂર છે અને આત્મા એક પછી એક શરીર બદલે છે,
પરંતુ પોતે શાશ્વત રહે છે.

આ સત્ય જે ક્ષણે સમજાય એ ક્ષણે આપણને પરમતત્વના અસ્તિત્વની ઓળખ થાય છે.
જે શાશ્વત છે એને કોઈ અસુરક્ષા નથી અને જેને અસુરક્ષા નથી એને ક્રોધ નથી, તિરસ્કાર નથી,
વહાલાં-દવલાં કે પક્ષપાત નથી. એ સૌનો ન્યાય એકસરખો કરે છે, એ ક્ષમાશીલ છે માટે પોતે
સજા નથી કરતો, પરંતુ કર્મફળ પ્રમાણે ન્યાય થાય છે. કોઈપણ વ્યક્તિ-જો એ માણસ હોય તો
અન્યનું કર્મફળ બદલવાની શક્તિ ધરાવતો નથી. એ જ રીતે, કોઈપણ માણસ અન્યને લાભ કે
નુકસાન કરી શકતો નથી.

મહત્વનો મુદ્દો એ છે કે, જે પરમતત્વના આપણે અંશ છીએ એ નિરાકાર અને નિર્ગુણ છે-
આપણે સગુણ થઈને શરીર સ્વરૂપે જન્મ્યા, પરંતુ એ આપણી ભીતર છે જ. અન્ય કોઈને
પૂછવાને બદલે આપણી ભીતર વસતા એ તેજના અંશને પૂછીએ તો સાચો ઉત્તર મળી રહેશે.
એવી જ રીતે અન્ય કોઈને પૂજવાને બદલે આપણી ભીતર રહેલા એ તેજના અંશને પૂજીએ તો
સાચા આશીર્વાદ અને દિશાજ્ઞાન પણ મળશે જ.

જો ચોરી, જુઠ્ઠું બોલવું, હત્યા કે લાલચ, ઈર્ષા, અહંકાર પાપ છે તો એ ઘરમાં કરો કે
દેવસ્થાનમાં, એનું ફળ એકસરખું જ મળે છે. જો સત્કર્મ, સ્નેહ, ક્ષમા, શાંતિ, દાન અને સમજણ
પુણ્ય છે તો ઘરમાં કરો કે દેવસ્થાનમાં એનું ફળ એકસરખું જ મળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *