મોંઘા લગ્ન અને મોંઘેરા છૂટાછેડાઃ આ યરની 2022

લગ્નોની સિઝન પૂરજોશમાં ચાલી રહી હતી, 14 જાન્યુઆરી પછી ફરી એકવાર ધૂમધડાકા સાથે
ઢગલાબંધ લગ્નો થવાના છે. એક સર્વે મુજબ આ વર્ષે ગુજરાતમાં બે હજાર લગ્નો થઈ રહ્યાં છે ત્યારે, આ
લગ્નોમાં થનારા ભયાનક ખર્ચાનો હિસાબ લગાવીએ તો સમજાય કે, આ બધા ખર્ચામાંથી ભારતના
કેટલાય ભૂખ્યા પરિવારો સુધી ભોજન અને અશિક્ષિત રહી ગયેલા કેટલાય બાળકો સુધી શિક્ષણ
પહોંચાડી શકાય! એની સાથે એક દલીલ એવી છે કે, આ લગ્નોને કારણે કરિયાણાથી શરૂ કરીને ફૂલવાળા,
ટ્રાન્સપોર્ટ, મંડપ અને રસોડામાં કામ કરનારી બહેનો સુધી અનેક લોકોને ‘રોજી’ મળે છે. આ બંને વાત
સાચી હોવા છતાં ‘બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ’માં જે પ્રકારનો આંધળો ખર્ચો કરવામાં આવે છે એ હવે
દેખાદેખીની સીમા વટાવીને ઈગો પ્રોબ્લેમ સુધી પહોંચી ગયો છે. એક કંકોત્રી 25-30 રૂપિયાથી શરૂ
કરીને 25 હજાર રૂપિયા સુધીની હોઈ શકે… ટ્યુલિપ અને ઓર્કિડ જેવા ફૂલો વિદેશથી મંગાવીને શણગાર
કરવામાં આવે. ચાખતાંય થાકી જવાય એટલું લાંબુંચોડું ભોજન સમારંભનું લિસ્ટ અને એમાં થતા વેડફાટ
સહિત જે ખર્ચ થાય છે એ પછી છૂટાછેડાના આંકડા સતત વધી રહ્યા છે, એ કેવી આયરની (સમાજ
ઉપરનો કટાક્ષ) છે!

વરઘોડામાં નાચતા લોકો નાગિન ડાન્સ કરે, પૈસા ઉડાડે અને રસ્તો બ્લોક કરે… મંડપના દરવાજે
આવીને એક કલાક વેવાઈને રાહ જોવડાવે, મુહૂર્ત વીતી જાય તેમ છતાં કન્યા બ્યૂટીપાર્લરમાંથી પાછી ન
આવે અને હસ્તમેળાપનો જે સમય એક્ચ્યુઅલ મુહૂર્તમાં લખ્યો હોય એ ક્યારેય ન સચવાય, આવા
કેટલાય ભારતીય લગ્નોમાં આપણે હાજરી આપી જ છે. ચાર-પાંચ દિવસ ચાલતા સમારંભોમાં મહેંદી,
હલ્દી અને સંગીત જેવા પ્રસંગો હોય. સંગીતમાં ઘરના-પરિવારના લોકો ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરે,
જેના રિહર્સલ દિવસો સુધી ચાલ્યા હોય તેમ છતાં પરફોર્મન્સમાં ઢંગધડા ન હોય! આવેલા મહેમાનોએ
શરમમાં કે સ્નેહમાં, કમ્પલસરી બેસી રહેવું પડે અને આ પરફોર્મન્સ જોવા પડે. હવે તો ડ્રેસકોડ અને રંગ
પણ નક્કી કરવામાં આવે છે… ‘ડેસ્ટિનેશન વેડિંગ’ એક વળી નવી જ શરૂ થયેલી ફેશન છે. નિકટના
સ્વજનો આવા ડેસ્ટિનેશન વેડિંગમાં જાય ત્યારે કપડાં બદલી બદલીને બેન્કવેટ કે લૉનમાં હાજર રહેવા
સિવાય એમણે ખાસ કંઈ કરવાનું હોતું નથી-અને લગ્નસરાના દિવસોમાં જ્યારે મિત્રો, પરિવારમાં ચાર-
પાંચ લગ્નો હોય ત્યારે ડિસેમ્બર-જાન્યુઆરીના બે મહિનામાં 15-20 દિવસ આવા ડેસ્ટિનેશન વેડિંગ
માટે કાઢવા શક્ય છે ખરા?

આ વર્ષે થનારા બે હજાર કે તેથી વધુ ગુજરાતી લગ્નોમાંથી કેટલા લગ્ન એમની સિલ્વર જ્યુબિલી
ઊજવશે? – આ સવાલનો જવાબ હવેના સમાજ માટે અઘરો જ નહીં, અશક્ય બનતો જાય છે. કરોડો
રૂપિયા ખર્ચીને પરણાવેલા સંતાનો જ્યારે ‘નથી ફાવતું’ કહીને છૂટાછેડા માટે જીદ કરે ત્યારે ખર્ચો માથે
પડવા કરતાં, માતા-પિતા માટે સંતાનનું ભવિષ્ય અને સામાજિક સવાલો બહુ મુશ્કેલ બની જતા હોય છે.

‘લગ્ન’ 16 સંસ્કારોમાં એક મહત્વનો સંસ્કાર છે. વડીલો, દાદા-દાદી જીવે છે ત્યારે ‘લગ્ન તો
ધામધૂમથી જ થવાં જોઈએ’ના આગ્રહને કારણે લગ્નનો મૂળ વિચાર શાસ્ત્રોક્ત રીતે શું હતો અને કેમ
લગ્નને ભારતીય પરંપરામાં મહત્વ આપવામાં આવ્યું એનો વિચાર ખોવાઈ ગયો છે. મૂળ કથા
મહાભારતમાં શ્વેતકેતુ નામના એક રાજા સાથે જોડાયેલી છે. એ યુગમાં સ્ત્રી અને પુરુષ બંનેને સ્વતંત્ર
રીતે સંબંધો બાંધવાની અને સ્વેચ્છાએ શૈયાસાથીની પસંદગી કરવાની છૂટ હતી. શ્વેતકેતુ નામનો એક
રાજા પોતાની માને પરપુરુષના બાહુપાશમાં જુએ છે ત્યારે એ પોતાના પિતાને ફરિયાદ કરે છે. એના
પિતા એને પ્રતિઉત્તર આપે છે કે, ‘એ સ્વતંત્ર છે અને એને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો અધિકાર છે’.
શ્વેતકેતુ ત્યારથી એક પતિનો કાયદો અથવા નિયમ લાગુ કરે છે જે પછીથી ‘કાયદો’ બનીને બંધારણીય
રીતે પણ સ્વીકારવામાં આવ્યો.

વ્યક્તિને સ્વચ્છંદ રીતે જીવવાની છૂટ હોવી જોઈએ એવું કહેવાનો કે રજૂ કરવાનો સહેજેય
ઈરાદો નથી, પરંતુ માણસ માત્ર સ્વભાવે અને પ્રકૃતિએ ‘પોલિગેમસ’ (એકથી વધુ વ્યક્તિઓ સાથે સંબંધ
બાંધવા)ની વૃત્તિ ધરાવે છે. ‘મોનોગેમી’ (એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ) એ સામાજિક કે
બંધારણીય દૃષ્ટિએ કદાચ સ્વીકાર્ય છે, પરંતુ દરેક વ્યક્તિ માનસિક રીતે આ વાતને સ્વીકારે અને નિષ્ઠાથી
એને વળગી રહે એવું બનતું નથી! એ સિવાય પણ, હવેના સમયમાં લગ્ન એ સર્વસ્વીકૃત સંબંધ રહ્યો
નથી. 90ના દાયકામાં જન્મેલી પેઢીને હવે લગ્નમાં રસ નથી. માતા-પિતાને રાજી રાખવા કે ‘સંસ્કાર’
અને ‘પ્રેમ’ના નામે જે લોકો લગ્ન કરે છે એ લોકોને પણ પાંચ જ વર્ષમાં લગ્ન બોરિંગ અને બોધરિંગ
લાગવા માંડે છે-નવાઈની વાત એ છે કે, આ બોરિંગ અને બોધરિંગની ફીલિંગમાં હવે જેન્ડરબાયસ (સ્ત્રી-
પુરુષનો તફાવત) નથી રહ્યો.

લિવઈન ધીમે ધીમે વધુને વધુ સ્વીકાર્ય અને સહજ બનતું જાય છે. મોટાભાગના લગ્નોમાં પણ
લગ્ન પહેલાં શારીરિક સંબંધનો બહુ છોછ નથી રહ્યો… ત્યારે, આ બદલાતા સમાજની તસવીર 50 કે
60ના દાયકામાં જન્મેલા માતા-પિતાને બેચેન અને બીચારાં કરી મૂકે છે. એમને માટે સંતાનના લગ્નની
હોશ અને સમાજને ‘દેખાડી આપવા’નો ઈગો એક તરફ છે તો ‘આ લગ્ન ટકશે કે નહીં!’ નો ફફડાટ બીજી
તરફ…

આપણે બધાં આ બદલાતા સમય અને સમાજ સાથે કદમ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,
પરંતુ જેને આપણે ‘નવી પેઢી’ કહીએ છીએ એમના મુદ્દા અને માનસિકતાને પણ સમજવાની જરૂરિયાત
છે જ. એ લોકોની દલીલ એવી છે કે, ‘સુખી થવા માટે લગ્ન કરીએ-તો સુખી થવા માટે જ છૂટા પણ
પડી શકાય’. એમને લગ્નમાં કરેલા ખર્ચા માટે થઈને લગ્ન નિભાવવાની જરૂરિયાત લાગતી નથી… આ
પેઢી ‘પોતાના’ માટે જીવે છે, એમને સમાજને જવાબ આપવામાં કે બીજાને કેવું લાગશે એ વિચારવામાં
રસ નથી. એમના નિર્ણયો પ્રમાણમાં ઉતાવળિયા અને સ્વકેન્દ્રી છે એવું માની લઈએ તો પણ ‘નથી ફાવતું’
એવી કહેવાની અને ‘સાથે નથી રહેવું’ એ સ્વીકારવાની એમની પ્રામાણિકતાને પણ સમજવી પડે.

ખર્ચાળ લગ્નો અને એથીયે ખર્ચાળ છૂટાછેડા તરફ ધસી રહેલા આ આખાય સમાજમાં હવે જે
પેરેડોક્સ (વિરોધાભાસ) ઊભો થયો છે એની વચ્ચે ફસાયેલી માતા-પિતાની પેઢી ગૂંચવાય છે અને
ગૂંગળાય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *