મમ્મી, તમે થોડા થોડા થાઓ વરણાગી!

‘અમે તો અમારી વહુને પેન્ટ, ટી-શર્ટ પહેરવાની છૂટ આપી છે’ અથવા ‘અમે એને દીકરીની જેમ
જ રાખીએ છીએ-અમારા ઘરમાં વહુ-દીકરી વચ્ચે કોઈ ફેર નથી’ આપણે ઘણી ‘સાસુમા’ને જુદી જુદી
ભાષામાં આવું કહેતી સાંભળી છે. તો બીજી તરફ, ‘અમારે નોકરીની કઈ જરૂર નથી. કારણ વગર
દોડાદોડી કરવાની… અમે તો ના જ પાડી છે. ઘર સંભાળે, બસ.’ આ પણ અનેક પરિવારોમાં, અનેક
ભાષાઓમાં કહેવાતું વાક્ય છે. પરણીને આવેલી પુત્રવધૂને, એણે શું ખાવું-શું પહેરવું, કેટલા વાગ્યે સૂઈ
જવું અને કેટલા વાગ્યે ઉઠવું, એના પતિ સાથે ક્યાં જવું અને કેટલા વાગ્યે પાછા આવી જ જવું… ઘરમાં
મહેમાન આવે ત્યારે એણે કેટલું બોલવું અને કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે ન રાખવો જેવી અનેક
સૂચનાઓ સતત આપવામાં આવે છે. 24-25થી શરૂ કરીને હવે તો મોડી પરણતી છોકરીઓમાં 30-
32ની પુત્રવધૂને પણ એણે શું કરવું અને શું ન કરવુંની સૂચનાઓ ક્યારેક અતિરેક થઈ જાય એવી રીતે સતત
અને કડક રીતે આપવામાં આવતી હોય છે.

સામાજિક નિયમો મુજબ એક સ્ત્રી જ પરણીને બીજા ઘરે જાય છે. આ એનો બીજો જન્મ છે
એમ માનવામાં આવે છે. વૈદિક વિધિ અનુસાર આ ‘બીજો જન્મ’ થાય કે તરત જ એની પાસે ધરમૂળથી
બદલાઈ જવાની અપેક્ષા રાખવામાં આવે છે. આપણને કદાચ ખબર નથી, પરંતુ સમાજ બદલાઈ ગયો
છે, એવું માનતા અને કહેતા લોકો પ્રમાણમાં દંભી અને ખોટા છે. આપણો પ્રોબ્લેમ એ છે કે, આપણે
દીકરીને સ્વતંત્ર રીતે ઉછેરીએ છીએ, એને ભણાવીએ છીએ અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાની આશા
રાખીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. એ પછી જ્યારે એના લગ્ન થાય છે ત્યારે એને પિયરમાં મળેલી
સ્વતંત્રતા એના વ્યક્તિત્વનું પોઝિટિવ પાસું બનવાને બદલે એને માટે સમસ્યા બની જાય છે!

વજન ઉતારીને પેન્ટ પહેરતી ને, અંગ્રેજી બોલતી ને, અનેકવાર વિદેશ પ્રવાસ કરી ચૂકેલી મધર
ઈન લૉ (સાસુ) પણ જ્યારે પુત્રવધૂ અને વહુની વાત આવે ત્યારે ક્યાંક સંકુચિત, જડ અને રૂઢિચુસ્ત બની
જાય છે. મોટાભાગની સાસુને એવો ભય લાગે છે કે જો એ પોતાની પુત્રવધૂને ‘છૂટ’ આપશે તો એ ‘માથે
ચડીને છાણા થાપશે’ આ ભય કેટલો સાચો છે, કેટલો ખોટો છે એ વિષય ચર્ચા માગી લે છે. આપણે બધા
સામાજિક રીતે સાવચેત, સચેત અને પ્રમાણમાં સહેજ ડરેલા લોકો છીએ. અન્યોના ઘરમાં તાકાઝાંકી
કરવાની આપણને ટેવ છે. એથી વધારે આપણા ઘરની સમસ્યાની ચર્ચા બીજા લોકો સાથે કરીને આપણને
કોઈ વિચિત્ર પ્રકારનું સુકુન-સંતોષ મળે છે. શક્ય છે, કોઈકના ઘરમાં પુત્રવધૂના આવ્યા પછી કેટલીક
સમસ્યાઓ ઊભી થઈ હોય. શક્યતા એવી પણ છે કે, સાસુએ ભલા અને ભોળા ભાવે કરેલા સ્વીકાર કે
સહજતાથી આપેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કરીને એકાદ-બે પુત્રવધૂએ પારિવારિક શાંતિને ઈજા
પહોંચાડી હોય. એનો અર્થ એવો નથી કે, નવી પરણીને આવેલી દરેક છોકરી, નવી પેઢીની દરેક પુત્રવધૂ
આળસુ, અતડી, સ્વચ્છંદ, તોછડી કે બેજવાબદાર છે. એમ જોવા જઈએ તો બધી સાસુ પણ સારી નથી
જ હોતી. દહેજ માટે બાળી નાખવાના કે પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકવાના બે-ચાર દાખલા ઉપરથી
‘બધી જ સાસુ ખરાબ’ એવું જેનેરિક સ્ટેટમેન્ટ ન કરી શકાય.

હવે સમય બદલાયો છે. આજે જે સાસુ બની છે એવી સ્ત્રીઓ 50 કે 60ના દાયકામાં જન્મી
હતી, તો એમણે પોતાની સાસુ સાથે ઘણું અડજેસ્ટમેન્ટ કર્યું હશે. ક્યારેક અપમાન અને અન્યાય પણ
સહ્યો હશે, પરંતુ એમના ઉછેર અને એમણે કરેલા ઉછેરમાં બહુ ફેર છે. એમના પતિ કદાચ, મા સામે
બોલી શકતા નહોતા, પરંતુ એમનો દીકરો પોતાની પત્નીને અન્યાય કે અપમાન નહીં સહેવા દે. આજની
મોર્ડન સાસુએ એવું સમજવું પડશે કે, વહુ ઉપર દાબ-દબાણ કરવા જતાં ક્યાંક દીકરો ખોવાનો વારો ન
આવે… એવી જ રીતે પરણીને આવેલી છોકરીને એની જવાબદારી અને આ ઘરની પરંપરા શીખવવાનું
કામ પણ સાસુએ જ કરવાનું છે. આવતીકાલે જેણે પરિવારની ડોર હાથમાં લેવાની છે એને બીનજરૂરી
લાડ, પેમ્પરિંગ કે ‘સ્વતંત્રતા’ના નામે એની બેજવાબદારી અને આળસ ચલાવી લેવાની મનોવૃત્તિ પણ
પરિવારમાં પ્રશ્નો ઊભા કર્યાં વગર નહીં રહે.

ભણેલી અને સ્વતંત્ર રીતે ઉછરેલી કોઈની દીકરી જ્યારે આપણે ઘરે આવે છે ત્યારે એને ‘દીકરી’
બનાવવાને બદલે એક સારી ‘પુત્રવધૂ’ બનાવવાની જવાબદારી એ ઘરની ‘મા’ અથવા હવે ‘સાસુ’ બનેલી
વ્યક્તિની છે. મોટાભાગની સાસુ આ ‘બેલેન્સ’ ચૂકી જાય છે. એથીયે મહત્વનું એ છે કે, ઘરનો પુરુષ-
પપ્પા કે સસરા પુત્રવધૂને ‘દીકરી’ માનીને વહાલ કે લાડ કરવામાં પોતાની પત્નીનું સન્માન ઘવાય છે એ
વિશે બેધ્યાન બની જાય છે. ‘નાની છે’, ‘નવી છે’ અથવા ‘ધીમે ધીમે શીખી જશે’ જેવાં આશ્વાસન
પત્નીને આપતી વખતે પિતા કે પતિ ભૂલી જાય છે કે પુત્રવધૂ સાથે કામ પાડવાની અને કામ લેવાની બંને
જવાબદારી ઘરની મા અથવા સાસુની છે. જેણે પતિની મા સાથે અડજેસ્ટ કર્યું છે એણે પોતાના
સ્વમાનને ભોગે પુત્રવધૂ સાથે અડજેસ્ટ ન કરવું પડે, એ જોવાનું અને સંભાળવાનું કામ ઘરના પતિ કે
પિતાએ કરવું પડે, કરવું જ પડે!

હવેની સાસુએ સાચા અર્થમાં ‘મોર્ડન’ બનવું પડશે. થોડું પોતાને માટે જીવવું પડશે. પોતાને ગમતી-
અણગમતી બાબતોને કહેવી પડશે. પોતાનાથી જે કામ ન થઈ શકે એ વિશે સ્પષ્ટ અને મજબૂત અવાજે
‘ના’ પાડવી પડશે. પોતાના અંગત શોખ કે સંબંધો માટે એને સમય જોઈએ છે, એ વાત એણે પરિવારને
કહેવી પડશે.

ગઈકાલની પુત્રવધૂ, અને આજની સાસુ એવું માને છે કે, આવું કંઈ પણ કરવાથી ઘરની શાંતિમાં
ખલેલ પડશે. પુત્રવધૂનો અણગમો પારિવારિક એકતાને હચમચાવી નાખશે… પરંતુ, એનો અર્થ એ નથી કે
નીચું માથું રાખીને, મન મારીને, અપમાન કે અવહેલના સહન કરીને ઘરના સુખને સાચવવાનો પ્રયત્ન કે
જવાબદારી માત્ર એક જ વ્યક્તિ ઉપર થોપી દેવામાં આવે.

હવે, ‘મમ્મી’, ‘મોમ’ કે ‘સાસુમા’એ થોડા વરણાગી-થોડા મોર્ડન થઈને માત્ર વસ્ત્રોમાં નહીં, વિચાર
અને વ્યક્તિત્વમાં પણ પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *