ना पुण्य से डरती हूँ ना पाप से डरती हूँ, मैं तो सिर्फ अपने आप से डरती हूँ.

23મી મે, 2020, કે 23મી મે, 2021… અખબાર ઉપર લખેલી તારીખ વાંચીએ તો સમજાય કે,
એક વર્ષ વીતી ગયું છે. ગયા વર્ષે મે મહિનાના લોકડાઉનમાં આપણે બધા આ જ સ્થિતિમાં ફફડતા અને
તરફડતા બેઠા હતા. આ વર્ષે પણ આપણે એ જ સ્થિતિમાં બેઠા છીએ. એક વર્ષમાં પડેલા આર્થિક ફટકાને
પહોંચી વળતાં કદાચ એક દાયકો નીકળી જવાનો છે. બાળકોનું પ્રમોશન, અટવાયેલી પરીક્ષાઓ, ચારે તરફ
સાંભળવા મળતા મૃત્યુના આંકડા, સગવડોનો અભાવ, ઓક્સિજનના બાટલા કે રેમડેસિવિરના બ્લેક
માર્કેટ… આ બધું જ આપણને હલબલાવી મૂકે છે ત્યારે, એક સવાલ રોજ સવારે મારા મનમાં ઊઠે છે.
માણસને મરતો જોવાની હિંમત બીજા માણસમાં કેવી રીતે આવતી હશે ? જ્યારે સૌ જાણે છે કે,
ઓક્સિજનનો બાટલો કે ઈન્જેક્શન એક વ્યક્તિનો જીવ બચાવી શકે છે ત્યારે એને છુપાવીને, મોંઘાભાવે
વેચીને કે એમાં પણ ભેળસેળ કરીને જાણીજોઈને કોઈને મરવા દેતાં રૂંવાડુંય ન ફરકે એને આપણે શું કહીશું ?
પુરાણોમાં દાનવોનો ઉલ્લેખ છે… દાનવ એટલે કોઈ શિંગડાવાળા, ભયાનક મોઢાવાળા રાક્ષસ નહીં હોય,
જેને હૃદયની જગ્યાએ પથ્થર હોય એવા લોકોને જ દાનવ કહેતા હશે !

ઈન્જેક્શન અને ઓક્સિજનના પ્રશ્નો તો આજે ઊભા થયા, રેતીમાં સિમેન્ટ ભેળવતા, નકલી
દવાઓ બનાવતા, નાની બાળકીઓ ઉપર બળાત્કાર કરતાં કે ભોજનની વસ્તુઓમાં ભેળસેળ કરતા બધા જ
માનવજીવનને નુકસાન કરવા માટે જવાબદાર છે. એ બધા જ દાનવ છે… જેને માનવજીવનનું મૂલ્ય નથી,
જે સાચા-ખોટાની કે ભલા-બૂરાની સમજ વગર ફક્ત પૈસા કમાવામાં, હવસ સંતોષવામાં જ વ્યસ્ત છે એ
બધા જ દાનવ છે. સરકારી અમલદારો દ્વારા ખોટા માણસોને અપાતા કોન્ટ્રાક્ટ, સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર
એક્સપાયર્ડ કે નકલી દવાનો સપ્લાય કરતા વેપારી-એને સ્વીકારીને સહી કરતા સરકારી ડોક્ટરો, સાવ ગરીબ
કે લાચાર માણસનું સાદું કામ કરવા માટે પણ લાંચ લેતા સરકારી કર્મચારીઓ, ન્યાયની ખુરશી પર બેઠેલા
પણ અન્યાય કરતા જ્યુડિશિયરી સિસ્ટમનો હિસ્સો કહેવાય તેવા ન્યાયાધીશ, માત્ર પૈસા ખાતર ગુનેગારને
બચાવતા વકીલ કે સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવા છતાં ન્યાતજાતનો ભેદભાવ કરતા કે
બાળકો પાસે પોતાના ઘરનું કામ કરાવતા શિક્ષકો… આ બધા દાનવ છે.

ગયા અઠવાડિયાના મારા લેખનો ઘણો વિરોધ થયો, વિરોધ કરવાની સ્વતંત્રતા આ દેશ અને એનું
બંધારણ સૌને સમાન અધિકારથી આપે છે. વિરોધ કરનારા જ ખરેખર તો સાચી દિશા બતાવી શકે છે, કારણ
કે સારું બોલનારા કરતાં સાચું બોલનારાનું મહત્વ હંમેશાં વધારે હોય છે, હોવું જોઈએ. ગાંધીજીએ કહ્યું છે,
વિરોધ વ્યક્તિનો નહીં, વિચારનો હોવો જોઈએ. વિરોધ કરનારા પાસે માત્ર ધિક્કાર કે તિરસ્કાર નહીં,
લોજિક હોવું જોઈએ. મૂળ વાત એ છે કે, “સરકાર” કોઈ એક વ્યક્તિ કે ખુરશીનું નામ નથી. એક આખી
સિસ્ટમ છે. આપણે બધા, વોટરથી શરૂ કરીને ખુરશી પર બેઠેલા નેતા સુધી, ન્યૂઝ જોનારા-ન્યૂઝ આપનારા,
અફવા ફેલાવનારા-વિરોધ કરનારા, લાંચ લેનારા અને લાંચ આપનારા આ સિસ્ટમનો હિસ્સો છીએ. દુઃખની
વાત એ છે કે, આપણે બધા છેલ્લા ઘણા સમયથી જાણે-અજાણે ફક્ત પોતાના પૂરતું વિચારતા, અને પોતાના
જ કૂવામાં કૂદતા દેડકા થઈ ગયા છીએ. આપણે જેટલું દેખાય છે એટલું જ જોઈ શકીએ છીએ, એને પેલે
પાર કોઈ જગત છે, હોઈ શકે એવી શક્યતા પણ જાણે આપણે નકારી બેઠા છીએ.

સિસ્ટમના ફેલિયર માટે ક્યારેય કોઈ એક વ્યક્તિ જવાબદાર હોઈ શકે નહીં, આ વાત આપણે
બધાએ અણગમા સાથે પણ સ્વીકારવી પડે. કોરોનાને કારણે દેશમાં જે હાહાકાર થયો, યોગ્ય સારવાર ન મળી
કે ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચરના અભાવે ન થવા જોઈએ એટલા મૃત્યુ થયા એ માટે કદાચ, પ્રધાનમંત્રી, સ્વાસ્થ્યમંત્રી,
મુખ્યમંત્રી કે એમએલએ સહિત સૌને જવાબદાર ઠેરવી દઈએ, તો પણ જે થઈ ગયું છે એ બદલી શકાશે ?
મદ્રાસ હાઈકોર્ટે ટકોર કરી, કે ચૂંટણીપંચના અધિકારીઓને કતલના ગુનામાં ગિરફ્તાર કરવા જોઈએ, શું થયું ?
એક દિવસના સમાચાર બીજે દિવસે ભૂલાઈ ગયા ! એનું કારણ એ છે કે, જ્યારે કોઈ પણ સિસ્ટમ તૂટે છે
ત્યારે એ પાયામાંથી પહેલાં તૂટે છે. મંત્રી, સરપંચ, એમએલએ કે જે-તે વિસ્તારના જવાબદાર વ્યક્તિઓની
પાસે જ્યારે આપણે કામ કરાવવું હોય છે ત્યારે આપણે એમના વખાણ કે ચાપલુસી કરતાં અચકાતા નથી.
એવા કેટલાય લોકો છે કે જેમણે ફક્ત પોતાના સ્વાર્થ ખાતર જે-તે વિસ્તારમાં અમુક લોકો ચૂંટાઈ આવે એ
માટે પ્રચાર અને આર્થિક મદદ કરી છે. સિસ્ટમને તોડવા માટે ખરેખર તો આવા લોકો જવાબદાર છે, કારણ કે
એમને જાહેર જનતાની જરૂરિયાતો, આરોગ્ય કે સવલતોની પહેલાં પોતાનો સ્વાર્થ દેખાય છે… આવા લોકો
દેશના કોઈ એક ભાગ, શહેર કે ગામમાં નથી, સાયબર નેટવર્કની જેમ આખા દેશમાં ફેલાયેલા છે. એ લોકો
પાવરફૂલ છે, કારણ કે એમની પાસે સિસ્ટમનો સપોર્ટ છે. એ સિસ્ટમની અંદર રહીને ઉધઈની જેમ
સિસ્ટમને ખાય છે.

આપણે પણ ધીરે ધીરે એમને જોઈને એવું શીખ્યા છીએ કે લાઈનમાં ઊભા રહીને, વેઈટ કરવા
કરતાં, સરકારી દફતરમાં ચાર ધક્કા ખાવા કરતાં, ટ્રાફિક પોલીસને દંડ ભરવા કરતાં લાંચ આપીને, ખુશામત
કરીને આપણું કામ કરાવી લેવું. કરી આપનાર તો ખોટા છે જ, કરાવનાર પણ એટલા જ જવાબદાર છે !
પાયામાંથી સડી ગયેલી સિસ્ટમ ક્યારેક તો તૂટી પડવાની જ હતી. કોરોના એનું કારણ બન્યો…

સાચું પૂછો તો, આખી દુનિયા કોરોનાના હુમલા સામે હચમચી ગઈ છે. તેમ છતાં, આપણા દેશમાં
સ્વાસ્થ્ય અથવા હેલ્થકેરની સિસ્ટમ વધુ ઝડપથી અને વધુ પાયામાંથી તૂટી છે. અત્યાર સુધી જે ખામીઓ
હતી એ ઉઘડીને સામે આવી કારણ કે, આપણા દેશમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ફક્ત 1.5 ટકા
હેલ્થકેરમાં ઈન્વેસ્ટ થાય છે. યુએસમાં 18 ટકા અને યુરોપિયન દેશોમાં 10થી 12.5 ટકા જેટલો જીડીપી
હેલ્થકેર માટે વપરાય છે. યુએસમાં દર દસ હજારે 26 ડોક્ટર છે, આપણે ત્યાં દસ હજાર વ્યક્તિએ પાંચ
ડોક્ટર છે. અને એક હજારની વસતિમાં ત્રણ નર્સ હોવી જોઈએ જ્યારે આપણે ત્યાં એક હજારની વસતિ
ઉપર એક નર્સ છે. અંગત રીતે સ્વાસ્થ્યનો વીમો કરાવવો એ આપણા દેશમાં દરેક વ્યક્તિને પોષાતું નથી અને
આપણી સરકાર યુએસ કે યુરોપની જેમ જાહેર સ્વાસ્થ્યની પૂરી જવાબદારી લઈ શકે એટલી સક્ષમ નથી (બેંક
અને સરકારી સ્કેમના આંકડા ભલે હજારો-કરોડમાં હોય, પરંતુ જાહેર સ્વાસ્થ્યમાં આપણે ખૂબ ગરીબ છીએ)

શિક્ષણનો અભાવ અને ગીચ વસતિ પણ આપણા અસ્વસ્થ જીવન માટે મહદ્અંશે જવાબદાર છે.
જેનો કોઈ સીધો ઉપાય મળી શકે એમ નથી… અતિશય પ્રમાણમાં પ્લાસ્ટિક વાપરવું અને ફેંકવું, કચરો ગમે
ત્યાં ઠાલવી દેવો, જાહેરમાં થૂંકવું અને ગરીબીને કારણે જાહેરમાં શૌચ જેવી બાબતોએ આપણા જાહેર
સ્વાસ્થ્યને બહુ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું. વિશ્વની કોઈ સરકાર એકએક વ્યક્તિની જવાબદારી લઈ શકે
નહીં, એ શક્ય જ નથી. દુઃખની વાત એ છે કે, આપણા દેશમાં જેમને જવાબદાર ગણવામાં આવ્યા હતા
એવા સરકારી અમલદારો, સરકારી સ્વાસ્થ્યકર્મીઓ અને જેની પાસેથી માણસાઈ અપેક્ષિત હતી એવા
સામાન્ય નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિષ્ઠાથી નિભાવી નહીં…

હજી મોડું નથી થયું. વિશ્વની કોઈ ક્રાંતિ સંઘર્ષ કે ખુવારી વગર થતી નથી. હિંમત કરીને ગેરરીતિ કે
ખોટી બાબતોને બહાર પાડવાનો પ્રયાસ કરીએ. થોડી તકલીફ પડશે પણ ભ્રષ્ટ સિસ્ટમનો હિસ્સો બનવાને
બદલે, એનો વિરોધ કરીએ. આપણી પાસે એક બહુ જ મોટું હથિયાર છે જેનું નામ આપણો મત, અથવા
વોટ છે… એનો સાચો અને સારો ઉપયોગ કરીએ. સોશિયલ મીડિયા પર અંદરોઅંદર યુદ્ધ કરવાને બદલે
સાથે મળીને આ તૂટી પડેલી સિસ્ટમની એકએક ઈંટ ગોઠવતા જઈશું તો 135 કરોડ ઈંટોની માતબર અને
મજબૂત ઈમારત બનાવી શકીશું…

2 thoughts on “ना पुण्य से डरती हूँ ना पाप से डरती हूँ, मैं तो सिर्फ अपने आप से डरती हूँ.

  1. જયરામ ઠાકોર says:

    કાજલબેન હું આપની વાતો સાથે સંમત છું. સિસ્ટમમાં સડો ફેલાયો છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. બધાને લાંચ લેવી છે અને આપવી છે. પછી ગમે તેની સરકાર હોય .

Leave a Reply to જયરામ ઠાકોર Cancel reply

Your email address will not be published. Required fields are marked *