21 જૂન, 2019ના રોજ એક ફિલ્મ રિલીઝ થઈ, ‘કબીર સિંઘ’ … મૂળ તેલુગુ ફિલ્મ ‘અર્જુન
રેડ્ડી’ની રિમેક એવી આ ફિલ્મમાં ‘હીરો’ની બોલિવુડની વ્યાખ્યાને તોડી-મરોડીને ફેંકી દેવામાં આવી.
સતત ‘સાચો, સારો અને પ્રામાણિક, ગુડબોય’ રહેતો, ‘માનો લાડલો’ હીરો અહીં શરાબ પીએ છે.
મારામારી કરે છે. ડ્રગ્સ લે છે અને એક ક્વોલિફાઈડ ડૉક્ટર હોવા છતાં પોતાની કારકિર્દીને રફેદફે કરી
નાખે છે… ફિલ્મ જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સને બતાવવામાં આવી ત્યારે સૌનું માનવું હતું કે આ ફિલ્મ
તેલુગુમાં ભલે ચાલી, પણ હિન્દીમાં આવી ફિલ્મ નહીં ચાલે… સૌની નવાઈ વચ્ચે ફિલ્મ ચાલી એટલું
જ નહીં, સુપરહિટ થઈ ગઈ!
એ પછી દક્ષિણની એવી અનેક ફિલ્મો હિન્દીમાં ડબ કરીને રજૂ કરવામાં આવી જેમાં ‘નાયક’
અથવા ‘હીરો’ની વ્યાખ્યા બદલી નાખવામાં આવી હતી. દક્ષિણમાં ‘હીરો’ સતત સારો ‘ડાહ્યો કે
ગુડબોય’ બતાવવામાં નથી આવતું. અન્યાયની સામે લડતો હીરો ક્યારેક પ્રામાણિકતાની દીવાલને
ઓળંગી જાય છે, જ્યારે અત્યાર સુધી હિન્દી સિનેમામાં આવું થતું નહોતું. એ પછી આવી અલ્લુ
અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’… બંને ફિલ્મોમાં હીરો વધેલી દાઢીવાળો, ‘શેબી’ અને ‘નોટ ગુડલુકિંગ’ હતા.
હિન્દી સિનેમામાં હીરો ભલે દાણચોર હોય કે ગુનેગાર, એ સારો દેખાવો જોઈએ, સુટ કે બ્રાન્ડેડ
કપડાં તો પહેરે જ… પરંતુ, અહીં એમણે નાયકની એક નવી વ્યાખ્યા હિન્દી સિનેમાને આપી. યુવાનો
આ નવી વ્યાખ્યા સાથે જોડાયા એટલું જ નહીં, ‘ઝુકેગા નહીં’ કહીને દાઢી નીચે હાથ ફેરવતા અલ્લુ
અર્જુનની સ્ટાઈલ નાનામાં નાના માણસથી કરોડપતિના દીકરાઓ સુધી બધા કોપી કરવા લાગ્યા.
સવાલ એ છે કે, અત્યાર સુધી જેને આપણે ‘હીરો’ માનતા હતા એ કેવી રીતે બદલાયો? કેમ
બદલાયો? આના જવાબ માટે સિનેમાનો ઈતિહાસ તપાસવો પડે… ’70ના દાયકાની શરૂઆતમાં
અમિતાભ બચ્ચન એક નવા જ ‘હીરો’ની ઈમેજ સાથે પ્રવેશ્યા. સલીમ-જાવેદની કલમે એક વિદ્રોહી,
ભગવાનમાં નહીં માનતો, સમાજના નિયમોને નેવે મૂકતો છતાં ‘માને પ્રેમ કરતો’, શરાબ પીતો અને
દાણચોરી કરતો ‘હીરો’ (એન્ગ્રી યંગમેન) હિન્દી સિનેમાને આપ્યો. ભારતની આઝાદીને 30 વર્ષ થવા
આવ્યા હતા. આઝાદી સમયે જે લોકો બાળક હતા એ યુવાન થયા હતા. એમના સપનાં તૂટી પડ્યા
હતા. આઝાદી પછી આ દેશમાં જે બદલાવ આવશે એવું સૌ માનતા હતા એ ખોટા પડ્યા હતા. એ
સમયે, સિસ્ટમનો વિરોધ કરનાર-બની બેઠેલા પ્રસ્થાપિત હિતો સામે અવાજ ઉઠાવનાર હીરો
સુપરહિટ થઈ ગયો. લગભગ બધા એ સમયે અમિતાભ બચ્ચનની કોપી કરવા લાગ્યા. મંદિરમાં ન
જવું, સરકારી અમલદાર પિતાનો વિરોધ કરવો કે પ્રામાણિકતાને નેવે મૂકીને કમાઈ લેવું, દાણચોર કે
અભણ હોવામાં શરમ ન અનુભવવી કે પ્રેમિકાની સામે પોતાની લાગણી વ્યક્ત કરવામાં એક ઈગો
અથવા અહમનો અનુભવ કરવો… આ બધું એ સમયની પેઢીને ‘સલીમ-જાવેદ’ અથવા બચ્ચન
સાહેબે આપ્યું.
એ પછી ફરી એકવાર ‘ગુડબોય હીરો’ની ઈમેજ બજારમાં આવી. રીશિ કપૂર, જિતેન્દ્ર અને
બીજા ક્લિન શેવ્ડ, ગોરા-રુપાળા અને સારા દેખાતા, પ્રામાણિક, પ્રેમિકા માટે જાન પર ખેલી જતા
હીરોની એક આખી પેઢી પસાર થઈ ગઈ. રીશિ કપૂરે એક ‘ચોકલેટ’ ઈમેજ આપી, જે પહેલાં ક્યારેય
કોઈએ નહોતી આપી! મસલ્સ બતાવતા, મારામારી કરતા અને ‘મર્દાના’ હીરોની જગ્યાએ
હીરોઈનથીયે સારી ત્વચા ધરાવતો, ગોરો-રુપાળો હીરો એ સમયની યુવા છોકરીઓને ગમી ગયો.
એના સ્મિત પર છોકરીઓ કુરબાન થતી. આ બાસ્કેટમાં કુમાર ગૌરવ પણ ઉમેરાયો, જોકે ઝાઝું
ચાલ્યો નહીં.
એ પછી ફરી એકવાર રણબીરસિંઘે ‘ગલી બોય’ આપી. ‘પદ્માવત’માં શાહિદ કપૂર કરતાંય
વધારે ‘અલ્લાઉદીન ખીલજી’ એટલે કે રણબીરસિંઘના વખાણ થયા. ધીરે ધીરે આ ‘એન્ટી હીરો’ને
‘હીરો’ બનાવવાની એક નવી પ્રથા દક્ષિણથી આપણી તરફ આવી પહોંચી. થોડું પૌરાણિક અને
શાસ્ત્રોની દૃષ્ટિએ વિચારીએ તો સમજાય કે, દક્ષિણમાં દ્રવિડો હતા, ઉત્તરમાં આર્યો. ઉત્તરથી આવેલા
આર્યો ઊંચા-પહોળા-ગોરા, સ્પષ્ટ નાક-નકશો ધરાવતા દેખાવડા પુરૂષો હતા. સંસ્કૃત બોલતા અને
લાંબા વાળ રાખતા, શૃંગાર કરતા. બીજી તરફ, દ્રવિડો કાળા પ્રમાણમાં ઠીંગણા અને સુંદર કહી શકાય
એવા નહોતા… એ સમયના સાહિત્યમાં પણ આપણને આ આર્યો અને દ્રવિડોની વચ્ચેનો તફાવત
જોવા મળે છે. રાવણ જ્ઞાની-વિદ્વાન હતા, પરંતુ રામ જેટલા સુંદર હતા કે નહીં એ વિશે કોઈ વિગતો
આપણને મહાકાવ્યમાં મળતી નથી!
આજે પણ એ વાતને પુષ્ટિ આપતી ફિલ્મો દક્ષિણમાં બને છે. તમિલ, તેલુગુ અને મલયાલમ
ફિલ્મોના હીરો સિક્સ પેક ધરાવતા, રફટફ, માચો હેન્ડસમ હીરો નથી. બલ્કે, એમાંના કેટલાક તો
સહેજ પેટ નીકળી આવ્યું હોય એવા, પ્રમાણમાં જાડા કહી શકાય તેવા અને ‘દેખાવડા’ની કેટેગરીમાં ન
આવે તેવા છે, છતાં સુપરહિટ છે-રજનીકાન્ત! દક્ષિણના પ્રેક્ષકોને પણ એમના જેવા જ હીરો પસંદ
છે. એક સામાન્ય દેખાવનો, (એમના જેવો જ) માણસ જબરજસ્ત ફાઈટ (માની ન શકાય તેવી) કરી
શકે એ જોઈને દક્ષિણનો પ્રેક્ષક પોરસાય છે.
ફિલ્મના પ્રેક્ષકો બે પ્રકારમાં વહેંચાય છે. એક છે, આઈડિયલાઈઝ કરવું… અને બીજું છે,
આઈડેન્ટિફાઈ કરવું. અમોલ પાલેકર કે રાજકુમાર રાવ, આયુષ્માન ખુરાના જેવા અભિનેતાઓએ
પ્રેક્ષકને આઈડેન્ટિફિકેશન આપ્યું. સાદો-સીધો મધ્યમવર્ગીય, પ્રમાણમાં સહેજ ડફોળ કહી શકાય તેવો
ભોળો, મારામારી ન કરી શકે અને એની પ્રેમિકાને બીજા લઈ જાય… આ બધું જ ભારતીય પ્રેક્ષકને
‘પોતાના જેવું’ લાગ્યું. તો બીજી તરફ, આઈડિયલાઈઝ થઈ શકે તેવા અભિનેતાઓ, અમિતાભ
બચ્ચન, ધર્મેન્દ્ર કે વિનોદ ખન્ના જેવા ખૂબ દેખાવડા અભિનેતાઓ પ્રેક્ષકોને એમના જેવા બનવાની
પ્રેરણા આપતા રહ્યા… એમના સમયમાં અભિનેત્રીનું કામ રૂપાળા દેખાવાનું અને હીરોને પ્રેમ કરવાનું
જ હતું. માતા-પિતાની કહ્યાગરી અથવા ઉદ્દંડ, પૈસાવાળાની બગડેલી દીકરી સિવાય કોઈ ત્રીજું પાત્ર
ભાગ્યે જ એમના નસીબમાં હતું.
હિન્દી સિનેમાની વ્યાખ્યા ત્યાં સુધી સ્પષ્ટ હતી, પરંતુ ધીમે ધીમે બધું બદલાયું. હવે પ્રેક્ષક
માટે ‘વાર્તા’ હીરો બની ગઈ છે. સ્ત્રી કે પુરૂષના પાત્રો ડિફાઈન્ડ-સ્પષ્ટ ભેદરેખા સાથે નથી લખાતા.
કોરોના પછી જે પ્રકારના પ્લેટફોર્મ્સ ખૂલ્યા, એમાં ખલનાયક અને નાયક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ
ગઈ છે. ‘કબીરસિંહ’ અને ‘પુષ્પા’ જેવી ફિલ્મોના દાખલા તો છે જ, પરંતુ ઓટીટીમાં તો હવે
હોમોસેક્સ્યુઅલ કે લેસ્બિયન પણ ‘હીરો’ છે. પત્ની કે પ્રેમિકા સાથે ‘ચીટ’ કરનારો પુરૂષ પણ ‘હીરો’ છે.
પતિને છોડી દેનારી કે સંતાનને મૂકીને પ્રેમી સાથે જીવવાનું નક્કી કરતી મા અથવા પત્ની પણ ‘હીરો’
છે.
ભરતનાટ્ય શાસ્ત્ર પ્રમાણે ‘નાયક’ અથવા હીરો એટલે જે સમાજ સામે ઉદાહરણ પૂરું પાડે.
જે શ્રેષ્ઠ હોય, વીર હોય, પ્રામાણિક, ઉદ્દાત અને અન્યથી અલગ હોય… એવી જ રીતે ખલનાયક
એટલે અપ્રમાણિક હોય. શ્રેષ્ઠ-નાયકની સામે હારી જાય. અધર્મનો આશરો લે માટે ધર્મની સામે જેણે
ઝૂકવું પડે એ ખલનાયક… હવે આ ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. કોણ નાયક અને કોણ ખલનાયક એ
કહેવું ધીમે ધીમે મુશ્કેલ બનતું જાય છે. રામગોપાલ વર્માની ‘સરકાર’ હોય કે ચંદ્રા બારોટની ‘ડૉન’,
ક્રિષ્ણા શાહની ‘શાલીમાર’ હોય કે સિધ્ધાર્થ આનંદની ‘બેંગ બેંગ’… દાણચોર, કુટિલ રાજનીતિજ્ઞ કે ચોર
હીરો હોઈ શકે એ વિચાર ધીમે ધીમે આપણામાં પગપેસારો કરતો જાય છે. ખાસ કરીને, યુવા પેઢી
આવા ‘એન્ટી હીરો’ને હીરો તરીકે સ્વીકારીને એમના જેવા બનવાનો પ્રયાસ કરવા લાગી છે, જે
ભયજનક છે.
સિનેમાની સમાજ ઉપર અસર છે એ વાત આપણે સ્વીકારવી પડે, અર્થ એ થયો કે, જેના
અનેક ફોલોઅર હોય એવા લોકો (અભિનેતા કે દિગ્દર્શકે) થોડીક સામાજિક જવાબદારી સ્વીકારવી
અને સમજવી પડે. પોતે સમાજને શું પીરસી રહ્યા છે એ વિશે જો થોડીક સજાગ અને સભાન
પસંદગી નહીં થાય તો નવી પેઢી ધીમે ધીમે ખલનાયકને જ નાયક માનતી થઈ જશે… અને, આપણે
આપણા પછીની પેઢીમાં ખલનાયકને જ નાયક તરીકે સ્વીકારવા પડશે.