‘તુમ એક અજીબ ઔરત હો. બહોત હી એટ્રેક્ટિવ હો, એક ફાયર હૈ તુમમેં… લેકિન તુમ્હારે
સાથ જી સકે, તુમકો ઝેલ સકે ઐસા મર્દ નહીં મિલેગા તુમ્હે !’ રાજકપૂરે જ્યારે આ વાત એમને કહી
હતી ત્યારે એ હસી પડેલા, પરંતુ 75 વર્ષની ઉંમર સુધી એકલાં રહેલાં નાદિરાજીને કદાચ પછીથી
રાજ સા’બની વાત સાચી લાગી હશે. કેડબરીઝની બાજુમાં વસુંધરા નામના બિલ્ડીંગમાં હાજી અલી
પાસે એ પૂરી હિંમત અને સ્વમાન સાથે એકલાં જીવ્યાં. એમના સમયની એ બોલ્ડ ઈન્ડિપેન્ડેન્ટ અને
કમાતી એક એવી મજબૂત સ્ત્રી હતી જેણે રોલ્સ રોયસ ખરીદેલી!
1952માં એમની પહેલી ફિલ્મ રિલિઝ થઈ ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે, હિન્દી ફિલ્મ
ઈન્ડસ્ટ્રી એક જ્યુઈશ સ્ત્રીને આવી રીતે આવકારશે. આ ભારતની પહેલી ટેકનિકલ ફિલ્મ હતી. જે
16 એમ.એમ. ગેવા કલરમાં શૂટ કરવામાં આવી હતી. એ સમયે ફિલ્મોમાં કામ કરવાની પ્રવૃત્તિને બહુ
માનની નજરે જોવાતી નહીં. ફિલ્મોમાં કામ કરતી સ્ત્રીઓ વિશે સમાજમાં જાતભાતની વાતો થતી.
નાદિરાજી એમના સમયમાં એમની ટર્મ્સ પર જીવ્યાં. એક અદભૂત દેખાતી એવી સ્ત્રી જેણે
1999માં પૂર્ણિમા લમછાને નામની પત્રકારને ઈન્ટરવ્યૂ આપતી વખતે કહેલું, ‘સેક્રેટરી નહીં રાખવાનું
એક કારણ એ પણ છે કે સેક્રેટરી ધીમે ધીમે આપણા અંગત રહસ્યો જાણતા થઈ જાય છે. સંબંધોથી
શરૂ કરીને આપણી નામી-બેનામી સંપત્તિ પણ એમની નજર બહાર નથી હોતી. એ સેક્રેટરીમાંથી
પ્રોડ્યુસર થઈ જાય છે, કારણ કે એની પાસે આપણને બ્લેકમેઈલ કરવાના ઘણા રસ્તા હોય છે.’ હું
કોઈનાથી ય દબાવ કે ડરું એ મારો સ્વભાવ જ નથી. શરૂઆતમાં એકવાર ‘શ્રી 420’ પછી મેં સેક્રેટરી
રાખવાની કોશિષ કરેલી. નિર્માતાઓ પાસે જવું, પબ્લિસિટી કરવી વગેરે મને અનુકુળ નહોતું એટલે
મને લાગ્યું કે મારો સેક્રેટરી એ કામ કરી શકશે પણ એ માણસ જેટલો રોલ લાવ્યો એ બધા ‘શ્રી 420’
પછી એક સરખા જ રોલ હતા… બધા જ ઈચ્છતા હતા કે હું ‘શ્રી 420’ની જેમ ચપોચપ કપડાં
પહેરું. બધા જ ઈચ્છતા હતા કે, હું સિગરેટ પીવું અને ખુલ્લા ખભા સાથે વેમ્પના રોલ કરું !
નવાઈની વાત એ છે કે, મેં લગભગ બધાને ના પાડી દીધી. જિંદગીમાં કશું પણ એકસરખું, એકધારું
મને ગમ્યું નથી. કદાચ એટલે જ સિનેમા મારા સ્વભાવને વધુ અનુકુળ આવે એવો વ્યવસાય પૂરવાર
થયો. રોજ સવારે ઊઠીને કશું નવું કરવાની તક આપે છે સિનેમા. એક જ જિંદગીમાં કેટલા પાત્રો,
કેટલા પરિવેશ અને કેટલા સ્વરૂપ જીવી શકાય છે ! મારા આખા ઘરમાં મારી કારકિર્દી સાથે જોડાયેલા
ફોટા અને ટ્રોફીઝ છે. હું રોજ એ ફોટા પરથી ધૂળ લુછુ છું… મારી ટ્રોફીઝ મને યાદ અપાવે છે કે મેં
મારું કામ પૂરી નિષ્ઠા અને પૂરી આવડતથી કર્યું છે. 1952થી 2000… લગભગ પાંચ દાયકાની મારી
કારકિર્દીમાં મેં લગભગ 80થી વધારે હિન્દી ફિલ્મ અને 150થી વધુ બીજી ભાષાની ફિલ્મો કરી. જેમાં
અંગ્રેજી, તેલુગુ, તામિલ, બંગાળી અને મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે. કેટલીક અંગ્રેજી અને હિન્દી
ટેલિવિઝન સીરિયલમાં પણ મેં કામ કર્યું.
એમનો જન્મ એક બગદાદી યહૂદી પરિવારમાં થયો. સુખી-સંપન્ન અને મોર્ડન કહી શકાય
એવા પરિવારમાં બે ભાઈ અને એક બહેન, જેનું મૂળ નામ ફ્લોરન્સ એઝેકિએલ નાદિરા હતું. એ
પોતાના જમાનામાં ‘આન’ની પ્રિન્સેસ રાજેશ્રીના રોલમાં એટલાં તો વખણાયા કે એમના સમયના
બધા જ એક્ટર એમની સાથે કામ કરવા માગતા હતા. એમના વિશે પત્રકારો જાતભાતનું લખતા.
દિલીપકુમાર, રાજકપૂર, મોતીલાલ, ચંદ્રમોહન, ભારત ભૂષણ અને બીજા અનેક હીરો સાથે એમનું
નામ જોડાતું રહ્યું. એ શરાબ પીતાં, સિગરેટ પીતાં અને જે જીવતાં એમાં કશું છૂપાવતાં નહીં…
1952થી 1958 નાદિરાજીનો સુવર્ણકાળ હતો. એ જેની સાથે કામ કરતા એ લેખક, એક્ટર,
દિગ્દર્શક અને પ્રોડ્યુસરની પત્નીઓ સતત ગભરાયેલી રહેતી ! સૌને લાગતું કે એમના પતિનો નાદિરા
સાથે અફેર થઈ જશે ! એ હિંમતવાળા હતાં, પણ ચાલુ, સ્લટ કે લફરાંબાજ નહોતાં. પુરૂષો સાથે
શરમાઈને વાત કરવાને બદલે એ હિંમતથી, ધબ્બા મારીને કે હસીને વાત કરતા. નવાઈની વાત એ છે
કે આજે, 70 વર્ષ પછી પણ સ્ત્રી વિશે આપણી માનસિકતા બદલાઈ નથી. 1952માં નાદિરા વિશે
જે માનવામાં આવતું હતું, એ જ આજે પણ હિંમતવાળી, ઈન્ડિપેન્ડન્ટ, બોલ્ડ કે પુરૂષો સાથે ડરીને-
શરમાઈને વાત કરવાને બદલે હિંમતથી હસીને વાત કરતી સ્ત્રીઓ વિશે માનવામાં આવે છે !
જેણે 1200 રુપિયાને મહેનતાણાથી પોતાની પહેલી ફિલ્મ કરી એ બોલિવૂડની એવી પહેલી
સ્ત્રી હતી જેણે રોલ્સ રોયસ ગાડી ખરીદી, હાજી અલી પર ફ્લેટ ખરીદ્યો અને પોતે કમાયેલા પૈસા
પોતાની સમજદારીથી જાતે જ એવી રીતે ઈન્વેસ્ટ કર્યા કે, જિંદગીના છેલ્લા કલાક સુધી એમને
આર્થિક સંકડામણમાંથી પસાર થવું પડ્યું નહીં. એમના સમયની ઘણી અભિનેત્રીઓ જે મુશ્કેલીમાંથી
પસાર થઈ એવું નાદિરાજીએ ભોગવવું પડ્યું નહીં.
1958માં એમના પિતા અને ભાઈઓએ બિઝનેસમાં મોટું નુકસાન કર્યું. દીકરી હોવા છતાં,
નાદિરાજી પોતાના પરિવારની પડખે ઊભાં રહ્યાં અને દસ વર્ષ સુધી પરિવારના ચૌદ લોકોને એમણે
એક સલામત અને સુખી જિંદગી આપવાનો પ્રયાસ કર્યો. સત્ય એ છે કે, જે નાદિરાજીને ઓળખતા
હોય, એકવાર મળ્યા હોય એને સમજાય કે, નાદિરાજી અત્યંત પ્રેમાળ અને સંવેદનશીલ વ્યક્તિ હતા.
તનુજા, નિમ્મિ, દિપ્તિ નવલ, મિલિંદ સોમન એમના અંગત મિત્રો હતા, જે છેક સુધી એમના મિત્રો
રહ્યાં.
આપણે બધા જ બહુ જજમેન્ટલ છીએ. આખો સમાજ સ્ત્રી વિશેનાં નિર્ણયો મોટેભાગે
ઝડપથી અને એના બાહ્ય દેખાવ પરથી કે વર્તાવ પરથી કરી નાખે છે. એ શું પહેરે છે, કે શું કામ કરે
છે, રાત્રે કેટલા વાગ્યે ઘરે આવે છે અથવા કયા પ્રકારનું જીવન જીવે છે એ વિશેના અભિપ્રાયો
મોટેભાગે સ્ત્રીને નહીં ઓળખનારા લોકો આપે છે ! ‘કાનો કાન સાંભળેલી’ વાતો વહેતી થાય છે અને
સ્ત્રીના ચારિત્ર્યનું સર્ટિફિકેટ એક પછી એક લોકો પોતાની સહી કરીને બજારમાં મૂકવા લાગે છે.
જે નિયમો આ સમાજ સ્ત્રી માટે બનાવે છે એમાંના કોઈ નિયમો અથવા મોટાભાગના
નિયમો પુરૂષને લાગુ પડતા નથી. સમાજ, માત્ર સ્ત્રીનો બનેલો નથી. ચારિત્ર્ય માત્ર સ્ત્રીનું જ સારું
હોવું જોઈએ ? પુરૂષનું નહીં ? એ વિશે બે મત પ્રવર્તે છે. હજી હમણા જ એક અભિનેતાએ જાહેર
સ્ટેટમેન્ટ કરેલું, ‘આપણે તરસ લાગે તો ગમે ત્યાં પાણી પી શકીએ, પણ ઘરનું માટલું તો ગાળીને જ
ભરીએ ને ?’ આ સ્ટેટમેન્ટ માત્ર સ્ત્રી પૂરતું જ મર્યાદિત છે એટલે ‘ઘરનું માટલું માત્ર સ્ત્રી છે, પુરૂષ
નહીં ?’
સૌથી અગત્યની અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, આવો સવાલ જ્યારે કોઈ સ્ત્રી પૂછે છે
ત્યારે એ વિશે અનેક પુરૂષો ભેગા થઈને એને ચૂપ કરાવી દેવા માટે બૂમાબૂમ કરી મૂકે છે. સવાલ
પૂછવાનો અધિકાર છેક દ્રૌપદીના કાળથી આજ સુધી સ્ત્રી પાસે ન હોવો જોઈએ કે એને ન મળવો
જોઈએ આવું માનનારા પુરૂષોની સંખ્યા આજે પણ ઓછી નથી.
વાત માત્ર નાદિરાજીની નથી. હિંમતવાળી, બોલ્ડ, સવાલ પૂછતી કે પુરૂષો સાથે એમના જેવા
જ આત્મવિશ્વાસથી હરતી-ભરતી, હસતી કે મજાક કરતી સ્ત્રીઓને સહજતાથી ‘ચાલુ’નું લેબલ
ચોંટાડી દેતા આ સમાજમાં એવી કેટલીયે સ્ત્રીઓ છે જે પોતાની ટર્મ્સ પર જીવે છે, સફળ છે છતાં,
એકલી છે !