નાગાલેન્ડ અને હેલિકોપ્ટર હાદસો સંબંધ કે અકસ્માત માત્ર ?

 નાગાલેન્ડના 14 લોહીયાળ મૃત્યુની હજી કળ વળે એ પહેલાં સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટર હાદસાએ ફરી ચોંકાવી દીધા
છે. સમગ્ર રાષ્ટ્ર માટે આ આઘાતની ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે મીડિયાએ ઉઠાવેલો સવાલ પણ મહત્વનો છે. આ દેશની સેનાના અધ્યક્ષ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હતા, એ જો સલામત ન હોય તો આપણે સૌ કઈ સલામતીના આધારે આ દેશની સરહદોને સુરક્ષિત માનીને નિરાંતે આપણા ઘરોમાં જીવી રહ્યા છીએ !

 સેના-આર્મી, નેવી અને એરફોર્સના જવાનો રાત-દિવસ જોયા વગર આપણી સુરક્ષા માટે તૈનાત હોય છે, પરંતુ સેનાના ‘જવાનો’ અને ‘ઓફિસર્સ’ના જીવન અને પ્રામાણિક્તા, દેશદાઝની એમની માન્યતાઓમાં ક્યારેક વિરોધાભાસ જોવા મળે છે.

 જેમ દુનિયામાં દરેક વ્યક્તિ પ્રામાણિક નથી એમ સેના વિશે પણ હોઈ જ શકે છે. દેશની ઉચ્ચતમ સિક્રેટ્સ, હથિયારોની-વિમાનો કે સબમરીન-નૌકાઓની ખરીદી, ડિલીવરીમાં જોવા મળતી. આવી અપ્રમાણિકતા ભલે ઓછી હોય પણ દૂધના ભરેલા તપેલામાં ઝેરના એક જ ટીપાંની જેમ બધું બરબાદ કરી શકે છે. જે લોકો આપણી સુરક્ષા માટે ઝઝૂમે છે એમને મળતી સગવડોમાં જ્યારે ક્લાસ ડિફરન્સ ઊભો થાય ત્યારે એમની પ્રમાણિકતા હચમચી જતી હશે? જે આગળની હરોળમાં જીવ આપવા ઊભા હોય એવા “જવાન” અને ઓફિસર વચ્ચે સત્તા અને સગવડ, બેઉનો ફરક હોય છે તેમ છતાં “જવાન” વધુ પ્રમાણિક અને જાંનિસાર જોવા મળે છે, એવું કેમ હશે ?!

 પહેલાં જે કિસ્સા આપણને કાશ્મીર વિશે સાંભળવા મળતા હતા એ હવે ઉત્તર-પૂર્વની સરહદે શરૂ થયા છે. ‘મિલીટન્ટ’ના નામે કાશ્મીરી નાગરિકોની હત્યા થતી રહી. એમના ઘરોમાં ઘુસીને એક તરફ પાકિસ્તાની આતંકવાદીઓ પરાણે એમના કુમળી વયના દીકરાઓને ઉઠાવી જાય, એમની સુંદર દીકરીઓ સાથે બળાત્કાર કરે ને બીજી તરફ, ભારતીય સેના પણ એમને જ શંકાની નજરે જુએ… આવું વર્ષો સુધી ચાલતું રહ્યું, પરંતુ 370નો કાયદો હટાવવાની હિંમત અને કુનેહને કારણે ત્યાં થોડી નિરાંત કે શાંતિ થઈ, તો હવે ઉત્તર-પૂર્વના ઈલાકામાં એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે.

 નાગાલેન્ડના મોન જિલ્લામાં કોલસાની ખાણમાં કામ કરતા થોડા યુવકો સાંજે પાછા ન ફરતાં ગામના લોકો એમને શોધવા નીકળ્યા (ખરેખર?!) અને આ ગામલોકોને એક પિક-અપ વેનમાં પડેલી યુવકોની લાશ મળી. ગામલોકો ભડક્યા. સેનાના જવાનોની ગાડી બાળી, એમને મારવા-મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ‘સેલ્ફ-ડિફેન્સ’માં જવાનોએ ફાયરિંગ કર્યું. જેમાં બીજા 8 ગામલોકોની જાનહાનિ થઈ.

 આ ઘટનાની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં સેનાધ્યક્ષ-એમના પત્ની સાથે બીજા તેર જણાનું હેલિકોપ્ટર ક્રેશ થયું ! આ બે ઘટનાને પરસ્પર જોડવી કે નહિં એ તો કેમ કહી શકાય, પરંતુ કચ્છ, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીરની બોર્ડર પર ચાલતાં છમકલાં, ઝારખંડ અને મધ્ય પ્રદેશના નક્સલી પછી હવે ફરી એકવાર ઉત્તર-પૂર્વ માથું ઉંચકે છે ત્યારે સરકાર અને સુરક્ષાતંત્ર ચારે તરફથી સમસ્યા વડે ઘેરાઈ રહ્યાં છે.

 દેશમાં સતત અશાંતિના વાતાવરણ વચ્ચે ટકી જવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરતી ભાજપની સરકારને બંગાળનો ફટકો ભારે પડ્યો છે. હવે સવાલ એ છે કે, ભારતીય સેના-જળ, વાયુ અને જમીન પર રહીને આપણી રક્ષા કરે છે, પણ એમની ‘રક્ષા’ કે એમના ગુન્હા માટે ‘શિક્ષા’ની જવાબદારી કોણ લેશે ?

 ઉત્તર-પૂર્વમાં કોલસાની ખાણમાંથી ઘેર પાછા ફરી રહેલા જુવાન ગામવાસીઓને કોણે મારી નાખ્યા ? શા માટે ? શું ખરેખર આ ભારતીય
સેનાની ભૂલ હતી કે પછી કોઈએ ખોટી ટીપ આપીને સેનાના જવાનોને ફસાવ્યા ?

 જનરલ બિપીન રાવત પાસે કોઈ માહિતી હતી જેને કારણે એમણે જીવ ખોયો કે પછી સાચે જ અકસ્માત હતો ? જેવા અનેક સવાલો પૂછાયા છે જેના ઉત્તર મેળવવાના બાકી છે.

 થોડો ભૂતકાળ ઉકેલીએ તો ઉરી કે પુલવામામાં પણ અંદરના જ કોઈ વ્યક્તિ દ્વારા કોમ્પ્રોમાઈઝ કરાયું હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી જ. સેનાની મુવમેન્ટ વિશે એમની જ અંદરના કોઈ દગાબાજ વ્યક્તિએ માહિતી લીક કર્યા સિવાય આટલું મોટું ઓપરેશન શક્ય નથી જ.

 ભારત એક એવો દેશ છે જ્યાં ઈમાનદારી અને બેઈમાની એક સાથે ઉછરે છે. તમામ ધર્મો, જાતિ-જ્ઞાતિ કે ભાષાના ભેદ વગર સમાન અધિકાર આપવાની કાયદાકીય ઉદારતા સાથે બદલાતી રહેલી સરકાર અને પક્ષોની બદલાતી નિયમાવલીમાં આ એક વાત અકબંધ રહી હોવા છતાં, આપણા જ દેશમાં રહીને-ઘુસીને આપણને અસલામત કરી રહેલા તત્વો વિશે ગંભીરતાથી વિચાર કરવો જ પડશે.

 માત્ર સરકાર કાયદા ઘડે-કાયદા હટાવે કે સુરક્ષા મજબૂત કરે એવી અપેક્ષા વગર હવે ભારતીય નાગરિકે પણ સજ્જ થવું પડશે.
‘આપણે શું ?’ કહીને અખબારને ઘડી વાળીને પસ્તીમાં નાખી દેતા કે ટી.વી.ની ચેનલ બદલી નાખતા ભારતીય નાગરિકોએ આ સુરક્ષાના રાજકારણને સમજવું પડશે. વિદેશી હસ્તક્ષેપને કારણે આપણી સરકાર સામે આંગળી ચીંધવાને બદલે મીડિયાએ પણ ફરી એકવાર સાચા અર્થમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ શીખવું પડશે. માત્ર પ્રશ્નો પૂછીને છોડી દેવાને બદલે એના જવાબ મેળવીને જનસામાન્ય સુધી
પહોંચાડવાની જવાબદારી સાચા અર્થમાં જો સમાચાર સંસ્થાઓ ઊઠાવી શકે તો એક સામાન્ય નાગરિક સુધી સાચી માહિતી પહોંચી શકે. ભારતીય નાગરિક પશ્ચિમના પ્રમાણમાં ‘અનઈન્ફોર્મ્ડ’ નથી, ‘મિસઈન્ફોર્મ્ડ’ છે. ધારણાઓ, અટકળો અને અભિપ્રાયોની વચ્ચે મતદાર ત્રિભેટે ઊભો રહી જાય છે. સોશિયલ મીડિયાએ ઊભી કરેલી એક વિચિત્ર પ્રકારની સ્વતંત્રતાને કારણે જેને જે ફાવે તે બોલવા અને લખવાની કુટેવ પડી છે. દરેક માણસ પોતાના તરફથી થોડીક ખોટી માહિતી ઉમેરે છે… ‘હું થોડી બેઈમાની કરું તો શું વાંધો ?’ની એક નાનકડી અંગત અપ્રમાણિકતા છેલ્લે કલેક્ટિવ અપ્રમાણિકતા બની જાય છે. પેઢીઓની નસોમાં અને દિમાગમાં આ અપ્રમાણિકતાના બીજ વહેવા લાગે છે.

આપણે સૌ જે દેશમાં વસીએ છીએ એ દેશની સુરક્ષાની જવાબદારી ‘પગારદાર’, આર્મી ઓફિસર્સની કે જવાનોની જવાબદારી માનીને આપણે સૌ બેધ્યાન, બેદરકાર અને બેપરવાહ થઈ ગયા છીએ. સમય છે, ત્યાં સુધી જાગીને આ આંતરવિગ્રહ અને અંગત અપ્રમાણિકતાને દૂર કરવાનો પ્રયાસ કરીએ. જે માહિતી આપણને મળે છે એ બધી જ સાચી નથી, એવી રીતે બધી જ ખોટી પણ નથી… ભણેલા લોકો પાસેથી આ વિવેક અપેક્ષિત છે. ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ એટલું વધારે છે અને અંતરિયાળ ગામડાં સુધી પેસી ગયેલો અજ્ઞાન અને ગરીબીનો સડો દિલ્હીની ખુરશી પર બેઠેલા લોકો દૂર નહીં કરી શકે એટલું નક્કી છે. સ્થાપિત હિતોને સરહદો સળગતી રાખવામાં રસ છે. જેથી આંતરિક વિકાસ રુંધાય અને ગૂંચવાય. વિશ્વની સૌથી મોટી લોકશાહી વરદાન પણ છે અને અભિશાપ પણ… આ લોકશાહીમાં વસતા નાગરિકોનો મત જ આ દેશનું ભાગ્ય લખશે એટલું આપણે સૌએ સમજી લેવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *