છેલ્લા થોડા વખતથી મીડિયા અને મતદારો ગુજરાતની દારુબંધી વિશે અટકળો કર્યા કરે છે. મુખ્યમંત્રી
વિજયભાઈ રુપાણીએ એક જાહેર નિવેદનમાં કહ્યું કે, ‘ગુજરાતમાંથી દારુબંધી હટાવવાનો સવાલ જ પેદા થતો નથી.’
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં દારુબંધી દાખલ કરીને ઉત્તરપ્રદેશમાં જે વિકાસ થયો એની આખું પાનું ભરીને જાહેરાત ગુજરાતી
અખબારોમાં પણ પ્રકાશિત થાય એટલો પ્રચાર મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથ યોગી કરી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં કે
કૃષ્ણના ઉત્તરપ્રદેશમાં શરાબની છૂટ થવી જોઈએ કે નહીં એના ઉપર ચર્ચા ચાલ્યા કરશે, પરંતુ શરાબ સાથે જોડાયેલા
કેટલાક અત્યંત લોકપ્રિય ગીતો અહીં યાદ આવે… હિન્દી સિનેમા અને સિનેમા સિવાય પણ શરાબને અનેક કવિ-
શાયરોએ પોતાની કવિતામાં વણી લીધી છે. ગુલામ અલીએ ગાયેલી ગઝલ, હંગામા હૈ ક્યુ બરપા, થોડી
સી જો પી લી હૈ… કે પછી એનીય પહેલાં નાઝાં શોલાપુરીએ લખેલી અને અઝિઝ નાઝાંએ ગાયેલી કવ્વાલી, આજ
અંગૂર કી બેટી સૈ મુહોબ્બત કર લે, શેખ સાહબ કી નસીહત સે બગાવત કર લે, ઇસકી બેટી ને ઉઠા રખી હૈ સર પર
દુનિયા, યે તો અચ્છા હુઆ અંગૂર કો બેટા ના હુઆ… કે પછી પંકજ ઉધાસને જે ગીતે લોકપ્રિયતા અપાવી એ ગીત, હુઈ
મહેંગી બહોત હી શરાબ કે થોડી થોડી પિયા કરો અને મૈં કહાં જાઉં હોતા નહીં ફૈસલા એક તરફ ઉસકા ઘર એક તરફ
મયકદા… જેવા ગીતોથી શરુ કરીને મનુભાઈ રબારીનું લખેલું, હાથમાં છે વ્હિસકીને આંખોમાં પાણી, બેવફા સનમ તારી
બહુ મહેરબાની… સુધી લંબાય છે.
અમિતાભ બચ્ચનના પિતા શ્રી હરિવંશરાય બચ્ચનનું એક પુસ્તક, ‘મધુશાલા’ જીવન સાથે જોડાયેલી ફિલોસોફીને
શરાબના માધ્યમથી સમજાવવાનો એક અદ્ભુત પ્રયાસ છે, ‘ધર્મ ગ્રંથ સબ જલા ચૂકી હૈ, જિસકે અંતર કી જ્વાલા, મંદિર,
મસ્જિદ, ગિરજે-સબકો, તોડ ચુકા જો મતવાલા, પંડિત, મોમિન, પાદરિયોં કે ફંદો કો જો કાટ ચુકા, કર સકતી હૈ આજ
ઉસી કા, સ્વાગત મેરી મધુશાલા.’
શરાબ પિવાય કે નહીં, પરંતુ ગીતોમાં શરાબ બહુ ગવાય છે… ક્યારેક વખણાય છે તો ક્યારેક વગોવાય છે ! આ
18 મે, 1984ના દિવસે ભારતના થિયેટર્સમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘શરાબી’ના એક ગીતમાં ‘અંજાન’ ના તખલ્લુસ સાથે
હિન્દી સિનેમા માટે ગીતો લખતા ગીતકાર લાલજી પાંડેનું એક ગીત શરાબ વિશેની ફિલોસોફી બહુ જુદી રીતે સમજાવે છે.
नशे मैं कौन नहीं हैं मुझे बताओ ज़रा, किसे है होश मेरे सामने तो लाओ ज़रा, नशा है सब पे मगर रंग नशे का है जुदा… આ
શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજાય કે નશો માત્ર શરાબમાંથી નથી આવતો બલ્કે, શરાબમાંથી
આવતો નશો પ્રમાણમાં ઘણો ઓછો હાનિકારક લાગે !
લાલજી પાંડે વારાણસીમાં જન્મ્યા હતા. 1997માં 66 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું. એમણે 1953થી શરુ
કરીને 1990ના દાયકા સુધી એમણે અનેક ફિલ્મો માટે ગીતો લખ્યા. એમનું સૌથી લોકપ્રિય ગીત એટલે ‘ખઈ કે પાન
બનારસ વાલા’, એની સાથે આ, લાલજી પાંડેએ (અંજાન) ‘ઈ હૈ બોમ્બઈ નગરિયા’ અને ‘જિસકા મુજે થા ઈંતજાર’
(ડોન), ‘મુક્કદર કા સિકંદર’નું ‘ઓ સાથી રે…’, ‘પ્યાર જિંદગી હૈ’ ‘દિલ તો હે દિલ’ અને ‘લાવારિસ’નું ‘જિસકા કોઈ
નહીં… ઉસકા તો ખુદા હોતા હૈ’ જેવા ગીતો લખ્યાં. નશા વિશેની એમની ફિલોસોફી સાચે જ સમજવા જેવી છે.
‘શરાબી’ના ગીતમાં એમણે લખ્યું છે, ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ, મૈકદે ઝૂમતે પૈમાનોં મેં હોતી હલચલ…’
એક રીતે જોવા જાઓ તો આ વાત જીવનની ફિલોસોફી સાથે જોડાયેલી છે. એને સ્થૂલ રીતે જોઈએ તો કદાચ વાત
શરાબની છે, પરંતુ જો સુક્ષ્મ રીતે એની ભીતર ઉતરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય કે નશો કઈ કેટલીય
બાબતોનો હોય છે. પદનો, પ્રતિષ્ઠાનો, સત્તાનો, સૌંદર્યનો અને ક્યારેક કઈ નહીં હોવાનો પણ (સત્વનો) નશો હોય છે.
આપણે કેટલીય વાર લોકોને પોતાને વિશે બોલતા સાંભળ્યા છે. માણસ જ્યારે પોતાને વિશે વાત કરીએ ત્યારે
એમાં નમ્રતા કે પરમતત્વના શરણની વાત સંભળાવી જોઈએ. જો એમાં અહંકાર કે હુંકાર સંભળાય તો માનવું કે એ શરાબ
પીતા હોય કે નહીં, નશામાં છે ! આ નશો શું કામ કરે છે ? મગજમાં જઈને આપણી વિચારવાની કે સમજવાની શક્તિને
કુંઠિત કરી નાખે છે, એ સિવાય આપણા મગજમાં ચાલતી વાતને ઉઘાડીને મૂકી આપે છે, ને ત્રીજું સૌથી મહત્ત્વનું કામ,
આપણા મૂળ વ્યક્તિત્વને છતુ કરી નાખે છે. હવે વિચારીએ તો સમજાય કે પદ, પ્રતિષ્ઠા, સૌંદર્ય કે સત્વનો નશો પણ અંતે
તો આ જ કરે છે… ઊંચા પદ પર બેઠેલો માણસ જો નમ્ર ન હોય, સજ્જન કે સમજદાર ન હોય, જો એનામાં પોતાના
પદને શોભાવતી લાયકાત ન હોય તો એના પદનો નશો એને ભ્રષ્ટ કરી નાખે છે. સરકારી અફસર, પોલિસ અધિકારીઓ,
મંત્રીઓ કે સામાજિક સ્તરે અમુક પ્રકારનું પદ ધરાવતા લોકો એ પદના નશામાં એટલા ચૂર થઈ જાય છે કે એ પોતે જ
પોતાના દુશ્મન બની જાય છે. એમને મળેલી એ સત્તા કે પદને આવા લોકો એટલું ભ્રષ્ટ કરે છે કે અંતે એમણે એ પદ છોડવું
પડે છે અથવા પદ એમને છોડી દે છે !
એવી જ રીતે વ્યક્તિને મળેલી પ્રતિષ્ઠા કે લોકપ્રિયતા જો એને ન પચે તો એનો નશો વ્યક્તિને અપ્રિય બનાવવામાં
વાર લગાડતો નથી. કેટલાય ફિલ્મ કલાકારો અને ક્રિકેટર્સ આનો જીવતો જાગતો દાખલો છે. એકાદ બે ફિલ્મ હિટ થવાથી
એમના સ્વભાવ અને વર્તનમાં આવેલા ફેરફાર એ કલાકારને એટલો અપ્રિય બનાવે છે કે એનામાં કલા હોવા છતાં લોકો
એમની સાથે કામ કરવાનું પસંદ કરતા નથી. પોતાના પ્રસંશકો સાથે તોછડાઈથી વર્તતા કે એમનું અપમાન કરતા સફળ
માણસોને એવી ખબર જ નથી કે પોતે જે કંઈ છે એ આ પ્રસંશકો અથવા ચાહકોને કારણે જ છે! નવાઈની વાત એ છે કે,
પોતાની લોકપ્રિયતા ઓસરી રહી છે એ વાતનું અલાર્મ આવા લોકોને સંભળાતું નથી, બલ્કે એ લોકો આવા અલાર્મ જેવા
પ્રસંગોને પોતાના પ્રતિસ્પર્ધીની ઈર્ષા કે પોતાના વિરુધ્ધ ષડયંત્ર જેવા નામ આપીને પોતાની જાતને છેતરતા થઈ જાય છે.
સૌંદર્યનો કે દેખાવનો નશો માણસને ખોટી દિશામાં લઈ જાય છે અથવા નારસીસિસ્ટ (પોતાના જ પ્રેમમાં પડેલું
એક ગ્રિક પાત્ર) બનાવે છે. પોતાના પ્રેમમાં પડેલી સ્ત્રીને બધા જ પુરુષો પોતાના પ્રેમમાં છે એવો વહેમ થઈ જાય છે. તો
પોતાના પ્રેમમાં પડેલો પુરુષ અજાણતા જ પોતાના પ્રેમમાં પડેલી કે પોતે કોને કોને પ્રેમમાં પાડી, એવી સ્ત્રીઓનું લિસ્ટ
બનાવતો થઈ જાય છે. આવા લોકોને જીવનમાં મળેલા સારા અને સાચા સંબંધોનું મૂલ્ય રહેતું નથી, બલ્કે આવા લોકો
એમને મળેલી સારી વ્યક્તિને પણ એના દેખાવથી સ્વીકારે કે નકારે છે… રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ની કથા
આ જ બાબત ઉપર આધારિત હતી.
સૌથી ભયાનક અને સૌથી મોટું નુકસાન સત્વનો નશો કરે છે. માણસને પોતાને ખબર પડતી નથી કે એને નશો
થઈ રહ્યો છે અને એ આ નશામાં ચૂર થતો જાય છે. પોતે કેટલો સજ્જન, સમજદાર, સ્નેહાળ કે દાનવીર છે એ વાત
વિચારતા-વિચારતા માણસને એટલો બધો નશો થઈ જાય છે કે એ સતત પોતાના સારા કર્મો અને સારી પ્રવૃત્તિઓ વિશે
વાતો કર્યા કરે છે. પોતે કોને કોને મદદ કરી અને કોને માટે કેટલું કરી છૂટ્યા એ વિશે બોલતાં બોલતાં એ ક્યારે આત્મશ્લાઘા
કરતો થઈ જાય છે એની માણસને પોતાને પણ ખબર રહેતી નથી. આ બધા નશા શરાબના નથી છતાં, આ બધા નશા
માણસને બરબાદ કરે જ છે…
આશ્ચર્યની વાત એ છે કે, બોટલમાં ભરેલી શરાબની બંધી થઈ શકે છે. દુકાન પર વેચાતી શરાબ સામે
દારુબંધીનો કાયદો લાગુ કરી શકાય છે, પરંતુ આવા નશાને આપણે કઈ રીતે રોકી શકીએ ? શરાબની બોટલ પર અને
શરાબ પીવાના સીન જ્યારે સિનેમા કે ટેલિવિઝન પર બતાવવામાં આવે છે ત્યારે વૈધાનિક ચેતવણી લખવામાં આવે છે.
શરાબ પીવી સેહત માટે નુકસાનકારક છે… એક-બે પેગ શરાબ કદાચ માણસને થોડા કલાક માટે બેહોશ કે બદહવાસ કરી
શકે, પરંતુ આ શરાબ વગરના, દિમાગમાં ઘૂસીને માણસને બદહવાસ કરતા નશા સામે આપણે કઈ ચેતવણી આપી
શકીએ?
मैने पीना शीख लीया….गून्ज उठी शहनाई ગીત નો ઉલ્લેખ
કરવાનો રહી ગયો.
સુન્દર લેખ.