નવી પેઢીનો પ્રેમઃ નવી વ્યાખ્યા અને નવું પરિમાણ

આવતીકાલે વલેન્ટાઈન ડે છે. છેલ્લા એક અઠવાડિયાથી બજારોમાં વલેન્ટાઈનને લગતી ભેટો,
કાર્ડ અને બીજી જાતભાતની વસ્તુઓ વેચાવા લાગી છે. યુવા પેઢીના કેટલાય લોકો ઘણા દિવસથી તૈયારી
કરતા હશે. પોતાની પ્રિયતમાને કે પ્રેમીને, પત્નીને કે પતિને વિશ કરવા માટે જાતજાતની સરપ્રાઈઝ પણ
કદાચ પ્લાન કરી હશે. તો બીજી તરફ કેટલાક લોકોને વલેન્ટાઈન ડે સામે તીવ્ર વિરોધ છે. એમનું માનવું
છે કે, એ આપણી સંસ્કૃતિનો ઉત્સવ નથી. એને કારણે આપણા યુવાનો પર ખોટી અસર પડે છે અથવા
વલેન્ટાઈન ડેના નામે યુવાનો ખોટી દિશામાં ઢસડાય છે. ભારતીય સંસ્કૃતિના સમર્થનને નામે દુકાનો
તોડવી, વલેન્ટાઈન ડે ઉજવી રહેલા બે યુવા વ્યક્તિઓને ભગાડવા, ડરાવવા જેવી પ્રવૃત્તિઓ પણ ચાલે
જ છે, પરંતુ એ બધા પછી પ્રશ્ન એ છે કે, આજના યુવામાનસમાં ‘પ્રેમ’ની જે છબિ છે એ અને આપણી
સંસ્કૃતિ, આપણી સભ્યતા અને આપણો સમાજ જે પ્રેમની વાત કરે છે એમાં હવે ધીરે ધીરે બહુ ફરક
જોવા મળે છે.

હજી હમણાં જ રજૂ થયેલી એક ફિલ્મ ‘દોનોં’ જેમાં સની દેઓલના દીકરા કરણને લોન્ચ કરવામાં
આવ્યો, ફિલ્મ ન ચાલી, પરંતુ એ ફિલ્મ યુવામાનસ સાથે જોડાયેલી પ્રેમની વિવિધ વ્યાખ્યાઓ વિશે બહુ
સુંદર રીતે કહેવામાં આવ્યું છે. એક છોકરી જેનું હમણાં જ બ્રેકઅપ થયું છે, એ બહાદુરીથી પોતાના એક્સ
બોયફ્રેન્ડનો સામનો કરી રહી છે. એક્સ બોયફ્રેન્ડ એને સતત મ્હેણાં-ટોણાં મારે છે, ઉતારી પાડે છે, એના
આત્મવિશ્વાસને હચમચાવવાનો પ્રયાસ કરે છે. જેના લગ્ન છે એ છોકરો સંયુક્ત અને રૂઢિચુસ્ત
પરિવારમાંથી આવે છે. એની સાથે જેના લગ્ન થવાના છે એ છોકરી એકદમ મુક્ત અને ત્રણ જ જણના
નાનકડા પરિવારની છે. એ જેને ખાસ મિત્ર માને છે એવો એક છોકરો દસ વર્ષથી એની બાળપણની
મિત્રને પ્રેમ કરે છે, પરંતુ કહી શક્યો નથી… ટૂંકમાં, આ બધી જુદી જુદી વ્યથા અને કથા એક જ સ્થળે
ભેગી થાય છે. દરેકની જુદી માનસિકતા અને એની સાથે જોડાયેલા અલગ પ્રશ્નોની સરસ વાત આ
ફિલ્મમાં કરવામાં આવી છે. એવી જ રીતે એક બીજી ફિલ્મ છે ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’. ઈરફાન ખાનનો
દીકરો બાબિલ આ ફિલ્મમાં અભિનય કરે છે. પિતાના ગુજરી જતા ગંભીર થઈ ગયેલો મોટો ભાઈ અને
પરિસ્થિતિની ગંભીરતાને હજી સમજી નહીં શકેલો ખુશમિજાજ, તોફાની નાનો ભાઈ બંનેને એકલા
મૂકીને માને એક રાત માટે બહાર જવું પડે એમ છે… અહીં બને છે ‘ફ્રાઈડે નાઈટ પ્લાન’. સમજણ,
સંબંધો, યુવાની અને એની સાથે જોડાયેલી કેટલીક બાબતોને આ ફિલ્મમાં પણ બહુ સુંદર રીતે કહેવાઈ
છે.

ક્યારેક પ્રશ્ન એ હોય છે કે, આપણે (50થી ઉપરના લોકો) યુવા પેઢી વિશે આપણા મનમાં એક
નિશ્ચિત છબિ ધરાવીએ છીએ. સારી કે ખરાબ એવું લેબલ ચોંટાડ્યા વગર પણ વિચારીએ તો સમજાય
કે, આપણે યુવા પેઢીના છોકરાંઓને વ્યક્તિત્વ કરતાં વધારે એમની ઉંમરથી જજ કરતાં થઈ ગયા છીએ.
કદાચ, એને કારણે નવી અને જૂની પેઢી વચ્ચેનો સંવાદ તૂટી રહ્યો છે. આપણને એમની જીવનશૈલી
ગમતી નથી, એમનું સંગીત, એમનું ભોજન, એમના વસ્ત્રો, મિત્રતા વિશેની એમની વ્યાખ્યાઓ બધું જ
આપણી સાથે મેચ થતું નથી માટે ‘ખોટું’ છે, એવી પૂર્ણ ધારણા સાથે આપણે આ યુવાનો સાથે વર્તીએ
છીએ. પરિણામ એ આવે છે કે, એ લોકો પણ આપણી સાથે પૂર્વ ધારણા સાથે જ વર્તે છે. 50-55થી
ઉપરની કોઈ વ્યક્તિ એમને સમજી જ નહીં શકે, એમને જજ કરશે જ, એમની કોમેન્ટ્સ હશે જ એવી
પૂર્ણ ધારણા એમની પાસે પણ છે જ જે, એમના અનુભવના આધારે બની છે.

અંતે, નવી પેઢી પાસે સમજણ, ટેકનોલોજી, આવડત કે ધગશ હોવા છતાં આપણે માતા-પિતા
તરીકે, શિક્ષક, પડોશી, પરિવારની વ્યક્તિ કે તદ્દન અજાણી વ્યક્તિ તરીકે પણ યુવાપેઢીને અન્યાય કરી
બેસીએ છીએ. સાચું પૂછો તો, બે જુદા વિચાર, જુદી જીવનશૈલી કે પરિસ્થિતિ પરત્વેનો જુદો જુદો
અપ્રોચ (અભિગમ) સાચો કે ખોટો નથી હોતો. એનું પરિણામ આવ્યા પછી જ એ વિશે નિર્ણય થઈ શકે,
પરંતુ જૂની પેઢીના મોટાભાગના લોકો પરિણામની પ્રતીક્ષા કર્યા વગર જ પોતાનો વિચાર રજૂ કરી દે છે.
કેટલીક વખતે એમનો પૂર્વગ્રહ એટલો સ્ટ્રોંગ હોય છે કે, યુવાપેઢીનો બચાવ કે સફાઈ એમને ‘બહાના’ કે
‘જુઠ્ઠાણું’ લાગવા માંડે છે!

પેઢીઓ બદલાતી રહેવાની છે. નવી પેઢી સાથે નવા વિચારો આવશે જ. ઉપરવાસમાં વરસાદ પડે
ત્યારે નદીમાં જે પાણી આવે એ થોડું ડહોળું હોય જ, એથી એ પાણી ‘ખરાબ’ નથી… નવું છે. નાનકડા
છોડ પર ફૂટતી કુંપળો પાંદડું બનીને વિકસવામાં થોડો સમય લે છે, પરંતુ એને કારણે એ છોડ નહીં વધે,
એના પર ફૂલ કે ફળ નહીં આવે એવું ધારીને એને વધુ પડતી માવજત કે તદ્દન અવગણના યોગ્ય નથી.
આપણા સંતાનો કે આપણી જ નવી પેઢી જીવનમાં કશુંક કરી શકે એ માટે એમને પ્રોત્સાહનની જરૂર છે.
સતત નેગેટિવ કોમેન્ટ્સ, નવું છે એ બધું ખોટું છે એવી ધારણા સાથે સતત આપવામાં આવતી સલાહોને
કે એમને ‘પોતાના જેવા’ બનાવવાનો પ્રયાસ કડવાશ લઈ આવે છે. અંતે, બે પેઢી વચ્ચે મનદુઃખ સિવાય
કશું બચતું નથી…

જેમ શિક્ષણ પધ્ધતિ, વસ્ત્ર, વિચાર, ભોજન, જીવનશૈલી બદલાયા છે એવી રીતે નવી પેઢીની
પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ છે. દિલ તૂટે ત્યારે હવે મુકેશ અને જગજિતસિંઘના ગીતો નહીં,
અરિજિતના ગીતો સાંભળવાનો સમય શરૂ થયો છે… હવે એક્સ બોયફ્રેન્ડ, એક્સ ગર્લફ્રેન્ડ, એક્સ વાઈફ
જેવા શબ્દો સામાન્ય થવા લાગ્યા છે. પહેલાં દિલ તૂટે ત્યારે સામેની વ્યક્તિને બરબાદ કરી દેવાના
મનોરથને બદલે એને ક્ષમા કરવાના, ભૂલી જવાના, મૂવઓન કરવાના એક નવા જ વિચાર સાથે
નવીપેઢી આગળ વધતી રહી છે ત્યારે ચાલો એમને સમજીએ, ઓળખીએ અને એમની સાથે આ
વલેન્ટાઈન ડેના દિવસે એમની ‘પ્રેમ’ની વ્યાખ્યા વિશે સંવાદ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *