‘માણસની ઓળખ એના મિત્રથી નહીં, એના શત્રુથી થાય છે કારણ કે,
મિત્ર આપણી હેસિયતથી મોટો કે નાનો હોઈ શકે, પરંતુ શત્રુ આપણી
હેસિયતથી મોટો જો રાખવો. શત્રુ આપણને ઉશ્કેરે છે, વધુ મજબૂત અને
શક્તિશાળી બનવાનું કારણ આપે છે. શત્રુ આપણી ભીતર રહેલા સ્વમાનના
અગ્નિને જગાડે છે. શત્રુ આપણને કપરા સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણા
આપે છે…’ દેહ ત્યાગ કરી રહેલા રાવણ પાસે જ્યારે લક્ષ્મણ રાજનીતિ અને
જીવનનીતિનું શાસ્ત્ર શીખવા જાય છે ત્યારે રાવણ જે શિક્ષા આપે છે એનો આ
અંશ છે. રાવણ કહે છે, ‘આ બધું તને તારો ભાઈ પણ શીખવી શક્યો હોત
કારણ કે, રામ મારાથી વધુ જ્ઞાની અને વધુ શાંત છે, પરંતુ એણે તને મારી
પાસે મોકલ્યો કારણ કે, એ જાણે છે કે હું અસુર સંસ્કૃતિનો વાહક છું, પણ મારી
પ્રકૃતિ પંડિતની છે, વિદ્યા વિષારદ અને વિશ્વ વિજેતા રાવણ અસુરની જેમ
મૃત્યુ પામે એવું કદાચ તારો ભાઈ નથી ઈચ્છતો… માટે એણે મને મારી અંતિમ
ઘડીએ મારી પ્રકૃતિ મુજબ વર્તવાની તક આપી. તને જ્ઞાન આપતા મારું મૃત્યુ
થાય તો હું એ પંડિત, એક જ્ઞાનીની જેમ મૃત્યુ પામું અને મારો મોક્ષ થાય એમ
રામ ઈચ્છે છે…’
આ સંવાદ છે, એક સંગીતસભર નાટ્યકૃતિ ‘હમારે રામ’ના! આશુતોષ
રાણા એમાં રાવણનું પાત્ર ભજવે છે. રાહુલ બૂચર આ નાટકના નિર્માતા પણ
છે અને રામનું પાત્ર પણ ભજવે છે. સાડા ત્રણ કલાક કરતાં વધુ લાંબા આ
નાટકમાં એ.આર. રહેમાન, શંકર મહાદેવન, સોનુ નિગમ અને કૈલાસ ખેરના
અવાજમાં ગવાયેલા ગીતો છે. ખૂબ મોટું પ્રોડક્શન અને ભાવવિભોર થઈ
જવાય એવા રામકથાના અંશ આ નાટકને એક અલગ જ ગરિમા આપે છે.
મહત્વની વાત એ છે કે, રાવણના પ્રવેશ પહેલાં એના આગમનની ઓળખ બહુ
સુંદર રીતે અપાઈ છે. ભગવાન સૂર્ય (રઘુવંશના પિતામહ) રામના પુત્રો લવ
અને કુશને કહે છે, ‘જેમ અંધકાર વિના અજવાળાનું મહત્વ નથી, જેમ દુઃખ
વિના સુખનો અહેસાસ થતો નથી એવી જ રીતે ખલનાયકના અસ્તિત્વ વિના
નાયકનું મહાતમ્ય પ્રસ્થાપિત કરી શકાતું નથી.’
આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ તો સમજાય કે માણસ માત્ર
કોઈકની સરખામણીએ સારો અથવા ખરાબ હોય છે. રામ અને રાવણ, શુભ
અને અશુભ, અંધકાર અને ઉજાસ, સફેદ અને કાળું તત્વ માણસની ભીતર જ
રહેલા છે. આપણે બધા જ ક્યારેક નાયક તો ક્યારેક ખલનાયક છીએ. કોઈ
સતત સારું જ હોય એવું સંભવ નથી, એવી જ રીતે કોઈ માણસ બધાની સાથે,
સતત ખરાબ જ હોય, કુટિલ અને ક્રૂર જ હોય એ પણ શક્ય નથી જ. માણસનો
સમય, સંજોગો અને એની આસપાસ રહેલા તત્વો એને અમુક રીતે વર્તવા
મજબૂર કરે છે તો ક્યારેક માણસ પોતે પણ ખોટો નિર્ણય કરી બેસે છે. આવેશ
અને આક્રોશમાં ફેર છે, વિરોધ અને વિદ્રોહ બે જુદી બાબતો છે, એવી જ રીતે
સ્વમાન અને અહંકાર વચ્ચે પણ બહુ નાની-પાતળી ભેદરેખા છે. મિત્રને શત્રુ
બનતા બહુ સમય નથી લાગતો, પરંતુ શત્રુને મિત્ર બનાવવા માટે ઘણો
પ્રયાસ કરવો પડે છે. કેટલીકવાર એવું બને કે આપણે જેને મિત્ર માનતા
હોઈએ એ આપણો શત્રુ હોય, અને જેને આપણે શત્રુ માનતા હોઈએ એ ક્યાંક
આપણું ભલું ઈચ્છતા હોય અને ખરા અર્થમાં આપણા મિત્ર હોય.
કઈ રીતે ઓળખી શકાય, શત્રુ અને મિત્રને? તો એનો એક જ જવાબ એ
છે કે, જે આપણા સારા-ખરાબ સમયમાં આપણી સાથે ઊભા રહે, આપણને જજ
ન કરે-આપણી તમામ નબળાઈઓ સાથે આપણને સ્વીકારે, છતાં આપણને
સતત વધુ ને વધુ સારા વ્યક્તિ બનવા ક્યારેક કડવી તો ક્યારેક સ્નેહથી
સમજણ આપવાનો પ્રયાસ કરતા રહે એ મિત્ર… અને જે સતત વખાણ કરે, જે
સતત આપણને ખુશ રાખવાનો પ્રયાસ કરે-ચાપલુસી કરે, જે આપણી બધી
વાતમાં સહમત થઈ જાય અને આપણી પાછળ આપણી નબળાઈઓ વિશે,
ભૂલો વિશે અન્ય લોકોને જણાવે એ શત્રુ. આપણે બધા જ મીઠું બોલતા,
ચાપલુસી કરતા અને સહમત થઈ જતા લોકોથી અંજાઈ જઈએ છીએ. કોઈ
આપણી ભૂલ બતાવે કે આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે એવા લોકો
આપણને ગમતા નથી… કારણ કે, આપણને સતત ‘સારું’ સાંભળવું છે, ‘સાચું’
સાંભળવાની આપણી તૈયારી જ નથી.
સામાન્ય રીતે માણસ પોતે જ પોતાનો સૌથી મોટો શત્રુ છે. એનો
અહંકાર અને ઈર્ષા, આળસ અને અસત્ય એની ભીતર જ વસે છે. બહારનો શત્રુ
એને નુકસાન કરી શકે એના કરતાં વધારે મોટાભાગના લોકો પોતે જ પોતાનું
વધુ નુકસાન કરતા હોય છે. રાવણની કથા હોય કે મહાભારતના દુર્યોધનનું
દ્રષ્ટાંત… બંને વિદ્વાન, બળવાન અને શાસ્ત્ર અને રાજનીતિના જાણકાર, પરંતુ
અંતે બંનેનો ધ્વંસ થયો કારણ કે એમણે સત્ય સાંભળવાને બદલે પ્રિય
સાંભળવાનું પસંદ કર્યું. દુર્યોધન પણ કહે છે, ‘જાનામિ ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ,
જાનામિ અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ’ એવી જ રીતે રાવણ પણ કહે છે, ‘મને
જ્ઞાનનો અહંકાર હતો જ્યારે રામને અહંકારનું જ્ઞાન હતું…’
બળ, શક્તિ, બુધ્ધિ, સત્તા કે સંપત્તિ… આ બધું જ અંતે અહીં જ મૂકીને
જવાનું છે એ વાત સહુ જાણે છે, પરંતુ યાદ નથી રાખતા, એ માનવજીવનની
સૌથી મોટી કઠણાઈ છે. અસ્તિત્વ ઉપર આપણો કોઈ અધિકાર નથી, આ
પંચતત્વો જે બહાર છે એ ભીતર પણ છે અને જેમ ભીતરના પંચતત્વોને
નિયંત્રણમાં રાખવા પડે છે એવી જ રીતે આસપાસના પંચતત્વ આપણને
નિયંત્રણમાં રાખે છે. આપણે આ ગ્રહ પર પ્રવાસી છીએ, નિવાસી નથી… એટલું
જેને યાદ રહે છે એ સહુની ભીતર રામ જાગે છે, જીવે છે. જે અસ્તિત્વને ગુલામ
બનાવવાનો પ્રયાસ કરે છે અને અહંકારમાં અટવાય છે એ સહુ અંતે પોતાને
મળેલા તમામ વરદાનોને અભિશાપમાં ફેરવી નાખે છે.