છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કહેરમાં સતત વધારો નોંધાય છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અંશતઃ
લોકડાઉન, ‘બ્રેક ધ ચેઈન’ની શરૂઆત થઈ છે. આ પરિસ્થિતિ વહેલી-મોડી ગુજરાત સુધી આવશે એવા ભયમાં બધા ફફડી રહ્યા
છે. હોસ્પિટલની સામે ઊભેલી 20-25 એમ્બ્યુલન્સની લાઈન કે ખુટવા માંડેલા બેડ્સ, સુરતમાં પીગળી રહેલી સ્મશાનની
ચીમની કે કબ્રસ્તાનમાં જગ્યા ખુટવાને કારણે અગ્નિદાહની છૂટ આપી રહેલા ક્રિશ્ચન સમાજની પીડાને આપણે બધાએ
સમજવી જોઈએ. આપણે બધા જ ધીરે ધીરે એક ભયાનક ખપ્પરમાં હોમાઈ જવાની સ્થિતિમાં પહોંચ્યા છીએ. મોટાભાગના
લોકોને હજી સુધી ગંભીરતાનો અંદાજ નથી અથવા જો કદાચ એમને આ ગંભીરતા સમજાતી હોય તો પણ એ લોકો એક
ડિનાયલના સ્ટેટમાં છે !
ગયા વર્ષે આ જ સમયે, આવી જ રીતે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઊભી થઈ હતી. મોટાભાગના લોકોએ ઘાંઘા
થઈને હાઈડ્રોક્લોરો ક્વિનાઈન અને રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક ભેગો કરવા માંડ્યો હતો. એ પછી જ્યારે સમજાયું કે આ
ઈન્જેક્શન દરેક વ્યક્તિ માટે કામનું નથી, ત્યારે લોકો કોરોનાથી બચવા માટે આયુર્વેદ અને હોમિયોપેથી તરફ વળ્યા. સત્ય એ છે
કે, કોરોનાની કોઈ દવા હજી સુધી શોધી શકાઈ જ નહીં. આ રેમડેસિવિર નામનું ઈન્જેક્શન કોવિડ 19 પર કામ લાગે છે અને
એફબીએ દ્વારા અપ્રુવ કરવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા ગંભીર પેશન્ટ ઉપર જ એનો ઉપયોગ કરવો
એવો એફબીએની સૂચનાને અવગણીને લગભગ દરેક વ્યક્તિ રેમડેસિવિરની પાછળ પડી છે. કેટલાક સંશોધનો જણાવે છે કે,
આનાથી કોવિડ 19માં ફાયદો થાય છે, પરંતુ દરેક વખતે આ ઈન્જેક્શનથી કોવિડ 19ના પેશન્ટ સાજા જ થાય છે એવું જરૂરી
નથી. પાંચ કે દસ દિવસ સુધી ઈન્ટ્રાવિનસ એટલે કે નસની અંદર આપવામાં આવતા આ ઈન્જેક્શનથી ક્યારેક લો બ્લડ પ્રેશર,
ઉલ્ટીઓ અને ભયાનક પરસેવો કે ધ્રૂજારી જેવા રિએક્શન આવે છે. ક્યારેક સિરિયસ એલર્જી ક્રિએશન, ખંજવાળ અને સોજો પણ
જોવા મળે છે. જરૂરી નથી કે દરેકને આ સાઈડ ઈફેક્ટ થાય જ. ગુગલ ઉપર આપેલી માહિતી મુજબ હજી સુધી આ ઈન્જેક્શન
વિશે કોઈ માહિતી એકત્ર કરી શકાઈ નથી, પરંતુ વૃધ્ધો, બાળકો અને પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે આ કેટલા સલામત છે એ વિશે
ખાતરીપૂર્વક કહી શકાતું નથી. રેમડેસિવિરને કારણે કિડની અને લિવરના રોગોની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી છે.
આપણે બધા કોઈ ઘેટાંના ટોળાંની જેમ અધૂરી માહિતી સાથે મેડિકલ (તબીબી) નિર્ણયો કરી લઈએ છીએ. કોઈકે કહ્યું
માટે અથવા કોઈકને ફાયદો થયો માટે આપણને એનાથી ફાયદો થશે એવું માનીને દેખાદેખી દવા લેવી એ આપણી ભારતીય
માનસિકતાની સૌથી મોટી નબળાઈ છે. અધૂરામાં પૂરું લગભગ દરેક વ્યક્તિ પાસે એક સૂચન હોય છે અને એની પૂરી ખાતરી કે
ચકાસણી કર્યા વગર એ સૂચન અથવા દવા સામેની વ્યક્તિને આપી દેવી કે સૂચવી દેવી એ આપણી બેવકૂફીનો બહુ મોટો હિસ્સો
છે. સેલ્ફ મેડિકેશન અથવા મલ્ટી મેડિકેશન વિશે આપણે તદ્દન બેદરકાર છીએ. ચણા-મમરાની જેમ પેરાસિટેમોલ કે હેડેક કે
બેકેકની દવાઓ આપણે સીધી પેટમાં ઓરી દઈએ છીએ. આપણામાંથી ભાગ્યે જ કોઈને ડૉક્ટરની સલાહ લેવાનું સૂઝે છે. ટેસ્ટ
કરાવવા વિશે આપણે બધા બેદરકાર અને કંજુસ છીએ. જો કોઈ ડૉક્ટર ટેસ્ટ લખી આપે તો એ ‘કમાણીના સાધન’ સ્વરૂપે કે
આપણને ‘બેવકૂફ બનાવવા માટે’ આ ટેસ્ટ કરાવે છે એવું માની બેસનારાની સંખ્યા ઓછી નથી.
એક દવા (એલોપેથી) ચાલતી હોય ત્યારે સાથે સાથે આયુર્વેદ કે હોમિયોપેથી લેનારા અસંખ્ય લોકો આપણી આજુબાજુ
છે. દરેક દવાની અસર જુદી હોય છે. જેમ કે, એન્ટિબાયોટિક કફ સૂકવવાનું કામ કરતી હોય તો આયુર્વેદની કેટલીક દવાઓ કફ
બહાર કાઢવાનું કામ કરે છે. બંને દવા સાથે લેવાથી કફ સૂકાતો પણ નથી અને બહાર પણ નીકળતો નથી… જાતે જાતે
એન્ટિબાયોટિક લેનારા કે બીજાને સમજ્યા વગર એન્ટિબાયોટિક સજેસ્ટ કરી દેનારા એવું સમજતા નથી કે પ્રત્યેક શરીરની પ્રકૃતિ
અલગ હોય છે. એકને કામ લાગે તે દવા બીજા માટે સાચી જ પૂરવાર થશે એવું માનવાનું કોઈ કારણ નથી. આટલું ભણીને, ડૉક્ટર
થયેલા જાણકાર પાસે જઈને પોતાની ફરિયાદ રજૂ કરવાથી કદાચ સાચી દવા અને સાચું ગાઈડન્સ મળી શકે એ વાત હંમેશાં યાદ
રાખવી. વાળ ખરવા, પગ દુઃખવા, ઊંઘ ન આવવી કે વિકનેસ લાગવી જેવી સામાન્ય ફરિયાદો માટે આપણે ડૉક્ટર પાસે જતા
નથી બલ્કે, ઘરગથ્થુ ઉપાયો કરીને એમાંથી છૂટવાનો પ્રયાસ કરીએ છીએ. મોટાભાગની ચાલીસ ઉપરની સ્ત્રીઓમાં બી 12 અને
ઝિંકની ખામીને કારણે વાળ ખરતા હોય છે, પરંતુ મલ્ટી વિટામિન લેવી એ કેટલાક લોકો માટે વેવલાવેડા કે બિનજરૂરી પેમ્પરિંગ
છે. ‘આપણા ખોરાકમાં બધું જ છે’ કહેનારા કે પછી ‘આપણા રસોડામાં બધી જ દવાઓ છે’ કહીને આયુર્વેદને પ્રોત્સાહન
આપનારા લોકોને કદાચ એવી જાણ નથી કે એક જમાનામાં આ વાત સાચી હતી કારણ કે, લોકો સારા એવા પ્રમાણમાં ઘી અને
ઘરગથ્થુ મસાલાની સાથે ભોજનને સ્વાસ્થ્યપ્રદ બનાવતા હતા. હવે તૈયાર મસાલામાં કેટલા રંગો અને શાકભાજીમાં કેટલા
પ્રમાણમાં પેસ્ટી સાઈડ્સ છે એની આપણને ખબર નથી. સાથે સાથે રેડી ટુ ઈટ ફૂડ કે ફાસ્ટફૂડ, બ્રેડ, યિસ્ટ, અજીનોમોટો, જેવી
વસ્તુઓ ધીમે ધીમે આપણા શરીરમાં જઈને આંતરડા અને લીવરને નુકસાન કરે છે. આ નુકસાન રીપેર કરવા માટે આપણી પાસે
કશું નથી. આપણા ભોજનમાં આપણે સ્વાદિષ્ટ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ સ્વાસ્થ્યપ્રદ ભોજન આપણને કંટાળાજનક
લાગે છે.
બહારનું તળેલું ફરસાણ આપણને બહુ ભાવે છે પણ સત્ય એ છે કે, એકના એક તેલમાં વારંવાર તળાતું ભોજન ભયાનક
કોલેસ્ટરોલ અને ગેસને આમંત્રણ આપે છે. બહાર જે લોકો ફરસાણ બનાવે છે એ રોજેરોજ તળેલું તેલ ફેંકી દેતા નથી બલ્કે,
એકના એક તેલમાં કેટલાય દિવસો સુધી ફરી ફરીને ફરસાણ તળ્યા કરે છે. આને કારણે તેલ વારંવાર બળીને પોતાનું પોષક તત્વ
ખોઈ બેસે છે. આવું ખાવાથી ગેસ અને કબજિયાતની ફરિયાદ ઊભી થાય છે. સાથે સાથે આપણે બધા સવારનો નાસ્તો ટાળીએ
છીએ. ખરેખર ‘બ્રેક ફાસ્ટ’ શબ્દ સૌથી વધુ વૈજ્ઞાનિક છે. આખી રાતના ભૂખ્યા શરીરમાં પચાવવાની સૌથી વધુ તૈયારી હોય છે.
સવારનો નાસ્તો પૌષ્ટીક અને ભરપૂર હોવો જોઈએ. બપોરના ભોજનમાં બને ત્યાં સુધી હળવું ખાવું જોઈએ અને રાત્રે ન ખાઓ
તો ચાલે છતાં, જો ખાવું જ પડે તો બને ત્યાં સુધી ખીચડી કે ખાખરા અને દૂધ જેવું ભોજન લેવું જોઈએ. એને બદલે આપણે
બધા રાતનું ભોજન મોડું અને ભરપેટ કરીએ છીએ. ભોજન પછી શરીરને એ પચાવવાનો સમય મળતો નથી એટલે શરીરમાં
કાચો આમ જમા થાય છે. જેને કારણે આજકાલ કેટલાય લોકોને ગેસ અને કબજિયાતની ફરિયાદ હોય છે. પાચન અને
કબજિયાત માટેની દવાઓની જાહેરાત છૂટથી કરવામાં આવે છે. ખાવાનું પચાવવા માટે જો બહારથી કોઈ દવા લેવી પડે તો
એનો અર્થ એવો થાય કે આપણી સિસ્ટમ બરોબર કામ કરતી નથી. કબજિયાત માટે જો રોજ દવા લેવી પડે તો એનો અર્થ એમ
થાય કે આપણા આંતરડા અને આપણી પાચનની આખી પ્રક્રિયામાં કોઈ દોષ છે. આપણે કારણ નહીં, પણ એને લીધે ઊભા થતા
લક્ષણ ઉપર વધુ ધ્યાન આપતા થઈ ગયા છીએ. માથું દુઃખે કે તાવ આવે તો દવા લેવાથી એ મટી તો જાય પણ એ શેને કારણે થયું
છે એ વિશે આપણે સજાગ નથી. છેલ્લા થોડા સમયથી આપણી જીવનશૈલી બદલાઈ છે. મોડી રાતના ઉજાગરા, ખાઈને તરત
ઊંઘી જવાનું, એટલું ઓછું હોય એમ આપણે જે સ્ટ્રેસમાં જીવી રહ્યા છીએ એને કારણે પણ આપણા પાચનતંત્ર પર અસર થાય
છે. શરીરની એક રિધમ હોય છે. એ રિધમને જો ફોલો કરીએ તો આપણને ચોક્કસ સમજાય કે આપણું શરીર કંઈ કહી રહ્યું છે.
દરેક માણસે પોતાના શરીરને ઓળખવું જોઈએ અને એની ભાષા સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. દરેકનું શરીર
અલગ હોય છે. કારણ કે, દરેક વ્યક્તિનો ડીએનએ અલગ છે. એનું ભોજન, એની પ્રકૃતિ, એનું સ્વાસ્થ્ય અને રોગ બધું જ એને
ડીએનએમાં મળતું હોય છે. જે લોકો પોતાના શરીર વિશે બેદરકાર રહે છે એમણે અંતે એ બેદરકારીની બહુ જ મોટી કિંમત
ચૂકવવી પડતી હોય છે જ્યારે, આપણું શરીર આપણને કોઈ લક્ષણ બતાવે ત્યારે એની ભાષા સમજીને એ લક્ષણ સાથે જોડાયેલા
કારણોને ઓળખીને એનો ઉપાય કરવો જોઈએ.
કોરોના કોઈ મહાભયાનક રોગ નથી… સત્ય એ છે કે, આપણે એનાથી એટલા માટે ડરી ગયા છીએ કારણ કે આપણે
એને ઓળખતા નથી. બીજો પ્રશ્ન એ છે કે, આપણે કોઈ પ્રકારના ટેસ્ટ કરાવીને કોરોના છે કે નહીં એ જાણવાના વિચારમાત્રથી
ફફડી ઊઠીએ છીએ. કોરોના હશે તો 14 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે એ ડરથી ટેસ્ટ નહીં કરાવનારા લોકો જ્યારે પરિસ્થિતિ
સાવ બગડી જાય ત્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે… એ લોકો જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે કોરોનાએ એમના ફેફસાંને
પૂરેપૂરું નુકસાન કરી લીધું હોય છે. એ પછી બચવાના ચાન્સ ઓછા થઈ જાય એ સ્વાભાવિક છે. માત્ર કોરોના જ નહીં, શરીર
જ્યારે પણ તમને કોઈ સંદેશ આપે ત્યારે એને સમજીને, જરૂરી ટેસ્ટ કરાવીને, શરીરમાં રહેલી ખામી સમજીને એનો ઉપાય કરવો
અનિવાર્ય છે… બાકી, શરીર પણ આપણું છે અને પરિણામ પણ આપણે જ ભોગવવાના છે.