‘જીસકી બીવી છોટી ઊસકા ભી બડા નામ હૈ, ગોદ મેં ઊઠાલો બચ્ચે કા ક્યા કામ હૈ?’નું ગીત
‘લાવારિસ’માં અમિતાભ બચ્ચને ગાયું અને પછી અમેરિકા અને ભારતના સ્ટેજ શો દરમિયાન એ જયાજીને પોતાના
હાથમાં ઉપાડી લેતા… છ ફૂટ બે ઈંચની હાઈટ ધરાવતા બચ્ચન સાહેબ એક પડછંદ અને વિરાટ વ્યક્તિત્વ
છે, બીજી તરફ જયાજી પાંચ ફૂટની આસપાસ ઊંચાઈ ધરાવે છે… એમની ઊંચાઈની ફરક વિશે કોઈ
મજાક કે અપમાનજનક વાત કરવામાં આવતી નથી, પરંતુ ભારતીય સમાજમાં જ્યારે યુગલનો વિચાર
કરવામાં આવે ત્યારે સ્ત્રી નીચી અને પુરુષ ઊંચો હોવો જોઈએ એવી એક માન્યતા પ્રવર્તે છે. સ્ત્રીની
હાઈટ પુરુષ કરતાં વધારે હોય એવા યુગલ ક્યારેક હાસ્યાસ્પદ તો ક્યારેક લઘુતાગ્રંથિનો શિકાર બની જાય
છે. બહુ નવાઈની વાત એ છે કે, માત્ર દેખાવ અમુક પ્રકારનો હોવો જોઈએ એવો નિર્ણય સમાજમાં કોઈ
સમયે ક્યારેક કરવામાં આવ્યો હશે.
પુરુષની ઊંચાઈ વધુ હોવી જ જોઈએ, એ પડછંદ અને મજબૂત દેખાવો જ જોઈએ એવો
ખ્યાલ છેક ‘મહાભારત’ના સમયથી આજ સુધી ‘હીરો’નું વર્ણન સુદૃઢ શરીર ધરાવતો ઊંચો અને બળવાન
હોય એવું જ જોવા મળે છે. આપણે આજે ગુજરાતના ગામડાંઓમાં જઈએ ત્યારે જે યુવા વર્ગ આપણને
જોવા મળે છે એ ઓછી ઊંચાઈના, પાતળા, દૂબળા અને પ્રમાણમાં માયકાંગલા કહી શકાય એવા
છોકરાઓ છે. એટલું ઓછું હોય એમ માવામસાલા અને તમાકુ, સિગરેટ અને શરાબ એમને વધુ બરબાદ
કરી રહ્યા છે. આપણા શાસ્ત્રો કહે છે કે, સંતાનનું પ્લાનિંગ કરતી વખતે માતા-પિતા બંનેએ વ્યસનમુક્ત
રહેવું, શરીર શુદ્ધ કરવું, એકવાર ગર્ભાધાન થાય પછી માતાએ પોતાના શરીરની અને શરીરમાં ઊછરી
રહેલા જીવની શારીરિક અને માનસિક સંભાળ લેવી, પૌષ્ટિક ભોજન અને સારું વાંચન-શ્રવણ-વિચારો
એક મજબૂત પેઢીની રચના કરે છે. છેલ્લા થોડા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે, નાના શહેરોમાં
અને ગામોમાં બાળકોના ઉછેર અંગે કોઈ જાગૃતિ નથી. માતા-પિતા બનવા અંગે કોઈ સમજણ કે તૈયારી
નથી. પિતા માવામસાલા ખાતા હોય, શરાબ પીતા હોય, મોટેભાગે બાળકનું પ્લાનિંગ ન હોય-બસ!
‘પ્રેગ્નેન્સી રહી જાય…’ જે માટે માતા-પિતા માનસિક રીતે તૈયાર ન પણ હોય!
બીજી તરફ શહેરમાં બાળકનો જન્મ સમજી-વિચારીને ખૂબ પ્લાનિંગથી કરતા યુગલો વધતા જાય
છે. પૂરું કમાતા થાય, પોતાનું ઘર ખરીદે, પત્ની એક-દોઢ વર્ષની રજા (સબાટીકલ) લઈ શકે એવી સ્થિતિ
ઊભી થાય પછી જ બાળકનું પ્લાનિંગ કરવામાં આવે છે. માતા-પિતાનું પ્રેશર આમાં હવે કામ કરતું નથી.
એક રીતે જોતા આ સાચી અને સારી વાત છે. કારણ કે, માતા-પિતા શારીરિક રીતે અને આર્થિક રીતે
સક્ષમ ન હોય એવા સમયે બાળકનો જન્મ એની શારીરિક અને માનસિક ક્ષમતાને ઘટાડે છે. શહેરમાં
અને ઉચ્ચ મધ્યમવર્ગમાં વધુ ને વધુ દેખાવડા અને ઊંચા બાળકો (છોકરાઓ-છોકરીઓ) જન્મ લઈ રહ્યા
છે. જ્યારે નાના શહેર અને ગામડાંઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધતી જાય છે.
કુપોષિત હોવાને કારણે એમની ઊંચાઈ કે શારીરિક વિકાસ બરોબર થતો નથી. સ્ત્રીનું શરીર પણ
પૂરું વિકસીત થતું નથી, જ્યારે પુરુષની ઊંચાઈ અમુક સુધી વધીને અટકી જાય છે. ઓછી હાઈટ ધરાવતા
પુરુષોનો એક વિચિત્ર કોમ્પ્લેક્સ હોય છે. બાળપણથી જ સ્કૂલ અને કોલેજમાં એને ‘ટેણી’ અથવા
‘ઠીંગણો’ કહીને ચીડવવામાં આવે, યુવાન થાય ત્યારે એના મિત્રોની હાઈટ એનાથી વધારે હોય એ પછી
અરેન્જ મેરેજમાં છોકરી શોધવાની તકલીફ પડે… આ બધા સમય દરમિયાન એના પૌરુષ અથવા ઈગો
પર જાણે-અજાણે પ્રહાર થાય છે. આવા પુરુષો (બધા નહીં) મોટેભાગે પોતાનાથી વધુ હાઈટ ધરાવતી
સ્ત્રીઓને અપમાનિત કરવી કે એને વશમાં કરવાની એક વિચિત્ર વૃત્તિ ધરાવતા જોવા મળે છે. આમાં
અપવાદ હોય જ, અને કોઈ પણ વાત દરેકને લાગુ ન પડે તેમ છતાં, ઓછી ઊંચાઈ ધરાવતા પુરુષ
પ્રમાણમાં તોછડા, અસહિષ્ણુ, કડવા અને પોતાનો પાવર પૂરવાર કરવામાં જ પોતાના અસ્તિત્વનું સત્ય
હોય એવી રીતે વર્તતા જોવા મળે છે.
ખાસ કરીને, આવા પુરુષો જ્યારે મોટા પદ કે પાવરમાં આવે છે ત્યારે બાળપણમાં અને યુવાનીમાં
એમની સાથે થયેલા ‘અમુક જાતના’ વર્તન વિશેની એમની ઊંડે ધરબાયેલી પીડા કે એમને પણ ન સમજાય
એવી યાદ રહી ગયેલી અપમાનની પળોને આવા પુરુષો બીજાનું અપમાન કરીને રૂઝવવાનો પ્રયત્ન કરે છે.
સત્ય તો એ છે કે, શારીરિક ઊંચાઈથી વ્યક્તિ ઊંચો કે નીચો નથી બનતો. વિશ્વના કેટલાય મહાન
પુરુષો, સાહિત્યકારો, કલાકારોની શારીરિક ઊંચાઈ ઓછી હતી, પરંતુ એમણે વિશ્વને પોતાના ચરણોમાં
ઝુકાવ્યું છે. ગુજરાતી ભાષાના પ્રખર લેખક ચંદ્રકાંત બક્ષી, શ્રી શ્રી રવિશંકર, સલમાન ખાન અને કૈલાસ
ખેર જેવા લોકોની શારીરિક ઊંચાઈ સમાજના માપદંડો પ્રમાણે કદાચ ઓછી કહેવાય, પરંતુ એમની
આધ્યાત્મિક, માનસિક, સાહિત્યિક કે સ્ટારર્ડમની ઊંચાઈ ભલભલાને નીચા દેખાડી શકે એટલી છે.
આપણે બધા કોઈ કારણ વગર બાહ્ય દેખાવને વ્યક્તિના અસ્તિત્વ સાથે જોડીએ છીએ. રૂપ,
નાક-નકશો, દેખાવ જ આપણે માટે વ્યક્તિનું વ્યક્તિત્વ છે. ખરેખર તો એની ભીતર રહેલી, એની બુદ્ધિ,
આવડત, સરળતા, નમ્રતા કે એની પ્રખર તેજસ્વીતા જ આપણને આકર્ષવી જોઈએ, પણ ત્યાં સુધી
મોટાભાગના લોકો જતા જ નથી.
સમાજના માપદંડો પ્રમાણે ઊંચાઈ ઓછી કે નીચી હોય એનાથી વ્યક્તિત્વમાં ફેર ન પડવો
જોઈએ એ વાત માતા-પિતાએ પોતાના બાળકના મનમાં નાનપણથી જ દૃઢ કરવી જોઈએ, એને બદલે
મોટાભાગના માતા-પિતા બાળકની હાજરીમાં જ કહેતાં સંભળાય છે, ‘એની હાઈટ જરા ઓછી છે ને…’
ખરેખર પુરુષની ઊંચાઈ ઓછી હોય એનાથી એના અસ્તિત્વ કે વ્યક્તિત્વને કોઈ ફેર પડતો નથી. માત-
પિતા અને સમાજની ફરજ એ છે કે, એના વ્યક્તિત્વને વધુ સમૃદ્ધ બનાવીને એને લઘુતાગ્રંથિમાં ઘૂસવા
જ ન દે. આવા પુરુષો પછીથી અહંકારી કે તોછડા બની જાય અને સમાજ માટે ભાર બને એને બદલે
એના વ્યક્તિત્વને નાનપણથી જ આત્મવિશ્વાસ મળવો જોઈએ.