“ઓહો ગુજરાતી” : માત્ર ચેનલ નહીં, એક સ્વાદિષ્ટ ગુજરાતી થાળી જેવી

એક નાનકડા ગામમાં વિધવાનો દીકરો નંદુ પોતાની જિંદગીમાં કશુંક બનવાનો પ્રયાસ કરી
રહ્યો છે. ગામની જ એક છોકરી કમલીના પ્રેમમાં પડે છે… જ્યારે નંદુની મા કમલીના પિતા પાસે
એમના સંબંધની વાત લઈને જાય છે ત્યારે એમનું અપમાન કરીને એમને કાઢી મૂકવામાં આવે છે.
હૃદયભગ્ન નંદુ આર્મીમાં જોડાઈ જાય છે. જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે નંદુને ખબર પડે છે કે, એની
બટાલિયનનો કમાન્ડિંગ ઓફિસર રામસિંહ એની પ્રિયતમા કમલીનો પતિ છે… યુદ્ધ દરમિયાન પોતે
બચી શકે એમ હોવા છતાં, રામસિંહને બચાવીને નંદુ પોતે મોતના મોઢામાં ધકેલાઈ જાય છે. રામસિંહ
મૃત્યુ પામતા નંદુને પૂછે છે, “તું બચી શકે એમ હોવા છતાં તે મને શું કામ બચાવ્યો ?” જવાબમાં નંદુ
કહે છે, “ઉસને કહા થા…”

1915માં “સરસ્વતી” મેગેઝિનમાં પ્રકાશિત થયેલી, ચંદ્રધરશર્મા ગુલેરીની એક હિંદી ટૂંકી
વાર્તાના આધારે 1960માં મોનિ ભટ્ટાચારજીએ ફિલ્મ બનાવી. એ એમની દિગ્દર્શક તરીકે પહેલી
ફિલ્મ હતી. એમણે બિમલ રોય સાથે કામ કર્યું હતું અને આ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું એમણે
કેટલાય સમથી નક્કી કરી રાખ્યું હતું… એવી જ રીતે ટાગોરની વાર્તા “મૃણ્મયી” પરથી સુધેન્દુ રોયે
ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનેક લોકોને એ વાર્તા સંભળાવ્યા પછી અંતે રાજેશ્રી ફિલ્મના તારાચંદ
બડજાત્યાએ પોતાના પ્રોડક્શનમાં એ ફિલ્મ રજૂ કરી. જયા ભાદુરીને મૃણ્મયીના રોલમાં આજે પણ
લોકો ભૂલી શક્યા નથી. ગુરુદત્તના છેલ્લા દિવસોમાં એમણે બનાવેલી ફિલ્મ “સાહેબ બીવી ઓર
ગુલામ” જેના દિગ્દર્શક એમના આસિસ્ટન્ટ અબ્રાર અલ્વી હતા, એ ફિલ્મ બિમલ મિત્રની એક
બંગાળી નવલકથા “સાહેબ બીવી ઓર ગુલામ” પરથી બનાવવામાં આવી છે… ગુલશન નંદાની
નવલકથા ઉપરથી બનેલી હિંદી ફિલ્મોએ રાજેશ ખન્નાની કારકિર્દીને ચાર ચાંદ લગાવી આપ્યા.
અમૃતા પ્રિતમની નવલકથાઓ “પિંજર” અને રાજેન્દસિંઘ બેદીની નવલકથા “એક ચાદર મૈલી સી”
પરથી બનેલી ફિલ્મો આજે પણ હિન્દી સિનેમાની ક્લાસીક્સમાં ગણાય છે.

એવી જ રીતે ગુજરાતી ભાષામાં પણ હરકિશન મહેતાની નવલકથા “પ્રવાહ પલટાયો” પરથી
બનેલી ફિલ્મ “ડાકુરાણી ગંગા” કે ધીરુબેન પટેલની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ “ભવની ભવાઈ”
અને વિનોદિની નિલકંઠની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ “કાશીનો દીકરો” પણ યાદ કરવી પડે.
નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” પણ ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તા “વ્રજવાણીનો
ઢોલી” પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. આ પહેલાં “માલવપતિ મુંજ”, “મળેલા જીવ” અને
“જનમટીપ” જેવી ક્લાસિક નવલકથાઓ પરથી ફિલ્મો બની ચૂકી છે. હજી હમણા જ “ઓહો
ગુજરાતી” પર રજૂ થયેલી વેબસીરિઝ “વિઠ્ઠલ તીડી” પણ મુકેશ સોજીત્રા નામના એક ગુજરાતી
લેખકની ટૂંકી વાર્તા પરથી બનાવવામાં આવી છે. ઓહો ગુજરાતી એક એવી ચેનલ છે, જેના ઉપર
માત્ર ગુજરાતી ભાષાના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે,
ગુજરાતીને સારું કોન્ટેન્ટ મળતું નથી. ગુજરાતીનું આટલું બધું સાહિત્ય હોવા છતાં આપણે ગુજરાતી
ભાષાના સીરિઝ કે ફિલ્મોમાં કેમ કશું રજૂ કરી શકતા નથી એના જવાબરૂપે અભિષેક જૈન (“કેવી રીતે
જઈશ”, “બે યાર” ના દિગ્દર્શક) ની સાથે મળીને પ્રણય શાહે (ખુશી એડવર્ટાઈઝિંગ) અને બીજા
અનેક ગુજરાતીને પ્રમોટ કરવા માગતા લેખક, દિગ્દર્શક સાથે મળીને આ “ઠોસ ગુજરાતી” ચેનલ શરૂ
કરી છે. આપણને નવાઈ લાગે, પરંતુ હજી તો હમણા જ લોન્ચ થયેલી આ ચેનલને જબ્બર પ્રતિસાદ
મળી રહ્યો છે. અભિષેક જૈને “ઓહો ગુજરાતી” વિશે વાત કરતા કહ્યું, “હું આને કોઈ ક્રાંતિ કે કોઈ
અભિયાન તરીકે નથી જોતો. હું ગુજરાતમાં જન્મ્યો છું એટલે મારવાડી હોવા છતાં મને ગુજરાતી
સાથે લગાવ છે. પહેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ બનાવતો હતો ત્યારે હું તદ્દન નવો હતો.
અનુભવ અને સમજદારી પણ કદાચ ઓછા હતા, પરંતુ આજે એટલું ચોક્કસ સમજી શકું છું કે
ગુજરાતીઓને સારું ગુજરાતી કોન્ટેન્ટ જોવામાં જરૂર રસ છે. અમે ગુજરાતી ભાષાના ઉત્તમ
સાહિત્યની સાથે સાથે મનોરંજન અને નવી પેઢી માટે ભાષાને ફરી એકવાર નવા બ્રાન્ડિંગમાં મૂકવાના
ઉદ્દેશ્યથી આ ચેનલ શરૂ કરી છે.”

અભિષેક જૈન અનેક ગુજરાતી ટૂંકી વાર્તાઓ અને ગુજરાતી ભાષાના લેખકો અભિનેતાઓને
ગુજરાતીમાં રજૂ કરવા ઉત્સાહિત છે. આપણી પાસે એવું ઘણું સાહિત્ય છે જેને પ્લેટફોર્મ મળે તો એ
ખૂબ જ રસપ્રદ અને મજેદાર મનોરંજન પીરસી શકે. ઘણીવાર એવું થાય છે કે આપણે આપણા જ
સાહિત્ય અથવા ભાષા વિશે થોડા બેદરકાર થઈ જઈએ છીએ. અત્યારે જ્યારે ઓટીટીનું પ્લેટફોર્મ
ખૂબ જ મોટું બની ગયું છે ત્યારે અનેક ઓટીટી ઉપર આપણને ઈન્ટરનેશનલ અને ભારતની અનેક
ભાષાઓની ફિલ્મો ઉપલબ્ધ છે. આપણે સ્વીકારીએ છીએ કે, બીજા ભાષામાં ઘણું સારું કામ થઈ
રહ્યું છે. ખાસ કરીને, દક્ષિણની ફિલ્મો અને એનું બજાર જે રીતે ધમધમે છે એ રીતે કે બંગાળી અને
મરાઠીએ જે રીતે પોતાની ભાષાઓમાં ગજું કાઢ્યું છે એ રીતે ગુજરાતી ભાષાના ફિલ્મો હજી આપણા
સુધી એટલું બધું કામ લઈને આવી શકી નથી. આની જવાબદારી માત્ર નિર્માતા કે દિગ્દર્શકની નથી…
જે લોકો “હું તો ગુજરાતી જોતી જ નથી” અથવા “જોતો જ નથી” કહીને પોતાનું મહત્વ વધારવાનો
પ્રયત્ન કરે છે એ બધા સાચા અર્થમાં પોતાનું મહત્વ વધારતા નથી, બલ્કે ઘટાડે છે. અંગ્રેજી વાંચનાર કે
અંગ્રેજી ફિલ્મો અને વેબ સીરિઝ માત્ર જોવાનો દાવો કરીને પોતે બહુ “ઈન્ટરનેશનલ” છે આવું
સાબિત કરવા મથતા લોકો ખરેખર ટૂંકા મગજના અને આત્મસન્માન વિહોણા છે. જે વ્યક્તિ
પોતાની જ ભાષાના સાહિત્ય વિશે જાણતી નથી, પોતાની જ ભાષાનું કામ જોતી નથી એ
દુનિયાભરનું સાહિત્ય જાણતી હોય તો પણ એ પોતાના વારસા અને પરંપરા વિશે તદ્દન અજ્ઞાત છે.

એક મજાની વાત એ છે કે, ગુજરાતી ભાષાની ફિલ્મો ધીમે ધીમે એક નવો રાહ પકડી રહી છે.
ગુજરાતી વેબ સીરિઝ પણ એક જુદી દિશામાં ડગલા ભરવાનો પ્રયાસ કરી રહી છે. મલ્હાર ઠાકર અને
માનસી ગોહિલની “ડુ નોટ ડિસ્ટર્બ” કે આરતી પટેલ અને આરોહીની “કડક મીઠી” એક સુંદર પ્રયાસ
છે. આપણે “જોતા જ નથી” કહીને જ્યારે નકારી દઈએ છીએ ત્યારે એ સારું છે કે ખરાબ એની પણ
આપણને ખબર હોતી નથી… નિર્માતા કે દિગ્દર્શક સુધી જો ફીડબેક ન પહોંચે તો એ વધુ સારું કામ
કેવી રીતે કરી શકે ? પ્રેક્ષકનો પ્રતિભાવ એ કોઈપણ મનોરંજનના માધ્યમ માટે સૌથી મહત્વની
જરૂરિયાત છે. આ પ્રતિભાવ ત્યારે જ મળી શકે જ્યારે મનોરંજનના માધ્યમ પાસે પ્રેક્ષકો હોય… જે
ગુજરાતીઓ પોતાનું સાહિત્ય વાંચતા નથી, પોતાની ભાષામાં બનેલી ફિલ્મો કે વેબ સીરિઝ જોતા
નથી એમનો તો એક જ પ્રતિભાવ છે, “કશું સારું બનતું નથી !”

મરાઠીમાં પુ.લ. દેશપાંડેના જીવન પરથી કે કાશીનાથ ઘાણેકર, બાબાસાહેબ આમ્ટે કે
સિંધુતાઈ સપકાળના જીવન પરથી બનેલી ફિલ્મો કે ટાગોરની વાર્તાઓ જો વેબ સીરિઝ તરીકે
ઈન્ટરનેશનલ એવોર્ડ લાવી શકતી હોય તો ગુજરાતીમાં પણ કલાપી, નર્મદ કે મેઘાણીના જીવનચરિત્રો
પરથી ફિલ્મો બનવી જોઈએ. કનૈયાલાલ મુન્શી અને લીલાવતી મુન્શીનો પ્રણય, કે કલાપી અને
શોભનાની પ્રણય કથા પણ અમૃતા પ્રિતમ અને ઈમરોઝની કથાથી ઓછાં નથી… જયંત ખત્રી,
ચુનિલાલ મડિયા કે પન્નાલાલ પટેલની વાર્તાઓ, મેઘાણીનું સાહિત્ય કે ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ
પાસે પૂરેપૂરી સિનેમેટિક વેલ્યૂ છે.

“ઓહો ગુજરાતી” આ બધા સાહિત્યને પ્રેક્ષક સુધી, નવી પેઢી સુધી પહોંચાડવા બેચેન અને
તૈયાર છે. એક ગુજરાતી તરીકે બીજુ કઈ નહીં તો આવી કોઈ ગુજરાતી ચેનલનું સબસ્ક્રિપ્શન ભરીને
પણ આપણે આપણી ભાષાને મદદ કર્યાનો, નવી પેઢી સુધી આપણી ભાષા અને સાહિત્ય પહોંચતા
રહે એ માટે નાનકડું પ્રદાન કર્યાનો સંતોષ લઈ શકીએ.

3 thoughts on ““ઓહો ગુજરાતી” : માત્ર ચેનલ નહીં, એક સ્વાદિષ્ટ ગુજરાતી થાળી જેવી

  1. Vikram Raval says:

    સાચી વાત છે તમારી. “ઓહો ગુજરાતી” એક ચેનલ નથી પણ તેનાં કરતાં ઘણું વધારે છે. ‘બસ ચા સુઘી’ સીરીઝ તો જાણે ઍક કવિતા છે. “ચસ્કેલા” આધુનિક યુવાનોની લાઇફ સ્ટાઇલ ને બરોબર રીતે રજુ કરે છે.

  2. Mehul Mehta says:

    Khub saras vaat kari.
    Aa film me with family ghani vaar joi potani matru bhasha ma aavi film joi ghano aanand thayo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *