ઓનલાઈન એપ્સઃ નવી પેઢી આળસુ બને છે, જૂની પેઢી છેતરાય છે

‘ત્રીસ રૂપિયાની વસ્તુ મંગાવવા માટે પંદર રૂપિયા કેમ ખર્ચવાના?’ જૂની પેઢી પૂછે છે.
‘એટલું પેટ્રોલ ના બળે?’ નવી પેઢીનો ઉત્તર છે, ‘એટલો ટાઈમ નથી બગડતો?’
‘પણ, ચાલીને જા ને…’ જૂની પેઢી કહે છે.
‘તારે વસ્તુ લાવવાથી કામ છે કે હું ચાલીને જાઉં એનાથી?’ સંવાદ પૂરો થઈ જાય છે…

ડિજિટલ ઈન્ડિયાની પ્રધાનમંત્રીની હાકલને યુવા પેઢીએ ખૂબ આનંદથી વધાવી લીધી છે.
1990 પછી જન્મેલી આખી પેઢીની દુનિયા એના હાથમાં રહેલા એક નાનકડા ડિવાઈસ, ‘સેલફોન’
ઉપર ચાલે છે. ઈમેઈલ, વ્હોટ્સએપ કે નાના મોટા એપ્સ સુધી તો સમજી શકાય, પરંતુ હવે પાણી
પીવાનું યાદ કરાવવા માટે કે દિવસમાં કેટલા ડગલાં ચાલ્યાં એની ગણતરી, કેટલી કેલેરી વપરાઈ એનો
હિસાબ મળે એ માટેના એપ્સ પણ ઉપલબ્ધ છે.

આ પેઢી જીમ જાય છે, ટેનિસ રમે છે, વિગન ખાય છે અને વેઈટ લોસ્ટ માટે પ્રોટીન પાવડર
પીએ છે, પરંતુ જે કામ જાતે થઈ શકે એ કરવા માટે એપ્સ વાપરે છે! છેલ્લા થોડા વખતથી ભારતીય
જીવનશૈલીમાં બહુ જ મોટો ફેરફાર આવ્યો છે. આ ફેરફાર હોમ ડિલિવરીનો છે. જે જોઈએ, તે હવે
ઘેર બેઠાં ઉપલબ્ધ છે. ફ્રીજ, વોશિંગ મશીન જેવા મોટા હોમ અપ્લાયન્સથી શરૂ કરીને કપડાં, જુત્તા,
મેક-અપનો સામાન અને ઘરવખરી, શાકભાજી સુધીનું બધું જ એક સેલફોન પર ઓર્ડર કરવાથી ઘરે
હાજર થઈ જાય છે. ન ગમે તો પાછું આપી શકાય એવી શરત પણ મોટાભાગની ‘હોમ ડિલિવરી’ કરતી
એપ્સમાં ઉપલબ્ધ છે.

કોરોના પહેલાં હોમ ડિલિવરીનું આટલું બધું ચલણ નહોતું, કદાચ! પરંતુ, કોરોનાએ વસ્તુઓ
ઘરે પહોંચાડવાની આખી પ્રવૃત્તિમાંથી બહુ મોટી રોજગારી ઊભી કરી છે. સ્વીગીજીની, પોર્ટર,
સ્વીગીફૂડ, ઝોમેટો, બ્લિન્ક ઈટ, ઈન્સ્ટામાર્ટ અને બીજી કેટલી બધી આપણે જાણીએ છીએ, નથી
જાણતા એવી એપ્સ ઉપલબ્ધ છે. માણસે પોતાના ઘરમાંથી દિવસો સુધી બહાર ન નીકળવું પડે અને
નીકળે ત્યારે ઘરના આંગણે ઉબર, ઓલા જેવી તૈયાર સર્વિસ એની પ્રતીક્ષા કરતી હોય એવી એક નવી
જ દુનિયાનું નિર્માણ થઈ રહ્યું છે. હવે ઘર સાફ કરવા માટે પ્લમ્બર, એન્જિનિયર, અપ્લાયન્સ
સર્વિસ, બ્યૂટી પાર્લર કે સ્પા જેવી સર્વિસ પણ હવે ઘરે ઉપલબ્ધ છે. અર્બન ક્લેપ જેવી કંપનીની
કર્મચારી સ્પાનો બેડ પણ પોતાની સાથે લઈને આવે છે! સંગીત વગાડે છે અને સેન્ટેડ કેન્ડલ પણ
પ્રગટાવે છે. બહાર જવાની કોઈ જરૂરત જ નથી…

એથી આગળ હવે રોકડા રૂપિયા રાખવાની પણ જરૂર નથી. સરકાર જાહેરાત કરે છે, ‘પેટીએમ
કરો.’ સામસામેની લેવડદેવડ પણ હવે ‘જીપે’ કે ‘એનઈએફટી’થી પતી જાય છે. પગાર સીધો ખાતામાં
જમા થાય છે, બેન્કમાં ચેક ભરવાની જરૂર નથી… દૂર બેઠેલા ભાઈ-બહેન માટે રાખડી અને ગિફ્ટની
લેવડદેવડ કે ક્યાંયથી બેસીને કોઈને પણ ભેટ, કેક કે ફૂલ મોકલવાની વ્યવસ્થા હવે ચપટી વગાડતાં થઈ
શકે છે. ટૂંકમાં, હવે કોઈપણ કામ માટે એક માણસે બીજા માણસને મળવાની જરૂર નથી પડતી.

સગવડ સારી બાબત છે. માનવજીવનને સરળ બનાવે છે, આનંદદાયક બનાવે છે, પરંતુ
સવાલ એ છે કે, આટલી બધી સગવડો પછી માણસનો માણસની સાથેનો સંપર્ક છૂટતો જાય છે.
સ્વીગી જીની કે પોર્ટર વસ્તુઓને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ પહોંચાડે છે, એટલે કોઈને
કશું હાથોહાથ આપવાની-મળવાની, વાત કરવાની શક્યતા ઘટતી જાય છે. નવી પેઢીના છોકરાંઓ
કશુંય ખરીદવા જતા નથી, એટલે ઘરે જે આવે તે જ સાચું. તાજું શાક, વસ્તુની ક્વોલિટી જેવી
કેટલીક બાબતો વિશે એમનું બેધ્યાન હોવું નવી પેઢી માટે મોટી સમસ્યા છે. લગભગ દરેક માતા-
પિતાને એવો ભય લાગે છે કે, જો એ ઘર ચલાવવાનું, ઘરમાં રસ લેવાનું છોડી દેશે તો નવી પેઢી,
દીકરો-દીકરી, પુત્રવધૂ યોગ્ય રીતે ઘરની વ્યવસ્થા નહીં કરી શકે! આ ભય સાવ ખોટો પણ નથી, અને
તદ્દન સાચો પણ નથી.

જે માતા-પિતા ચાલીને, બસમાં જઈને રીક્ષાના પૈસા પણ બચાવતા હતા એ માતા-પિતાને
આ ડિલિવરીના પૈસા ‘નકામા’ લાગે છે. આ છોકરાંઓ વધુને વધુ આળસુ થઈ રહ્યા છે એવી આ
માતા-પિતાની ફરિયાદ છે. દરેક રૂમમાં ગોઠવાઈ ગયેલા ટેલિવિઝન, લેપટોપ, આઈપેડને કારણે ઘણા
બધા યુવા-ટીનએજર્સ પોતાની જગ્યાએથી ઊભા થતા જ નથી. ઓબેસિટીનો પ્રશ્ન વધતો જાય છે.
પહેલાં ઘરમાં બનેલું ભોજન ન ભાવે તો પણ ખાવા માટે બહાર જવું પડતું-એ આળસ કે કંટાળાને
લીધે પણ ટીનએજર કે યુવા સંતાન ઘરનું જમી લેતા. એટલા બધા પૈસા પણ ન હોય, અને માગવાથી
મળે નહીં એટલે પણ ઘરનું જમવાની ફરજ પડે. હવે સંતાનના ખાતામાં પૈસા છે, રાખવા પડે છે!
ઓનલાઈન ભોજન ઉપલબ્ધ છે-અનેક વેરાયટી સાથે બહારનું ભોજન સ્વાદિષ્ટ હોઈ શકે, પરંતુ એની
ક્વોલિટી અને એમાં વપરાતી ચીજવસ્તુઓ વિશે આપણને વારંવાર ચેતવણી મળતી રહે છે. સ્વાસ્થ્ય
વિશે ચિંતિત માતા-પિતા સંતાનને ટોકી શકે છે, રોકી શકતા નથી.

નવી પેઢીમાં વજન વધવાની સમસ્યા તો છે જ, પરંતુ શારીરિક શ્રમ ઘટવાને કારણે નાની
ઉંમરે કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ફેટી લિવર જેવી બિમારીઓ વધવા લાગી છે. સતત ટેલિવિઝન સ્ક્રીન કે
કમ્પ્યુટરની સામે જોતાં રહેવાને કારણે નાની ઉંમરે ચશ્મા આવે છે. હ્યુમન ટચ-માણસ સાથેનો સંપર્ક
છૂટી જવાને કારણે એક આખી એકલવાયી, બેડરૂમનું બારણું બંધ રાખતી, ઓછા મિત્રો ધરાવતી અને
માતા-પિતા સાથે ભાગ્યે જ વાત કરતી પેઢી વિશે ચિંતા થાય એવી સ્થિતિ ઊભી થઈ છે.

યુવા પેઢી ટેકનોલોજી સાથે એકદમ ફ્રેન્ડલી છે. એમને આ બધા જ એપ્સનો સાવધ ઉપયોગ
આવડે છે જ્યારે માતા-પિતાની પેઢી મોબાઈલના આ બધા એપ્સનો ઉપયોગ સગવડ માટે કરે તો છે,
પરંતુ આપણે જેટલા એપ્સ ડાઉનલોડ કરીએ એટલા ઈન્ટરનેટના બજારોમાં વધુ ઉઘડતા જઈએ
છીએ. દરેક એપ આપણને પૂછે છે, ‘નોટિફિકેશન, તસવીરો અને બીજી વિગતો એક્સેસ કરીએ?’
સમજ્યા વગર મોટાભાગના લોકો ‘અલાઉ’નું બટન દબાવી દે છે. આને કારણે આપણા મોબાઈલમાં
રહેલી વિગતો, આપણા બેન્ક અકાઉન્ટ્સથી શરૂ કરીને આપણે શું ખરીદીએ છીએ એ બધાની વિગતો
આપણે સૌ માટે ઉપલબ્ધ કરી દઈએ છીએ. છેતરપિંડીની દુનિયા માટે આ આમંત્રણ છે. વારંવાર
અપાતી સૂચનાઓ છતાં ઓટીપી શેર કરી દેવો, માર્કેટિંગ કોલની લાલચમાં આવી જવું કે પેટ્રોલ પંપ
અને સ્ટોર્સમાં ‘ફ્રી ગિફ્ટ’ની લાલચે ભરવામાં આવતા નાનકડા ફોર્મ્સ ભરીને ‘ફસાઈ જવા’ની ભૂલ એ
પેઢી વારંવાર કરે છે…

ટેકનોલોજી સગવડ છે, ઘણી રીતે આશીર્વાદ પણ છે, પરંતુ એની સાથે જોડાયેલા કેટલાક મહત્વના
ભયસ્થાનોને બંને પેઢીએ સમજવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *