જેમણે વિદેશપ્રવાસ કર્યો હશે એ સૌને ખબર હશે કે, વિદેશમાં સ્ત્રીની ઉંમર 70-80
વર્ષની હોય, એ વ્હિલચેર પર બેઠાં હોય તો પણ એમનાં વસ્ત્રો, લિપસ્ટિક, નેઈલપોલીશ અને
એક્સેસરીઝ એકબીજા સાથે મેચિંગ અને એકદમ પરફેક્ટ હોય, એ વેકેશન પર જતાં હોઈ શકે…
એમની સાથે વ્હિલચેર પર બેઠેલી એમની મિત્રો પણ હોઈ શકે! આપણા દેશમાં સમાજ વ્યક્તિ
પાસેથી જે ઉંમરે માત્ર મંદિરે જવાની કે ધર્મધ્યાન કરવાની અપેક્ષા રાખે છે એ ઉંમરે પણ ‘જીવન’નો
રસ ન ખૂટવો જોઈએ એ માન્યતા પશ્ચિમમાં દ્રઢપણે વ્યાપેલી છે.
રોબર્ટ રેડફોર્ડ 81 વર્ષના અને જેઈન ફોન્ડા જ્યારે 80 વર્ષનાં હતા (2017) ત્યારે એમણે
એક ફિલ્મમાં અભિનય કર્યો, ભારતીય દિગ્દર્શક રિતેશ બત્રાની ફિલ્મ ‘અવર સોલ્ઝ એટ નાઈટ’ (Our
Souls at Night). સામસામે રહેતા બે પાડોશીઓ, વૃધ્ધ છે-એમના સંતાનો પોતપોતાના જીવનમાં
ગોઠવાઈ ચૂક્યાં છે, અથવા નથી ગોઠવાયાં… પરંતુ, આ બંનેનું જીવન એકલવાયું છે. એવા સમયમાં
એક સ્ત્રી પોતાના વૃધ્ધ પાડોશી પાસે જઈને એને પોતાને ત્યાં રાતના ઊંઘવા માટે બોલાવવાની
વિનંતી કરે છે. એ ભાઈને ઘણી નવાઈ લાગે છે કારણ કે, બંને સામસામે રહેતાં હોવા છતાં એમણે
ક્યારેય એકમેક સાથે એક કપ કોફી સુધ્ધાં પીધી નથી! એ બહેનનું કહેવું એમ છે કે, ‘દિવસ તો
જાતભાતની પ્રવૃત્તિમાં પસાર થઈ જાય છે, પણ રાત કોઈ કંપની વગર બહુ એકલવાયી અને ક્યારેક
ભયાવહ લાગે છે.’ એ બહેન હિંમતથી કહે છે કે, ‘તમને પણ આવું જ લાગતું હશે! બંને જણાં
પોતપોતાના ઘરમાં એકલવાયી સાંજ વિતાવવાને બદલે જો સાંજ અને રાત એકમેકની સાથે
વિતાવીએ તો બંનેને કંપની મળે…’ આ ઓફર સ્વીકારવી કે નહીં, એનો નિર્ણય પોતાના પાડોશી પર
છોડીને એ બહેન ચાલી જાય છે. એ ભાઈ ડરતાં ડરતાં પાછલા દરવાજેથી પહેલીવાર એની
પાડોશીના ઘરમાં દાખલ થાય છે. બંને ઓક્વર્ડ રીતે ગોઠવાવાનો પ્રયાસ કરે છે… એ પછીની વાર્તા
બહુ રસપ્રદ છે. બે એકલવાયા લોકો કંઈ રીતે પોતાના જીવનના આનંદની ક્ષણો, પસ્તાવાની ક્ષણો,
પીડા અને પ્રશ્નો એકબીજા સાથે વહેંચતા, એકમેકને સમજતા થાય છે! અચાનક આવી પડેલો
ડિવોર્સી દીકરો (અમેરિકા જેવા દેશમાં) પણ માના આ સંબંધને ‘અપ્રુવ’ કરતો નથી! એ માને પોતાની
સાથે, પોતાના સંતાનને સાચવવા માટે લઈ જાય છે… એ પછી પણ આ દોસ્તી અને આ આત્મીય
(સોલફૂલ) સંબંધ કઈ રીતે આગળ વધે છે એના ઉતાર-ચઢાવની આ કથા આજના વૃધ્ધોને ઘણું
શીખવી જાય છે!
આજથી ઘણા વર્ષો પહેલાં જેઈન ફોન્ડાએ પોતાના વર્કઆઉટની વીડિયોને માર્કેટ કરનાર
પહેલી અભિનેત્રી હતી. 24 એપ્રિલ, 1982ના રોજ, ઓસ્કાર-વિજેતા અભિનેત્રી, યુદ્ધવિરોધી
કાર્યકર અને હોલિવુડની સફળ અભિનેત્રી જેઈન ફોન્ડાએ પોતાની કારકિર્દીમાં એક નવું શીર્ષક ઉમેર્યું-
વ્યાયામ ગુરુ! તેની પ્રથમ બેસ્ટ સેલિંગ એરોબિકની ટેપ હોમ-વિડિયો માર્કેટમાં રજૂ થઈ, ત્યારે એ 45
વર્ષનાં હતાં. રોબર્ટ રેડફોર્ડ એમની એક ફિલ્મ ‘ઈનડિસન્ટ પ્રપોઝલ’થી હોલિવુડમાં હલચલ મચાવી
ચૂક્યા છે. એમણે સર એલેક ગિન્નેસ, માલોન બ્રાન્ડો, એલિઝાબેથ ટેલર અને ઓડ્રી હેપબર્ન જેવા
અદભૂત અભિનેતાઓ સાથે કામ કર્યું છે અને ગોલ્ડન ગ્લોબ ઓસ્કાર જેવા એવોર્ડ્ઝ જીત્યા છે.
‘અવર સોલ્ઝ એટ નાઈટ’ની આ કથામાં આપણે સૌએ શીખવાની એક બહુ અદભૂત
સલાહ-શીખામણ કે વોર્નિંગ છે. 2017માં અમેરિકન વૃધ્ધો એકલા હતા. એમના સંતાનો
પોતપોતાની જિંદગી જીવતાં હતા, 2024માં હવે ભારતીય વૃધ્ધો એકલા પડવા માંડ્યા છે. સંતાન
વિદેશમાં છે અથવા કોઈ બીજા શહેરમાં કામ કરે છે. એમને માટે પોતાની કારકિર્દી અને એમનો નાનો-
ન્યુક્લિયસ પરિવાર મહત્વનો છે. મોટેભાગે કામ કે વ્યવસાય કરતી પત્નીની સાથે રહેતો દીકરો અથવા
સતત બીઝી રહેતા પતિની સાથે જીવતી-નોકરી કે વ્યવસાય કરતી દીકરી શહેરમાં હોવા છતાં પણ
માતા-પિતા માટે સમય ફાળવી શકતા નથી. આવા સમયમાં જ્યારે બે જણાં હોય ત્યાં સુધી તો બહુ
પ્રશ્નો નડતા નથી, પરંતુ જ્યારે બેમાંથી એક ચાલી જાય-આ જગતમાંથી વિદાય લે ત્યારે એકલા
જીવવાનું માત્ર મુશ્કેલ જ નહીં, દુષ્કર બની જાય છે. પૈસા હોય, સગવડ હોય, એક સુવિધાપૂર્ણ ઘર
હોય તેમ છતાં સૌથી વધુ જરૂર કંપનીની હોય છે. એક માણસના જીવનમાં પોતાની ઉંમરની-
પોતાનાથી થોડી ઓછી ઉંમરની કંપની પણ ‘જીવનરસ’ને ઓછો થવા દેતી નથી.
આપણે, ખૂબ સંકુચિત મનોવૃત્તિ ધરાવતા એક એવા સમાજમાં ઉછર્યા, જીવી રહ્યા છીએ
જ્યાં સ્ત્રી-પુરુષના સંબંધને કોઈપણ ઉંમરે ‘લગ્ન’નું લેબલ ન હોય તો એ સંબંધ સ્વીકાર્ય બની શકતો
જ નથી! સ્ત્રી અને પુરુષના સંબંધમાં શરીર સિવાય પણ કઈ હોઈ શકે એ વિચાર હજી, 2024 સુધી
તો આપણો સમાજ સ્વીકારતો નથી! એક કૂતરાને પણ ઘરમાં એકલો મૂકી દો તો એ હિજરાય છે, ઝુરે
છે-પોતાના માલિકને અથવા ઘરના સભ્યની કંપની શોધે છે! તો, જેની સાથે પોતાના જીવનના 40 કે
50 વર્ષ વીતાવ્યા હોય એવા જીવનસાથીની ગેરહાજરીમાં એક માણસ-વ્યક્તિ કેટલી એકલી પડી
જતી હશે!
સંતાનોને દોષ દેવાનો અર્થ નથી કારણ કે, જમાનો હરિફાઈ અને અસંતોષનો છે. મોંઘવારી
જે હદે વધી રહી છે અને જીવનધોરણ જે રીતે બદલાઈ રહ્યાં છે એ રીતે દરેક વ્યક્તિ લક્ઝરીયર્સ
લાઈફસ્ટાઈલ જીવવા માટે આંખો મીંચીને દોડી રહી છે. આ દોડમાં પાછળ રહી ગયેલા માતા-પિતા
વિશે વિચારવા ઊભાં રહી શકે એવી સગવડ અને સંવેદના આજની યુવા પેઢીને પોષાય એમ નથી,
કદાચ! સૌને મોટું ઘર, પોતાના સંતાનો માટે મોંઘી સ્કૂલ, લાંબી લક્ઝરીયર્સ ગાડીઓ અને વિદેશના
વેકેશન-જીવન જરૂરિયાતનો હિસ્સો લાગે છે. એ એમની દ્રષ્ટિ છે-આજના સમયની જરૂરિયાત હોઈ
શકે, કદાચ. એ જ સંતાન પોતાના માતા-પિતાને કહે છે, ‘તમે હરો-ફરો-મજા કરો, તમારા પૈસા
વાપરો-અમારે નથી જોઈતા, પરંતુ હરવા-ફરવા-મજા કરવા માટે કંપની જોઈએ એ વાત આ યુવા
સંતાનોના ધ્યાન બહાર રહી જાય છે, કદાચ!
‘અવર સોલ્ઝ એટ નાઈટ’ આવી જ એક એકલવાયાં-બે જણાંની કથા છે. આજની કથા છે,
આપણી સંવેદનાની અને સ્નેહ ભૂખ્યા-સમય ભૂખ્યા વડીલોની હૃદયને સ્પર્શી જતી કથા છે. આ
ફિલ્મ વૃધ્ધોએ તો જોવી જ જોઈએ, પરંતુ યુવા સંતાનોએ પણ જોવી જોઈએ જેથી એમને એમના
માતા-પિતાની જરૂરિયાત અને એકલા હોવાની પીડા સમજાય.