ડૉ. મુકુલ ચોકસીનો એક લેખ, 2002માં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં મારા હાથે ચઢ્યો, “વાત
ત્રીસ વર્ષ પહેલાંની છે. હું પાંચમાં-છઠ્ઠા ધોરણમાં ભણતો હોઈશ. મારી સોસાયટીમાં એક રખડતું કૂતરું
આવી ચડ્યું. સવારે છ વાગ્યે દૂધવાળા માટે ઘરનાં બારણાં ખૂલે કે એ ચોરપગલે ઘરમાં ઘૂસી જાય અને
પલંગ નીચે ભરાઈ જાય. હું ઊંઘમાંથી જાગું કે તરત બુચકારા ભરી એને બોલાવવાની મને આદત પડી
ગઈ. મારા નાસ્તાની સાથે જ એને પણ નાસ્તો આપવો પડે. એ એના ગંદાગોબરા શરીરથી મને ચાટે.
ગામ આખાની ગંદી ધૂળમાં આળોટ્યા બાદ એ મારા ખોળામાં માથું ઘસે તો મને કોઈ દિવસ સૂગ નહોતી
ચડતી. મેં એને પાળ્યું નહોતું. મારા બુચકારા સિવાય એનું કોઈ ચોક્કસ નામ પણ નહોતું તેમ છતાં ગમે
ત્યાંથી એ મારો અવાજ સાંભળી લેતું. હોળીમાં એને પણ રંગવાનું. બીજાં કૂતરાં સાથે લડીને જખમી થઈ
આવે તો દવા લગાડવાની. બહુ કાદવવાળું થાય તો નવડાવવાનું. ટૂંકમાં, મા-બાપ આપણે માટે કરે તે બધું
જ મારે મારા કૂતરા માટે કરવાનું. એક દિવસ સાંજે રોજની જેમ જ હું સ્કૂલેથી પાછો આવ્યો,
સોસાયટીને છેવાડે મારું કૂતરું જણાયું નહીં. થોડા બુચકારા બોલાવ્યા, પણ એ આવ્યું નહીં. ત્યાં મમ્મીએ
આવીને કહ્યું કે એને તો દવા આપીને મારી નંખાયું. બપોરે જ કોર્પોરેશનવાળા એની લાશ પણ લઈ ગયા.
હું સન્ન થઈ ગયો. જિંદગીમાં પહેલી વાર મેં આઘાતનો સખત આંચકો અનુભવ્યો. મારા કૂતરાએ
કોર્પોરેશનવાળાઓનું કે કોઈનુંય કંઈ બગાડ્યું નહોતું, તે કોઈનેય કરડતો નહોતો, તેમ છતાં એ ગયો. મારી
અંદરના બાળકનું તે દિવસે મૃત્યુ થયું. દુનિયા બહુ નિષ્ઠુર ચીજ છે એ મને તે દિવસે ખબર પડી.”
લગભગ એવી જ કોઈ કથા, દેવકી અભિનિત એકપાત્રી નાટક ‘અદભૂત’માં પણ એણે વણી લીધી
છે. એક નાનકડા બાળક માટે એના પાળેલા પ્રાણી કે પક્ષીનું મૃત્યુ એના જીવનની સૌથી દુઃખદ અને
હચમચાવી મૂકનારી ઘટના હોય છે. શ્વાનનું આયુષ્ય બાર વર્ષ જેટલું માનવામાં આવે છે. બાળકની સાથે
પેટ (પાલતુ પ્રાણી) એટલું બધું હળીમળી જતું હોય છે કે, બાળકને દોસ્તીની સાથે સાથે જવાબદારી પણ
શીખવા મળે છે. એને યોગ્ય સમયે ખાવાનું મળવું જોઈએ, ચાલવા લઈ જવું પડે, એની ટ્રેનિંગ ચાલતી
હોય ત્યારે એ ગમે ત્યાં પોટી-સૂસૂ કરે, એ સાફ કરવાથી શરૂ કરીને એની સાથે કઈ રીતે વર્તવું એ બધું જ
પેટની સાથે સાથે બાળક પણ શીખે છે.
આજના સમયમાં જ્યારે સિંગલ ચાઈલ્ડ ફેમિલી જોવા મળે છે ત્યારે ખાસ કરીને ઘરમાં આવું
એકાદ પ્રાણીકે પક્ષી હોય તો બાળકને કંપની રહે એટલું જ નહીં, પરંતુ એણે પણ કોઈકનું ધ્યાન રાખવાનું
છે, એણે પણ કોઈકની જવાબદારી લેવાની છે એવા એક અહેસાસથી એને પણ મોટા અને સમજદાર
હોવાનું ગૌરવ થાય છે… પરંતુ જ્યારે આવું પેટ (ખાસ કરીને કૂતરું) પાળીએ ત્યારે ઘણી બધી વાતો
ધ્યાનમાં રાખવાની હોય છે.
સૌથી પહેલી વાત તો એ છે કે, પેટ પરિવારનો સદસ્ય છે એટલે પરિવારની વ્યક્તિને સારું-ખરાબ
લાગે, એને જેમ આપણી વાતમાં રસ પડે, એને જેમ વહાલ અને અટેન્શન જોઈએ એ બધું જ પેટ
અથવા ડોગને જોઈએ. આપણે એને આપણા શોખ માટે પાળ્યું હોય તો ધીરે ધીરે એ આપણા જીવનનો
એક અનિવાર્ય હિસ્સો બની જશે એટલું નક્કી છે. ઘણીવાર ઘરના ઘણા સભ્યોને પેટ કે ડોગ નથી ગમતા,
જ્યારે બીજા કેટલાક સભ્યોને ગમે છે… જેને ન ગમતા હોય એને એટલી વિનંતી ચોક્કસ કરવી કે ‘હટ’
અથવા ‘અપમાનજનક’ શબ્દો વાપરીને પેટ કે ડોગને આઘા ન ખસેડવા કારણ કે અંતે આ શિકારી જીવ
છે. વફાદાર છે, પ્રેમાળ છે, પરંતુ એને ગુસ્સો આવે ત્યારે એ ક્યારેક નુકસાન કરી બેસે એવું પણ બને.
બીજી મહત્વની વાત એ છે કે, માત્ર ઘરમાં ગલુડિયું લાવ્યા પછી એને ખવડાવવાથી કે બહાર
ચાલવા લઈ જવાથી જ જવાબદારી પૂરી થતી નથી. કૂતરો બુધ્ધિશાળી પ્રાણી છે અને એને જે શીખવીએ
તે ખૂબ ઝડપથી શીખે છે. એને સ્વચ્છતા, પોટી ટ્રેનિંગ અને બીજી બધી બાબતો શીખવવી અનિવાર્ય છે.
પાણી એક જ જગ્યાએ પીવું, પેશાબ એક જ જગ્યાએ કરવો અને દિવસમાં બેવાર બહાર લઈ જવું જેથી
એ પોતાની શૌચક્રિયા બહાર પતાવી શકે. આમ તો એવું માનવામાં આવે છે કે, મનુષ્ય બાર હજાર વર્ષથી
કૂતરો પાળે છે, પરંતુ એ વનનું અથવા શિકારી પ્રાણી છે માટે એને સતત ઘરમાં લીસા ટાઈલ્સ પર
રાખવાથી એના પગ વાંકા થવા લાગે છે. કૂતરાને થતા મુખ્ય રોગો વિશે ઘરના લોકોને જાણકારી હોવી
જોઈએ એટલું જ નહીં, એના ખાવાની ટેવમાં કે એની એનર્જીમાં ફેર પડે તો તરત જ એ વિશે સજાગ
થઈને એને ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
ભારતીય ઘરોમાં ખાસ કરીને, ગુજરાતી ઘરોમાં કૂતરાને કંઈ પણ ખાવા આપવાની એક પધ્ધતિ
છે. એને આઈસ્ક્રીમ ભાવે, સુખડી ભાવે કે એવી બીજી વસ્તુઓ ‘ભાવે’ છે કહીને આવા ઘરોમાં શ્વાનને
એટલો જાડો કરી મૂકવામાં આવે છે કે એના પગ રાંટા થઈ જાય છે. કૂતરું ઊંચી જાતિનું ‘પેડિગ્રી’ ધરાવતું
કોઈ વિદેશી નસલનું હોય કે સાવ રસ્તા પર જન્મેલું (સ્ટ્રે) ડોગ… એની શીખવાની ક્ષમતા લગભગ
સરખી, બુધ્ધિ અને વફાદારી લગભગ એક જેવી હોય છે.
પોલીસમાં, આર્મીમાં, એરપોર્ટ પર કૂતરાનો ઉપયોગ એની ઘ્રાણેન્દ્રિયને કારણે ખૂબ મહત્વનો
પૂરવાર થયો છે. પોલીસ રેકોર્ડના ઈતિહાસમાં એવા કેટલાય કેસીસ છે જે કૂતરાએ સોલ્વ કરી આપ્યા
હોય!
ડૉ. મુકુલ ચોકસીના આ લેખ પછી દરેક માતા-પિતાએ એક વાત સમજવી જોઈએ. એના બાળક
માટે જ્યારે પેટ લાવે ત્યારે પેટ માટે અત્યંત સ્નેહ, જવાબદારી અને અટેચમેન્ટ હોય, એ જરૂરી છે, પરંતુ
સાથે સાથે બાળકને એવું સમજાવતા રહેવું જોઈએ કે, પેટનું આયુષ્ય ખૂબ લાંબું નહીં હોય અને ક્યારેક એ
આપણને છોડીને જશે, ત્યારે દુઃખી થવાને બદલે આપણે એની સાથે વિતાવેલો ટાઈમ અને એની સાથે
કરેલી મજા જ યાદ રાખવાની છે.
આમ તો દરેક સંબંધનું સત્ય આ જ છે… આપણે સંબંધને શાશ્વત માનીને જીવતા થઈ ગયા
છીએ, પરંતુ ક્રૂર, હકીકત એ છે કે આપણી આસપાસના અત્યંત પ્રિય હોય એવા લોકોમાંથી કોઈકને
કોઈક, આપણી પહેલાં જવાનું જ છે… એના ગયા પછી એ સંબંધને પીડા સાથે યાદ રાખવાને બદલે
એની સાથે જોડાયેલા ઉત્તમ પ્રસંગો, સ્નેહ અને એની પાસેથી આપણે જે શીખ્યા હોઈએ એ યાદ કરીને
ગયેલી વ્યક્તિની સુખદ સ્મૃતિઓ આપણા મનમાં રાખીએ તો કદાચ આપણે નિરાશા કે ડિપ્રેશનમાંથી
બચી શકીએ.