પેમ્પર અને પનિશમેન્ટઃ બંને ખોટાં.

બારમા ધોરણની એક છોકરીએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી. પોતાની સ્યુસાઈડ નોટમાં
એણે લખ્યું છે કે, સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને પોતે ભણી શકે એમ નથી, પિતાના સ્વપ્નોને પૂરા કરી
શકે એમ નથી… આવી સ્યુસાઈડ નોટ વાંચીએકે આવો કોઈ કિસ્સો સાંભળીએ ત્યારે સવાલ એ થાય છે
કે, દુનિયામાં ધીરેધીરે સંતાનને ‘સંપત્તિ’ સમજનારા માતા-પિતાની સંખ્યા કેમ વધતી જાય છે? સંતાન
પાસે પોતાનું એક વ્યક્તિત્વ છે, રસ, રૂચિ, ગમા-અણગમા, ઈન્ટેલિજન્સ અને આવડત-અણઆવડત છે.
માતા-પિતાનો ડીએનએ લઈને જન્મેલું સંતાન દરેક વખતે માતા-પિતાના બધા જ ગુણો લઈને જન્મે
એવું જરૂરી નથી! મોટાભાગના માતા-પિતા અથવા, બેમાંથી એક પોતાના સંતાનને અન્ય સામે રજૂ
કરવાની એક એવી સમજે છે-જે એમના ગૌરવ, અભિમાન અને ઉછેરનું પ્રમાણપત્ર બને.

સાવ નાનકડા એક-દોઢ વર્ષના બાળકને પણ મહેમાનની સામે ‘આંખ બતાવો-હાથ બતાવો’ કહીને
એની આવડતનું પ્રદર્શન કરવામાં આવે છે. બે-ત્રણ વર્ષના બાળકને પોએમ ગવડાવીને કે આંકડા
ઓળખાવીને માતા-પિતા પોતાનો ઉછેર અને બાળકની કુશાગ્ર બુધ્ધિનું પ્રદર્શન કરે છે. મહેમાન કે
પડોશી, સહપ્રવાસી કે ઓળખીતાને રસ હોય કે નહીં, પોતાના બાળકના સતત વખાણ કરતા માતા-પિતા
એક સેકન્ડ માટે પણ એવું વિચારતા નથી કે સામેની વ્યક્તિને કેટલો અને કેવો રસ હોઈ શકે?

મજાની વાત એ છે કે, એ બાળકની કુશાગ્ર બુધ્ધિનું પ્રદર્શન કરતાં માતા-પિતા એ જ બાળકની
ઈનડિસિપ્લિન, આડોડાઈ, તોફાન અને બીજા ઉપર એ કેટલી દાદાગીરી કરે છે અથવા કહ્યું નથી માનતું,
ધાર્યું કરે છે એવું કહેતી વખતે શરમને બદલે ગર્વ અનુભવે છે. ઘરમાં આવેલા મહેમાન કે પડોશી સાથે
મિસબિહેવ કરતા બાળકને રોકવાને બદલે કે પ્રવાસના સ્થળોએ, સિનેમામાં કે જાહેરસ્થળોએ તોફાન
કરતું, ચીસો પાડતું, આળોટતું કે તોડફોડ કરતું બાળક માતા-પિતાના ઉછેરને પ્રતિબિંબિત કરે છે. કહેવાનું
તાત્પર્ય એ નથી કે બાળકે મોટાની જેમ વર્તવું જોઈએ અથવા બાળકનું બાળપણ ઝુટવીને એને મેચ્યોર
અને ગંભીર રીતે વર્તવાની ફરજ પાડવી જોઈએ… જરાય નહીં! બાળપણ તો નિર્દોષ આનંદ સાથે
માણવાની સ્વતંત્રતા એને હોવી જ જોઈએ, પરંતુ એ બાળપણ જ્યારે અનુશાસન કે સંસ્કાર વગરનું હોય
ત્યારે એ બાળક ગમે તેટલું હોશિયાર કે કુશાગ્ર બુધ્ધિ ધરાવતું હોય, એના ઉછેરમાં રહેલી ખામીઓ દેખાયા
વગર રહેતી નથી.

કેટલાંક માતા-પિતાને આ તોફાન, મિસબિહેવિયર, તોછડાઈ કે દબંગગીરીમાં બાળકની હોશિયારી
અને આવડત દેખાય છે. પોતાનું બાળક કોઈને ગાંઠતું નથી અને સ્કૂલમાંથી પણ એની વારંવાર ફરિયાદો
આવે છે એ વાતે ચિંતિત થવાને બદલે કેટલાક માતા-પિતા હસીને ગર્વથી આ હકીકત બીજાને કહેતા હોય
ત્યારે એમની દયા ખાવી કે એમના પર ગુસ્સો કરવો એ સમજાતું નથી.

આજના સમયમાં સ્માર્ટનેસની વ્યાખ્યા ઉદ્દંડતા, તોછડાઈ અને બુલીની સાથે જોડાઈ ગઈ છે.
ગુજરાતી ભાષામાં આપણી પાસે બે શબ્દો છે, બાળસહજ અને બાલિશ. એવી જ રીતે અંગ્રેજીમાં
ચાઈલ્ડીશ અને ચાઈલ્ડલાઈક એમ બે જુદા શબ્દો છે. બાળસહજ અથવા ચાઈલ્ડલાઈક તોફાનો
આપણને સહુને ગમે છે, પરંતુ ચાઈલ્ડીશ કે બાલિશ વર્તન અનુશાસનનો અભાવ અને સંસ્કારની
ગેરહાજરી સૂચવે છે.

ઉછેર, સંસ્કાર જેવા શબ્દો આપણે વારંવાર વાપરીએ છીએ, પરંતુ એનો અર્થ ખરેખર આપણે
જાણીએ છીએ ખરા? બાળકને મંદિરમાં લઈ જવું કે ‘જે જે’ કરતાં શીખવાડવું, બે-ચાર શ્લોક મોઢે બોલી
જાય અને સામેવાળી વ્યક્તિને ઈમ્પ્રેસ કરી નાખે એ સિવાય પણ ઉછેરમાં બીજી ઘણી બાબતો સામેલ
થતી હોય છે. ડાઈનિંગ ટેબલ, ફોન કે ટેલિવિઝનની મેનર્સ હોય છે. શાળાના શિક્ષકો સાથેનું વર્તન પણ
માતા-પિતાની સમજણનું પ્રતિબિંબ હોય છે. વડીલો અને મહેમાનોની હાજરીમાં બાળક કેટલું
અટેન્શનસિકિંગ-ધ્યાન આકર્ષવા માટેના પ્રયત્નો કે જીદ અને આડાઈ કરે છે એ પણ માતા-પિતાના ઉછેર
ઉપર આધારિત છે. ટીવી સામે બેઠેલું બાળક ઘરમાં મહેમાન આવે ત્યારે ઊઠીને પાણીનો ગ્લાસ આપે
છે? ઘરની ડોમેસ્ટિક હેલ્પ, ચોકીદાર, ડ્રાઈવર કે રેસ્ટોરાંના વેઈટર, રીક્ષા કે ટેક્સીવાળા સાથે આપણું
બાળક કેવી રીતે વર્તે છે? પોતે કંઈ ખાતું હોય અને એ જ વખતે કોઈ બીજું બાળક ત્યાં આવી ચઢે તો
આપણા કહ્યા વગર એ પોતાનો બોલ, પેકેટ કે જે ખાતું હોય તે વસ્તુ એ બીજા બાળક સાથે શેર કરે છે?
માગેલી વસ્તુ ન મળે તો એ રડી-કકળીને, પછાડ ખાઈને પોતાનું ધાર્યું કરાવવા પ્રયાસ કરે છે-એના
રડવાથી, જીદથી હારીને આપણે માતા-પિતા તરીકે એનું ધાર્યું થવા દઈએ છીએ? આ બધા સવાલોના
જવાબો બાળ ઉછેરની ડિક્શનરીના મહત્વના શબ્દો છે.

કદાચ સવાલ એ થાય કે, આમાં માતા-પિતા શું કરી શકે? તો સૌથી મહત્વની સલાહ કે ટીપ એ
છે કે, બાળકની બધી બાબતમાં ‘હા’ ન પાડવી, એ જે કરે તે બધું ન કરવા દેવું, એના તોફાનો કે
મિસબિહેવિયર ઉપર હસીને કે અન્યની સામે, ‘એ તો નહીં માને’ કહીને એનો બચાવ ન કરવો. એવી જ
રીતે, હાથ ઉપાડવાથી કે શિક્ષા કરવાથી બાળક સુધરે છે એવું માનતા દરેક માતા-પિતાએ પોતાની
સમજણ અને ઉછેરની આવડત બદલવાની જરૂર છે. જે બાળક કહ્યું ન માનતું હોય એ માતા-પિતાએ
એની કોઈ વિકનેસ શોધી કાઢવી જોઈએ. જેમ કે, એની સાથે વાત નહીં કરવાથી એને તકલીફ થાય છે?
માતા કે પિતા બેમાંથી કોઈ એક જણ ભોજન નહીં કરે તો એને પોતાના ખરાબ વર્તનનો અફસોસ થાય
છે? એને ગમતી વસ્તુ ન અપાવાથી કે પ્રવૃત્તિ નહીં કરવા દેવાથી એને પોતાની ભૂલ સમજાય છે?

બાળઉછેર કોઈ પુસ્તકમાં લખેલી રૂલ બુક નથી જ. દરેક બાળક સાથે ઉછેર બદલાય છે. ઘરનું
વાતાવરણ, વડીલોની હાજરી કે ગેરહાજરી, માતા-પિતાની માનસિકતા અને સમય આપવાની સગવડ,
ધીરજ અને સમજદારી, માતા-પિતાના આપસી સંબંધો, પડોશીઓ-સગાંવહાલાનું બાળક સાથેનું વર્તન
અને સૌથી મહત્વનું… એની ભૂલ કે મિસબિહેવિયર વખતે મા-બાપે કરેલું વર્તન, એક બાળકના
વ્યક્તિત્વને ઘડે છે. એ જ્યારે પુખ્યવયની વ્યક્તિ બને છે ત્યારે એના ઉછેરમાં પડેલા આ જ બધા બીજ
એને સારી કે ખરાબ વ્યક્તિ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *