પંચતત્વની પ્યાસઃ કરે દુઃખી ઉદાસ…

પાંચ કી પ્યાસ તર્હં દેખ પૂરી ભઈ તીન કી તાપ તર્હં લગે નાહીં ।
કહૈં કબીર યગ અગમ કા ખેલ હૈ ગૈબ કા ચાંદના દેખ માહીં ।
જનમ-મરન જહાઁ તારી પરત હૈ હોત આનંદ તર્હં ગગન ગાજૈ ।
ઉઠત ઝનકાર તર્હં નાદ અનહદ ઘુરૈ તિરલોક-મહલ કે પ્રેમ બાજૈ ।

આ કબીરજીની પંક્તિઓ છે… ટૂંકમાં ઘણું કહી દેવું એ કબીરજીની ખાસ કલા છે.
વારાણસીમાં જન્મેલા, અથવા જડી આવેલા કબીરજી વણકર તરીકે ઉછર્યા અને એમનો જીવનનિર્વાહ
પણ એ જ રીતે કરતા રહ્યા.

એમની આ પંક્તિઓ આમ જુઓ તો જીવન આખાનો સાર છે. ‘પાંચની પ્યાસ’ એટલે
જીવનની પાંચ ઈન્દ્રિયો (સ્પર્શ, શબ્દ, રૂપ, રસ, ગંધ)ની તરસ-પ્યાસ કે એની સાથે રહેલો મોહ જે
દિવસે બુઝાય જાય, ઓછો થઈ જાય ત્યારથી ત્રિવિધતાપ-ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનનો તાપ
લાગતો નથી. ત્રણેય લોકનું દુઃખ આપણા સુધી પહોંચતું નથી કારણ કે, આપણે પાંચ ઈન્દ્રિયોમાંથી
બહાર નીકળીને પરમતત્વ સાથે જોડાઈ જઈએ છીએ. જ્યાં સુધી ઈન્દ્રિયો છે ત્યાં સુધી ઈચ્છા છે,
માગણીઓ છે એ ઈચ્છા સાથે જોડાયેલા સાર્થ કે નિરર્થક પ્રયાસો છે, એ પ્રયાસ સાથે જોડાયેલી
સફળતા કે નિષ્ફળતા આનંદ કે નિરાશા છે. આ બધામાં આપણે અટવાઈ જઈએ છીએ. બુદ્ધનો
વિચાર અહીં બહુ સમજવા જેવો છે. આનંદ કે સફળતાની અપેક્ષામાં જીવતા મોટાભાગના મનુષ્યોને
શોક, પીડા કે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે કારણ કે, જે ઈચ્છીએ છીએ-જેના માટે પ્રયત્નશીલ
છીએ એ ન મળે એટલે સહજ નિરાશા કે નિષ્ફળતાની લાગણી થાય છે.

માયા કા સુખ ચાર દિન, ગ્રહે કહાં ગંવાર
સુપનેં પાયા રાજ-ધન, જાતાં ન લાગે વાર
માયા તરવર ત્રિવિધ કી, શોક દુઃખ સંતાપ
શીતલતા સ્વપને નહીં, ફલ ફિકો, તલતાપ
માયા ઐસી શંખની, સામી મારે શોધ
આપન તો રીતે રહે, ઔરન કો દે બોધ…

આ કબીરજીની પંક્તિઓ છે. આપણે ઉપર જે પંચેન્દ્રિયના મોહની અથવા એની તરસની
વાત કરી એ જ વાત એમણે આ પંક્તિઓમાં કરી છે. માયા, દુઃખ, નિરાશા અને ઈર્ષાની ત્રણ ડાળીનું
ઝાડ છે. એ ઝાડથી માણસને સ્વપ્નમાં પણ શાંતિ મળતી નથી. એના ફળ સ્વાદ વગરના છે અને
ખાવાથી શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે… માયાનું સુખ થોડા દિવસનું છે, પણ ગંવાર, મૂર્ખ માણસ આ
સમજતો નથી અને એને જ શાશ્વત માનીને જીવવાનો પ્રયાસ કરે છે જેમાં માત્ર નિરાશા અને દુઃખ
જ હાથ લાગે છે.

આ માયામાંથી જો આપણે મુક્ત થઈ જઈએ, પંચેન્દ્રિયની તરસને એક બાજુએ મૂકીને
જગતના મૂળ તત્વ સાથે જોડાઈએ તો આવા ફિક્કા ફળ કે પીડાથી દૂર રહી શકાય છે. જે ક્ષણે
આપણે સ્વયંને પરમતત્વને સમર્પિત કરી દઈએ છીએ. એ ક્ષણથી આપણી ચિંતા પણ એને જ
કરવાની એવું નક્કી થઈ જાય છે. જેને આપણે અંતર્યામી કહીએ છીએ એ જો સાચે જ અંતરના
આયામમાં વસતો હોય, તો આપણી ભીતર વસતી વ્યક્તિથી શું છુપાવવાનું ? અથવા એને શું કહેવાનું
કારણ કે, એ તો બધું જાણતા જ હોય. આપણા સુખ-દુઃખ, આશા-નિરાશા કે આપણી ભીતર રહેલા
સારા-ખરાબ ગુણો પણ એને તો ખબર જ છે… એનો અર્થ એ થયો કે જેને બધી જ ખબર છે એને
કશું કહેવાને બદલે જો આપણે એના શરણમાં જતા રહીએ તો એ આપણા માટે જે સાચું અને સારું
છે એ જ કરશે. સાથે સાથે એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે, એકવાર શરણમાં ગયા પછી આપણું
આધિપત્ય કે કંટ્રોલ રહેતો નથી. પછી તો એ જે કરે એને જ સત્ય માનીને સ્વીકારવાની શરણાગતિ
કેળવવી પડે…

આ અગમ એટલે કે અગમ્ય-અનનોન અથવા અજાણ એવા કોઈ પરમતત્વની રમત છે.
આપણે જો એ પરમતત્વની રમતનું રમકડું બની જઈએ અને સ્વયંને જાતે ચલાવવાનો અહંકાર
છોડીને એના જ ઈશારે ચાલવાનું નક્કી કરીએ તો આપણા અસ્તિત્વમાં જ ગેબ, કોઈ અદૃશ્ય અથવા
અલૌકિક ચાંદની છે. અહીં ચાંદનીનો અર્થ કદાચ શાંતિ, ઠંડક કે સૌંદર્ય થાય છે. જે ક્ષણે આપણે
આપણી અંદરના ત્રિવિધતાપ શમાવીને, પાંચ ઈન્દ્રિયોની તરસને અટકાવીને પરમતત્વને શરણે
જઈએ છીએ ત્યારે ભીતર જે શાંતિ થાય છે એને કદાચ ગેબની ચાંદની કહીને સંબોધવાનો પ્રયાસ
કબીરજીએ કર્યો છે. આ ગેબની ચાંદની એટલે પરમતત્વનું અજવાળું, જ્યાં અંતે આપણે સહુએ
પહોંચવાનું છે. ત્યાં જિંદગી અને મોત પ્રેક્ષક બનીને તાળી વગાડી રહ્યા છે. આમ જોવા જઈએ તો
જિંદગી અને મોત બંને એક પ્રેક્ષક જ તો છે. એમના ભાગે કરવાનું કશું નથી, એમણે તો અગમનો
ખેલ નિહાળવાનો છે. આપણા અસ્તિત્વને ઊગતું અને આથમતું જોયા કરવાનું છે. યમ અથવા બ્રહ્મા
જેવાં તત્વોની કલ્પના કદાચ આપણે કરી છે, પરંતુ જો વૈજ્ઞાનિક કે અધ્યાત્મિક દૃષ્ટિએ જોવા જઈએ
તો માણસ તરીકે આપણું અસ્તિત્વ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવું પડે એટલો નાનો પહેલો સેલ છે, જેને
એમ્બ્રિયો તરીકે ઓળખાય છે. એટલા નાના સેલમાંથી પાંચ-છ ફૂટનો માણસ બને અને ફરી એકવાર
એ જ માણસ નાનકડી કુલડીમાં મુઠ્ઠીભર હાડકાં બનીને ગોઠવાઈ જાય, ધૂમ્રસેર બનીને હવામાં ભળી
જાય કે જમીનમાં દટાઈ જાય ત્યારે આપણને સમજાય કે માતા-પિતાની ઈન્દ્રિયોમાંથી સર્જાયેલો
ડીએનએનો એક નમૂનો ફરી એકવાર પંચતત્વમાં ભળી જાય છે… આ જોવા માટે જિંદગી અને મોત
પ્રેક્ષક બનીને બેઠા છે.

ચક્કી ફિરતી દેખકે, દિયા કબીરા રોય,
દો પાટન કે બિચમેં, બાકી બચા ન કોય.
માટી કેરા પુતલા, માણસ ધર્યા નામ,
દિન દો ચાર કારણે, ફિર ફિર રોકે ઠામ.
કબીર ! આયા હય સો જાયગા, રાજા રંક ફકીર,
કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બંધ જાત જંજીર.

જે ક્ષણે આ સત્ય સમજાઈ જાય એ ક્ષણે પરમ આનંદ છે. કારણ કે, પછી દુઃખનું અસ્તિત્વ
રહેતું નથી… જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ છે. બુદ્ધ ‘અ-શોક’ની સ્થિતિ વર્ણવે છે. આનંદ છે કે નહીં,
એ તો વ્યક્તિ જાતે જ નક્કી કરી શકે, પરંતુ જો શોકની સ્થિતિ નથી તો એ પણ બહુ મોટી કૃપા
માનવી જોઈએ. જેની સાથે કબીર કહે છે કે, જે ક્ષણે આપણે જન્મ-મરણના આ ચક્રને પ્રેક્ષક માનીને
જીવનને યથાતથા સ્વીકારી શકીએ, એને પરમતત્વના શરણમાં મૂકી શકીએ તો આનંદની ધ્વનિઓથી
આકાશ ગૂંજી ઊઠે છે. અનહદનો નાદ સંભળાય છે અને ત્રણેય લોકમાંથી ફક્ત પ્રેમ અનુભવાય છે.

આ સાચે જ સમજવા જેવી વાત છે. આજના સમયમાં આપણે પરિસ્થિતિ બદલી શકતા
નથી, શું થશે એ વિશે અનિશ્ચિતતા છે, સ્વજનનું મૃત્યુ કે આપણી પોતાની શારીરિક પીડા સ્વીકાર્યા
વગર બીજો કોઈ છૂટકો નથી ત્યારે જો પરમતત્વને શરણે જઈએ અને પરિસ્થિતિને કોઈપણ પ્રકારનો
વિરોધ કર્યા વગર શાંતિ અને સ્વસ્થતાથી સ્વીકારવાનો પ્રયાસ કરીએ તો કદાચ આપણને ભીતર
ચાંદનીની શીતળતાનો અનુભવ થાય. કદાચ, આપણી પાસે ભજવાઈ રહેલા આ જીવન અને મૃત્યુના
નાટકને આપણે એક પ્રેક્ષકની જેમ જોતા શીખી શકીએ. પ્રેક્ષક પણ રડે છે, હસે છે, સામે ભજવાયેલા
દૃશ્યો સાથે જોડાયેલો હોય છે, પણ એ નાટકનો ભાગ નથી… એ જો શીખી શકીએ તો કદાચ
આજની પરિસ્થિતિ સાથે કામ પાડવું થોડુંક સહેલું બની જાય.

અને અંતે, જે પ્રેમની વાત કબીરજીએ કરી છે,
જાકે હિરદે પ્રેમ બસે, તાકો સબ જુગ દાસ,
પ્રેમ બિના ભક્તિ કરે, માનો કાટા ઘાસ.
પ્રેમ બિના ધિરજ નહિ, બિરહે બિના બૈરાગ,
સદ્ગુરુ બિના મિટે નહિ, મન મનસાકા દાઘ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *