પંડિતા રમાબાઈઃ દોઢસો વર્ષ પહેલાંની આધુનિક સ્ત્રી

લગભગ દરેક વાતચીતમાં આપણને સાંભળવા મળે છે કે, ‘જમાનો બદલાઈ ગયો છે…’
આજની સ્ત્રી 21મી સદીમાં જીવે છે, પરંતુ એનો વિકાસ અને જીવનશૈલી કદાચ 22મી સદી સુધી
પહોંચ્યા છે. વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતાં આપણે સૌ એ નથી જાણતા કે આપણી આ
સ્વતંત્રતા અને સ્ત્રી સશક્તિકરણના પાયામાં કેવી કેવી સ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું છે.

આજથી 150 વર્ષ પહેલાં જ્યારે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં પાપ માનવામાં આવતું હતું
ત્યારે સંસ્કૃતનો અભ્યાસ કરી, 20 વર્ષની ઉંમરે ‘પંડિતા’ની પદવી મેળવનાર અને યુનિવર્સિટી ઓફ
કલકત્તામાંથી ‘સરસ્વતી’ની ઉપાધિ મેળવનાર, પોતાની જ્ઞાતિની બહાર લગ્ન કરનાર, આર્ય મહિલા
સમાજની સ્થાપના કરનાર, બાળ લગ્ન અને સતિ પ્રથાનો વિરોધ કરનાર, હિન્દુ સ્ત્રીઓએ ભણવું
જોઈએ એવો આગ્રહ રાખી સમાજનો વિરોધ સહન કરનાર એક સ્ત્રીને આજે યાદ કરવી જોઈએ.
એનું નામ રમાબાઈ ડોંગરે. ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ. એમના પિતા સંસ્કૃતના વિદ્વાન
હતા, જેમણે દીકરીને ઘરમાં સંસ્કૃત શીખવ્યું. માત્ર દીકરીને જ નહીં, પત્ની લક્ષ્મીબાઈ ડોંગરેને પણ
વિદ્વાન અનંત શાસ્ત્રીએ 1850માં સંસ્કૃત ભણાવવાની પહેલ કરી હતી.

રમાબાઈનાં માતા-પિતા 1887માં મૃત્યુ પામ્યા. અનાથ થઈ ગયેલા ભાઈ-બહેને સમગ્ર
ભારતની યાત્રા કરી એટલું જ નહીં, ભારતના ગામડે ગામડે ફરીને સ્ત્રી શિક્ષણનો પ્રચાર કર્યો. એમનું
કામ જોતા કલકત્તા યુનિવર્સિટીએ એમને ‘સરસ્વતી’ની સર્વોચ્ચ ઉપાધિ આપી સન્માનિત કર્યા.
1880માં ભાઈનું મૃત્યુ થયું પછી રમાબાઈએ બંગાળી વકીલ વિપીન બિહારીદાસ સાથે લગ્ન કર્યા.
એમના પતિ બંગાળી કાયસ્થ હતા અને રમાબાઈ મરાઠી બ્રાહ્મણ, 1880માં આ લગ્ન માત્ર
આંતરજ્ઞાતિય જ નહીં, આંતરક્ષેત્ર, આંતરભાષાકીય લગ્ન હતાં. પતિની મદદથી એમણે પૂનામાં બાળ
વિધવાઓ માટે શાળા શરૂ કરી, પરંતુ 1982માં એમના પતિનું મૃત્યુ થયું. હાર્યા વગર, પૂના શહેરના
બ્રાહ્મણોના વિરોધને ગણકાર્યા વગર રમાબાઈએ સમાજ તરફથી ત્યજાયેલી અને બાળલગ્નથી વિધવા
થયેલી, ઘરેલુ હિંસા કે શોષણનો સ્વીકાર બનેલી સ્ત્રીઓ માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જ્યાં
માત્ર આશ્રય જ નહીં, આજે જેને ‘વોકેશનલ ટ્રેનિંગ’ કહીએ છીએ એવું, સ્ત્રી કમાઈ શકે, જીવી શકે
એવું શિક્ષણ આપવામાં આવતું. 1897ના દુકાળમાં પંડિતા રમાબાઈ દુષ્કાળના ક્ષેત્રોમાં પ્રવાસ કરીને
અનેક બાળકોને, ખાસ કરીને દીકરીઓને લઈ આવી ત્યારે પૂના શહેર ખળભળી ઊઠ્યું. શહેરના ઉચ્ચ
મનાતા બ્રાહ્મણ વર્ગમાંથી એમને શહેરની બહાર કાઢવામાં આવ્યા, પરંતુ રમાબાઈએ ડર્યા વગર
પૂનાથી 50 માઈલ દૂર કેડગાવમાં પતિએ ખરીદેલી સો એકર જમીનના ટુકડામાં આ બાળકો માટે
આશ્રમ બનાવ્યો.

1900ની શરૂઆતમાં એમણે કેટલાક પુસ્તકો પ્રકાશિત કર્યાં જેમાં સ્ત્રીએ કંઈ રીતે જીવવું એ
વિશેની પ્રેરણા સાથે સાથે યુવતિઓ માટે કેટલીક સમજણ અને શિખામણ પણ આપી. રમાબાઈના
આશ્રમને દાન ભાગ્યે જ મળતું કારણ કે, સ્ત્રી શિક્ષણની હિમાયતી, બાળ લગ્નોની વિરોધી અને
વિધવા વિવાહની પુરસ્કર્તા આ સ્ત્રી સમાજને વિદ્રોહી અને બંડખોર લાગતી હતી. એમણે એક
તરકીબ શોધી કાઢી, તમામ યુવા બાળ વિધવાઓને અનુરોધ કર્યો કે, નાની દીકરીઓમાંથી એકને દત્તક
લે અને એની જવાબદારી ઉપાડે. આ તરકીબ ખૂબ સારી ચાલી. અનેક યુવા વિધવાઓએ આશ્રમની
દીકરીઓને દત્તક લીધી એટલું જ નહીં, પોતાની સગી દીકરી કરતાં પણ વધુ વહાલથી એમને ઉછેરી
અને શિક્ષણ આપ્યું.

પંડિતા રમાબાઈએ દુષ્કાળની સાથે સાથે ભયાનક પ્લેગનો પણ સામનો કર્યો. નાના નાના
ગામડાંઓમાં જઈને પ્લેગમાં અનાથ થઈ ગયેલા બાળકોને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પ્લેગને
કારણે વિધવા થયેલી નાની બાળકીઓને આશ્રમમાં લાવીને ભણાવી. અંગ્રેજ સરકાર દ્વારા હન્ટર
કમિશન નિયુક્ત કરવામાં આવ્યું ત્યારે આખા દેશમાં માત્ર એક સ્ત્રીને એ કમિશન સાથે વાતચીત કરવા
માટે આમંત્રિત કરવામાં આવી, એ પંડિતા રમાબાઈ હતાં. એમણે ડર્યા વગર હન્ટર કમિશનની સામે
પોતાના ભાષણમાં કહ્યું, ‘આજે સમાજમાં શિક્ષિત પુરુષો સ્ત્રીનાં શિક્ષણનો વિરોધ કરે છે કારણ કે,
એમને એવો ભય છે કે, સ્ત્રીઓ શિક્ષિત થશે તો એમનાથી આગળ નીકળી જશે.’ એમણે હન્ટર
કમિશનને વિનંતી કરી કે, મેડિકલ કોલેજમાં સ્ત્રીઓને એડમિશન મળવું જોઈએ અને એમની માટે
રિઝર્વ સીટો રાખવી જોઈએ. સાથે સાથે શિક્ષકોને પણ સતત પ્રશિક્ષિત કરવાની વાત રમાબાઈએ
આજથી 140 વર્ષ પહેલાં કહી.

મેડિકલ કોલેજમાં એમના માર્ક સૌથી વધુ હોવા છતાં એમને કોલેજમાંથી કાઢી મૂકવામાં
આવ્યા. એ પછી, સીએસએમવી (ધ કમ્યુનિટી ઓફ સેન્ટ મેરી ધ વર્જિન)ની સ્કોલરશિપ પર
રમાબાઈ બ્રિટન ગયા અને ચિકિત્સા (ડૉક્ટરી) પ્રશિક્ષણ લીધું. સમાજે એમનો એટલો બધો વિરોધ
કર્યો કે, સમાજના અત્યાચારથી કંટાળીને રમાબાઈએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો. રૂઢિવાદી હિન્દુ
ધર્મનો સતત વિરોધ હોવા છતાં એમણે ધર્મશાસ્ત્ર, પવિત્ર મહાકાવ્યો, પુરાણ, સહિત ‘સ્ત્રી ધર્મ’
(મોરલ્સ ફોર વિમેન) જેવાં પુસ્તકો લખ્યાં. એમનું એક મહત્વનું પુસ્તક ‘ધ હાઈકાસ્ટ હિન્દુ વુમન’
ખૂબ ચર્ચામાં રહ્યું કારણ કે, એમણે એ સમયે લખેલું કે, ‘સ્ત્રીને ધર્મના નામે સતત દબાવવા અને
કચડવામાં આવે છે. જે અધિકાર પુરુષોને છે એ બધા જ વ્યક્તિ તરીકે સ્ત્રી પાસે હોવા છતાં સ્ત્રી
ક્યારેય પોતાના પરિવારનો પરિત્યાગ કરતી નથી. માતા તરીકને તમામ જવાબદારીઓ સ્ત્રી ઉઠાવે છે
તેમ છતાં બાળવિધવા, બાળવધૂ અને દીકરીઓને આદર તો નથી જ મળતો, પરંતુ સહાનુભૂતિ કે
સ્નેહ આપનારા લોકો પણ આ સમાજમાં નથી.’

પંડિતા સરસ્વતી રમાબાઈ, ના નામે જાણીતા રમાબાઈ ડોંગરેએ પોતાના આત્મકથાત્મક લેખો
પણ લખ્યા છે જેમાં એમણે પોતાના સમયના સમાજ અને સ્ત્રીઓની સ્થિતિ વિશે ડર્યા વગર લખ્યું
છે. આજે ભારતીય સ્ત્રી જે સ્વતંત્રતા માણે છે અને સ્ત્રી શિક્ષણ કે સમાન અધિકારોની જે વાતો
આપણે કરીએ છીએ એના પાયામાં પંડિતા રમાબાઈ જેવી અનેક સ્ત્રીઓ છે જેમણે પોતાના સમયમાં
અવાજ ઊઠાવીને સ્ત્રીની સ્થિતિ સુધારવા માટે જીવનભર પ્રયાસ કર્યો. આજની દીકરીઓ જે
આધુનિકતાના નામે શરીર પ્રદર્શન કરે છે, સિગરેટ કે શરાબ પીએ છે… સ્વતંત્રતાના નામે પોતાના
માતા-પિતા સાથે લડે-ઝઘડે છે કે ‘માય લાઈફ’ કહીને સમજ્યા વગર પોતાનું જીવન બરબાદ કરે છે
એમને પંડિતા રમાબાઈ જેવા અનેક સ્ત્રીઓનાં જીવનચરિત્રો વાંચવાની કે જાણવાની જરૂર છે.
સ્વતંત્રતાનો સાચો અર્થ આવી સ્ત્રીઓનાં જીવનમાંથી જ મળે છે.

આજે, 23મી એપ્રિલ પંડિતા રમાબાઈનો જન્મદિવસ છે. એમને આજે 164 વર્ષ પૂરાં થાય
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *