માણસ માત્ર ‘સુખી’ થવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સુખની, સગવડની અને
સંતોષની સૌની પોતપોતાની વ્યાખ્યાઓ છે, અને દરેક પોતાની વ્યાખ્યામાં રહીને પોતાના
સુખને શોધે છે. એવી જ રીતે, ‘દુઃખ’ની પણ સૌની આગવી વ્યાખ્યા છે. મોટાભાગના લોકોને
જોઈએ ત્યારે સમજાય કે, એમની પાસે જે છે એમાં એ સુખી નથી! પત્ની હોય કે પતિ, પોઝિશન
હોય, પૈસા હોય કે પ્રવૃત્તિ, દરેકને લાગે છે કે એને જે મળવું જોઈતું હતું એનાં કરતાં પોતાને થોડું
ઓછું અથવા અધૂરું મળ્યું છે… આ અધૂરપ અથવા ઓછપ, માણસને વધુ મહેનત કરવા તરફ કે
વિકાસ કરવા તરફ લઈ જાય છે એમ માની લઈએ તો પણ સત્ય તો એ છે કે, આ અધૂરપ અને
ઓછપ માણસ માત્રને ‘સુખી’ થતા રોકે છે.
ભારતીય દર્શન અથવા ફિલોસોફી કે તત્વજ્ઞાન માણસ માત્રના જીવન સાથે જોડાયેલી
સામાન્ય બાબતોમાં એને ‘જીવતાં’ નહીં, ‘સારી રીતે અને સુખથી જીવતાં’ શીખવે છે. ભારતના
તત્વચિંતનમાં અનેક માન્યતાઓ, ધારાઓ, વિચારો પ્રવર્તે છે. જડ અને ચેતન એ બે સ્વતંત્ર
તત્વોની સાથે માણસ માત્રનો સંયોગ અથવા સંબંધ શું છે અને જીવનનું પ્રયોજન શું છે,
અસ્તિત્વનું કારણ શું છે જેવા મૂળ સવાલોના જવાબો આપણને આપણા ઉપનિષદોમાંથી અને
એની સાથે જોડાયેલી કથાઓમાંથી મળે છે. ખિન્નતા, વિષમતા અને અસંતોષના કારણો પણ
આપણને આ જ ફિલોસોફી અથવા તત્વજ્ઞાનમાંથી મળે છે.
‘ભારતીય દર્શન’ અથવા ફિલોસોફીને છ ધારાઓમાં વેચવામાં આવી છે. જેમાં સાંખ્ય,
યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા જેવા છ જુદા જુદા વિચારોની સ્કૂલ
(ધારાઓ) વિદ્વાનોએ શોધી છે. એને ષડ્દર્શન તરીકે ઓળખવામાં આવે છે. આ છએ ધારાઓ
ઉપર નગીન જી. શાહનું એક પુસ્તક ‘ષડ્દર્શન શું છે?’ ટૂંકમાં છતાં રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
એમના કહેવા મુજબ આ બધી ધારાઓ એકમેકથી જુદી છે-એમના વિચારો અને જીવન સાથે
કામ પાડવાની એમની રીત, નીતિ અને માનસિકતા પણ અલગ છે તેમ છતાં આ બધા જ દર્શન-
ફિલોસોફીની સ્કૂલ્સ એક વાત સાથે સહમત છે કે, દુઃખનું કારણ મિથ્યાજ્ઞાન યા અવિવેકજ્ઞાન છે.
દુઃખનો સમૂલનાશ મોક્ષ છે. દુઃખનો સમૂલનાશ તત્વજ્ઞાન, સંયમ અને ધ્યાનથી થાય છે.
તત્વજ્ઞાન જીવનમાં ઊતરવું જોઈએ. એમ થાય તો જ જીવન સંયમી અને શુધ્ધ બને. રાગ, દ્વેષ
વગેરે ક્લેશોનો નાશ કરવા સંયમ જરૂરી છે. રાગ, દ્વેષ વગેરે ક્લેશો સંયમ અને ધ્યાનમાં વિઘ્નરૂપ
છે. તત્વજ્ઞાનથી ગૃહીત સત્યોનો ધ્યાન દ્વારા સાક્ષાત્કાર થાય છે. આમ બધાં દર્શનો ધર્મદ્રષ્ટિ
સાથે પ્રગાઢ રીતે સંકળાયેલાં છે.
જગતની નૈતિક સુવ્યવસ્થામાં બધાં દર્શનોને વિશ્વાસ છે. તે સુવ્યવસ્થાનું મૂળ કારણ
કર્મસિધ્ધાન્ત છે, જેને પ્રત્યેક દર્શન સ્વીકારે છે. દરેકને પોતાનાં કરેલાં કર્મનું ફળ મળે છે જ, આ
જન્મમાં નહીં તો પછીના જન્મમાં. નૈતિક ક્ષેત્રમાં પણ કાર્ય-કારણનો નિયમ અટળ છે. જેવું કર્મ
તેવું ફળ. કર્મ અનુસાર જીવને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત
થાય છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત
સાધનોનો ઉપયોગ કેમ કરવો અને અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે
તેના હાથની વાત છે એવું કર્મસિધ્ધાન્ત માને છે. વળી, જીવ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની
અસરોને હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિધ્ધાન્તમાં સ્વીકારાયું છે. આત્મા ઉપર કર્મનું
નહીં પણ કર્મ ઉપર આત્માનું આધિપત્ય છે.
‘સંખ્યા’ શબ્દમાંથી ‘સાંખ્ય’ શબ્દ બન્યો છે. ‘સંખ્યા’નો અર્થ અહીં સમ્યક્ જ્ઞાન છે.
સાંખ્યમત પ્રમાણે વિવેકજ્ઞાન (જડચેતનના ભેદનું જ્ઞાન) તે સમ્યક્ જ્ઞાન છે. આ દર્શનમાં આ
જ્ઞાનની પ્રધાનતા છે એટલે એનું નામ ‘સાંખ્ય’ પડ્યું છે. સાંખ્યદર્શન ભારતીય દર્શનોમાં અત્યન્ત
પ્રાચીન અને મહત્વપૂર્ણ મનાય છે. તેના પ્રવર્તક કપિલ મુનિ ગણાય છે. સાંખ્ય મૂળભૂત બે
તત્વોને માને છે-જડ અને ચેતન. જડ તત્વને તે પ્રકૃતિ કહે છે અને ચેતન તત્વને પુરુષ યા
આત્મા. સાંખ્યની તત્વવ્યવસ્થામાં ઈશ્વરને સ્થાન નથી.
‘યોગ’ શબ્દનો અર્થ સમાધિ છે, પરંતુ પતંજલિ તેનો અર્થ ચિત્તવૃત્તિનો નિરોધ એવો કરે
છે. સાંખ્ય અને યોગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ખરેખર તો સાંખ્યના સિધ્ધાન્તોનો વ્યાવહારિક
જીવનમાં પ્રયોગ એ જ યોગ છે. યોગ સાંખ્યનો પૂરક છે. યોગ સાંખ્યનાં પચીસ તત્વોને સ્વીકારે
છે, પરંતુ એમાં તે એક વધુ ઉમેરે છે-ઈશ્વર. પતંજલિએ ઈ.સ. પૂર્વે 200 આસપાસ યોગ સંબંધી
ધારણાઓને પોતાના યોગસૂત્રમાં સંગ્રહીત કરી છે. યોગદર્શનનો આ મૂળ ગ્રંથ છે. તેના ઉપર
વ્યાસે પ્રસિધ્ધ ભાષ્ય રચ્યું છે.
‘વૈશેષિક’ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી બન્યું છે. વિશેષ નામનો સ્વતંત્ર પદાર્થ માનતું
હોવાથી આ દર્શનનું નામ વૈશેષિક પડ્યું છે. વૈશેષિકદર્શનના પ્રણેતા કણાદ ઋષિ છે. કણાદે
વૈશેષિકસૂત્રની રચના કરી છે. તેનો સમય ઈ.સ.ની પ્રથમ શતાબ્દી મનાય છે. વૈશેષિકસૂત્ર પછી
મહત્વનો વૈશેષિક ગ્રંથ ‘પદાર્થધર્મસંગ્રહ’ છે. તેના રચનાર પ્રશસ્તપાદ હોઈ, તે પ્રશસ્તપાદભાષ્ય
નામે પ્રસિધ્ધ છે. વૈશેષિક બાહ્ય પદાર્થોને કણાદ અને પ્રશસ્તપાદ છ વર્ગોમાં વહેંચી દે છે-દ્રવ્ય,
ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, પરંતુ વૈશેષિકોએ અભાવ નામનો એક સાતમો પદાર્થ
જોડી દીધો છે. આમ કુલ સાત પદાર્થો છે.
સામાન્ય રીતે ‘ન્યાય’ શબ્દનો અર્થ છે કાયદો યા નિયમયુક્ત વ્યવહાર, પરંતુ દાર્શનિક
પરંપરામાં તેનો અર્થ થાય છે વસ્તુઓને યથાર્થરૂપે જાણવાનાં જ્ઞાનરૂપ સાધનોની (પ્રમાણોની)
મીમાંસા. આમ ન્યાયદર્શન એ તર્કશાસ્ત્ર છે. ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ અક્ષપાદ ગણાય છે.
તેમણે ન્યાયસૂત્રની રચના ઈ.સ. 200 આસપાસ કરી છે. તેના ઉપર વાત્સ્યાયને ઈ.સ. 300
આસપાસ ભાષ્ય રચ્યું છે.
‘મીમાંસા’ શબ્દનો અર્થ છે કોઈપણ વસ્તુના સ્વરૂપને પામવા માટેની વિચારણા. વેદના બે
ભાગ છે-કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડના ક્ષેત્રમાં વેદવાક્યોમાં જણાતા વિરોધનો પરિહાર
કરવાના, મીમાંસાદર્શનના પ્રણેતા જૈમિનિ (ઈ.સ.પૂ. 150) ગણાય છે.
વૈદિક સમયના અંતભાગમાં રચાયા હોવાથી વેદથી શરૂ થયેલા ચિંતનની પરાકાષ્ઠારૂપ
હોવાથી, ઉપનિષદોને વેદાન્ત ગણવામાં આવતાં. ઉપનિષદો અનેક છે. વેદની બાદરાયણે (આશરે
ઈ.સ. પૂર્વ 150) બ્રહ્મસૂત્ર (જેને વેદાન્તસૂત્ર, શારીરિકસૂત્ર, શારીરિકમીમાંસા, ઉત્તરમીમાંસા
નામે પણ ઓળખવામાં આવે છે તે) રચ્યું. આપણી સમક્ષ શંકર, રામાનુજ, મધ્વ, વલ્લભ અને
નિમ્બાર્કની શાખાઓ છે, પરંતુ આ બધીમાં સૌથી વધુ પ્રસિધ્ધ શંકરની શાખા છે. તેનું નામ છે
કેવલાદ્વૈત.
‘બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ બ્રહ્મસ્વરૂપ જ છે.’ આ જ્ઞાન સાક્ષાત્કારરૂપ
છે. છએ દર્શન આપણને અંતે એ જ શીખવે છે કે, બહારની પ્રકૃતિના પાંચ તત્વો અને આપણા
શરીરમાં રહેલા પંચતત્વો એકમેકને સમાંતર-સમરૂપ અને સમરસ હોય તો જ આ વિશ્વનું
સંતુલન જળવાઈ શકે.