એક વાચકનો પત્ર આવ્યો છે, ‘મને મારા પતિ સાથે સહેજ પણ ફાવતું નથી. એમનો સ્વભાવ તોછડો
અને વિચિત્ર છે, પરંતુ મારા સાસુ એટલા બધા સારા છે કે મને છૂટાછેડા માગતા શરમ આવે છે. હું પતિ સાથે
રહી શકું એમ નથી અને સાસુને છોડી શકું એમ નથી… સમજાતું નથી શું કરું!’ જામનગરની પાસેના એક
ગામથી આવેલા આ પત્રમાં સામાન્યથી તદ્દન વિરુધ્ધ સમસ્યા છે. મોટાભાગની વહુઓને સાસુ સામે
પ્રોબ્લમ હોય એને બદલે આ પુત્રવધૂ સાસુને કારણે ઘર છોડી શકતી નથી!
એક તરફથી નવાઈ લાગે ને બીજી તરફથી આવી સાસુને વંદન કરવાનું મન થાય.
મોટાભાગના ઘરોમાં સાસુ-વહુના ઝઘડા સાવ નોર્મલ અથવા કોમન બાબત છે. આપણા દેશમાં
સાસુ-વહુના પ્રશ્નો છેક મહાભારતકાળથી ચાલ્યા આવે છે. સત્યવતી અને અંબિકા, અંબાલિકા હોય,
દ્રૌપદી અને કુંતિ હોય કે ભાનુમતિ અને ગાંધારી… જેટલી રસિકતા અને ઉદારતાથી કૃષ્ણ-દ્રૌપદીના
મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે એટલી સરળતા કે સહજતાથી સાસુ-
વહુના સંબંધોને ત્યાં પણ નિરૂપાયા નથી! આપણે સૌ જાણીએ છીએ કે, પરણીને સાસરે આવેલી
છોકરી પોતાની સાથે કેટલાંક ભય, આશંકા, અસલામતી અને ઈગો લઈને આવે છે. એને માટે એ
‘એનું પોતાનું’ ઘર છે, એટલે એને પણ ત્યાં પોતાના અધિકારો જોઈએ છે. બીજી તરફ, સાસુમા
કેટલાંય વર્ષોથી એકચક્રી શાસન કરતાં હોય અથવા તો એમને કદીયે શાસન કરવાની તક ન મળી હોય,
આ બંને પરિસ્થિતિમાં એમને માટે પુત્રવધૂ સોફ્ટ અને પહેલું ટાર્ગેટ બની જાય છે. આ બંનેના
અધિકારો સામસામે ટકરાય ત્યાંથી સંઘર્ષનો જન્મ થાય છે. દુઃખની વાત એ છે કે, સાસુ-વહુના
સંઘર્ષમાં સૌથી વધુ તકલીફ એ વ્યક્તિને પડે છે જે એ બંનેને ચાહે છે અથવા આ બંને પણ એને ખૂબ
ચાહે છે… એ છે ઘરનો દીકરો, પત્નીનો પતિ અને માનો પુત્ર. એ બંનેમાંથી કોઈને કશું કહી શકતો
નથી. બંનેને એકબીજા વિરુધ્ધ ફરિયાદો છે, પરંતુ જો કોઈ ડાહ્યો કે સમજુ માણસ આ ફરિયાદો
સાંભળે તો એને સમજાય કે, આ ફરિયાદોમાં અધિકારોની લડાઈ અને જવાબદારીઓની વહેંચણીથી
વધારે બીજો કોઈ પ્રશ્ન જ નથી!
ગઈકાલ સુધી જવાબદારી ઉપાડતી સાસુને એક જ રાતમાં પોતાની વહુને બધું સોંપીને મુક્ત
થઈ જવું છે, સાથે જ એવો આગ્રહ છે કે આ યુવાન, નવી આવેલી છોકરી બધું એ જ રીતે કરે અને
ચલાવે જે રીતે પોતે 50-55 કે 60ની ઉંમરે કરી રહી છે! બીજી તરફ, હજી હમણા જ પરણીને
આવેલી છોકરીને સ્વપ્નાં છે, રોમેન્સ છે અને માતા-પિતાને ત્યાં મળેલી સ્વતંત્રતાને કારણે થોડી
આળસ, થોડી બેજવાબદારી અને બાલિશતા પણ છે. એક તરત છૂટવા માગે છે ને બીજી તરત
બંધાવા માગતી નથી… એ પરિસ્થિતિમાં એક પાસિંગ ધ પાર્સલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
આ ‘પાર્સલ’ એટલે પતિ અથવા પુત્ર! અહીં આપી દેવાને બદલે ખેંચી લેવાની રમત છે. બંનેને ‘એ’
જોઈએ છે અને એ પણ વહેંચાયેલો કે અધૂરો નહીં… આખેઆખો. એક પુરુષ જે ઘરની આર્થિક
જવાબદારી પણ ઉપાડે છે એને માટે આ વહેંચણી ડાબી કે જમણી આંખ, ડાબો કે જમણો હાથ
પસંદ કરવા જેવી બની જાય છે. બેમાંથી કોઈનું મહત્વ કે જરૂરિયાત ઓછાં નથી… એને માટે બેમાંથી
એકની પસંદગી અશક્ય છે તેમ છતાં, જ્યારે એને આવી ફરજ પાડવામાં આવે છે ત્યારે એને ભયાનક
અકળામણ થાય છે.
આ અકળામણ, ઉશ્કેરાટ, ચીડ કે કંટાળો એના વ્યક્તિત્વમાં અને સ્વભાવમાં દેખાવા લાગે છે.
મા વિરુધ્ધ ફરિયાદ કરતી પત્નીને એ ચૂપ તો કરી શકતો નથી, પરંતુ એનાથી જન્મ લેતો ગુસ્સો
ક્યારેય ડોમેસ્ટિક વાયોલેન્સમાં તો ક્યારેક એના પોતાના સ્વાસ્થ્ય ઉપર નેગેટિવ અસરો સ્વરૂપે દેખાય
છે. સ્વાભાવિક વાત એ છે કે, દીકરા માટે મા, એક એવી વ્યક્તિ છે જેણે જન્મ આપ્યો છે, ઉછેર્યો
છે-એની સામે પોતાની માના જીવનનો આખો ચિતાર છે. કિશોર તરીકે એણે કદાચ, મનોમન નક્કી
કર્યું હતું, કે મોટો થતાં જ એ માને એક સારું જીવન આપશે. પત્નીના આવ્યા પછી એણે નક્કી કરેલી
આ વાતમાં ક્યાંક ગૂંચવણ ઊભી થાય છે.
સૌથી મહત્વની વાત એ છે કે, આ ગૂંચવણને એક સમજદાર વ્યક્તિ તરીકે ઉકેલવી જોઈએ,
એને બદલે મા ઉપર કે પત્ની ઉપર ગુસ્સો કરીને, અથવા આખી પરિસ્થિતિમાંથી પોતાની જાતને
બહાર ખેંચીને એક પુરુષ એવું માને છે કે એની જવાબદારી પૂરી થઈ ગઈ, દુર્ભાગ્યે એવું થતું નથી.
ઋગ્વેદનો એક શ્લોક નવવધૂને આશીર્વાદ આપે છે, ‘તને દસ પુત્રો થાઓ અને તારો પતિ
તારો અગિયારમો પુત્ર બની રહો’. અર્થ એ થયો કે, પત્ની પણ કેટલાક અંશે મા જ છે… એ પોતાના
પતિની કાળજી કરે, એનું ધ્યાન રાખે, એને સ્નેહ કરે, એના બદલામાં પતિ પણ એને સમજે, સાંભળે
કે સ્નેહ કરે એ જરૂરી છે. બે જણાંને સારું બનતું હોય તો પરિવારમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહે
છે. આ વાત પોતાની જ પુત્રવધૂ ઉપર સરસાઈ મેળવવાનો પ્રયાસ કરતી ‘સાસુ’ જો સમજી લે તો
કદાચ, પુત્રવધૂઓ ‘સાસુને કારણે’ લગ્ન તોડવાને બદલે લગ્ન નિભાવતી થઈ જાય.
પોતે પણ ક્યારેક પુત્રવધૂ હતી, એ વાત મોટાભાગની સાસુઓને યાદ હોય છે, પરંતુ એ
સ્મૃતિમાં માત્ર કડવાશ અને શાસન જ કેમ? કદાચ, પોતે કડવાશ અને શાસનનો ભોગ બની હોય તો
પોતાના પછીની પેઢી પણ એ ભોગવે, સહન કરે એવો આગ્રહ સંઘર્ષ અને પીડાને જન્મ આપે છે.
આ સંઘર્ષ અને પીડા બે સ્ત્રીઓ વચ્ચે તો હોય જ છે, પરંતુ એ બંને જેને ખૂબ ચાહે છે એવા પતિ કે
પુત્ર પણ આ પીડા સહન કરે છે. જો ખરેખર એક મા પોતાના પુત્રનું ભલું ઈચ્છતી હોય કે એક પત્ની
પોતાના પતિને ચાહતી હોય તો ઘરમાં સુખ-શાંતિ અને સ્નેહનું વાતાવરણ ટકાવી રાખવા માટે બંને
જણાંએ પ્રયાસ કરવો પડશે.