પ્રકરણ – 1 | આઈનામાં જનમટીપ

શ્યામાએ આંખો ખોલી. ડૉક્ટર્સ રૂમના આછા બ્લ્યૂ રંગના પ્રકાશમાં ધોળી દિવાલો પણ ભૂરી
દેખાતી હતી. આખા રૂમ ઉપર જાણે ભૂરા રંગની ચાદર ઢાંકી દીધી હોય એમ ફર્નિચર, વસ્તુઓ,
કારપેટ, ફર્શ બધું જ બ્લ્યૂ રંગનું દેખાતું હતું. શ્યામાએ ટેબલ પર પડેલા મોબાઈલને હાથમાં લઈને
સમય જોયો, બેને દસ…એ.એમ.

હોસ્પિટલની કાચની મોટી બારીઓ પર લગાવેલી ફિલ્મને કારણે બહારનો પ્રકાશ ભીતર
આવતો નહીં. સતત એક ભયજનક શાંતિ અને ધીમી ચહલપહલનું વાતાવરણ રાત દિવસનો ફરક
ભૂલાવી દેતાં. આઈસીયુની બહાર ચોવીસ કલાક જુદા જુદા ચહેરા પર એકસરખો ભાવ ધરાવતા
થોડા લોકો સતત બેસી રહેતા… શ્યામા આવા જ વાતાવરણમાં વર્ષોથી કામ કરતી હતી. એને માટે
હોસ્પિટલ જ એનું કાયમી સરનામું હતું. કાર્ડિયો-પલ્મેનોલોજીનો વિષય લેવાનું નક્કી કર્યું એ દિવસે
જ એના પિતા ડૉ. ભાસ્કર મજુમદારે એને કહ્યું હતું, “અંગત જિંદગી જેવું કશું નહીં રહે. દિવસ-રાત,
સારાનરસા પ્રસંગો, પરિવાર અને મિત્રો બધું ભૂલી જવાની તૈયારી હોય તો જ આ ફોર્મ પર સહી
કરજે.”

શ્યામાએ ખૂબ વિચાર્યા પછી એ ફોર્મ પર સહી કરી હતી, પણ સાચું પૂછો તો એકવાર મેડિકલ
કોલેજના પગથિયાં ચઢ્યાં પછી એને ક્યારેય, એક પળ માટે પણ ‘ડૉક્ટર’ હોવાનો અફસોસ નહોતો
થયો.

ડૉ. શ્યામા છેલ્લા ત્રણ દિવસથી ઘેર નહોતી ગઈ. જોકે, આવું પહેલીવાર નહોતું થયું.
અવારનવાર એકાદ રાત કે વધુ રોકાઈ જવાનું બનતું. ક્રિટિકલ પેશન્ટને જરૂર હોય ત્યારે શ્યામા ઘેર
જવાને બદલે અહીં, હોસ્પિટલમાંથી મળેલા પોતાના રૂમમાં જ રાત વીતાવી દેવાનું પસંદ કરતી. એનું
ઘર હોસ્પિટલથી ઘણું દૂર હતું. કદાચ, ક્રિટિકલ પેશન્ટને જરૂર પડે તો ડ્રાઈવ કરીને અહીં આવતાં
મુંબઈ શહેરના ટ્રાફિકમાં સહેજે 35-40 મિનિટ થઈ જાય. એણે હોસ્પિટલમાં પોતાને મળેલા
ડૉક્ટર્સ રૂમમાં જ એણે પોતાનું એક નાનું સરખું ઘર બનાવી લીધું હતું. ચાર જોડી કપડાં અને બાકીની
જરૂરી વસ્તુઓ અહીં રહેતી… મોટા રૂમમાં નાનકડું પાર્ટિશન કરીને એની ઓફિસ અને આ
કામચલાઉ ઘર શ્યામાએ ઊભું કરી લીધું હતું. જે ડૉક્ટર્સને વારંવાર ઈમર્જન્સી હેન્ડલ કરવાની આવે
એવા લગભગ બધા ડૉક્ટર્સ ‘લાઈફ કેર’ હોસ્પિટલને જ પોતાનું બીજું ઘર માની ચૂક્યા હતા. બધાને
ટુકડે ટુકડે ઊંઘવાની, પરિવારના સારા-નરસા પ્રસંગે ગેરહાજર રહેવાની, કોઈપણ સમયે, દિવસે કે
રાત્રે, ઘરેથી કે પારિવારિક પ્રસંગોમાંથી ઊભા થઈને હોસ્પિટલ તરફ દોડવાની ટેવ પડી ચૂકી હતી.
‘લાઈફ કેર’ મુંબઈ શહેરની ખૂબ પ્રતિષ્ઠિત અને જાણીતી ટ્રસ્ટ હોસ્પિટલ્સમાંની એક હતી. મુંબઈના
હોંશિયાર અને તબીબી વિજ્ઞાનમાં પોતાનું નામ કાઢી ચૂક્યા હોય એવા ઘણા ડૉક્ટર્સ ‘લાઈફ કેર’ સાથે
સંકળાયેલા હતા.

ડૉ. ભાસ્કર મજુમદારનું એક માત્ર સંતાન હતી, શ્યામા. પિતાનો બંગલો, કરજતમાં જમીન
અને વારસામાં ખૂબ ધન મળવાનું હતું… એણે મનોમન નક્કી કર્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પિટલ અફોર્ડ
ન કરી શકે એવા દર્દીઓને પણ ઉત્તમ સારવાર મેળવવાનો અધિકાર છે. એણે પોતાનું જ્ઞાન પૈસાને
બદલે સેવામાં કામે લગાડ્યું હતું.

‘લાઈફ કેર’ હોસ્પિટલ ટ્રસ્ટની હતી એટલે દર્દીઓ પણ વધારે જ હોય. ડૉ. ભાસ્કર મજુમદાર
પોતાની દીકરીની મજાક કરતા, “પગાર ઓછો ને કામ વધારે… એના કરતાં મારે ત્યાં આવી જા. હું
આનાથી ડબલ પગાર આપીશ, ને કામ અડધાથી પણ ઓછું…” ભાસ્કરભાઈની રમૂજવૃત્તિ અદભુત હતી.

શ્યામા પણ પિતાની જેમ જ ખુલ્લા દિલે હસી શકતી, “મારે તો કામ વધારે કરવું છે, ને પૈસાની
ક્યાં જરૂર છે? મારાં બધા બિલો તો તમે ચૂકવો છો” શ્યામા કહેતી, ને ડાઈનિંગ ટેબલ પર પિતા-
પુત્રીનું હાસ્ય ગૂંજતું. ડૉ. ભાસ્કર મજુમદાર જનરલ સર્જન હતા ને શ્યામાના મમ્મી ડૉ. પ્રીતિ
મજુમદાર ઓપ્થલ્મોલોજિસ્ટ (આંખના ડૉક્ટર) હતાં. દુર્ભાગ્યે, એ લાંબું જીવ્યા નહીં. મા ફેફસાંની
બીમારીમાં ગઈ એટલે શ્યામાએ કાર્ડિયો-પલ્મેનોલોજી પસંદ કર્યું. જોકે, શ્યામાને ડૉક્ટર થતી જોવા
એ હાજર નહોતાં. માની ગેરહાજરીમાં પિતા-પુત્રી એકબીજા સાથે સરસ રીતે જીવતાં શીખી ગયાં
હતાં. આમ પણ, બંને એટલા બિઝી રહેતાં કે, ઘરનો ખાલીપો એમને બહુ નડતો નહીં!

અઠવાડિયાની બે રાત તો શ્યામા હોસ્પિટલમાં જ વીતાવી દેતી. વીકલી ઑફ દરેક વખતે મળે
જ, એવું નક્કી ન હોય. જનરલ સર્જન પિતાના કામના સમય પણ વિચિત્ર, એટલે બંને જણાં
દરરોજ એકબીજાને મળે, એવું બનતું નહીં. શ્યામા એકદમ એના પિતા જેવી હતી, તબીબી
વ્યવસાયને સમર્પિત. એને એના કામના કલાકોનો કદી થાક લાગતો નહીં. શ્યામા 15-20 મિનિટની
પાવરનેપથી ફરી પાંચ-છ કલાક કામ કરવાની તાજગી અનુભવી શકતી.

આજે પણ 15-20 મિનિટની ઝપકી પછી શ્યામાની આંખો ખુલી. રાતના બેને દસ થયા
હતા. પોતાની ઈઝી ચેરમાંથી ઊભી થઈને એ બહાર આવી. નર્સ સ્ટેશન ઉપર બે છોકરીઓ સ્કાય
બ્લ્યૂ યુનિફોર્મમાં બેઠી હતી. એક પોતાના મોબાઈલમાં ઈયર ફોન સાથે કોઈ વીડિયો જોઈ રહી હતી
ને બીજી કોમ્પ્યુટર પર કશું કામ કરી રહી હતી. બીજી બે નર્સીસ નર્સ સ્ટેશનની ખુરશી પર બેસીને
તંદ્રામાં આંખો મીંચીને થાક ઉતારી રહી હતી. આઈસીયુની બહાર ગોઠવેલી બેન્ચિઝમાં દર્દીઓના
સગાં થોડું ઊંઘતા, થોડું જાગતા બેઠાં હતાં. કોરિડોર ખાલી હોવાને કારણે વધારે લાંબો લાગતો હતો.
છેલ્લા 48 કલાકથી એકધારો વરસાદ પડતો હતો. ગ્લાસ વિન્ડોઝ પરના બ્લાઈન્ડ્સ ખુલ્લા હતા.
કાચની મોટી બારીઓની બહારની સપાટીઓ ઉપર પાણીના ટીપાં અને અંદરની સપાટી પર ધુમ્મસ
જામી ગયું હતું. બહારનું કશું દેખાતું નહોતું. આઠમા ફ્લોરના સન્નાટામાં ગ્લાસ વિન્ડોઝની બહાર
સાંબેલાધાર વરસી રહેલા વરસાદનો અવાજ વધુ ભયાનક લાગતો હતો. વચ્ચે વચ્ચે વાદળનો
ગડગડાટ અને વીજળીનો ચમકારો આખા ફ્લોર ઉપર ઝળહળાટ પાથરી જતો હતો.

શ્યામાએ સરસરી નજર નાખીને બંને હાથ ઊંચા કરી આળસ મરડી.

આઈસીયુના કાચના દરવાજાને ધક્કો મારી એ અંદર પ્રવેશી ગઈ. પાછળ દરવાજો ડોર
ક્લોઝરથી બંધ થઈ ગયો.

*

પાવને પડખું ફેરવ્યું. એની બાજુની પથારી કરચલી વગરની અને સ્વચ્છ હતી. ઓઢવાનું પગ
પાસે વાળીને મૂકેલું હતું. બેડરૂમ અત્યંત એસ્થેટિકલી સજાવેલો અને વ્યવસ્થિત હતો. નક્શીકામ કરેલા
એન્ટિક પલંગની પાછળની તરફ એક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર હતી. એ તસવીર ઉપર સેટ કરેલી
પિક્ચર લાઈટને કારણે તસવીરમાં હસતાં બંને ચહેરા ચમકતા હતા. એક ચહેરો ડૉ. શ્યામાનો હતો
અને બીજો પથારીમાં સૂતેલા પાવનનો.

પ્રમાણમાં દેખાવડી કહી શકાય એવી પણ રંગે સહેજ ઘઉવર્ણી, નમણું નાક અને ચમકતી
ત્વચા ધરાવતી શ્યામાની મોટી ભાવુક આંખો, બત્રીસે દાંત દેખાય એવું દિલ સુધી પહોંચી જતું
સ્મિત… તસવીરમાં સાથે પાવન હતો કોઈપણ ઉંમરની, કોઈપણ સ્ત્રીને બીજીવાર પોતાના તરફ
જોવા મજબૂર કરી દે એવો હેન્ડસમ હતો, પાવન! એની જાડી ઘાટી મૂછો, વાંકડિયા વાળ અને ગોરી
ત્વચાની ગુલાબી ઝાંય એને ચહેરાને કોઈ જુદી જ આભા આપતાં હતાં. ભારતનું એવું કોઈ શહેર
નહીં હોય જ્યાં પાવનના હોર્ડિંગ ન લાગ્યાં હોય! લગભગ બધી મોટી બ્રાન્ડ્સના એન્ડોર્મસમેન્ટ માટે
એજન્સીઝનો ફેવરિટ મોડેલ હતો, પાવન માહેશ્વરી.

એ જ્યારે શ્યામા સાથે પરણ્યો ત્યારે હિન્દુસ્તાનની કેટલીય છોકરીઓના દિલ તૂટ્યાં હતાં!
કરોડો ફેન્ઝે એને પૂછ્યું હતું, “આવી છોકરી સાથે કેમ પરણ્યા? યુ આર સો હેન્ડસમ… એન્ડ શી ઈઝ
સો ઓર્ડિનરી!” પાવને પોતાના ફેસબુક પર શ્યામા સાથેના લગ્નની તસવીરો શેર કરીને લખ્યું હતું,
“શી ઈઝ માય સોલમેટ. શી ઈઝ માય બીઈંગ. શી ઈઝ માય લાઈફ સપોર્ટ સિસ્ટમ.”

વાત સાચી હતી. શ્યામા મેડિસિનમાં ભણતી ત્યારથી પાવન એની સાથે લગ્ન કરવા માટે એની પાછળ
લાગી ગયો હતો. એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા, બંને જણાં. શૌર્ય માહેશ્વરી. પાવનના કાકાનો દીકરો
શ્યામાનો સ્કૂલનો દોસ્ત હતો. એના 25મા જન્મદિવસની પાર્ટીમાં બંને પહેલીવાર મળ્યાં હતાં. પાવનની
આસપાસ વીંટળાતી અને એની સાથે ડાન્સ કરવા તૂટી પડતી છોકરીઓના ટોળાંથી દૂર બાર સ્ટૂલ પર બેસીને
શ્યામા આરામથી શાંગ્રિલા પી રહી હતી.

“હાય!” પાવનનો ઈગો ઘવાયો હતો. આ છોકરી એની સામે જોતી પણ નહોતી! “આઈ એમ
પાવન માહેશ્વરી.” એણે હાથ લંબાવ્યો હતો.

“તમને કોણ નથી ઓળખતું?” શ્યામાનું સ્મિત મિલિયન ડોલરનું હતું. એની ભાવુક અને મોટી
આંખોમાં કોઈ અજબ જેવી તરલતા હતી, “શ્યામા મજુમદાર” એણે પાવનનો લંબાયેલો હાથ પકડી
લીધો અને હેન્ડ શેક કર્યા હતા.

“યુ મીન ડૉક્ટર શ્યામા મજુમદાર” પાવનના ચહેરા પર સ્મિત પ્રગટ્યું હતું.

“રિસર્ચ સારું છે અને ઝડપી પણ…” કહીને શ્યામા ફરી હસી પડી હતી. પાવને મનોમન
નક્કી કરી લીધું હતું કે, જે છોકરી એના ચહેરાને કે પ્રસિધ્ધિને નહીં, પણ એના વ્યક્તિત્વને ઓળખવા
માગે એની જ સાથે લગ્ન કરશે. એ પછીના લગભગ ચાર-સાડા ચાર વર્ષ પાવને એકસરખો શ્યામાને
મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે, ફાઈનલી… બંને જણાં પરણ્યા હતાં.

જોકે, એ લગ્નની ત્રીજી એનિવર્સરી આવે એ પહેલા તો બંને જણાં જુદા ઘરોમાં જુદા પલંગો
પર જુદી પથારીઓમાં વહેંચાઈ ગયાં હતાં.

પાવન અને શ્યામા પતિ-પત્ની હોવા છતાં પાવનની બાજુની પથારી છેલ્લા આઠ મહિનાથી
આમ જ કરચલી વગરની અને ખાલી રહેતી હતી. શ્યામા છેલ્લા આઠ મહિનાથી એના પિતા ડૉ.
ભાસ્કર મજુમદાર સાથે રહેતી હતી, ને પાવન આ ઘરમાં.

ઘરની બહાર હજી બંનેના નામની નેમપ્લેટ અકબંધ હતી, ને ઘરની ભીંતો પર બંનેની
તસવીરો પણ મુસ્કુરાતી હતી. બસ! ઘર, શ્યામા વગરનું… હતું. પાવન પણ માત્ર રાત્રે ઊંઘવા પૂરતો
ઘરે આવતો. શ્યામા વગરનું ઘર એને પણ ઘર નહીં, મકાન લાગતું… પણ, શ્યામાને પાછી આવવાની
વિનંતી કરવા જેટલી એનામાં હિંમત નહોતી. જે કંઈ બન્યું હતું એને માટે પાવન પોતાની જાતને
જવાબદાર માનતો હતો. એણે જે રીતે શ્યામાનો સાથ આપવો જોઈતો હતો એ રીતે મજબૂત બનીને
પોતે એની સાથે ઊભો ન રહી શક્યો એ માટે એ હજી પણ અપરાધી માનતો હતો પોતાની જાતને!
પોતાની કારકિર્દી અને શ્યામાના આત્મગૌરવ વચ્ચે જ્યારે પસંદગી કરવાની આવી ત્યારે પોતે ખોટી
પસંદગી કરી છે એ એને સમજાતું હતું, પણ હવે પરિસ્થિતિને બદલી શકાય એમ નહોતી.

પાવને પોતાના સેલફોનમાં ઘડિયાળ જોઈ. બે ને પંદર… એ ઊભો થયો. રસોડામાં જઈને
ફ્રીજ ખોલ્યું. ઠંડા પાણીની બોટલ લઈને એક શ્વાસે લગભગ અડધી બોટલ પાણી ગટગટાવી ગયો,
પછી ડ્રોઈંગ રૂમમાં લટકતા સિંગલ હીંચકા પર બેસીને એ બારીની બહાર જોઈ રહ્યો. છેલ્લા 48
કલાકથી વરસાદ અટક્યો નહોતો. બારીમાંથી દેખાતો મરીન ડ્રાઈવનો રસ્તો અને સામે ઉછળતો-
પછડાતો સમુદ્ર અંધકારમાં ભયાનક લાગતો હતો. પસાર થઈ જતી એકલદોકલ ગાડીઓ અને સ્ટ્રીટ
લાઈટના ચકરડામાં દેખાતા વરસાદના અનરાધાર ટીપાંને ક્યાંય સુધી જોતો રહ્યો, પાવન!

*

શ્યામા જ્યારે અહીં રહેતી ત્યારે આવી વરસાદી રાતોએ જો એ ઘરમાં હોય તો બંને જણાં
વિશાળ બાલ્કનીમાં બેસતા. પાવન એની સ્પેશિયલ ફિલ્ટર કોફી બનાવતો… બીજે દિવસે વહેલી
સવારની ડ્યૂટી હોય તો પણ શ્યામા અને પાવન આવી ભીની રોમેન્ટિક રાતો ગેલેરીમાં બેસીને વાતો
કરતાં. આજે આખા ઘરમાં મૂંઝવી નાખે એવો સન્નાટો હતો. વરસાદનો અવાજ એકધારો સંભળાતો
હતો. કાચની બારીઓ પર અફળાતા પાણીના ટીપાં પાવનને વધુ બેચેન કરી રહ્યાં હતાં. એણે સેલફોન
ઉપાડ્યો… એકવાર શ્યામાને ફોન કરવાનો વિચાર આવ્યો એને, પણ પછી એણે જ એ વિચારને
ભૂંસીને સેલફોન ઊંધો મૂકી દીધો.

એવું નહોતું કે, પાવન અને શ્યામા વચ્ચે વાત જ નહોતી થતી… પરંતુ, આવી મેઘલી રાત્રે, ‘તું
મને યાદ આવે છે!’ એવું કહેવાના સંબંધો ઉપર જાણે પરિસ્થિતિના જાળાં બાઝી ગયાં હતાં. પાવન
ફરી પલંગમાં પડ્યો. બેડસાઈડ ઉપર મૂકેલો લેમ્પ ચાલુ કરીને એણે એક પુસ્તક હાથમાં લીધું. જ્યાં
સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી આડાઅવળા વિચાર કરવાને બદલે એણે વાંચવા માંડ્યું.

ડૉ. શ્યામા આઈસીયુમાં ઊભી હતી, ત્યારે જ નર્સ સ્ટેશન ઉપર અલાર્મ વાગ્યો. આ
આઈસીયુના આઠમા માળે અલાર્મનો અર્થ હતો કે, નીચે કેઝ્યુઅલ્ટી વિભાગમાં કોઈ મોટો કેસ
આવ્યો હતો.

પેશન્ટને તપાસી રહેલી શ્યામા એક નવા યુધ્ધ માટે તૈયાર થઈ ગઈ. એ ઉતાવળે પગલે
લિફ્ટ તરફ દોડી.

એ જ્યારે કેઝ્યુઅલ્ટી વિભાગમાં પહોંચી ત્યારે કોરિડોરમાં ઊભેલા કેટલાક ચહેરા એને
જાણીતા લાગ્યા. એનું મગજ પૂરી રીતે દર્દી અને એની સમસ્યાઓ માટે તૈયાર થઈ રહ્યું હતું એટલે આ
ચહેરા કોણ હતા, એ વિચારવા માટે એની પાસે સમય પણ નહોતો ને એને જરૂરત પણ ન લાગી.
શ્યામા કાચનો દરવાજો ખોલીને કેઝ્યુઅલ્ટીમાં દાખલ થઈ. ડૉ. શિરીન ખંભાતા, ડૉ. પરેશ બ્રહ્મભટ્ટ
અને ડૉ. રાજેશ પટેલ ઓલરેડી ત્યાં પહોંચી ગયા હતા.

એ ત્રણેય જણાં સ્ટ્રેચર પર સૂતેલા દર્દીને જોઈને મૂંઝાઈ ગયાં હતાં. શ્યામા સ્ટ્રેચર સુધી
પહોંચે એ પહેલાં જ ડૉ. શિરીન આગળ આવી, “જો શ્યામા. અકળાતી નહીં. હું બધું સમજું છ, પણ
આપણે તો ડૉક્ટર છીએ. આપણી જવાબદારી તો જીવ બચાવવાની, ખરું કે નીં?”

“શું બોલે છે?” શ્યામાએ ભ્રમર સંકોચીને પૂછ્યું.

“બી સ્ટ્રોન્ગ.” ડૉ. રાજેશ પટેલે શ્યામાના ખભે હાથ મૂક્યો, “એન્ડ ફરગીવીંગ.”

“પ્રોબ્લેમ શું છે?” શ્યામાએ પૂછ્યું, પણ સ્ટ્રેચર પર બેહોશ પડેલા માણસનો ચહેરો જોતાં જ
એને સમજાઈ ગયું કે, ડૉ. શિરીન અને ડૉ. રાજેશ શું કહી રહ્યા હતા, કેમ કહી રહ્યા હતા…

એ ચહેરો જોતાં જ શ્યામાને પોતાના છેલ્લા અઢી વર્ષનો સંઘર્ષ, પીડા, સંતાપ, તરફડાટ અને
અપમાન યાદ આવી ગયાં. એનો ચહેરો તમતમી ગયો. ગુસ્સામાં એની આંખો મીંચાઈ ગઈ.

સ્ટ્રેચર પર સૂતેલો પેશન્ટ 28-30 વર્ષનો છોકરો હતો. રંગે કાળો પણ દેખાવડો કહી શકાય
એવો. છ ફૂટ બે ઈંચથી વધારે હાઈટ અને કસરતી શરીર. એની ગાડીને અકસ્માત થયો હતો.
સ્ટીયરિંગ વ્હીલ છાતીમાં વાગ્યું હતું. વીન્ડ સ્ક્રીન તૂટ્યો હશે. ચહેરામાં, ખભામાં, છાતીમાં અને
ગળામાં કાચના ઝીણા ટુકડા પેસી ગયા હતા. બ્લડ લોસ સારો એવો થયો હતો. એ બેહોશ હતો.
પ્રત્યેક ક્ષણ કિંમતી હતી એવું એની સ્થિતિ જોઈને કોઈપણ સમજી શકે.

એના ચહેરા તરફ જોઈ રહેલી શ્યામાને ત્રણ વર્ષ પહેલાં રાત્રિના અંધકારમાં પોતાના પર તૂટી
પડેલા એ ચાર ચહેરા યાદ આવી ગયા. પોતાની ચીસો અને આંસુ, બળાત્કારની ભયાનક ક્ષણોની યાદ
સાથે અભિન્ન રીતે જોડાયેલો હતો આ ચહેરો…

એ રાત, એ પીડા, અપમાન અને એ પછી કોર્ટરૂમની અંદર અને બહાર બનેલી બધી જ
ઘટનાઓ કોઈ ફિલ્મની જેમ શ્યામાની નજર સામે ફરવા લાગી.

“લેટ હીમ ડાય” ડૉ. પરેશના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ વંચાતો હતો, “આવા માણસને
બચાવીને શું કરવું છે? ભગવાને જ એને એના પાપની સજા આપી છે.”

“એમ નહીં બોલ પરેશ.” ડો. શિરીને કહ્યું, “આપણે તો ડૉક્ટર છીએ, જજ નથી. એવન
બેભાન છે. મરી જસે તો એને કાંઈ ખબર નહીં પડે કે સજા કોને કરી ને કેમ…”

“જો!” ડૉ. રાજેશે શ્યામાના ખભે હાથ મૂક્યો, “તું એનો જીવ બચાવી શકે એમ છે. આપણે
એના જેવા ન થવું જોઈએ…” કહીને ડૉ. રાજેશે ઊંડો શ્વાસ લીધો. થૂંક ગળા નીચે ઉતારીને એમણે
શ્યામાના ખભે મૂકેલો હાથ થપથપાવ્યો.

“ઓ.ટી. તૈયાર કરો. રેસ્પિરેટરી સિસ્ટમ ચાલુ કરો…” શ્યામાએ કેળવાયેલા અવાજે સૂચના
આપવા માંડી.

હવે કોરિડોરમાંથી બહાર નીકળતી વખતે ત્યાં ઊભેલા મોટાભાગના ચહેરાઓએ શ્યામા
ઓળખી શકી. આ એ ચહેરાઓ હતા જેમને એણે કોર્ટરૂમમાં, કોર્ટરૂમની બહાર અને પોતાની
આસપાસ અવારનવાર જોયા હતા.

ઓટીમાં જતાં પહેલાં શ્યામાએ પોતાનો સેલફોન ઉપાડ્યો. એક ક્ષણ માટે વિચાર્યું અને પછી
એણે પાવનને ફોન જોડ્યો.

“હું તને જ ફોન કરવાનો હતો” પાવનનો સહેજ એકલવાયો અને અસ્વસ્થ અવાજ
સંભળાયો.

“હી ઈઝ હીયર” શ્યામાને ડૂમો ભરાયો હતો.

“હુ?” પાવને પૂછ્યું.

“એ…” એનું નામ લેતાં પણ શ્યામાની જીભ અચકાતી હતી, “મ…મ…મંગલ” માંડ માંડ
શ્યામાએ કહ્યું.

“એ ત્યાં શું કરે છે?” પાવન બેઠો થઈ ગયો, એણે પુસ્તક સાઈડમાં મૂક્યું. ઉશ્કેરાટમાં એના
હોઠ સૂકાઈ ગયા, હાથની મુઠ્ઠી વળી ગઈ.

“એક્સિડન્ટ થયો છે. બેભાન છે. ઓટીમાં લઈ ગયા છે…” શ્યામાએ કહ્યું, ‘સિરિયસ
ઈન્જરીસ છે. ચહેરામાં, ખભામાં અને છાતીમાં કાચના ટુકડા પેસી ગયા છે. ટાંકા લેવા પડશે. પેટમાં
પણ વાગ્યું છે. કદાચ, બ્લડ ચડાવવું પડે…’ એ બોલતી હતી ત્યારે એનો અવાજ ધ્રૂજતો હતો.

“મૂરખ છે?” પાવનના અવાજમાં થઈને જાણે આગની એક લપટ શ્યામાના કાનમાં ઝાળની
જેમ અથડાઈ, “આને જ કુદરતનો ન્યાય કહેવાય. તારી સાથે એણે જે કંઈ કર્યું એનો આ બદલો છે.
તક મળી છે તને” પાવન લગભગ બૂમ પાડીને કહેતો હતો, “કિલ હીમ.” એણે ફરી કહ્યું, “ડોન્ટ થિન્ક.
જસ્ટ કિલ હીમ.”

શ્યામા હાથમાં ફોન પકડીને પત્થરની મૂર્તિની જેમ સ્થિર થઈ ગઈ. એક તરફ એને નર્સ કહી
રહી હતી, “ઓટી રેડી છે, મે’મ”.

બીજી તરફ એને પાવનનો અવાજ સંભળાઈ રહ્યો હતો, “દયા નહીં ખાતી. માણસાઈનો
વિચાર નહીં કરતી. અત્યારે તું ડૉક્ટર નહીં, ન્યાયાધીશ છે. ફાંસીની સજા કર એને. હી ડિઝર્વસ ડેથ!
જે કોર્ટ નથી કરી શકી, એ કરવાની તક આપી છે, તને તારા નસીબે. ઝાઝું વિચાર્યા વગર મારી નાખ
એને…”

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *