અંધેરી ઈસ્ટની એક પોશ હોટેલના રૂમમાં ચાલી રહેલી ‘એજન્ટ્સ’ અથવા ‘દલ્લા’ઓની મિટિંગમાં
દિલબાગસિંઘ વ્યસ્ત હતો. એ જ વખતે એના માણસ વિક્રમજીત પર એક ફોન આવ્યો. વિક્રમજીતે ફોન ઉપાડ્યો. એ
કંઈ બોલે તે પહેલાં સામેથી હાંફતા અવાજે ડ્યૂટી પરના કોન્સ્ટેબલે કહ્યું, ‘હલ્લા ઝાલા સાહેબ, હલ્લા’. એ કહેતો
રહ્યો, ‘એક આદમીને આકે મંગલસિંઘ કો મારને કી કોશિશ કી, કુછ હુઆ નહીં લેકિન આપ લઉકર આ જાઓ’. કોઈને
ડિસ્ટર્બ કર્યા વગર વિક્રમજિતે ધીમેથી કહ્યું, ‘મૈં અભી આતા હૂં’. ફોન મૂકીને વિક્રમજિત નીકળી ગયો. એને જોઈ
રહેલા દિલબાગે નજરથી જ પૂછ્યું, વિક્રમજિતે એનો કોઈ જવાબ ન આપ્યો, પણ એણે કહ્યું, ‘મૈં અભી આતા હૂં’.
એટલું કહીને દિલબાગનો જવાબ સાંભળ્યા વગર એ હોસ્પિટલ જવા રવાના થઈ ગયો.
વિક્રમજિતના જવાથી ત્યાં બેઠેલા 14 જણાંને મજા આવી ગઈ. એ લોકો આજે દિલબાગને મારવાનો પ્લાન
બનાવીને જ આવ્યા હતા. વિક્રમજિત ગયો એટલે ત્યાં બેઠેલા માણસોમાંથી એક, રમીઝ ઊભો થઈ ગયો. એણે
પોતાની નાની લિલિપુટ પિસ્તોલ કાઢીને દિલબાગના લમણે મૂકી, ‘અબ તેરા ખેલ ખતમ’ એણે કહ્યું. ત્યાં બેઠેલા
બાકીના 13 જણાં પણ પોતપોતાના હથિયાર લઈને ઊભા થઈ ગયા.
દિલબાગને એક ક્ષણમાં સમજાઈ ગયું કે, અત્યારે સમાધાન કરીને વાતને ઠંડી પાડવામાં જ એની ભલાઈ છે.
એણે ધીમેથી રમીઝ તરફ જોઈને પૂછ્યું, ‘ક્યા હો ગયા? તું નારાઝ ક્યું હૈ?’
રમીઝે ધાર્યું હતું કે, દિલબાગ પણ ઊભો થઈને હથિયાર ઉઠાવશે, સામો થશે, એને બદલે એનો આ નરમ રવૈયો
જોઈને રમીઝ ગૂંચવાઈ ગયો. ક્ષણભર માટે એ બેધ્યાન થયો એ વાતો ફાયદો લઈને દિલબાગે પોતાના લમણે તાકેલી
એની પિસ્તોલ ઉપર હાથ મૂકી રમીઝને પોતાની સામે ઊભો કર્યો. એ ખુરશીમાંથી ઊભો થયો, રમીઝના ખભે હાથ
મૂકીને એણે બાકીના 13 જણાં તરફ જોયું, ‘અરે! ધંધાભાઈ હૈ હમ સબ. ઐસે આપસ મેં લડ મરેંગે તો પુલીસ કા
ફાયદા હો જાયેગા’ એણે રમીઝની પિસ્તોલનો શેફ્ટી કેચ બંધ કરીને પિસ્તોલ પાછી એના હાથમાં આપી, ‘લે અપને
પાસ રખ…’ કહીને એણે ત્યાં ઊભેલા 14 જણાં તરફ એક નજર ગૂમાવી, ‘બૈઠો, બાત કરતે હૈ’. દિલબાગનો આ
વર્તાવ જોઈને બધા ડરી ગયા.
જેણે એની સામે હથિયાર તાણ્યું હતું એ સૌને ખબર હતી કે, આ વાત દિલબાગ ભૂલશે નહીં. હવે દિલબાગનો
ભય સૌના મનમાં ઘર કરી ગયો. દિલબાગે આરામથી કહ્યું, ‘હોતા હૈ… બહોત દિનોં સે મિલે નહીં હૈ. તમારે પણ
તમારી વાત કહેવાની હશે. સામસામે હથિયાર તાણીશું તો ત્રીજો માણસ ફાવી જશે. આપણે આપણી વાત કરીએ’.
બધાએ પોતાના હથિયાર ખીસ્સામાં મૂકી દીધા, પણ બે જણાંએ એકબીજાની પાક્કી નોંધ લઈ લીધી. એક
રમીઝ, જેને સમજાઈ ગયું કે, આમાંનો એક પણ માણસ એના કામમાં આવે એવો નહોતો, બીજો દિલબાગ, જેને
સમજાઈ ગયું કે, એના પાળેલા લોકો જરાક જ ઉશ્કેરણી પર બળવો કરવા તૈયાર થઈ શકે છે.
*
હોસ્પિટલ પહોંચેલા વિક્રમજિતે સઘન તપાસ શરૂ કરી દીધી. એને ખબર પડી કે, શફક એ માણસને ઓળખી
ગઈ હતી. સમય બગાડ્યા વગર વિક્રમજિત સીધો શફકને દરવાજે જઈને ઊભો રહ્યો. શફકના બિલ્ડીંગની બહાર
ઊભેલા પોલીસના માણસોએ નાર્વેકરને ફોન કરીને માહિતી આપી દીધી કે, વિક્રમજિત હુમલાની તપાસ કરવા શફકને
ઘેર પહોંચ્યો છે.
‘કોણ હતો એ માણસ?’ શફક ડ્રોઈંગ રૂમમાં આવી કે વિક્રમજિતે સમય ગૂમાવ્યા વિના સવાલ પૂછી નાખ્યો.
‘હું ઓળખતી નથી’.
‘તો તને કેવી રીતે ખબર કે અલ્તાફનો માણસ છે? તેં બૂમ પાડી… ડૉક્ટરે કહ્યું મને’.
‘મને તો મંગલે કહ્યું. મંગલ ડ્રંક હતો. ગાડી ગમે તેમ ચલાવી રહ્યો હતો. મને…’ એ સહેજ સંકોચાઈ, ‘ગમે ત્યાં
અડી રહ્યો હતો. હું એને રોકવા માટે એનો હાથ પકડવા ગઈ એ જ વખતે…’ શફકે અત્યારે પણ ડરથી આંખો મીચી
લીધી.
‘બોલ ફટાફટ’ વિક્રમજિતે સેન્ટર ટેબલ પર પોતાનો હાથ પછાડ્યો.
ગભરાયેલી શફક એકધારી બોલવા લાગી, ‘એ માણસ… એ માણસ… અમારી પાછળ પડ્યો હતો. સાંજના
મંગલે જ્યારે મને પીક કરી ત્યારે એની મોટરસાઈકલ ઉપર એ એવી રીતે ઊભો હતો જાણે અમારી જ રાહ જોતો
હોય. રોયલ એનફિલ્ડ. એ માણસની સાથે મારી આંખો મળી. એ આંખોમાં કંઈ એવું હતું જે હું ક્યારેય ભૂલી નહીં
શકું.’ શફકે ફરી આંખો મીંચી લીધી.
વિક્રમજિત ઉશ્કેરાઈ ગયો. એણે પોતાનો હાથ લગભગ શફકની ગરદન સુધી લંબાવ્યો, ‘ગળું દબાવી દઈશ.
ફટાફટ બોલ’. એણે કહ્યું.
‘કહું છું’. શફકના ચહેરા પર અત્યારે પણ પરસેવો હતો, ‘એ પછી અમે જેડબલ્યૂમાંથી નીકળ્યા ત્યારે અમારી
ગાડી વેલેમાંથી બહાર આવી. એ મોટરસાઈકલ લઈને વેલેમાંથી બહાર નીકળ્યો. વેરી અનયુઝવલ.’ શફકની નજર
સામે જાણે એ દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. મુંબઈની મોડી રાતના આછા ટ્રાફિકમાં સડસડાટ ભાગી રહેલી લાલ રંગની
મર્સિડિસ એસયુવી અને પાછળ મોટરસાઈકલ. એના ઉપર બેઠેલો એક માણસ. એ માણસના હાથમાં રિવોલ્વર હતી.
એ મંગલસિંઘ પર ફાયર કરવા માટે તક શોધી રહ્યો હતો, ‘બે વખત એની મોટરસાઈકલ એસયુવીને લગોલગ આવી,
એણે રિવોલ્વર તાંકી, જે મેં જોઈ’. શફકે કહ્યું, ‘મંગલસિંઘ જે સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો એ ભયાનક હતી. પાછળ
આવતી ગાડીમાંથી એક ફાયર થયો. મંગલસિંઘનું ધ્યાન ચૂકાયું અને ગાડી ફૂટપાટ પર ચડી ગઈ. ત્યાં સૂતેલા ત્રણ
જણાંને કચડીને ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ, ફરી પાછી ફૂટપાટ સાથે અથડાઈ અને સ્પીડને કારણે ઊંધી પડી ગઈ…’
આટલું કહેતાં કહેતાં શફક હાંફી ગઈ. અત્યારે પણ એ ક્ષણ યાદ આવતા શફકથી ચીસ પડાઈ ગઈ.
વિક્રમજિતે ખીસ્સામાંથી ફોન કાઢ્યો, એણે શફકને એક પછી એક ફોટા બતાવવા માંડ્યા, ‘ઓળખ, કોણ છે
આમાંથી?’ શફક ડરેલી હતી, પણ વિક્રમજિતને ના પાડવાનો પ્રશ્ન જ નહોતો. એ એક પછી એક ફોટા જોતી રહી.
એમાં એક ફોટા પાસે આવીને શફકે ‘હા’માં ડોકું ધૂણાવ્યું. વિક્રમજિતે ફરી પૂછ્યું, ‘આ જ હતો ને? શ્યોર’. શફકે ફરી
ડોકું ધૂણાવીને હા કહ્યું. વિક્રમજિત ઊભો થઈ ગયો, ‘ઠીક છે’ એણે કહ્યું. કોઈ કશું સમજે એ પહેલાં એ વાવાઝોડાની
જેમ બહાર નીકળી ગયો.
એ નીકળ્યો એની દસમી મિનિટે શફકના ફોન પર અનનોન નંબરની રિંગ વાગી. શફકે ફોન ઉપાડ્યો, ‘હલો’
એણે ધ્રૂજતા અવાજે કહ્યું.
સામેથી એક માણસે લગભગ ત્રાડ પાડી, ‘ક્યોં બચાયા ઉસકો?’ શફક કંઈ બોલી શકી નહીં. એ માણસે જોરથી
કહ્યું, ‘મરી જાત તો તું પણ છૂટી જાત’. જાણે સ્વગત બોલતો હોય એમ એ માણસે કહ્યું, ‘કોણ જાણે ક્યાંથી આવી
દયાની દેવીઓ એને મળી જાય છે! દાક્તર પર રેપ કર્યો તો ય એને બચાવ્યો. તને કાગડાની જેમ ચૂંથે છે તો ય તું…’ એ
માણસ ગાળ બોલ્યો, ‘હવે તું જ એને મારીશ’.
‘હેં’ શફકની આંખો પહોળી થઈ ગઈ, ‘હું? કેવી રીતે? મારાથી…’ એ રડી પડી, ‘મારી ભૂલ થઈ ગઈ, મને માફ
કરી દો. મારાથી નહીં થાય’.
‘એક તો મને ફરિયાદ કરે છે અને હું એને મારવા માણસ મોકલું છું તો તું એને બચાવે છે. બેવકૂફીની કોઈ હદ
હોય કે નહીં?’ આટલું સાંભળતાં જ શફકને સમજાઈ ગયું કે, આ માણસ બીજો કોઈ નહીં, પણ અલ્તાફ કમાલ હતો.
એણે આગળ કહ્યું, ‘મેં મારો પ્રયત્ન કરી લીધો. હવે તારે જ એને મારવો પડશે. એ પણ 24 કલાકની અંદર.’
‘આઈ એમ સોરી’ શફક રડવા લાગી, ‘પ્લીઝ…’
‘ટુમોરો.’ અલ્તાફ કમાલે કહ્યું, ‘તું ફરી એકવાર એને મળવા જઈશ. જે કામ મારા માણસથી અધૂરું રહી ગયું એ
કાલે તારે પૂરું કરવાનું છે’ કહીને અલ્તાફે ઉમેર્યું, ‘એને ન મારી શકે તો મરવા તૈયાર રહેજે.’
શફકનો શ્વાસ અટકી ગયો. એની પરિસ્થિતિ વિચિત્ર હતી. એક તરફથી ઈન્સ્પેક્ટર નાર્વેકર એને પોતાની
મુખબિર બનવાનું કહી રહ્યો હતો ને બીજી તરફ અલ્તાફ કમાલ એને મંગલસિંઘનું ખૂન કરવાની જબરજસ્તી કરી રહ્યો
હતો. એ એટલી બધી ગૂંચવાઈ ગઈ કે, એણે અત્યારે વાત પૂરી કરી દેવાનું મુનાસિબ માન્યું, ‘ઓકે’. એણે ફિક્કા
નિર્જિવ અવાજે કહ્યું.
‘ગુડ ગર્લ’ કહીને અલ્તાફે ફોન મૂકી દીધો.
અલ્તાફે હજી ફોન મૂક્યો કે રમીઝ એની કેબિનનો દરવાજો ઊઘાડીને દાખલ થયો. કહેવા માટે તો અલ્તાફ એક
મિઠાઈની દુકાન ચલાવતો હતો, ‘અલ્તાફ સ્વીટ માર્ટ!’ એની આ મિઠાઈની દુકાનની ઉપર હથિયારોનો બહુ જ મોટો
વેપાર ચાલતો. અલ્તાફના નિકટના અને ધંધાના માણસો જ રસોડાના દરવાજે થઈને અંદર દાખલ થઈ શકતા. એ
પછી લિફ્ટમાં ત્રીજે માળે જઈ શકાતું. વચ્ચેના બે માળ અલ્તાફના માણસો માટે હતા. ત્રીજે માળે એક વૈભવી
ઓફિસ હતી, જે આમ તો એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટની ઓફિસનો દેખાવ હતો, પણ ઓલમોસ્ટ હથિયારોનો શોરૂમ હતો.
આખાય શોરૂમની દીવાલો બે પડમાં હતી. દીવાલની ઉપર બીજી આભાસી દીવાલ હતી જે બટન દબાવવાથી ખસી
જાય. પહેલી નજરે સ્વીટ શોપના માલિકની ઓફિસ લાગે એવી અલ્તાફની કેબિન બુલેટ પ્રૂફ કાચથી બનેલી હતી.
અહીં મિઠાઈ એક્સ્પોર્ટ કરવાના નામે એ હથિયારોનું વેચાણ અને સ્મગલિંગ કરતો.
રમીઝે દાખલ થઈને નિઃશાસો નાખ્યો, ‘નહીં મરા સાલા’ કહીને એ અલ્તાફની સામે રહેલી ખુરશી પર બેસી
ગયો, ‘લેકિન જબ બેટે કી મૌત કી ખબર સુનેગા તો અપને આપ…’
‘દીકરો પણ બચી ગયો’ અલ્તાફે કહ્યું.
‘શીટ!’ રમીઝે કહ્યું અને પછી ઉશ્કેરાટમાં ઉભા થઈને અલ્તાફની મોટી કેબિનમાં આંટા મારવા લાગ્યો, ‘હવે?’
એણે પૂછ્યું.
‘જેણે બચાવ્યો એ જ મારશે’ અલ્તાફે કહ્યું, ‘ચોવીસ કલાકની અંદર’ એણે રમીઝ તરફ જોયું, ‘શફક રિઝવી.
એની ગર્લફ્રેન્ડ. એના પર કોઈને શક પણ નહીં થાય’. એ હસ્યો, ‘આજે બચાવ્યો ને કાલે એ જ મારશે’.
‘ને દિલબાગ?’ રમીઝે પૂછ્યું.
‘એ પણ મરશે’ અલ્તાફ પોતાની રિવોલ્વિંગ ચેરમાં આરામથી બેઠો, ખુરશીની પીઠને રિક્લાઈન કરી, બંને હાથ
હેન્ડલ પર મૂકીને એણે પગની ઠેસથી ખુરશીને ગોળ ફેરવી, ‘મુંબઈથી જીવતો પાછો નહીં જાય’.
‘પણ, પ્લાન શું છે?’ રમીઝે પૂછ્યું.
‘દીકરાને મળ્યા વિના રહી નહીં શકે એ હરામખોર, કાલે હોસ્પિટલમાં જ એને ચારણીની જેમ વીંધી નાખીશ’
કહીને એણે પોતાના ખાનામાંથી એક મિની ઉઝી ગન કાઢી. ફુલ્લી ઓટોમેટિક મશીન ગન ઓપન બોલ્ટ અને બ્લો
બેક સુપર ગન હતી. એણે એ ગન ટેબલ પર મૂકી, ‘લે!’ અલ્તાફે કહ્યું.
‘હું?’ રમીઝ સહેજ અચકાયો.
‘તું નહીં તો કોણ?’ અલ્તાફે પૂછ્યું, ‘તેં દિલબાગના લમણે ગન મૂકી છે. જિતો છોડશે તને? હવે તો મર કાં તો
માર… ઓપ્શન નહીં હૈ તેરે પાસ’ કહીને અલ્તાફ ખડખડાય હસ્યો, ‘ફસ ગયા તુ.’
‘હોસ્પિટલ મેં?’ રમીઝને હજી ગડ બેસતી નહોતી, ‘લમણે ગન મૂકી ત્યારે હોટેલ હતી. આ તો પબ્લિક પ્લેસ
છે.’
‘હથિયાર વગર તો ત્યાં જ મળશે તને’ કહીને અલ્તાફે આંખ મારી, ‘દોનોં કો સાથ મેં હટા દો.’ રમીઝ વિચારમાં
પડી ગયો. સાચું પૂછો તો અલ્તાફનો આઈડિયા ખોટો નહોતો. દિલબાગનો એક માત્ર મોહ કે લાગણી હોય તો એ
એનો દીકરો. મંગલસિંઘ જ્યાં સુધી હોશમાં નહીં આવે ત્યાં સુધી દિલબાગ મુંબઈ છોડીને નહીં જાય એ વાતની
અલ્તાફને ખાતરી હતી. એકવાર દિલબાગે મુંબઈ છોડ્યું કે, એ ફરી પાછો અંડરગ્રાઉન્ડ થઈ જશે. ઘાસની ગંજીમાંથી
સોંય શોધી શકાય, કદાચ… પણ, મુંબઈ છોડ્યા પછી દિલબાગ નહીં મળે એ વાત અલ્તાફ બરાબર જાણતો હતો,
એટલે જ દિલબાગ મુંબઈ છોડે એ પહેલાં એને કોઈપણ રીતે ખતમ કરવા માગતો હતો. ને હવે, રમીઝ માટે પણ
દિલબાગને ખતમ કરવો એ એક માત્ર રસ્તો બચ્યો હતો. એણે મનોમન નક્કી કરી લીધું. હવે જ્યારે પણ દિલબાગ
‘લાઈફ કેર’માં આવે ત્યારે એને હોસ્પિટલમાં જ પતાવી દેવો.
એ હાથમાં ગન લઈને ઊભો થયો, ‘ઠીક હૈ’. એણે કહ્યું, ને પછી મિનિ ઉઝી મશીન ગનને બરાબર ચેક કરી, ‘મુજે
ભી યહી સહી લગતા હૈ’ કહીને એણે મશીન ગનને ખભે ભરાવી.
એ બહાર નીકળવા જતો હતો ત્યારે અલ્તાફે કહ્યું, ‘એ હીરો! મિઠાઈ કી દુકાન સે મશીન ગન લે જા રહા હૈ,
લેકિન…’
‘હવે લઈ જાઉં છું તો મિઠાઈ વહેચી દઈશ’. હસીને રમીઝ કેબિનમાંથી બહાર નીકળ્યો. અલ્તાફની કેબિનની
બહાર એક લાંબો કોરિડોર હતો. એ કોરિડોરની જમણી તરફ અલ્તાફની કેબિનનો બુલેટ પ્રૂફ કાચ હતો અને ડાબી તરફ
છ-સાત બંધ દરવાજા હતા. આ અલ્તાફનું ગોડાઉન હતું. ગોડાઉનના એક પછી એક દરવાજા વટાવતો રમીઝ પાછલા
દરવાજેથી બહાર નીકળી ગયો.
*
દિલબાગે બધા એજન્ટ્સના ગયા પછી વિક્રમજિતને પૂછ્યું, ‘કહા ગયા થા?’ જવાબમાં વિક્રમજિતે આખો
કિસ્સો કહ્યો. થોડીક ક્ષણો વિચારીને દિલબાગે કહ્યું, ‘મંગલને હોસ્પિટલમાંથી લઈ જવો પડશે’ વિક્રમજિત એની સામે
નવાઈથી જોઈ રહ્યો, ‘આજ ઔર અભી.’ દિલબાગે કહ્યું.
(ક્રમશઃ)