સવારના સાડા અગિયાર-બારનો સમય હતો. વિક્રમજિત નાહીને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો.
હોટેલના રૂમની મોટી ફ્રેન્ચ વિન્ડોઝ પર લગાડેલી ફિલ્મમાંથી ચળાઈને સવારનો તડકો કારપેટ ઉપર જુદા જુદા
આકારો રચી રહ્યો હતો.
વિક્રમજિતના ફોનની રિંગ વાગી. દિલબાગે એની સામે જોયું ને પછી ફોન ઉપાડી લીધો, ‘હંમમ્…’ એણે
વિક્રમજિતની સ્ટાઈલમાં જ કહ્યું. સામેવાળાને કદાચ સમજાયું નહીં, કે આ જિતો નહીં દિલ્લુ બાદશાહ છે, એટલે
એણે કહી નાખ્યું, ‘લાલુ મિલ ગયા.’ પછી પૂછ્યું, ‘ક્યા કરના હૈ?’
‘ઉડા દો.’ દિલબાગે જવાબ આપ્યો.
દિલબાગનો જવાબ સાંભળીને વિક્રમજિતને સમજાઈ ગયું કે, સામેવાળાએ ફોનમાં શું કહ્યું હશે. હનુમાન
ચાલીસા પડતા મૂકીને વિક્રમજિત ઊભો થયો. એણે દિલબાગની ચિંતા કર્યા વગર ફોન ઝૂંટવી લીધો, ‘બિલકુલ ઉડાવતો
નહીં એને. નજર રાખ. હું આવું છું.’ એણે કહ્યું. દિલબાગ એની સામે જોતો રહ્યો. વિક્રમજિત એક જ એવો માણસ
હતો જે દિલબાગથી ડરતો નહીં. એની પ્રામાણિકતા અને વફાદારી દિલબાગ માટે એટલા મહત્વના હતા કે,
વિક્રમજિતના બધા અધિકારો, દાદાગીરીની હદ સુધી દિલબાગ સહન કરી લેતો, ‘જાના હોગા બાઉજી. લાલુ સે
મિલના પડેગા.’ વિક્રમજિતે કહ્યું.
‘કેમ?’ દિલબાગે સવાલ પૂછ્યો, ‘હવે ખબર તો પડી જ ગઈ છે કે, મોન્ટી પર લાલુએ ફાયર કર્યો. હવે મળીને
શું ભાંગડા કરશું?’
‘તમે કોઈ કોઈવાર એટલી ફાલતુ વાત કરો છો…’ વિક્રમજિતે કહ્યું. દિલબાગ થોડો સમસમી ગયો, પણ હસી
પડ્યો.
વિક્રમજિતે કહ્યું, ‘એકલો લાલુ નહીં હોય, આપણે ત્યાંથી અલ્તાફ સાથે કોણ કોણ મળેલું છે એ સમજવું પડશે.
બધાને એક પછી એક ઠેકાણે પાડવા પડશે.’ એણે ધીમેથી ઉમેર્યું, ‘રમીઝ, પણ…’ દિલબાગે ધીમેથી ડોકું ધૂણાવ્યું.
વિક્રમજિતની વાત સાચી હતી. એનો ધંધો ફક્ત પરસ્પરના ભરોસા પર ટક્યો હતો. જો આંતરિક બળવો થઈ જાય તો
આખું નેટવર્ક તૂટી પડે. એકાદ માણસ પણ જો પોલીસને ઈન્ફોર્મેશન આપવા લાગે કે, અલ્તાફની ગેંગમાં ભળી જાય
તો લાલુની જેમ એના દીકરાને અને એને પળવારમાં ખતમ કરી શકે એ વાતને દિલબાગને સમજાતી તો હતી જ, પણ
વિક્રમજિતે એની આંખો ઉઘાડી આપી.
‘ઠીક છે, ચલ’ દિલબાગે કહ્યું. એણે કબાટમાં મૂકેલા કપડાંની થપ્પીમાંથી ઉપર પડેલું ટી-શર્ટ ઉપાડ્યું. પહેરેલું
ટી-શર્ટ કાઢીને ચોખ્ખું ટી-શર્ટ પહેરી લીધું. એ મોજા પહેરવા લાગ્યો અને વિક્રમજિત બૂટ પહેરીને તૈયાર થઈ ગયો.
બરાબર એ જ વખતે દિલબાગના ફોનની રિંગ વાગી. એણે સ્ક્રીન પર જોયું. કોઈ અજાણ્યો નંબર હતો. થોડું વિચારીને
એણે ફોન ઉપાડી લીધો.
‘બાઉજી…’ મંગલનો અવાજ સંભળાયો. મોતના દરવાજે ઊભો હોય તો પણ દિલબાગને બે વધારાના શ્વાસ
લેવા મજબૂર કરી દે એટલો વહાલો હતો એને દીકરો. મંગલનો અવાજ સાંભળીને દિલબાગને ડૂમો ભરાઈ ગયો.
*
‘યુ આર નોટ વેલકમ.’ શ્યામાએ તદ્દન નિર્લેપ ભાવે કહ્યું. હજી હમણા જ બેહોશીમાંથી જાગેલા મંગલસિંઘ
અને શ્યામાની આસપાસ ઊભેલા ડૉક્ટર્સ અને જુનિયર ડૉક્ટર્સ લગભગ ડઘાયેલી હાલતમાં શ્યામાને જોઈ રહ્યા હતા.
શ્યામાએ મંગલસિંઘ તરફ જોવાની પણ દરકાર કર્યા વગર કહી નાખ્યું, ‘તમને બને એટલા જલદી સાજા કરવાનું કારણ
એ છે કે, તમે બને એટલા જલદી અહીંથી રવાના થઈ જાઓ.’ મંગલસિંઘ કશું બોલ્યો નહીં. એણે આંખો મીંચી લીધી.
શ્યામાએ જુનિયર ડૉક્ટર્સને સૂચના આપી અને એ ઝડપથી ચાલતી આઈસીયુ વોર્ડની બહાર નીકળી ગઈ.
થોડી જ મિનિટોમાં શ્યામાને જાણે અનેક કિલોમીટર ચાલી હોય એવો થાક લાગી ગયો. એ હાંફવા લાગી. બીજું કોઈ
એને જુએ તે પહેલાં એ લિફ્ટના ખૂલેલા દરવાજામાં દાખલ થઈ ગઈ.
લિફ્ટમાં એ જમીન પર બેસી પડી. વર્ષોથી સંઘરી રાખેલા અપમાનના ઘૂટડાને જાણે આજે આંસુમાં વહાવી
દેવો હોય એમ એ મોકળા અવાજે રડવા લાગી. લિફ્ટ એની ઓફિસના ફ્લોર પર આવી એટલે શ્યામા ઊભી થઈ ગઈ.
આંસુ લૂછીને એ ઉતાવળા પગલે પોતાની ઓફિસમાં દાખલ થઈ ગઈ.
શ્યામાના ગયા પછી મંગલસિંઘે આંખો ખોલી. શ્યામાનું વાક્ય એના કાનમાં રહી રહીને પડઘાતું હતું. પોતે જે
હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો, એમાંથી એનો જીવ બચાવીને એને નવું જીવન આપનાર સ્ત્રી ઉપર એણે
બળાત્કાર કર્યો હતો એ વાત અત્યારે એને કાંટાની જેમ ખૂંચવા લાગી. જે થઈ ગયું એ બદલી નહીં શકાય, એ વાત
મંગલસિંઘને સમજાતી હતી તેમ છતાં, એનો અહંકાર, એનો ઉછેર અને જીવનના અનુભવો એને માફી માગતા રોકી
રહ્યા હતા.
નજીક ઊભેલી નર્સને એણે ધીમેથી કહ્યું, ‘એક્સ ક્યૂઝ મી.’ મંગલસિંઘ યાદવે કદાચ પહેલીવાર કોઈ સ્ત્રી સાથે
આટલા ધીમા અવાજે અને આદરપૂર્વક વાત કરી હશે. નર્સ નજીક આવી એટલે મંગલસિંઘે એને પૂછ્યું, ‘ફોન મળશે?’
નર્સ ગભરાઈ ગઈ. મંગલસિંઘ યાદવને ના પાડવાનો સવાલ જ નહોતો, તો બીજી તરફ આઈસીયુના દર્દીને ફોન ન
અપાય એ હોસ્પિટલનો નિયમ હતો. રૂમના ચારેય ખૂણે લાગેલા સીસીટીવી કેમેરામાં જો પોતે પકડાઈ જાય તો નોકરી
જાય એ ભય સાથે એણે પોતાના એપ્રનના ખીસ્સામાં મૂકેલો ફોન હાથથી ઢાંકીને મંગલસિંઘના પલંગ પર મૂક્યો, પછી
બાજુમાં ઊભી રહીને એનો હેલ્થ ચાર્ટ જોવાનો ડોળ કરવા લાગી.
‘બાઉજી!’ મંગલસિંઘે ફોન ઉપર કહ્યું.
બીજે છેડે દિલબાગને ડૂમો ભરાઈ આવ્યો, ‘મેરા બચ્ચા! મેરી જાન!’ એમણે કહ્યું, ‘તેરી આવાઝ સુન લી, અબ
કુછ નહીં ચાહીએ મુજે.’ એણે કહ્યું, ‘તુ ઠીક હૈ?’ એણે પૂછ્યું.
‘જીવતો બચી ગયો. ઈશ્વરની કૃપા ને તમારા આશીર્વાદ.’ મંગલસિંઘે કહ્યું, ‘મને આજે જ અહીંથી કાઢો.’
દિલબાગે શું વિચાર્યું હતું, એની મંગલસિંઘને ખબર નહોતી, પણ બાપ-બેટાના વિચારો જાણે એક જ હોય એવી રીતે
મંગલસિંઘે જાણે દિલબાગના મનની વાત કહી નાખી, ‘યે ઔરત મેરે સામને…’ બોલતાં તો બોલી ગયો, પછી
મંગલસિંઘ બાકીના શબ્દો ગળી ગયો.
‘એણે કંઈ કહ્યું? કંઈ કર્યું?’ દિલબાગે પૂછ્યું.
‘ના બાઉજી.’ મંગલસિંઘને પણ હવે ડૂમો ભરાયો, ‘પણ એને જોઈને મને મારા ગુનાહ યાદ આવે છે. માફી
માગવાની પણ હેસિયત નથી મારી.’ એનાથી બોલાઈ ગયું, ‘જેટલા દિવસ અહીંયા રહીશ એટલા દિવસ એને જોઈ
જોઈને મને મારો ગુનો યાદ આવતો રહેશે.’ એનો અવાજ સાવ ઢીલો, ભીનો થઈ ગયો, ‘હું ઠીક છું, મને ઘરે લઈ
જાઓ.’
‘ભલે, મારા બચ્ચા.’ દિલબાગે આજ સુધી મંગલસિંઘની કોઈ ઈચ્છાને નકારી નહોતી, ‘હું આજે જ વ્યવસ્થા
કરું છું. આપણે આપણા કાર્લાના ફાર્મ હાઉસ ઉપર કામચલાઉ હોસ્પિટલ જ ઊભી કરી દઈએ. સાંજ સુધીમાં તને…’
દિલબાગ રડી પડ્યો, ‘તું જેમ કહેશે એમ કરીશું.’
‘તમે ક્યારે આવો છો બાઉજી?’ મંગલે પૂછ્યું.
‘અબ ઘડી.’ દિલબાગે કહ્યું. એ ફોન પર વાત કરતાં કરતાં જુત્તાં જ પહેરી રહ્યો હતો. ફોન ડિસકનેક્ટ કરીને
એણે વિક્રમજિત સામે જોયું, ‘હમ અસ્પતાલ જા રહા હૈ.’ એણે કહ્યું.
‘આપ કો નહીં જાના ચાહિએ.’ વિક્રમજિતે જરા દ્રઢતાથી કહ્યું. દિલબાગની આંખો ફરી ગઈ, છતાં વિક્રમજિતે
પોતાની વાત બદલી નહીં, ‘તમે પહેલીવાર ગયા ત્યારે કોઈને ખબર નહોતી. હવે અલ્તાફ ઘાત લગાવીને બેઠો હશે.
તમે પહોંચશો કે…’
‘અલ્તાફના ભયથી હું મારા દીકરાને જોવા ન જાઉં?’ દિલબાગ મોટેમોટેથી હસવા લાગ્યો, ‘મારા ખીસ્સા
ખાલી કરું ને તો અલ્તાફ જેવા 25 ખરી પડે.’ એ દરવાજો ખોલીને ઊભો રહ્યો, ‘તું આવે છે કે હું જાઉં?’
ગુસ્સામાં મોઢું ચડાવીને વિક્રમજિતે એક ટીશર્ટ ઊંચું કરીને એક રિવોલ્વર પાછળના ગર્ડલમાં ભરાવી, પેન્ટ
ઊંચું કરીને બીજી રિવોલ્વર મોજામાં ખોસી અને ત્રીજી એના બેલ્ટમાં લાગેલી ખલેચીમાં ભરાવીને એ દરવાજા સુધી
આવ્યો.
દિલબાગ એને જોઈને હસવા લાગ્યો, ‘જંગ પર જાય છે કે શું?’
વિક્રમજિત પહેલાં કશું બોલ્યો નહીં પછી એણે સહેજ ગુસ્સામાં દિલબાગને જવાબ આપ્યો, ‘તમને મુંબઈ
શહેરમાં લઈને ફરવું એટલે જંગ માટે હંમેશાં તૈયાર રહેવું જ પડે.’ પછી દિલબાગ સામે જોઈને કહ્યું, ‘ચલિયે.’ બંને
જણાં હોટેલની લોબીમાં થઈને પાછળના દરવાજે પાર્કિંગમાં બહાર નીકળ્યા ત્યારે બંનેને ખબર નહોતી કે, હોટેલના
સિક્યોરિટી રૂમમાં બેઠેલા અલ્તાફના માણસે હોસ્પિટલમાં બેઠેલા એમના માણસને ફોન કરીને દિલબાગ અને
વિક્રમજિતના નીકળવાની સૂચના આપી દીધી હતી.
*
શફક પોતાના વૉકિંગ ડ્રેસરમાં ચારે તરફ લાગેલા અરીસામાં પોતાના અનેક પ્રતિબિંબોને જોઈ રહી હતી. સ્કાય
બ્લ્યૂ કલરનું લીનનનું શર્ટ, અંદર ડાર્ક બ્લ્યૂ કલરનું ઈનર પહેરીને એણે બટન ખૂલ્લા રાખ્યા હતા. નીચે સ્કાય બ્લ્યૂ
કલરનું ટાઈટ જિન્સ પહેરીને એના કમર સુધીના વાળ એણે એક પોનિટેલમાં બાંધી દીધા. સ્માર્ટ સ્નીકર્સ પહેરીને એ
બહાર નીકળી ત્યારે અમીનાએ એની સામે જોઈને કહ્યું, ‘બેબી! સોચ લો…’
‘વિચારવાની જગ્યા જ ક્યાં છે મારી પાસે?’ શફકે ફિક્કુ હસીને જવાબ આપ્યો, ‘મંગલસિંઘને નહીં મારું તો
અલ્તાફ મને મારશે.’ કહીને એણે પોતાના એપાર્ટમેન્ટનો દરવાજો ખોલ્યો, પછી કોણ જાણે શું વિચારીને એ પાછી
ફરી, અમીનાને ભેટી પડી. અમીનાએ એની પીઠ પર હાથ ફેરવ્યો. શફકનું ડુસકું નીકળી ગયું, ‘યા અલ્લાહ! દોઝખથી
પણ ખરાબ જિંદગી છે મારી.’ અમીના એની પીઠ પર હાથ ફેરવતી રહી. શફકથી બોલાઈ ગયું, ‘અમીના ‘બી, કદાચ
પાછી ન આવું તો.’
‘યે ક્યા બોલ રહી હો?’ કહીને અમીના ‘બીએ મનોમન અયાત ભણી અને શફકના માથા પર ફૂંક મારી, ‘જાઓ,
મેરી દુઆ તુમ્હારે સાથ હૈ.’ અમીનાથી છુટી પડીને શફક દરવાજા તરફ ગઈ ત્યારે, અમીનાએ બંને હાથે આંખો લૂછી
કાઢી પછી ઉપરની તરફ જોઈને કહ્યું, ‘મારી દીકરીની હિફાઝત કરજે.’
વિક્રમજિતનું મગજ કોઈ જીપીએસથી કમ નહોતું. મુખ્ય દરવાજેથી દાખલ થવાનું ટાળવા માટે હોસ્પિટલના
પાર્કિંગમાં ગાડી મૂકીને પાછલા દરવાજેથી દિલબાગ અને વિક્રમજિત દાખલ થયા ત્યારે દિલબાગને કલ્પના પણ
નહોતી કે, આગલા દરવાજે મીડિયાના ટોળામાં કેમેરા લઈને ઊભેલા અનેક લોકોમાંથી ત્રણ જણાં અલ્તાફના માણસ
છે. દીકરો સાજો થઈ ગયાના ઉત્સાહમાં દિલબાગ બીજું કશું વિચારી શકતો જ નહોતો, પરંતુ વિક્રમજિત સાવધ
હતો. પાછળના દરવાજેથી દાખલ થઈ રહેલા દિલબાગને સિક્યોરિટીના માણસે રોક્યો, કદાચ એ દિલબાગને
ઓળખતો નહોતો! વિક્રમજિતે બેલ્ટની ખલેચીમાં ભરાવેલી રિવોલ્વર કાઢ્યા વગર જ ચોકીદારનો હાથ પકડીને ત્યાં
અડાડ્યો, ‘નીકાલું?’ એણે પૂછ્યું. ચોકીદાર કશું બોલ્યો નહીં, ‘યે દિલ્લુ બાદશાહ હૈ. એને રોકવાવાળો દુનિયામાં બહુ
રોકાતો નથી.’ એણે કહ્યું, પછી દિલબાગ તરફ ફરીને કહ્યું, ‘ચલો, બાઉજી’ બંને જણાં સર્વિસ લિફ્ટ સુધી પહોંચ્યા.
સર્વિસ લિફ્ટ લાંબી હતી. સ્ટ્રેચર, ધોવાના કપડાં, મેડિકલ વેસ્ટ જેવી વસ્તુઓ લઈ જવાની સગવડ રહે એ માટે
લગભગ નવ ફૂટ લાંબી અને પાંચ ફૂટ પહોળી લિફ્ટ આખી સ્ટીલની બનેલી હતી. લિફ્ટમાં દાખલ થતાં જ
વિક્રમજિતના મનમાં જાણે કોઈ અલાર્મ વાગ્યો હોય એમ, કોણ જાણે કઈ છઠ્ઠી ઈન્દ્રિયથી વિક્રમજિતે પોતાની
રિવોલ્વર બહાર કાઢી લીધી.
બીજી તરફથી શફક રિઝવી, હોસ્પિટલના મુખ્ય દરવાજેથી દાખલ થઈ. મીડિયાએ એને ઘેરી લીધી. પ્રશ્નોનો
મારો ચાલવા લાગ્યો. શફક રિઝવીએ આડાતેડા જવાબ આપીને, સ્માઈલ કરીને, મીડિયાના ટોળાંને પસાર કરીને
હોસ્પિટલના સ્લાઈડિંગ ડોરમાંથી અંદર પ્રવેશી. પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલા હવાલદારે એને રોકી, ‘વિઝિટિંગ અવર
નહીં હૈ’ એણે કહ્યું.
શફકે ઘડિયાળ જોઈ, ‘ખબર છે’ એણે કહ્યું, પછી સ્મિત કરીને હવાલદાર સામે પોતાના સૌંદર્યનું હથિયાર
અજમાવ્યું, ‘વિઝિટિંગ અવરમાં આવું ને તો લોકો મને ઘેરી લે. ફોટા પડાવે અને બે મિનિટ પણ મને મારા પેશન્ટ પાસે
ન મળે.’ કહીને હવાલદારનો હાથ પકડી લીધો, ‘તમે સમજો છો ને? સેલિબ્રિટી હોવાનું દુઃખ…’ હવાલદાર પાણી
પાણી થઈ ગયો.
‘યસ, મેડમ’ એણે કહ્યું, ‘ખર જ બોલતે. લોકો તમને બહુ હેરાન કરે. અત્યારે કોઈ નહીં હોય. જાઓ.’ કહીને
ધીમેથી પૂછ્યું, ‘એક સેલ્ફી?’ હોસ્પિટલનો સ્ટાફ જોઈ રહ્યો હતો. અંદરથી ધબકારા ત્રણ ગણા વધી ગયા હતા તેમ
છતાં ચહેરા પર સ્મિત અકબંધ રાખીને શફકે હવાલદારના ખભે હાથ મૂકીને ફોટો પડાવ્યો, પછી ‘થેન્ક યૂ, થેન્ક યૂ’
કરીને એ લિફ્ટ તરફ આગળ વધી.
સર્વિસ લિફ્ટ ઓ.ટી. પાસે ખૂલતી હતી. લિફ્ટમાંથી બહાર નીકળીને એક તરફ ઓપરેશન થિયેટર્સ હતાં, ને
બીજી તરફ રિકવરિ રૂમ્સ હતા. અહીંથી આઈસીયુના વોર્ડ તરફ જવા માટે બે સીડી ચડવી પડે. વિક્રમજિતે આંખથી જ
સીડી તરફ ઈશારો કર્યો. બંને જણાં સીડી ચડી રહ્યા હતા ત્યારે દિલબાગનું હૃદય દીકરાને મળવાના વિચારથી
ખુશખુશાલ હતું, પણ વિક્રમજિત એકદમ સાવધ હતો.
મીડિયાના ટોળાંમાં ઊભેલા અલ્તાફના ત્રણમાંથી એક માણસના સેલફોનમાં રિંગ વાગી, ‘હા ભાઈ’ એણે ફોન
ઉપાડીને કહ્યું.
‘તું ત્યાં જ ઊભો રહેજે, મૂર્ખાની જેમ.’ ફોનમાં એક માણસે કહ્યું, ‘પેલા લોકો સર્વિસ લિફ્ટમાં થઈને
આઈસીયુમાં પહોંચવાની તૈયારીમાં છે.’ પ્રેસના ટોળામાં ઊભેલો એ માણસ ફોન મૂકીને પોતાનો કેમેરા બીજાને
પકડાવીને મુખ્ય દરવાજેથી દાખલ થયો. હવાલદારે એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ગળામાં પહેરેલું આઈડી કાર્ડ
હવાલદારને બતાવીને એ અંધાધૂંધ દોડ્યો.
લિફ્ટ પાસે પહોંચ્યો ત્યારે શફક રિઝવી પણ લિફ્ટની રાહ જોઈને ઊભી હતી. એ માણસે બે-ચાર વાર લિફ્ટનું
બટન દબાવી દીધું. એની ઉતાવળ અને ઉશ્કેરાટ જોઈને શફકને નવાઈ લાગી, પણ એ કઈ બોલી નહીં. લિફ્ટ આવી
ત્યારે શફકની પાછળ ઉભેલો એ માણસ એની પહેલાં લિફ્ટમાં ઘૂસી ગયો… પાછળ પાછળ શફક પણ દાખલ થઈ.
એક તરફથી મુખ્ય લિફ્ટમાંથી શફક બહાર નીકળી. એની પાછળ પેલો માણસ થોડો સાવધ થઈને બહાર
નીકળ્યો ને બીજી તરફથી દિલબાગ અને વિક્રમજિત સીડી ચડીને આઈસીયુ વોર્ડના ફ્લોર પર પહોંચ્યા. હવે પેલા બે
અને અલ્તાફના માણસની વચ્ચે શફક ઊભી હતી…
(ક્રમશઃ)