દિલબાગને પાછળ ધકેલીને વિક્રમજિત આગળ આવી ગયો. પોતાની આગળ ઊભેલી શફકના ગળામાં હાથ
લપેટીને અલ્તાફના માણસે પોતાની રિવોલ્વર ખેંચી કાઢી. કોઈ કશું સમજે તે પહેલાં અલ્તાફના માણસે ગોળી છોડી,
જે દિલબાગના ખભાને ઘસાઈને પસાર થઈ ગઈ, પણ વિક્રમજિતે છોડેલી ગોળી સીધી શફકના પેટમાં વાગી. એનાથી
ચીસ પડાઈ ગઈ. કોઈ કશું સમજે તે પહેલાં વિક્રમજિતે બીજી ગોળી છોડી, જે અલ્તાફના માણસના માથામાં વાગી
કારણ કે, એ શફકથી એક વેંત ઊંચો હતો. એ ત્યાં જ ઢગલો થઈ ગયો ને શફક પણ જમીન પર ફસડાઈ પડી.
થોડીક જ સેકંડોમાં બની ગયેલી આ ઘટનાથી આઈસીયુની બહારના નર્સ સ્ટેશનનો સ્ટાફ હતપ્રભ થઈ ગયો.
લોહી નીંગળતું શફકનું શરીર હોસ્પિટલની સફેદ ફર્શ પર ચત્તુપાટ પડ્યું હતું. દિલબાગ પોતાનો ખભો દબાવીને ઊભા
પગે જમીન પર બેસી ગયો હતો. શફકની બિલકુલ પાછળ છ ફૂટ બે ઈંચની ઊંચાઈ ધરાવતા એક માણસના
કપાળમાંથી ગોળી આરપાર પસાર થઈને ભીંત પર ટકરાઈ હતી. એના માથામાંથી ધડધડાટ લોહી વહેતું હતું.
‘જુઓ છો શું? ફર્સ્ટ એઈડની વ્યવસ્થા કરો’ વિક્રમજિતે બૂમ પાડી.
વિક્રમજિતના બરાડાથી જાણે ઊંઘમાંથી ઊઠ્યા હોય એમ નર્સિંગ સ્ટાફના બે જણાં દોડી આવ્યા. એમણે
દિલબાગના ટી-શર્ટની બાંય કાપી નાખી. ખભેથી કોલર સુધીનું ટી-શર્ટ ફાડીને એના ઘા પર પાટાપીંડી કરવા માંડ્યા.
એક નર્સ જાણે ભાનમાં આવી હોય એમ એણે મોટા અવાજે રડવા માંડ્યું. ત્યાં બેઠેલા ત્રણ કોન્સ્ટેબલ દોડી આવ્યા.
એમણે પોલીસ સ્ટેશન ફોન કરીને બેક-અપ મંગાવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને દોડી આવેલા ડૉક્ટર્સ પણ નજર
સામે પડેલી એક લાશ અને એક બેહોશ અભિનેત્રીને જોઈ રહ્યા હતા. સ્ટાફમાંથી બીજા બે જણાંએ શફકને ઉપાડીને
સ્ટ્રેચર પર સૂવડાવી. સ્ટ્રેચર ભગાવીને ઓ.ટી. સુધી લઈ જાય તે પહેલાં શફકના શ્વાસ ખૂટવા માંડ્યા. એની આંખો
મીંચાવા લાગી. એનું લિનનનું શર્ટ અને ઈનર બંને ભૂરામાંથી લાલ થઈ ગયા હતા. ઘૂંટણ સુધીનું જિન્સ પણ લાલ થઈ
ગયું હતું. સ્ટ્રેચર ઉપર થઈને લોહી નીચે ટપકવા લાગ્યું હતું.
‘અમી… અમીના…’ શફકે ભયાનક મહેનતથી માંડ એક નામ ઉચ્ચાર્યું. સ્ટ્રેચર લઈને દોડી રહેલા નર્સિંગ
સ્ટાફમાંથી કોઈ કંઈ સમજ્યું નહીં. શફકે ફોનનો ઈશારો કરીને ફરી કહ્યું, ‘અમીના.’
આગળ દોડી રહેલી નર્સ સમજી. એણે પૂછ્યું, ‘અમીનાને ફોન કરવો છે? કોણ છે અમીના?’
‘ફોન…’ શફકે પાછળ રહી ગયેલા ફોન તરફ જોવાનો પ્રયત્ન કર્યો, પણ એની ગરદન વળી નહીં. સ્ટ્રેચરને
રોકીને નર્સ પાછી ફરી, જમીન પર પડી ગયેલો શફકનો ફોન ઉપાડીને એણે અમીનાનો નંબર શોધ્યો. નંબર ડાયલ
કરીને એણે શફકને ગોળી વાગી છે એ માહિતી અમીનાને આપી.
ત્યાં સુધીમાં પોલીસનો બેક-અપ આવી પહોંચ્યો હતો. લાશના ફોટા પડવા માંડ્યા અને ઘટના સ્થળની તપાસ
શરૂ થઈ ગઈ. સ્ટ્રેચરને લિફ્ટમાં નાખીને ઓ.ટી. પાસે પહોંચે ત્યાં સુધીમાં શફક બેહોશ થઈ ગઈ. ફરજ પરના ડૉક્ટર્સે
શફકને ઓ.ટી.ના ટેબલ પર સૂવડાવીને પેટમાં ઘૂસી ગયેલી ગોળી કાઢવાનો પ્રયત્ન કરવા માંડ્યો, પરંતુ ત્રાસી વાગેલી
ગોળી એના આંતરડા-લીવરને ચીરીને છેક અંદર સુધી ડેમેજ કરી ચૂકી હતી. લોહી પણ બહુ વહી ગયું હતું.
ઓક્સિજનના આંકડા નીચે પડવા લાગ્યા હતા. પલ્સ ધીમી થવા લાગી હતી. સીપીઆર આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ
શફક રિવાઈવ ન થઈ શકી. એણે ઓપરેશન ટેબલ પર જ શ્વાસ છોડી દીધા.
બહાર ઊભેલા મીડિયાના ટોળાંએ પણ ફાયરિંગના ધડાકા સાંભળ્યા હતા. હોસ્પિટલના બિલ્ડિંગમાં ફાયરિંગ
થયું એ જાણ્યા પછી મીડિયા રોકાઈ શકે એમ નહોતું. આઈસીયુના ફ્લોર પર જબરજસ્તી ધસી આવેલા મીડિયાની
આખી ફોજ ઊભી હતી.
પોલીસ બેક-અપ આવી પહોંચ્યો હતો, પરંતુ હવે મીડિયાની હાજરીને કારણે કોઈ ગરબડ શક્ય ન હતી. ગમે
તેટલી ઓળખાણ છતાં હવે વિક્રમજિત બચી શકે એમ નહોતો એ વાત દિલબાગને સમજાઈ ગઈ. દિલબાગે પોતે પણ
બચવાનો વ્યર્થ પ્રયત્ન છોડીને સરેન્ડર કરી દીધું.
પોલીસે વિક્રમજિતને અરેસ્ટ કરી લીધો. નજરે જોનારા અનેક સાક્ષી હતા. કોઈએ કશું સાબિત કરવાનું હતું
જ નહીં. દિલબાગ દીકરાને મળવા આવ્યો હતો, પણ આ બધી ધમાચકડીમાં આઈસીયુનો દરવાજો દસ ફૂટ દૂર હોવા
છતાં એ આઈસીયુમાં પ્રવેશી શક્યો નહીં. એને પણ હાથકડી પહેરાવીને ત્યાંથી લઈ જવામાં આવ્યો. દિલબાગે ખૂબ
વિનંતી કરી કે, એને એના દીકરાને બે મિનિટ માટે મળવા દેવામાં આવે, પરંતુ મીડિયાની હાજરીમાં હવે એને કોઈ
છૂટછાટ કે સગવડ આપી શકાય એમ નહોતા. એણે સંઘર્ષ છોડીને કો-ઓપરેટ કરવા માંડ્યું.
આ બધું પતાવીને વિક્રમજિત અને દિલબાગ સાથેનો વરઘોડો જ્યારે જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે
વણીકરને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે, દોઢ મહિના પછીનું એનું રિટાયરમેન્ટ શાંતિ અને સન્માન સાથે પૂરું નહીં
થઈ શકે. માંડ ઘેર પહોંચેલા નાર્વેકરને એણે ફોન કર્યો, ‘દિલબાગ અને વિક્રમજિતને અરેસ્ટ કરીને અહીંયા લઈ આવ્યા
છે.’ એના અવાજમાં અકળામણ અને ચીડની સાથે એક ભય પણ હતો.
‘ને શફક?’ નાર્વેકરે કશું સાંભળ્યા વિના પૂછ્યું.
‘એ તો મરી ગઈ.’ નાર્વેકરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, ‘દિલબાગના માણસની ગોળી વાગી. અલ્તાફનો
માણસ પણ મરી ગયો.’ વણીકરે જોરથી કહ્યું, ‘આ બધું હોસ્પિટલની અંદર થયું. આઈસીયુના ફ્લોર પર.’ એ ગમેતેમ
બોલતો હતો, હવે નાર્વેકર કશું સાંભળવા કે સમજવાની સ્થિતિમાં નહતો. એણે ફોન ડિસકનેક્ટ કર્યો. ટ્રેક પેન્ટ
ઉતારીને જિન્સ પહેર્યું, સીધો મોટરસાઈકલ પર બેસીને પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો.
*
ફાયરિંગના અવાજ અંદર આઈસીયુ સુધી સંભળાયા હતા. પિતા પોતાને મળવા આવી રહ્યા છે એ વાતની
મંગલસિંઘને ખબર હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને મંગલસિંઘે રાડારાડ કરવા માંડી, ‘ક્યા હુઆ, ક્યા હુઆ’ની
બૂમો પાડીને એણે બધાને ડિસ્ટર્બ કરી નાખ્યા. બધો સ્ટાફ બહાર દોડી આવ્યો હતો એટલે આઈસીયુમાં કોઈ નહોતું.
મંગલસિંઘે ઊઠવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને એટલું બધું વાગ્યું હતું કે, એ ઊભો થઈ શકે એમ જ નહોતો. ઊભા
થવાના પ્રયત્નમાં એનાથી રાડ નંખાઈ ગઈ.
હોસ્પિટલમાં થઈ ગયેલી દોડાદોડી પછી શ્યામા પણ આઈસીયુ સુધી આવી પહોંચી. બધાને બહાર ઊભેલા
જોઈને એ અંદર મંગલ પાસે પહોંચી. મંગલ બૂમાબૂમ કરી રહ્યો હતો, ઊઠવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. શ્યામા પડદો
ખસેડીને અંદર દાખલ થઈ. અદબવાળીને થોડીક ક્ષણો મંગલને જોતી રહી. મંગલે એને પૂછ્યું, ‘ક્યા હુઆ?’
શ્યામાએ ઠંડા કલેજે કહ્યું, ‘તારા બાપને અરેસ્ટ કર્યો છે. એના માણસે શફકને ગોળી મારી.’
‘ને શફક?’ મંગલની આંખો પહોળી થઈ ગઈ.’
‘અનફોર્ચ્યુનેટલી, ગુજરી ગઈ.’ શ્યામાએ કહ્યું, ‘તારા બાપના માણસે જ મારી નાખી એને.’ થોડીવાર એ
મંગલના ચહેરા સામે એના પ્રતિભાવ જોતી રહી, પછી એણે ઉમેર્યું, ‘તારી સાથે હતી ને? તે ત્રણ જણાંને કચડી
નાખ્યા છે. એમણે સાક્ષીને ખતમ કરી નાખી.’ મંગલ કશું બોલ્યો નહીં, એણે શરીર અને મનની પીડામાં આંખ મીંચી
દીધી. શ્યામા કહેતી રહી, ‘એ છોકરીએ તારો જીવ બચાવ્યો. ગઈકાલે તારા પર હુમલો થયો ત્યારે એણે જ તારું
ઓક્સિજન માસ્ક પાછું ગોઠવ્યું, પણ તારા બાપને એવી ક્યાં પડી છે? એને માટે તો માણસ અને મંકોડામાં કોઈ ફેર
જ નથી…’ એણે ફરી કહ્યું, ‘બિચારીને મારી નાખી. એનો વાંક એટલો જ હતો કે, બિચારી એક્સિડન્ટ વખતે તારી
સાથે હતી…’
‘શફક…’ મંગલને કદાચ સાચે જ દુઃખ થયું હતું. જિંદગીમાં પહેલીવાર એને સમજાયું હતું કે, જીવવું, માણસની
કિંમત શું છે? એ કશું બોલ્યો નહીં.
શ્યામાએ જતાં જતાં કહી નાખ્યું, ‘તું અકસ્માત પછી પણ બચી ગયો ને એ છોકરી કોઈ કારણ વગર મરી
ગઈ… ઈશ્વરમાં માને છે? તું ને તારો બાપ જે રીતે લોકોને સતાવો છો એનો બદલો શું મળશે એ વિચાર્યું છે કોઈ
દિવસ?’ મંગલ આંખો ખોલ્યા વગર પડી રહ્યો. આજે શ્યામા પાસે એવી તક હતી કે, આઈસીયુમાં બીજા કોઈ ડૉક્ટર્સ
નહોતા, બધા બહાર તમાશો જોવામાં વ્યસ્ત હતા. જાણે ઈશ્વરે જ એને તક આપી હોય એવી રીતે એને મંગલસિંઘ
સાથે એકલા આ સમય મળ્યો હતો. શ્યામાએ પણ નક્કી કરી લીધું કે એને જે કહેવું છે એ અત્યારે અને અહીં જ કહી
દેશે… ‘કોર્ટે તને નિર્દોષ છોડ્યો, પણ તું તો જાણે છે ને કે તેં શું કર્યું છે! તું એ પણ જાણે છે કે, મેં શું કર્યું છે?’ એણે મંગલ
સામે જોયું. મંગલ હજી આંખો મીંચીને સાંભળતો હતો, ‘ને તું એ પણ જાણે છે કે, હું શું કરી શકી હોત!’ શ્યામાએ
જોરથી કહ્યું, ‘આંખો ખોલ, ને જો મારી સામે… એમ શાહમૃગની જેમ આંખો મીંચી દેવાથી હું અલોપ નહીં થઈ
જાઉં. હું ઊભી છું, તારી સામે જીવતી-જાગતી. તારા પાપનો પુરાવો. મારા અપમાનિત શરીરને લઈને હજી જીવી રહી
છું, હિંમતથી.’ મંગલે હજી આંખો ન ખોલી એટલે શ્યામાએ વધુ જોરથી બૂમ પાડી, ‘ઓપન યોર આઈઝ, ડેમ ઈટ!’
મંગલે ધીમેથી આંખો ખોલી, શ્યામાનો ચહેરો તમતમી ગયો હતો. એની આંખો લાલ થઈ ગઈ હતી. છેક
પાપણ સુધી ધસી આવેલા આંસુને ટપકવા નહીં દેવાનો એનો સંઘર્ષ ભયાનક હતો. એણે મંગલની આંખોમાં આંખો
નાખી અને કહ્યું, ‘મારા જેવી કેટલી છોકરીઓ હશે, જેમના શરીરને તે અપમાનિત કર્યું છે?’ શ્યામાના ચહેરા પર એક
કડવું સ્મિત આવી ગયું, ‘તને તો યાદ પણ નહીં હોય ને? પણ એ દરેક છોકરીને તું યાદ છે. મારી જેમ કોઈએ પોલીસ
ફરિયાદ કરવાની હિંમત નથી કરી, પણ એ દરેક છોકરીએ એના ઈશ્વરને, એના ગોડને, એના અલ્લાહને ફરિયાદ કરી
હશે.’ મંગલ અવાચક થઈને શ્યામા સામે જોઈ રહ્યો હતો. અત્યાર સુધી કોઈએ એની સાથે વાત કરવાની હિંમત
નહોતી કરી. આજે શ્યામા જે કહી રહી હતી એના એક એક શબ્દમાં સત્ય હતું. એ વાત મોતના દરવાજે ટકોરા મારીને
પાછા આવેલા મંગલને પ્રમાણમાં ઓછી, છતાં સમજાઈ રહી હતી. શ્યામાએ ઝૂકીને મંગલના બંને બાવડાની બાજુમાં
પોતાના હાથ મૂક્યા. હવે એના અને મંગલના ચહેરા વચ્ચે બે ફૂટનું અંતર હતું, ‘તું આવી જ રીતે ઝૂક્યો હતો ને મારા
પર?’ શ્યામાએ પૂછ્યું. એના અવાજમાં દર્દની સાથે સાથે ભયાનક ઉશ્કેરાટ અને તિરસ્કાર હતા, ‘અત્યારે હું પણ જે
ઈચ્છું તે કરી શકું એમ છું કારણ કે, અત્યારે તું બિચારો છે, અસહાય છે.’ શ્યામાએ એના ઓક્સિજન માસ્ક પર હાથ
મૂક્યો, ‘મારે તો તારા જેટલી મહેનત કરવાની પણ જરૂર નથી. બસ! આ ખસેડી લઉં અને થોડીક ક્ષણોમાં મારો બદલો
પૂરો થઈ જશે.’ મંગલની આંખો પહોળી થઈ ગઈ, પણ એ કંઈ બોલ્યો નહીં. શ્યામા કહેતી રહી, ‘હું એવું કરીશ નહીં
કારણ કે, તારી ને મારી વચ્ચે ફેર છે. તું રાક્ષસ છે અને હું માણસ છું. તને તારી માએ સ્ત્રીનું સન્માન કરતાં નથી
શીખવ્યું. મને મારા પિતાએ અસહાય પુરુષ પર અત્યાચાર ન કરવો જોઈએ એવું શીખવ્યું છે.’ શ્યામાએ એક હાથે
એના બંને ગાલ પર આંગળી અને અંગૂઠો મૂકીને મંગલનો ચહેરો સખતાઈથી પકડી લીધો, ‘વિચારી જો! તારી મા કે
બહેન પર કોઈ બળાત્કાર કરે તો?’ હવે મંગલ એની આંખોમાં ન જોઈ શક્યો. એણે આંખો મીંચી દીધી, પરંતુ શ્યામા
કહેતી રહી, ‘તારા પિતાને પકડીને લઈ ગયા એમાં તને આટલી તકલીફ થાય છે તો જે જે સ્ત્રીઓ સાથે તે બળાત્કાર
કર્યો, એમને અપમાનિત કરી, એમની મરજી વિરુધ્ધ એમના શરીરને અપમાનિત કરી, કરાવ્યું… એ બધાને કેટલી
તકલીફ થઈ હશે? તારો બાપ સ્ત્રીઓનો ધંધો કરે છે… જેની કૂખમાંથી જન્મ્યો એને વેચે છે? જે પુરુષ સ્ત્રીને
અપમાનિત કરે છે, એના શરીરને ચૂંથે છે, એની મરજી વિરુધ્ધ પોતાની ઈચ્છા સંતોષે છે એ દરેક પુરુષ, દરેક વખતે
પોતાની મા સાથે બળાત્કાર કરે છે એટલું યાદ રાખજે.’ શ્યામાએ જોયું કે, મંગલની બંધ આંખોના બે છેડેથી આંસુનું
એક એક ટીપું વહીને સરકી ગયું. એણે મંગલનો ચહેરો છોડી દીધો. એ ઊભી થઈ ગઈ. હવે શ્યામા પ્રમાણમાં શાંત થઈ
ગઈ હતી. એણે ધીરેથી મંગલને કહ્યું, ‘જો તારી મા પર તેં જ કરેલા અનેક બળાત્કારોનું પ્રાયશ્ચિત કરવું હોય, તો તારો
ગુનો કબૂલી લે. તારી જાતે જેલના સળિયા પાછળ જઈને તું આ સ્ત્રીઓને ફરી એકવાર સન્માનભરી જિંદગી આપી શકીશ.
કદાચ, એ તારો ગુનો માફ કરી દે…’ આટલું કહીને શ્યામા સડસડાટ આઈસીયુની બહાર નીકળી ગઈ.
આંખો મીંચીને પડેલા મંગલની નજર સામેથી એણે કરેલા અનેક બળાત્કારના દ્રશ્યો પસાર થવા લાગ્યાં.
મોડેલ-અભિનેત્રીઓને જ્યારે એ પરાણે એના મિત્રો પાસે મોકલતો ત્યારે એમની કાકલૂદી, પીડા અને આંસુના એ
ચિત્રો પહેલીવાર મંગલને વ્યથિત કરી ગયા. પોતે એમની સામે કેવો શૈતાન-રાક્ષસ જેવો બનીને ઊભો રહેતો ત્યારે કેવો
લાગતો હશે, એ વિચાર આજે પહેલીવાર મંગલસિંઘના મનને વિચલિત કરી રહ્યો હતો.
(ક્રમશઃ)