પ્રકરણ – 15 | આઈનામાં જનમટીપ

શ્યામાના લાંબાચોડા ભાષણ પછી મંગલસિંઘનું મગજ હચમચી ગયું હતું. એણે અત્યાર સુધી અપમાનિત
કરેલી અનેક છોકરીઓ, પિતાના ધંધામાં અટવાયેલી, પીડાયેલી અનેક સ્ત્રીઓનાં ચહેરા એની નજર સામે આવતા
હતા. શ્યામાનો ચહેરો નજર સામે આવશે એ દરેક વખતે આ ભયાનક સ્મૃતિની પીડા એનો પીછો નહીં છોડે એ
મંગલસિંઘ સમજી ચૂક્યો હતો. એણે થોડે દૂર ઊભેલી નર્સને બોલાવી. નર્સ નજીક આવી. મંગલસિંઘે એને પૂછ્યું, ‘હવે
મારી હાલત કેવી છે?’ નર્સ એની સામે જોઈ રહી. આધેડ વયની એ નર્સની આખી કારકિર્દીમાં કદાચ આ પહેલો
પેશન્ટ હતો જે આવો વિચિત્ર સવાલ પૂછી રહ્યો હતો.

‘સારી છે.’ નર્સે કહ્યું.
‘એમ નહીં, હું હોસ્પિટલમાંથી જતો રહું તો મરી જાઉ?’ મંગલસિંઘે પૂછ્યું.
‘નહીં રે.’ નર્સે કહ્યું, ‘એમ તો તારી તબિયત એકદમ પરફેક્ટ છે. હવે બે નાના ફ્રેક્ચર સિવાય કંઈ પ્રોબ્લેમ નથી.’
એણે કહ્યું. આ સાંભળીને મંગલસિંઘે ડોકું ધૂણાવ્યું. નર્સ નવાઈથી એની સામે જોઈ રહી.
‘આ…’ મંગલસિંઘે પૂછ્યું, ‘આ ડ્રીપ કાઢી લઈએ તો કંઈ થાય?’ નર્સને આ માણસ થોડો ચક્રમ લાગ્યો. એણે
આંખો પહોળી કરીને હોથ ઉપર આંગળી મૂકી મંગલસિંઘને ચૂપ રહેવા કહ્યું, પણ મંગલસિંઘે નર્સનો બીજો હાથ પકડી
લીધો, ‘મારે પોલીસ ઈન્સ્પેક્ટરને મળવું છે.’ એણે કહ્યું, ‘અંગત વાત કરવી છે. પર્સનલ! સમજે છે?’ નર્સ કંઈ સમજ્યા
વગર એની સામે જોતી રહી. મંગલસિંઘને સંતોષ ન થયો એટલે એણે કહ્યું, ‘ફોન છે, ફોન?’ નર્સે ડોકું ધૂણાવ્યું.
મંગલસિંઘે ડ્રીપ વગરનો હાથ લંબાવીને ફોન માગ્યો. નર્સે એની એપ્રનના ખીસામાંથી કાઢીને મંગલસિંઘને હાથમાં
ફોન આપીને આમતેમ જોયું.
‘બાઉજીને કયા પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે?’ મંગલસિંઘ ફોન પર કોઈને પૂછી રહ્યો હતો.
‘શ…શ…શ…’ નર્સે ફરી એકવાર હોઠ પર આંગળી મૂકીને એને ધીમેથી બોલવાનું કહ્યું. દરમિયાનમાં સામેથી
જવાબ મળી ચૂક્યો હતો.

‘મારે પોલીસ ઈન્સ્પેક્ટરને મળવું છે. મારા ગુનાની કબૂલાત કરવી છે.’ નર્સ નવાઈથી મંગલસિંઘની સામે જોઈ
રહી હતી. હવે એને પરસેવો વળવા લાગ્યો. કંઈ તો ગરબડ થવાની છે એવો અંદેશો એને આવી ચૂક્યો હતો, ‘હિટ
એન્ડ રન, રેપ અને માનસિક ટોર્ચરના કેટલાય ગુના કર્યા છે. મારે ગુના સ્વીકારીને કન્ફેશન કરવું છે.’ એણે કહ્યું. સામેથી
જે કહેવાતું રહ્યું એ મંગલસિંઘ સાંભળતો રહ્યો, પરંતુ એના ચહેરાના હાવભાવ સ્પષ્ટ હતા કે, જે કંઈ કહેવાઈ રહ્યું હતું
એ મંગલસિંઘને ગમ્યું નહોતું. થોડીવાર સાંભળ્યા પછી એણે સામેના વ્યક્તિની વાત કાપી નાખી અને કહ્યું, ‘હું
કથપૂતળી નથી તમારી ને મારા બાઉજી પણ તમારા હાથનું રમકડું નથી. તમે કહેશો એમ નહીં કરું. તમે જો
ઈન્સ્પેક્ટરને અહીંયા નહીં મોકલો તો હું જાતે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જઈશ.’ એણે કહ્યું, ‘પછી કોઈ નહીં
બચે…’ ઊંડો શ્વાસ લઈને એણે ઉમેર્યું, ‘અત્યારે હું માત્ર મારા જ ગુના સ્વીકારું છું, પણ જો મારા બાઉજીને કઈ થશે
કે મને અટકાવવાનો પ્રયત્ન કરશે તો તમને બધાને સાથે લઈને ડૂબીશ.’ એણે કહ્યું. ફોન ડિસકનેક્ટ કરીને નર્સના હાથમાં
આપી દીધો. પછી આંખો એવી રીતે મીંચી દીધી જાણે કશું થયું જ ન હોય. નર્સ ફોન હાથમાં પકડીને થોડીક ક્ષણો ત્યાં
જ ઊભી રહી ને પછી ત્યાંથી બહાર નીકળી ગઈ.

*

આંખો પર બ્લાઈન્ડર પહેરીને સૂતેલી શ્યામા ઊંઘી શકે એવી સ્થિતિમાં નહોતી. એણે થોડીવાર પહેલાં
મંગલસિંઘને જે કંઈ કહ્યું હતું એનાથી એ પોતે પણ ઓછી વિચલિત નહોતી થઈ! એ જેટલી વખત બળાત્કારની
ઘટના વિશે વાત કે વિચાર કરતી એ દરેક વખતે એ પોતે પણ અત્યંત વ્યથિત થઈ જતી હતી. એની આંખોમાંથી વહી
રહેલા આંસુમાંથી એના બ્લાઈન્ડર પલળી રહ્યાં હતાં.
એના સેલફોન પર રિંગ વાગી. શ્યામાએ ફોન ઉપાડ્યો. નાર્વેકર સામેથી કહી રહ્યો હતો, ‘મેડમ તમે જીત્યા.’
‘શું કહો છો?’ શ્યામાએ પૂછ્યું.
‘તમારા પેશન્ટે હોમ મિનિસ્ટરના પીએને ફોન કર્યો હતો. તંત્ર હલાવી નાંખ્યું છે એણે.’ નાર્વેકરના અવાજમાં
ખુશી હતી કે ઉદ્વેગ, શ્યામાને સમજાયું નહીં. એ આગળ કહી રહ્યો હતો, ‘એણે સરેન્ડર કરવાનું નક્કી કર્યું છે. એના
પર પ્રૂવ નહીં થયેલા ચાર્જીસ સામેથી સ્વીકારવાનું વિચારે છે…’ કહીને નાર્વેકર હસ્યો, ‘મગજનું ઓપરેશન કર્યું કે,
ફેફસાંનું?’
‘વ્હોટ?’ શ્યામાએ પૂછ્યું. એણે જે સાંભળ્યું એ વાત પર વિશ્વાસ બેઠો નહીં, ‘મંગલસિંઘ? સરેન્ડર કરવા માગે
છે? ચાર્જીસ સ્વીકારવા માગે છે?’
‘યસ, યસ, યસ મેડમ.’ નાર્વેકરે કહ્યું, એનો અવાજ અચાનક ગંભીર થઈ ગયો, ‘શફકના મૃત્યુ માટે જાણેઅજાણે
હું મારી જાતને જવાબદાર માનું છું. મેં જ એને કહ્યું હતું, મંગલસિંઘની નજીક જઈને પોલીસની મદદ કરવાનું.’ એનો
અવાજ જાણે આંસુથી પલળી ગયો, ‘નિર્દોષ છોકરી. પહેલાં મંગલસિંઘના અત્યાચારનો ભોગ બની ને પછી મારી
જીદનો.’ નાર્વેકરે કહ્યું, ‘જો મંગલસિંઘ સરેન્ડર કરે અને શફકના મૃત્યુ માટેની જવાબદારી સ્વીકારે તો એટલિસ્ટ એ
છોકરીને ન્યાય થાય.’ કહીને એણે ઉમેર્યું, ‘અને તમને પણ…’ અચકાઈને એણે કહ્યું, ‘ન્યાય મળે.’
‘તમને ખરેખર લાગે છે કે, એ છોકરો…’ શ્યામા હજી માની શકતી નહોતી.
‘એનું મન બદલાયું છે.’ નાર્વેકરે કહ્યું, ‘એમાં પણ બાપ લોક-અપમાં છે એટલે વધુ ડરી ગયો છે કદાચ.’ પછી
પોતે જ પોતાની વાતને બદલી, ‘જોકે, આ બાપ-દીકરો કોઈનાથી ડરે એવા નથી.’ એણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘તમે
એનો જીવ બચાવીને એને એટલું તો સમજાવી જ દીધું કે, દુનિયામાં બધા એના જેવા રાક્ષસ અને બેઈમાન નથી
હોતા.’
‘હંમમમ’ શ્યામા વિચારોમાં ખોવાયેલી હતી.
‘શું વિચારો છો મેડમ? ગો ટુ હીમ.’ નાર્વેકરે કહ્યું, ‘મને ખાતરી છે કે, આ શૈતાન તમારા લીધે જ થોડો માણસ
બન્યો છે… તમે એને થોડોક એન્કરેજ કરશો તો કદાચ…’
‘હું શું કરી શકું?’ શ્યામાએ પૂછ્યું.
‘જાઓ એની પાસે, એને કહો કે, એણે સરેન્ડર કરવાની જે વાત કહી એ સાંભળીને તમને સારું લાગ્યું છે.
તમે…’ નાર્વેકર સહેજ અચકાયો, પણ એણે કહી નાખ્યું, ‘તમે એને માફ કરવા તૈયાર છો, એવું કહેશો તો કદાચ…’
શ્યામાનો કોઈ જવાબ ન આવ્યો એટલે નાર્વેકરે વાત અડધે જ કાપી નાખી.
‘જોઉ’ કહીને શ્યામાએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. નાર્વેકરની વાત સાંભળીને પોતાને આનંદ થવો જોઈએ,
જીતની ખુશી મહેસૂસ થવી જોઈએ એને બદલે શ્યામા વધુ અપ્સેટ, વધુ વિચલિત થઈ ગઈ. જોકે, કેસ રિ-ઓપન થશે
તો પોતાને ફરી એ જ માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડશે એ વિચારમાત્રથી એ હચમચી ગઈ, તેમ છતાં એણે
નક્કી કર્યું કે, એ જઈને ફરી એકવાર મંગલસિંઘ સાથે વાત કરશે.
બાથરૂમમાં જઈ મોઢા પર પાણી છાંટ્યું. વાળમાં કાસકો ફેરવીને એ આઈસીયુના વોર્ડ તરફ આગળ વધી. હજી
આઈસીયુના વોર્ડ સુધી પહોંચે એ પહેલાં તો સામેથી નર્સ દોડતી આવી.
‘મેડમ, મેડમ…’ એના ચહેરા ઉપર ભય અને અપરાધભાવનું મિશ્રણ કંઈક વિચિત્ર લાગતું હતું, ‘પેશન્ટ બેડ પે
નહીં હૈ.’
‘કૌન?’ શ્યામાને જવાબની ખાતરી હતી તેમ છતાં એણે પૂછ્યું.
‘વો… મંગલસિંઘ’ નર્સે કહ્યું, એ લગભગ ધ્રૂજતી હતી, ‘વો ચલા ગયા.’
‘વ્હોટ ડુ યુ મીન, ચલા ગયા? ફ્રેક્ચર્સ કે સાથ વો ચલકે નહીં જા સકતા, કૌન લે ગયા ઉસે?’ શ્યામાએ પૂછ્યું. એને
પરસેવો વળી ગયો. બે ફ્રેક્ચર સાથે, સ્ટ્રેચર વગર હોસ્પિટલની બહાર ન જઈ શકે એવી પરિસ્થિતિએ મંગલસિંઘ ક્યાં
ગયો હશે-એ વિચારમાત્રથી એ ડરી ગઈ. આ પહેલાં પણ મંગલસિંઘ પર હુમલો થઈ ચૂક્યો હતો. બીજા હુમલામાં શફક
મૃત્યુ પામી… હવે આ ત્રીજા હુમલામાં મંગલસિંઘને તો કંઈ નહીં થઈ ગયું હોય ને! એ વિચારતાં જ શ્યામાનું હૃદય
જોરજોરથી ધડકવા લાગ્યું.
‘મેડમ! ઉસને મેરે સે ફોન લિયા. કોઈને ફોન કર્યો… કહ્યું કે, એને કન્ફેશન કરવું છે. પછી હું તો મારા કામમાં
હતી.’
‘વ્હોટ ધ હેલ? એમ કોઈ પણ આઈસીયુના દરવાજામાંથી બહાર કેવી રીતે નીકળી જાય? આટલા સીસીટીવી
કેમેરા…’ વાક્ય પૂરું થાય એ પહેલાં શ્યામા ત્યાંથી દોડતી લિફ્ટ પાસે પહોંચી. એણે બે-ચાર વાર બટન દબાવી દીધું.
લિફ્ટ આવી અને આઈસીયુના ફ્લોર પરથી બેઝમેન્ટના સિક્યોરિટી ફ્લોર સુધી પહોંચે એટલી ક્ષણો તો શ્યામાને
કલાકો જેવી લાગી.
એણે સિક્યોરિટી રૂમનો દરવાજો ધડામ દઈને ખોલ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈને એનું હૃદય એક થડકારું ચૂકી ગયું. ત્યાં ગોઠવાયેલા
22 મોનિટરમાં ટેકનિકલ ફોલ્ટ હતો. બધા જ મોનિટરના સ્ક્રીન બ્લેન્ક હતા અને ત્યાં બેઠેલો સિક્યોરિટી ગાર્ડ એને રિ-ઈન્સ્ટોલ
કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
‘ક્યા હુઆ?’ શ્યામાએ પૂછ્યું.
‘પતા નહીં મેડમ એકદમ સે સબ મોનિટર બ્લેન્ક હો ગયે. હોસ્પિટલ કા એક ભી કેમેરા નહીં ચલ રહા. મેરી
સમજ મેં નહીં આતા…’ ગાર્ડ મથી રહ્યો હતો. એની સમજમાં આવે કે નહીં, શ્યામાની સમજમાં આવી ગયું હતું કે,
આ કોણે અને શું કામ કર્યું હશે! કશું બોલ્યા વગર એ ત્યાંથી બહાર નીકળી ગઈ.
પોતાના રૂમમાં આવી ત્યારે ટેબલ પર પડેલો એનો સેલફોનમાં લગાતાર રિંગ વાગી રહી હતી. એણે ફોન
ઉપાડ્યો, ‘મેડમ! મંગલસિંઘ…’ સામે નાર્વેકર હતો. એ ઉચાટમાં હતો. એના અવાજમાં રહેલી બેચેની શ્યામાને તરત
જ સમજાઈ. સમાચાર એના સુધી પહોંચી ગયા હતા.
‘ગયો.’ શ્યામાએ એક શબ્દમાં જવાબ આપ્યો.
‘સાંભળ્યું મેં. મારા કોન્સ્ટેબલે કહ્યું મને.’ નાર્વેકરે અકળાઈને કહ્યું, ‘એ ભાગે નહીં.’
‘ભાગી શકે જ નહીં.’ શ્યામાએ કહ્યું, ‘એના પગમાં ફ્રેક્ચર છે અને પાંસળામાં હેરલાઈન. જાતે ચાલીને અહીંથી
જઈ શકે એવી એની સ્થિતિ જ નથી. એને કોઈ ઉપાડી ગયું છે.’ પછી એમે સ્વગત કહ્યું, ‘કોણ હોઈ શકે?’ આ સવાલ
સાંભળતા જ નાર્વેકર હસવા લાગ્યો. શ્યામાએ અકળાઈને કહ્યું, ‘હસવા જેવું શું છે?’
‘મેડમ!’ નાર્વેકર હજી હસી રહ્યો હતો, ‘એણે હોમ મિનિસ્ટરના પીએને ફોન કરીને કહ્યું કે, એને સરેન્ડર કરવું
છે, ગુનાની કબૂલાત કરવી છે, એની દસમી મિનિટ પછી એ હોસ્પિટલમાં નથી! ને તમે પૂછો છો કે, કોણ ઉપાડી જઈ
શકે?’
‘યુ મીન…’ શ્યામા લગભગ ડઘાઈ ગઈ.
‘હું કોઈનું નામ લઈ શકું એવી સ્થિતિમાં નથી.’ નાર્વેકરે કહ્યું, ‘પણ પરિસ્થિતિ સીધી જેના તરફ આંગળી ચીંધે
છે એ તો…’
‘હવે?’ શ્યામાએ પૂછ્યું.
‘હવે શું!’ નાર્વેકરના અવાજમાં થોડી નિરાશા અને થોડી ચિંતા હતી, ‘બે જ રસ્તા છે. કાં તો એનું મોઢું બંધ
કરશે અને કાં તો શ્વાસ…’
‘મારી નાખશે?’ શ્યામાએ પૂછ્યું.
‘દિલબાગનો દીકરો છે. એણે મગજમાં નક્કી કર્યું કે, કન્ફેશન કરવું છે… આ લોકો સમજાવશે, પણ જો એ નહીં
માને તો…’ નાર્વેકરે નિઃશ્વાસ નાખ્યો.
‘આઈ વિશ હું એને મળી શકી હોત, એની સાથે વાત કરી શકી હોત!’ શ્યામાને પોતાને નવાઈ લાગી કે,
મંગલસિંઘ સાથે કંઈ ખરાબ થવાનું હોય એ સમાચાર સાંભળીને એને દુઃખ કેમ થતું હતું! ખરેખર તો મંગલસિંઘને સજા
મળે એ જ એનો ઉદ્દેશ હતો તો પછી નાર્વેકરની આ વાત સાંભળીને પોતાને ડર કંઈ વાતનો લાગતો હતો! શ્યામાએ
પોતાના મનને ઢંઢોળી જોયું, ‘એને બચાવવાનો કોઈ રસ્તો નથી?’ શ્યામાને પોતાના જ સવાલ પર નવાઈ લાગી.
‘કોણ લઈ ગયું, ક્યા લઈ ગયું કશી જ માહિતી નથી, ક્યાં શોધીશું એને, આવડા મોટા શહેરમાં…’ નાર્વેકરે
જવાબ આપ્યો, ‘હું મારા સોર્સિસ લગાવવાના પ્રયત્ન કરું છું, પણ મને લાગતું નથી કે, આપણે એના સુધી પહોંચી
શકીએ.’
‘પ્લીઝ!’ શ્યામાની આંખમાંથી આંસુ સરકી ગયું, એણે ઝંખવાઈને આંસુ લૂછી નાખ્યું. પોતે પોતાના રેપિસ્ટ
માટે રડી રહી હતી એ વાતે એને જાત પર જ ગુસ્સો આવી ગયો, ‘એ બદલાવા તૈયાર હતો. કન્ફેશન કરવા માગતો
હતો, એને તક મળવી જોઈએ.’ એ બોલી તો ખરી, પણ પોતાના શબ્દોના કોઈ અર્થ નથી એવું એને પોતાને જ
સમજાયું.
‘પાર્સલ ઉઠા લિયા હૈ.’ હોમ મિનિસ્ટરના પીએ, અવિનાશકુમારના ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન
આવ્યો.
‘હંમમમ’ અવિનાશકુમારે જવાબ આપ્યો, પછી હોમ મિનિસ્ટરની ચેમ્બરમાં જઈને કહ્યું, ‘સર! આપનું ટિફિન
ઘરેથી નીકળી ગયું છે.’ આટલું સાંભળતાં જ હોમ મિનિસ્ટરના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવી ગયું.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *