પ્રકરણ – 18 | આઈનામાં જનમટીપ

હાઈવે પરના ઢાબામાં બેઠેલો દિલબાગ થોડી વાર તો નાના બાળકની જેમ રડતો રહ્યો. એ પછી એણે એના
લોકલ કોન્ટેક્ટ્સને ફોન કરવાનું શરૂ કર્યું. પાંચ-છ ફોનમાં દિલબાગને સમજાઈ ગયું કે, એના પોતાના એવા માણસો
જેને દિલબાગ વિશ્વાસુ, જાંનિસાર માનતો હતો એ લોકો પણ રાહુલ તાવડે પાસે પૈસા લઈને વેચાઈ ચૂક્યા હતા.
કોઈકે મા બિમાર હોવાનું બહાનું કાઢ્યું તો કોઈકે બહારગામ હોવાની ખોટી વાત કરી. બે જણાંએ તો દિલબાગને
રાહુલ તાવડેની સામે નહીં પડવાની સલાહ આપી દીધી. ટૂંકમાં, 15 મિનિટની અંદરઅંદર દિલબાગને સમજાઈ ગયું કે,
હવે આ લડાઈ એણે એકલા લડવાની હતી. ભિવંડીથી આગળ પડઘા, વાસિંદ અને શાહાપુરના વિસ્તારોમાં દિલબાગે
કેટલાય લોકોના ઘરો બાંધી આપ્યા. એમના સંતાનોને ભણાવ્યા હતા. ખેડૂતો જ્યારે આપઘાત કરી રહ્યા હતા ત્યારે
એમના દીકરાઓને કામે લગાડીને દિલબાગે એમને મરતાં બચાવ્યા હતા, પરંતુ આજે એ બધા રાહુલ તાવડેની ભાષા
બોલી રહ્યા હતા! લગભગ બધા જાણતા હતા કે આવનારા ઈલેક્શનમાં પણ રાહુલ બહુમતથી જીતવાનો હતો… અને
એની સાથે બગાડીને દિલબાગની બાજુમાં ઊભો રહી શકે એવો કોઈ માઈનો લાલ એને જડ્યો નહીં.
દિલબાગ થોડો નિરાશ થયો, પણ એણે હિંમત હારી નહીં. મુંબઈમાં વસતા એના બે-ચાર એજન્ટ છોકરાઓને
પણ ફોન કરી જોયા. દિલબાગને ખરેખર નવાઈ લાગી કે, આ એ જ લોકો હતા જે દિલબાગને લીધી લાખો રૂપિયા
અને મોટામોટા માણસો સાથેના કોન્ટેક્ટ્સ કમાયા હતા. રમીઝે સૌને ખરીદી લીધા હતા. હવે એ બધા અલ્તાફની
ભાષા બોલતા હતા. એમાંના કોઈએ દિલબાગનો સાથ આપવાની તૈયારી બતાવી નહીં. દિલબાગને બરાબર સમજાઈ
ગયું કે, હવે એના સિતારા ગર્દીશમાં પહોંચવા લાગ્યા હતા.
છેલ્લા પ્રયત્ન તરીકે એણે એના અત્યંત વિશ્વાસુ સાથીઓ મુરલી અને શાનીને ફોન કર્યા. આ બંને જણાં
વિક્રમજિતની જેમ જ દિલબાગના ખાસ માણસો હતા. ચાર જણાંની ચંડાળ ચોકડી મુંબઈના સેક્સમાર્કેટ પર રાજ
કરતી હતી. વિક્રમજિત લોક-અપમાં હતો. મુરલી અને શાનીએ તરત જ દિલબાગનો સાથ આપવાની તૈયારી બતાવી.
એ બંને જણાં તરત જ દિલબાગે મોકલેલા લોકેશન પર પહોંચવા માટે નીકળી ગયા.

*

પિતા સાથે વાત કર્યા પછી શ્યામા પોતાની ગાડીમાં ગઈ, પહેલાં ઘરે ગઈ… જરૂરી સામાન અને બીજી
વસ્તુઓ સાથે લીધી. બળાત્કારના કિસ્સા પછી એણે રિવોલ્વરનું લાયસન્સ લીધું હતું, રિવોલ્વર ખરીદ્યા પછી કોઈ
દિવસ કેસ ખોલીને જોવાનો પણ પ્રયાસ કર્યો નહોતો, પરંતુ આજે એણે એ રિવોલ્વર બહાર કાઢી, લોડ કરી અને
ગાડીના ડેશબોર્ડમાં મૂકી. ઘરમાંથી નીકળતાં પહેલાં એ નાનકડા મંદિર પાસે ઊભી રહી. આંખો મીંચીને બે હાથ
જોડ્યા, ઈશ્વર સાથે સંવાદ કરતી હોય એમ એણે કહ્યું, ‘મને નથી ખબર કે, હું સાચું કરી રહી છું કે ખોટું, પરંતુ અત્યારે મને
લાગે છે કે મારો ધર્મ આ છોકરાને બચાવવાનો છે. ન્યાય તું જ કરે છે. હું તો એને તારી સામે આરોપી બનાવીને ઊભો
રાખીશ, પણ હવે તને વિનંતી કરું છું કે, આ ધર્મની લડાઈમાં તું મારી સાથે રહેજે.’ શ્યામાની આંખમાંથી આંસુ સરીને
એના ગાલ પરથી લસરી ગયા. માથું નમાવીને એ એની નાનકડી બેકપેક, એક ટ્રોલી બેગ અને પર્સ લઈને ઘરની બહાર
નીકળી ગઈ.
ગાડીનો સેલ માર્યો, પણ એને ખબર નહોતી કે એણે ક્યાં જવાનું છે. થોડીક ક્ષણો વિચાર્યા પછી એણે નાર્વેકરને
ફોન લગાડ્યો, ‘યસ મેડમ.’
‘હું ઘરેથી નીકળું છું. મંગલસિંઘને શોધીને પાછી લાવીશ.’ શ્યામાએ કહ્યું.
નાર્વેકરને થોડી નવાઈ લાગી ને થોડું હસવું પણ આવ્યું, ‘ને ક્યાં શોધશો એને?’
‘એ પૂછવા તો તમને ફોન કર્યો છે, ક્યાં શોધું?’ શ્યામાએ કહ્યું.
‘મને ખબર હોત તો અત્યાર સુધીમાં હું જ એને લાવ્યો ના હોત?’ નાર્વેકર બોલ્યો તો ખરો, પણ આ છોકરીની
હિંમત અને સ્વમાન માટેની એની લડતની મનોમન પ્રશંસા કર્યા વગર ન રહી શક્યો. બે ક્ષણ ચૂપ રહ્યા પછી એણે
ઉમેર્યું, ‘જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી કોઈપણ નેતા માટે એનો મતવિસ્તાર સૌથી સેફ હોય. ત્યાં એના પોતાના
માણસો હોય, એણે ગોઠવેલી સિસ્ટમ હોય…’ પછી સહેજ અટકીને એણે કહ્યું, ‘પણ રાહુલ તાવડેની બાબતમાં આ
કહેવું અઘરું એટલા માટે છે કારણ કે, વાસિંદ જેટલો રાહુલનો વિસ્તાર છે એટલો જ દિલબાગનો પણ છે. મણિકાંત
તાવડેના સમયથી દિલબાગે આ વિસ્તાર પર રાજ કર્યું છે.’
‘તો?’ શ્યામા કશું સમજી નહોતી.
‘તો…’ નાર્વેકરે શ્વાસ લીધો, ‘તમારે દિલબાગની મદદ લેવી જોઈએ.’
‘એ માણસ…’ શ્યામાના અવાજમાં ભારોભાર તિરસ્કાર અને કડવાશ ધસી આવ્યા, ‘એ મારી મદદ શું કામ
કરે?’ નાર્વેકર કશું બોલવા જતો હતો, પણ શ્યામાએ વાત કાપી નાખી, ‘કદાચ એના દીકરાને બચાવવા માટે મદદ કરે
તો પણ, એ પછી દિલબાગ કોઈ દિવસ એના દીકરાને કન્ફેશન નહીં કરવા દે.’ શ્યામાને ખાતરી હતી, ‘એનો કોઈ
ફાયદો નથી.’
‘તમારી વાત ખોટી નથી, પણ એટલું સમજો કે તમે એકલા હાથે કશું નહીં કરી શકો. એકવાર મંગલ મળે પછી
તમે તમારી રીતે એને હેન્ડલ કરી શકશો, પણ અત્યારે તો અંધારામાં સોય શોધવા જેવી વાત છે.’ નાર્વેકરે ધીમેથી કહ્યું,
‘દિલબાગ ઈઝ એ રાઈટ મેન. અત્યારે એ પણ એકલો છે. વિક્રમજિત જેલમાં છે. એના માણસો પણ હોમ
મિનિસ્ટરની વિરુધ્ધ નહીં જાય કદાચ. દિલબાગને તમારી જરૂર છે અને તમને દિલબાગની.’ શ્યામા વિચારમાં પડી
ગઈ. નાર્વેકરે ફરી કહ્યું, ‘કોલ હીમ.’
‘ઓ.કે.’ શ્યામાએ કહ્યું, પછી પૂછ્યું, ‘તમે મારી હેલ્પ કરશો?’
‘આ પૂછવાની જરૂર લાગે છે? ઓફિશિયલી નહીં કરી શકું, પણ બેકઅપમાં હું છું અને રહીશ.’ નાર્વેકરે કહ્યું,
‘એક સલાહ આપું, દિલબાગને ફોન કરો. હું અહીંથી એનો કોલ ટ્રેસ કરીને તમને લોકેશન આપું છું. તમે પહોંચી
જાઓ.’
‘એથી શું થશે?’
‘એ જ્યાં હશે ત્યાંથી એના દીકરા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. તમારી સાથે હાથ મિલાવે તો સારી વાત છે
અને જો તમને ના પાડે તો પણ મંગલસિંઘ સુધી પહોંચવા માટે દિલબાગ સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે
નથી. યુ ફૉલો હીમ, ઈફ નોટ વિથ હીમ.’
‘ઓલ રાઈટ.’ કહીને શ્યામાએ ફોન ડિસકનેક્ટ કર્યો પછી થોડીવાર સ્ટીયરિંગ વ્હીલ પર આંગળીઓ રમાડતી
એ નાર્વેકરની સલાહ પર વિચારતી રહી. વાત ખોટી નહોતી જ એટલે થોડું વિચારીને એણે દિલબાગનો નંબર જોડ્યો,
‘ડૉ. શ્યામા મજુમદાર વાત કરું છું.’
‘તારી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની. મારું ચાલે તો અત્યારે ને અત્યારે તને ખતમ કરી નાખું. મારો
દીકરો તારે લીધે કેટલી મુશ્કેલીમાં મૂકાયો છે એની ખબર છે તને? તેં જ એને આવી ઉલટી-સીધી પટ્ટી પઢાવીને એની
જિંદગી જોખમમાં મૂકી છે. તને તો હું છોડીશ નહીં.’ દિલબાગ રાડો પાડવા માંડ્યો.
થોડીવાર એની વાત સાંભળી લીધા પછી શ્યામાએ શાંત ચિત્તે કહ્યું, ‘મને મારી નાખશો એથી દીકરો જડી નહીં
જાય.’
‘મોં બંધ કર તારું.’ દિલબાગે ફરી જોરથી કહ્યું.
‘અત્યારે તમે જ્યાં છો ત્યાં એકલા છો ને તમારે જો દીકરાને બચાવવો હશે તો મારી મદદ વગર શક્ય નહીં
થાય.’ શ્યામાએ કહેતાં તો કહી દીધું, પણ એ અંદરથી ધ્રૂજી ગઈ, ‘એકવાર એને બહાર કાઢી પણ લેશો તો એને મેડિકલ
ટ્રીટમેન્ટ આપવી પડશે જેને માટે તમારે મારી જરૂર પડશે.’ શ્યામાના અવાજમાં કોણ જાણે ક્યાંથી સહાનુભૂતિ અને
થોડી ચિંતા પણ ભળી ગયાં, ‘હું પણ એને બચાવવા માગું છું.’
‘હાસ્તો!’ દિલબાગ રાક્ષસની જેમ હસ્યો, ‘તું એટલા માટે બચાવવા માગે છે કે, ફરી ફસાવી શકે.’ એણે જોરથી
કહ્યું, ‘રસ્તો નાપ. હું તારી મદદ નથી કરવાનો.’
શ્યામા વાત લંબાવી રહી હતી જેથી દિલબાગનો કોલ ટ્રેસ કરવામાં નાર્વેકરને સરળતા પડે. એણે કહ્યું, ‘તમે
મારી મદદ કરો કે નહીં, તમને મારી મદદની જરૂર પડવાની છે… અત્યારે તમે ભલે મને ના પાડો, પણ તમે જ મને
શોધતા આવશો એવી મને ખાતરી છે. તમારા દીકરાની પાંસળીમાં ફ્રેક્ચર છે. જો એને સાચવીને નહીં લઈ જાઓ તો
ફેફસાંને નુકસાન થશે. એના પગમાં ફ્રેક્ચર છે. ચાલી નહીં શકે અને જો એને બરાબર હેન્ડલ નહીં કરો તો જિંદગીભર
લંગડો…’
‘ચૂપ, મર સાલી.’ દિલબાગે જોરથી કહ્યું, ‘મારે તારી જરૂર નથી. કોઈપણ ડૉક્ટર રિવોલ્વરની અણીએ મારું
કામ કરી આપશે. ગામમાં તું એકલી જ ડૉક્ટર નથી.’
‘પણ, એની મેડિકલ હિસ્ટ્રી હું એકલી જ જાણું છું. એનો જીવ મેં બચાવ્યો છે એ નહીં ભૂલતા.’
‘તું ફોન મૂક. મારો સમય બગડે છે.’ કહીને દિલબાગે ફોન મૂકી દીધો. દિલબાગનો ફોન ડિસકનેક્ટ થયો કે તરત
જ નાર્વેકરનો મેસેજ આવ્યો. એણે દિલબાગનું લોકેશન શ્યામાના ફોન પર મોકલી આપ્યું હતું. હવે ક્યાં જવું એ
વિચાર્યા વગર શ્યામાએ ગાડીનો સેલ માર્યો. મુંબઈથી ભિવંડી 35 કિલોમીટર અને દોઢ કલાક બતાવતું હતું. પોતે
પહોંચે એ પહેલાં દિલબાગ ત્યાંથી નીકળી ન જાય એવી મનોમન પ્રાર્થના કરીને શ્યામાએ ગાડી કમ્પાઉન્ડની બહાર
કાઢી.
નાર્વેકર સ્માર્ટ નીકળ્યો, એણે શ્યામાને દિલબાગનો ફોન ટ્રાયેન્ગ્યુલેટ કરીને એનું લાઈવ લોકેશન પણ જોડી
આપ્યું. ટૂંકમાં, હવે દિલબાગ એનો ફોન બંધ ન કરે તો એ જ્યાં હોય ત્યાં શ્યામા એને શોધી શકે એવી ગોઠવણ નાર્વેકરે
કરી દીધી હતી. શ્યામાના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે નાર્વેકરને મેસેજ લખ્યો, ‘થેન્ક યૂ.’ અને ગાડી ભિવંડી
તરફ મારી મૂકી.

ફોન ટ્રાયેન્ગ્યુલેટ કરવા કે લોકેશન ટ્રેસ કરવા માટે સામાન્ય રીતે લેખિત પરમિશનની જરૂર પડતી હોય છે,
પરંતુ નાર્વેકર પાસે એના પોતાના સોર્સિસ હતા. એકાદ-બેવાર ડ્રગ્સ કે ડ્રંક એન્ડ ડ્રાઈવમાં પકડાયેલા યુવાન છોકરાઓને
એણે સાધી રાખ્યા હતા. પહેલો કેસ હોવાને કારણે એમની દયા ખાઈને છોડી દીધા એ પછી નાર્વેકરે એમની સાથે
જબરજસ્ત દોસ્તી કરી લીધી હતી. આ છોકરાઓ કમ્પ્યુટર અને હેકિંગમાં ચેમ્પિયન હતા, જ્યારે જરૂર પડતી ત્યારે
સંકેત નાર્વેકર માટે આ છોકરાઓ દિલથી કામ કરતા. આજે પણ એવા જ એક દિપેન નામના છોકરાએ નાર્વેકરને
લાઈવ લોકેશન ટ્રાયેન્ગ્યુલેટ કરી આપ્યું હતું. જેનાથી શ્યામાનો ફોન પણ નાર્વેકરના ફોન પર ટ્રેસ થયા કરતો હતો.

હવે નિશ્ચિંત થઈને સંકેત નાર્વેકરે વણીકરની કેબિનમાં પ્રવેશ કર્યો, ‘ક્યાં હતો તું? અવિનાશકુમારના ફોન પર ફોન
આવે છે. દિલબાગને શોધવાનું કહે છે.’ વણીકર બેચેન હતો, ‘એ તો કહે છે કે મળે તો એન્કાઉન્ટર જ કરી નાખજો.
મારે હવે છેલ્લા દોઢ મહિનામાં…’ વણીકર માટે એના રિટાયરમેન્ટથી મહત્વનું કશું જ નહોતું!
નાર્વેકરને હસવું આવી ગયું, ‘આપણે ક્યાં શોધીએ?’ નાર્વેકરે નિરાંતે કહ્યું.
‘અરે એનો ફોન ટ્રેસ કરો.’ વણીકરે કોઈ મહાન શોધ કરી હોય એવી રીતે કહ્યું.
‘મેં કરી લીધો. ભિવંડી પાસે ક્યાંક છે.’ નાર્વેકરે ફરી એટલી જ શાંતિથી કહ્યું.
‘અરે તો ભિવંડી પોલીસ સ્ટેશનમાં વાયરલેસ કરો. નાકાબંધી કરાવો.’ વણીકર ઉશ્કેરાઈ ગયો.
‘પછી?’ નાર્વેકરે એને બીવડાવ્યો, ‘તમે કરશો એન્કાઉન્ટર?’ વણીકર એની સામે જોઈ રહ્યો, ‘દિલબાગને
મારવાનો મતલબ સમજો છો? હિન્દુ-મુસ્લિમ રાડા થઈ જશે.’
‘તો? શું કરીએ.’ વણીકર ફરી પાછો નાના બાળકની જેમ નિરાશ થઈ ગયો, ‘અવિનાશકુમારને જવાબ તો
આપવો પડશે ને?’
‘અરે જવાબમાં શું છે? એને કહી દો કે દિલબાગે ફોન બંધ કરી દીધો છે. થાણાથી આગળ ક્યાં ગયો એ અમને
ખબર પડતી નથી.’
‘વેરી ગુડ.’ કહીને વણીકર દોડી ગયો. એણે અવિનાશકુમારને ફોન કરીને સમાચાર આપી દીધા. પછી નિરાંતે
વોશરૂમ તરફ ચાલી ગયો.
શ્યામા જ્યારે ભિવંડી પહોંચી ત્યારે ખાસ્સી બપોર થઈ ગઈ હતી. એ લોકેશન પ્રમાણે ઢાબાની સામે ગાડી
પાર્ક કરીને ઊભી હતી. એણે સરસરી નજર દોડાવી. દિલબાગ અને બીજા બે માણસો ત્યાં બેસીને વાત કરી રહ્યા હતા.
એમના ચહેરા પર ટેન્શન હતું. દૂર ઊભી ઊભી શ્યામા થોડીવાર એમને જોતી રહી. પછી કંઈક વિચાર કરીને
ગાડીમાંથી નીચે ઉતરી. સામે બેઠેલા બે માણસો શ્યામાને ઓળખતા નહોતા. દિલબાગની શ્યામા તરફ પીઠ હતી. છેક
નજીક જઈને શ્યામાએ દિલબાગના ખભે હાથ મૂક્યો. એણે ચોંકીને પાછળ જોયું, ‘તુમ?’ એનાથી પૂછાઈ ગયું.
‘હા.’ શ્યામાની આંખોમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. એના ચહેરા ઉપર એક ન સમજાય તેવી દૃઢતા
દેખાઈ દિલબાગને, ‘જો આટલી સહેલાઈથી હું અહીંયા પહોંચી શકું છું તો પોલીસ કે રાહુલ તાવડેના માણસો નહીં
પહોંચે?’ એણે પૂછ્યું, પછી હસી, ‘છરી, ચપ્પુ અને બંદૂકના જમાના ગયા. હવે માફિયાને પણ ટેકનોલોજી શીખ્યા
સિવાય છૂટકો નથી.’ એણે કહ્યું, ‘સૌથી પહેલાં તમારો ફોન બંધ કરી દો.’ દિલબાગ એની સામે જોઈ રહ્યો. એના બંને
માણસો આશ્ચર્યથી દિલબાગસિંઘને સૂચના આપતી આ સોફેસ્ટીકેટેડ દેખાતી યુવતિને જોઈ રહ્યા હતા, ‘અહીંથી
ઢાબાવાળા પાસે કે બીજા કોઈ પાસે સિમકાર્ડ લઈ લો. આપણે નીકળીએ તે પહેલાં તમારું સિમકાર્ડ તોડીને અહીં જ
ફેંકી દો…’ શ્યામાએ કહ્યું.
‘તો મંગલસિંઘની સાથે વાત કેવી રીતે કરવાની? એ લોકો મારા જ ફોન પર…’ દિલબાગ ઉશ્કેરાઈ ગયો.
‘એ લોકો પણ તમારા સુધી ન પહોંચવા જોઈએ. પોલીસ, રાહુલ તાવડેના માણસો કે બીજું કોઈ પણ તમને ટ્રેસ નહીં
કરી શકે તો જ આપણે મંગલને શોધી શકીશું.’ શ્યામાનો આત્મવિશ્વાસ જોઈને દિલબાગ સહેજ ઝંખવાઈ ગયો.
‘આપણે?’ તેમ છતાં એણે પૂછ્યું, ‘આપણે એટલે શું?’
‘અહીંથી આપણે સાથે છીએ. હું પણ મંગલસિંઘને શોધવા તમારી સાથે જ આવીશ.’ દિલબાગ કંઈ બોલે એ પહેલાં
શ્યામાએ કહ્યું, ‘એકવાર એ સાજોસમો મળી જાય પછી એ જ નક્કી કરશે કે એણે શું કરવું છે.’ ત્રણ આશ્ચર્યચકિત
પુરુષો અને એક આત્મવિશ્વાસથી સભર સ્ત્રી એકબીજાની સામે ઊભાં હતાં. અહીંથી એક દિલધડક સફર શરૂ થવાની
હતી, એની ચારેયને ખાતરી હતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *