પ્રકરણ – 24 | આઈનામાં જનમટીપ

‘હું પ્રેમ કરું છું એને.’ મંગલસિંઘે કહ્યું. આઉટ હાઉસના દરવાજાની વચ્ચોવચ્ચ ઊભેલા ભાસ્કરભાઈ, જમીન
પર પડેલો લોહીલુહાણ પાવન અને મંગલસિંઘને રોકવાનો પ્રયત્ન કરી રહેલી શ્યામા બધા જ આ સાંભળીને સ્તબ્ધ
થઈ ગયા, પરંતુ એકલો મંગલસિંઘ એકદમ સ્વસ્થ અને શાંત હતો. એણે શ્યામા સામે જોયું, શ્યામાની આંખોમાં એક
અવિશ્વાસ અને વિચિત્ર પ્રકારનો ઉચાટ હતો. મંગલના ચહેરા પર સ્મિત આવ્યું, જાણે કશું બન્યું જ ન હોય એમ સાવ
નિરાંતે એણે શ્યામાને કહ્યું, ‘આઈ મિન ઈટ.’
‘તું શું બોલે છે એનું ભાન છે તને?’ ભાસ્કરભાઈથી બોલ્યા વગર ન રહેવાયું, ‘મારી દીકરીની જિંદગી હરામ
કરી નાખી તેં. તારે લીધે એ માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થતી રહી, બદનામ થઈ, અપમાનિત થઈ, એનું
લગ્ન તૂટી ગયું… અને હવે તું કહે છે…’ એમના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. ચહેરો તમતમી ગયો, ‘આ બધું કરવાની
જરૂર નથી. મેં તને ગઈકાલે જ અહીંયા રહેવાની છૂટ આપી છે, હવે શું જોઈએ છે તારે?’
‘તમને ખરેખર એવું લાગે છે કે, હું અહીંયા રહેવા મળે એવા સ્વાર્થથી કારણસર આવું કહું છું?’ મંગલસિંઘ
હસી પડ્યો, ‘સોરી!’ એણે પોતાના હસવા વિશે ભાસ્કરભાઈની માફી માગી, ‘તમારી દીકરી છે જ એવી. તેજસ્વી,
પ્યોર, પ્રામાણિક, મજબૂત અને છતાં સાવ ઋજુ… હું સાચે જ એનાથી ખૂબ આકર્ષાયો છું.’ પછી એણે શ્યામા સામે
જોયું, ‘તમને મળ્યો ત્યાં સુધી પ્રેમ શબ્દથી નફરત હતી મને. સ્ત્રી એક વસ્તુ છે એવું માનતો હતો, પણ હવે…’
‘બકવાસ છે આ બધો.’ પાવને કહ્યું, એ ધીમે ધીમે ઊભો થયો. બે બેડની વચ્ચે પડેલા ટેબલ પર મૂકેલો નેપકીન
લઈને એણે ચહેરા પરનું લોહી લુછવા માંડ્યું, પછી એણે શ્યામા સામે જોયું, ‘મેં પહેલાં જ કહ્યું હતું તને, મારી નાખ,
પણ તું દયાની દેવી બનવા ગઈ… જોઈ લે હવે.’ એ પછી પાવન ગાંડા માણસની જેમ હસવા લાગ્યો, ‘પ્રેમ કરે છે…
પ્રેમ! હી લવ્ઝ યુ…’ એણે ફરી તાળીઓ પાડવા માંડી, જોરજોરથી હસવા માંડ્યો.
અત્યાર સુધી સ્તબ્ધ ઊભેલી શ્યામાએ મંગલસિંઘ સામે જોયું, ‘પ્લીઝ! આ બધું નાટક શું કામ કરે છે?’ એણે
થોડા નિરાશ થઈને ઉમેર્યું, ‘તારા ફાધરે તારું મગજ બદલી નાખ્યું છે… હવે કન્ફેશન નથી કરવું તારે, એટલે આ બધું કરે
છે.’
‘ના…’ મંગલસિંઘ ફરી એકવાર ઢસડાતો પલંગ તરફ જવા લાગ્યો. એને ભયાનક દુઃખાવો થતો હતો. પાંસળી
ઉપર પોતાની હથેળી દબાવીને એણે ઊંડો શ્વાસ લીધો. થોડીક ક્ષણો ઓરડામાં શાંતિ પથરાયેલી રહી, પછી એણે
ધીમેથી કહ્યું, ‘હું અત્યારે જ તમારી સાથે જવા તૈયાર છું.’ મંગલસિંઘે નિઃશ્વાસ નાખ્યો, ‘પણ તમે ધારો છો એટલું
સહેલું નથી.’ શ્યામા એની સામે જોઈ રહી, ‘મારા એક ફોનથી બધું ઉલટ-પુલટ થઈ ગયું, તમે જોયું ને?’
‘તો?’ શ્યામાએ પૂછ્યું, ‘હવે શું?’
‘મિનિસ્ટરથી શરૂ કરીને પોલીસ સુધી બધા આપણને રોકવાનો પ્રયત્ન કરશે. હું એકવાર પોલીસ સ્ટેશનમાં
જઈને કન્ફેશન કરી લઈશ, તો મને મારી નાખશે.’ શ્યામાની આંખો પહોળી થઈ ગઈ, ‘મરવાથી નથી ડરતો હું.’
મંગલસિંઘે કહ્યું, ‘બસ, મારું કામ પૂરું કરીને મરવું છે.’ એણે કહ્યું.
‘શું ફિલ્મી ડાયલોગ બોલે છે!’ પાવન ફરી હસવા લાગ્યો, ‘એણે શ્યામા તરફ જોઈને કહ્યું, ‘મૂરખ બનાવે છે તને
મૂરખ.’ પછી હસતાં હસતાં ઉમેર્યું, ‘તું છે જ મૂરખ, તને શું બનાવે!’

‘એના પર ધ્યાન નહીં આપો. તમે મીડિયા ભેગું કરો. હું રિપોર્ટર્સ અને ટીવી કેમેરાની સામે પોલીસ સ્ટેશનમાં
જઈને કન્ફેશન કરીશ. રાહુલ તાવડે, અવિનાશકુમાર કે પોલીસમાંથી કોઈ કશું નહીં કરી શકે.’ મંગલસિંઘે કહ્યું.
શ્યામાની આંખોમાં પાણી આવી ગયાં. એણે ભાસ્કરભાઈ તરફ જોયું. ભાસ્કરભાઈએ ડોકું ધૂણાવીને, ‘હા’ પાડી.
મંગલસિંઘ કહેતો રહ્યો, ‘એક રીતે મીડિયાની સામે હું જે કંઈ કહીશ એ ઓનરેકોર્ડ આવશે. મારી પણ સેફ્ટી…’
‘શ્યોર.’ શ્યામાએ પૂછ્યું, ‘હું બધાને ભેગાં કરું પછી ફિયાસ્કો ન થવો જોઈએ.’ એણે કહ્યું. મંગલસિંઘે હસીને
વહાલથી કહ્યું, ‘હું જાણું છું કે, મારા પર ભરોસો કરવો અઘરો છે, પણ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને?’ એણે
ભાસ્કરભાઈ સામે જોયું, ‘તમે કોઈને ઓળખતા હો તો ટીવી ચેનલમાં, ન્યૂઝ પેપરમાં ફોન કરો. કહો કે, મંગલસિંઘ
કન્ફેશન કરવા માગે છે.’ પછી સાવધાનીથી ઉમેર્યું, ‘હું ક્યાં છું એ કોઈને જણાવતા નહીં, મને પાછો હોસ્પિટલ લઈ
જાઓ.’ એણે શ્યામાને કહ્યું.
‘હોસ્પિટલ?’ શ્યામાને નવાઈ લાગી.
‘હા.’ મંગલસિંઘે બધું વિચારી રાખ્યું હતું, ‘હોસ્પિટલમાં હવે ત્રીજીવાર હુમલો કરતા એ લોકો ડરશે. હું અહીં
હોઈશ તો મીડિયાની સાથે છુપાઈને પણ રાહુલ તાવડેનો માણસ જરૂર આવશે. એ મને મોઢું નહીં ખોલવા દે.’ પછી
અચાનક કંઈ વિચાર આવ્યો હોય એમ એણે પોતાની આંગળીઓથી વાળ સરખા કર્યા, ચહેરા પર હાથ ફેરવ્યો અને
શ્યામાને કહ્યું, ‘તમારા ફોનમાં વીડિયો ઓન કરો.’ શ્યામા એની સામે જોઈ રહી. એણે ફરી કહ્યું, ‘વીડિયો ઓન કરો.’
શ્યામાએ કોઈ ચાવી દીધેલા રમકડાંની જેમ પોતાના ફોનનો વીડિયો કેમેરા ઓન કરીને મંગલસિંઘ તરફ ધર્યો,
એટલે મંગલસિંઘે બોલવા માંડ્યું, ‘હું મંગલસિંઘ યાદવ, દિલબાગસિંઘનો દીકરો. થોડા દિવસ પહેલાં જુહુતારા રોડ પર
એક્સિડન્ટ કરીને મેં ત્રણ જણને ઉડાડ્યા. એમની જિંદગીની પરવાહ કર્યા વગર ભાગી છુટ્યો. મને અફસોસ છે, કે મેં
ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, પણ સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે, મેં ડૉ. શ્યામા સાથે બળાત્કાર
કર્યો, એ પછી કોર્ટ કેસમાં સાક્ષીઓ બદલ્યા, રિપોર્ટ્સ બદલ્યા. હું નિર્દોષ છુટ્યો, માણસની કોર્ટમાંથી, પણ ઈશ્વરની
કોર્ટમાં હજી મારો ન્યાય થવાનો બાકી છે, માટે હું પ્રાયશ્ચિત કરવા માગું છું. કેટલાક લોકો છે જે મને કન્ફેશન કરતા
રોકે છે કારણ કે, મારી સાથે સાથે એમના પણ ઘણા ગુના ખૂલી જવાના છે.’ મંગલસિંઘ બોલી રહ્યો હતો, પાવન,
ભાસ્કરભાઈ અને શ્યામા પલકારો માર્યા વગર સાંભળી રહ્યા હતા, ‘આ વીડિયો હું એટલા માટે રેકોર્ડ કરી રહ્યો છું કે,
મને જાનનું જોખમ છે. હું તમને સૌને મળીને મારી ભૂલ, મારું સત્ય સ્વીકારવા માગું છું. હું ક્યાં છું એ હમણા નહીં
કહું, પણ તમે બધા મને સાંજે પાંચ વાગ્યે ‘લાઈફ કેર’ હોસ્પિટલના રિસેપ્શન પર મળી શકશો.’ એણે બે હાથ જોડીને
ઉમેર્યું, ‘જરૂર આવજો, એક સ્ત્રીનાં આન્મસન્માન માટે અને એક ગુનેગાર સુધરવા તૈયાર થયો છે એ માટે તમારે
આવવું જોઈએ.’
વીડિયો બંધ કરવાનો ઈશારો કરીને મંગલસિંઘે શ્યામાને પૂછ્યું, ‘બસ? હવે તો ભરોસો પડ્યો કે નહીં, આ
વીડિયો તું એકે એક મીડિયા હાઉસમાં મોકલી દે. એ લોકો તરત જ એમની ચેનલ પર આ રન કરશે, એ પછી મારે ના
પાડવાનો કે છટકવાનો કોઈ સવાલ જ નથી આવતો.’ શ્યામા આટલું સાંભળતાં જ ભાંગી પડી. એ જમીન પર બેસી
ગઈ, ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ભાસ્કરભાઈ નજીક આવીને એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. પાવન પણ ડઘાઈ ગયો
હતો. હવે એની પાસે કહેવાનું કંઈ બચ્યું નહોતું. શ્યામા સહેજ શાંત પડી એટલે મંગલસિંઘે કહ્યું, ‘આ વીડિયો બને
એટલો જલદી મોકલી આપો.’ શ્યામાની આંખોમાંથી હજી આંસુ વહી રહ્યાં હતાં. મંગલસિંઘનો આ વીડિયો શ્યામા
માટે જાણે એના આત્મસન્માનની પહેલી સીડી હતી. શ્યામાએ ફોન હાથમાં લઈને એના બે-ચાર મીડિયાના મિત્રોને
વીડિયો મોકલવા માટે એમના નંબર સર્ચ કરવા માંડ્યા. અત્યાર સુધી ડઘાયેલો અને બઘવાયેલો ઊભેલો પાવન જાણે
એકદમ જાગ્યો હોય એમ એણે કહ્યું, ‘બંધ કર આ બધું.’

‘શું બધું?’ શ્યામાએ પૂછ્યું.
‘સીરિયસલી, તને મારી પડી જ નથી?’ પાવને પૂછ્યું, ‘આ વીડિયો જે ચેનલ પર રીલિઝ થશે ત્યાં બધે લોકો
મારા પર હસશે.’ પાવને અકળાઈને ઉમેર્યું, ‘મારી કારકિર્દી, મારા એન્ડોર્સમેન્ટ…’
‘તું તારું જ રડ્યા કરીશ કે, ડૉ. શ્યામાનો પણ વિચાર કરીશ.’ મંગલે પૂછ્યું, ‘તારા ચાર એન્ડોર્સમેન્ટ અને બે
ફ્લોપ પિક્ચરની સામે આ છોકરીની આખી જિંદગીનો સવાલ છે એ તને નથી સમજાતું?’ આટલું કહીને એણે શ્યામા
સામે જોયું, ‘કેવી રીતે પરણી તું આ માણસને? એને તારી તો ફિકર જ નથી…’
‘એ… તું તારું કામ કર.’ પાવન એકદમ નજીક આવી ગયો. એણે શ્યામાના હાથમાં પકડેલો ફોન લેવાનો પ્રયત્ન
કર્યો, પણ શ્યામાએ ફોન ટાઈટ પકડી રાખ્યો હતો. પાવને શ્યામાના બંને હાથ પકડી લીધા, ‘મારું માન. આને ખતમ
કર…’ એણે મંગલ સામે જોયું, ‘તને કોઈ સજા નહીં થાય. એ તારા ઘરમાં ઘૂસી આવ્યો અને સેલ્ફ ડિફેન્સમાં તે ગોળી
ચલાવી… ઓપન એન્ડ શટ કેસ.’ પાવને કહ્યું, ‘શું કામ ફરી ફરીને તારે એ જ બધું થવા દેવું છે?’ એણે શ્યામાને ડરાવી,
‘એ જ સવાલો… ડ્રેસ કેટલો ઊંચો હતો, કયો હાથ ક્યાં હતો, પેન્ટી કેટલી નીચે ઉતારી… તારે ફરી ફરીને જવાબ
આપવા છે?’
‘કશું નહીં થાય.’ મંગલે એકદમ ધીરજ અને સાંત્વના ભર્યા અવાજે કહ્યું, ‘તું વીડિયો વાયરલ કરી દે બાકીનું બધું
સાંજે પતી જશે.’ શ્યામાએ થોડું વિચારીને ‘સેન્ડ’નું બટન દબાવી દીધું. વીડિયો ગયો. એણે પોતાના ત્રણ-ચાર
મીડિયાના મિત્રોને એ વીડિયો મોકલ્યો.
પાવને ઉશ્કેરાઈને શ્યામાને કહ્યું, ‘સત્યાનાશ!’ એ હાથમાં પકડેલા નેપકીનથી મોઢું લુછતો બહારની તરફ જવા
લાગ્યો. જતાં જતાં એણે શ્યામાને કહ્યું, ‘તારી વાત સાચી છે. આપણી પાસે હવે ડિવોર્સ સિવાય બીજો કોઈ રસ્તો
બચ્યો જ નથી. હું વધારે બદનામી અને ટ્રોલિંગ સહન કરવા તૈયાર નથી. હવે જે થાય એને માટે તું જ જવાબદાર છે.’
એ નાનકડા આઉટ હાઉસ જેવા રૂમની બહાર નીકળી ગયો. શ્યામા એને જતો જોઈ રહી. છેલ્લા થોડા વખતથી
શ્યામા આમ પણ ભાસ્કરભાઈ સાથે રહેતી હતી. પાવનના આવી રીતે ચાલી જવાનું એને કંઈ ખાસ દુઃખ ન થયું. એણે
બાજુમાં ઊભેલા પિતાના ખભા પર માથું મૂકી દીધું. ભાસ્કરભાઈ ફરીથી એની પીઠ પસવારવા લાગ્યા.
‘ચાલો! આપણે હોસ્પિટલ જઈએ.’ શ્યામાએ કહ્યું.
‘ના! આપણે હોસ્પિટલ નથી જવું.’ મંગલે કહ્યું, ‘આ વીડિયો મળ્યા પછી એ લોકો બિલ્ડિંગનો એકએક ખૂણો
ફેંદી નાખશે, મને શોધવા માટે.’ એ ગંભીર હતો, ‘એ લોકો અહીં ન આવે એટલા માટે જ મેં હોસ્પિટલ પર મળવાની
વાત કરી છે.’
‘તો? મીડિયાને ક્યાં મળીશ તું?’ ભાસ્કરભાઈએ પૂછ્યું.
‘વિચારું છું, કંઈક.’ મંગલસિંઘે કહ્યું. એ સાંજે પાંચ વાગ્યે મીડિયાને ક્યાં મળી શકાય એ વિશે વિચારવા લાગ્યો.
શ્યામાએ નજીક જઈને એને કહ્યું, ‘હવે આરામ કર.’ મંગલસિંઘ ધીમે રહીને પલંગમાં આડો પડ્યો. શ્યામાએ
ઓક્સિજન સિલિન્ડર ચાલુ કરીને એના મોઢા પર માસ્ક પહેરાવી દીધું. મંગલસિંઘ કંઈ બોલવા ગયો, પણ શ્યામાએ
એને અટકાવીને કહ્યું, ‘સાંજે ઘણું શ્રમ પડશે, અત્યારે થોડીવાર શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે તો સાંજ માટે શક્તિ
બચશે.’ એણે પગ નીચે બે ઓશિકા મૂકીને મંગલસિંઘનો ફ્રેક્ચર વાળો પગ ઊંચો મૂક્યો, બીજો પગ સીધો કર્યો, એની
પલ્સ ચેક કરી. શ્યામાએ ધીમેથી કહ્યું, ‘થેન્ક યૂ.’
મંગલસિંઘે એનો હાથ પકડી લીધો. માસ્ક પહેરેલા ચહેરે એણે શ્યામાને કહ્યું, ‘આઈ લવ યુ.’ કશું બોલ્યા વગર
શ્યામાએ પોતાનો હાથ છોડાવી લીધો.

*

સુધાકર સરિનના હાથમાં ફોન હતો. એ પોતાના ફોનમાં વીડિયો જોઈ રહ્યા હતા. જાણીતી ન્યૂઝ ચેનલના
એડિટર તરીકે વીડિયો ટેલિકાસ્ટ થતાં પહેલાં એમની પાસે આવ્યો હતો. શ્યામાએ આ વીડિયો એની ફ્રેન્ડ પ્રીતિ
દાસગુપ્તાને મોકલ્યો હતો. પ્રીતિ એ વીડિયો સુધાકર સરિન પાસે લઈ આવી હતી. વીડિયો જોઈ રહેલા સુધાકરના
બધા રડાર ખૂલી ગયા હતા. જે રીતે આ વીડિયો પ્રીતિ પાસે આવ્યો એ રીતે ચોક્કસ બીજા બે-ચાર રિપોર્ટર્સ પાસે ગયો
જ હશે એ વાતની એમને ખાતરી હતી. એમની ન્યૂઝ ચેનલ શાસક પક્ષની ભાષા બોલતી, શાસક પક્ષના વખાણ કરતી
ચેનલ હતી. આ વીડિયો એમની ચેનલ પરથી ટેલિકાસ્ટ થાય તો સુધાકરની નોકરી ખતરામાં પડે, અને જો એ આ
વીડિયો ટેલિકાસ્ટ ન કરે તો બાકીની બધી ચેનલ ઉપર આ વીડિયો દેખાય ત્યારે એમની ચેનલ પાછળ રહી જાય…
ટીઆરપીના ચક્કર સિવાય પણ હરિફાઈમાં ટકી રહેવા માટે આ વીડિયો એમણે દેખાડવો તો પડે જ! સુધાકર થોડીવાર
વિચાર કરતો રહ્યો, પછી એણે એ વીડિયો અવિનાશકુમારના ફોન પર ફોરવર્ડ કર્યો, અને એ સૂચનાની પ્રતીક્ષા કરવા
લાગ્યો.
બીજી તરફ, એક તટસ્થ અને શાસક પક્ષની વિરુધ્ધ ઘણું બધું દેખાડતી-બેધડક ચેનલે વીડિયો તરત જ
ટેલિકાસ્ટ કરી દીધો. એમના ચેનલની સ્ક્રીન ઉપર ન્યૂઝ એન્કર કહી રહી હતી, ‘અમને હમણાં જ મળ્યા છે બ્રેકિંગ
ન્યૂઝ. મંગલસિંઘ યાદવ કન્ફેશન કરવા તૈયાર છે. એમણે જાતે મોકલેલો આ વીડિયો જોતાં જ તમને સમજાઈ જશે કે,
એમને કોઈ રોકી રહ્યું છે. કોણ રોકી રહ્યું છે? કોણ છે જેને મંગલસિંઘ યાદવના પકડાઈ જવાથી સૌથી વધુ નુકસાન
થશે? જવાબ તમે જાણો જ છો… વધુ વિગતો માટે અમારી સાથે રહો.’

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *