સાંજે સાડા ચાર વાગ્યાથી જ લાઈફ કેર હોસ્પિટલના પ્રાંગણમાં ટીવીની ઓબી વેન પાર્ક થઈ ચૂકી હતી. અખબારોના પત્રકારો, ટીવીના રિપોર્ટર્સ અને જિજ્ઞાસુઓની ભીડ જમા થવા લાગી હતી. મંગલસિંઘ યાદવનો જે વીડિયો સૌથી પહેલાં ‘વી ફોર યૂ’ ચેનલ પર દેખાયો એ હવે ભયાનક વાયરલ થઈ ચૂક્યો હતો. પાનના ગલ્લા, રેસ્ટોરાં, ઓફિસો, ઘર, કોલેજીસમાં જે રીતે આ વીડિયો થોડા જ કલાકોમાં ફરવા લાગ્યો એ આશ્ચર્યજનક હતું.
લાઈફ કેર હોસ્પિટલના આંગણામાં સંકેત નાર્વેકર અને એની ટીમ તૈનાત હતી. સંકેતને ખાતરી હતી કે, આ પ્રેસ કોન્ફરન્સ
સરળતાથી પાર નહીં જ પડે. સવારે રાહુલ તાવડેનો ફોન આવ્યો ત્યારે સંકેત વણીકરની સામે જ બેઠો હતો. હોમ મિનિસ્ટરે ચોખ્ખા શબ્દોમાં તો નહીં, પણ ગર્ભિત ધમકી સાથે વણીકરને સમજાવી દીધું હતું કે, જો મંગલસિંઘ યાદવ મોઢું ખોલશે તો વણીકરની નોકરી ખતરામાં પડશે. આ બે બાબતોને એકબીજા સાથે શું નિસ્બત હોઈ શકે એ વિચાર્યા વગર જ ગભરાયેલો વણીકર કામે લાગ્યો હતો. એણે દિલબાગને ડંડાથી મારીને, પાણી છાંટીને ટોર્ચર કરવાનો પ્રયત્ન કરી જોયો, જેમાં એ નિષ્ફળ પૂરવાર થયો હતો. દિલબાગસિંઘની માટી ટપલા ખાઈ ખાઈને પાકી થઈ ગઈ હતી એટલે હવે વણીકર જેવા રિટાયરમેન્ટને આરે પહોંચેલા ઓફિસરના બે-ચાર ડંડા એના પર કઈ અસર કરી શકે એમ નહોતા.
દિલબાગે વારંવાર એક જ વાત કહ્યા કરી, ‘મંગલ ક્યાં છે એની મને ખબર જ નથી, હું તો એને જ શોધવા નીકળ્યો હતો ને તમે
મને પકડી લીધો.’
વણીકર થાક્યો હતો. બીજી તરફ, હોસ્પિટલમાં જમા થઈ રહેલી ભીડના સમાચારને કારણે એણે ત્યાં બંદોબસ્ત અને બેકઅપની વ્યવસ્થા કરવી પડે એમ હતી. એણે સંકેતને કહ્યું, ‘જા, તું સંભાળી લે.’ સંકેતને પણ આ જ જોઈતું હતું. એ ભીડની વ્યવસ્થા જાળવવા માટે તો સજાગ હતો જ, પરંતુ મંગલસિંઘને કંઈ ન થાય એ જોવાની જવાબદારી પણ એણે મનોમન પોતાના ખભે ઊપાડી લીધી હતી. લગભગ આખું કમ્પાઉન્ડ ભરાઈ ગયું હતું. લોકો કમ્પાઉન્ડ વોલ પર ચડીને બેઠા હતા. ટ્રાફિક જામ થઈ રહ્યો હતો. સંકેત નાર્વેકરે એ બધું સંભાળતાં સંભાળતાં શ્યામાને ફોન લગાડ્યો, ‘હું હવે મીડિયાને સાચું કહી દઉ છું.’
‘પાંચ મિનિટ.’ શ્યામાએ જવાબ આપ્યો, ‘અમે રસ્તામાં છીએ.’
‘એ લોકોને પણ ત્યાં પહોંચતા વાર લાગશે જ.’ સંકેત નાર્વેકરે કહ્યું, ‘હું જેવી જાહેરાત કરીશ એવો અહીંયા મોટો કેવસ્થ થશે. એ સમેટતાં અને ત્યાં પહોંચતાં પંદર મિનિટ થઈ જ જશે.’ એમે કહ્યું, ‘તમે ક્યાં છો એ હું એકવાર કહી દઈશ એ પછીની પ્રત્યેક ક્ષણ કટોકટી હશે. અહીં મીડિયાનું ટોળું છે, એ ટોળાંમાં અલતાફના માણસો હશે જ… મંગલસિંઘ ઉપર પળેપળ ખતરો છે, ને હું અહીંથી નીકળી શકું એમ નથી.’
‘ડોન્ટ વરી. મેં બધું બરાબર જ ગોઠવ્યું છે.’ શ્યામાના અવાજમાં આત્મવિશ્વાસ હતો. આત્મવિશ્વાસનો રણકો સાંભળીને
સંકેતને સહેજ રાહત થઈ, ‘અલતાફ હવે આપણી સામે નહીં, સાથે છે. એના માણસો ઓલરેડી બેઝમેન્ટમાં પ્રતીક્ષા કરી રહ્યા છે.
બધું સેફ છે.’ શ્યામાએ કહ્યું, ‘છતાં તમે બને એટલા જલદી પહોંચજો.’ એણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. શ્યામા ગાડી ચલાવી રહી હતી, બાજુમાં બેઠેલો મંગલ ભીની આંખે પલકારો ય માર્યા વગર શ્યામાને જોઈ રહ્યો હતો. શ્યામાએ એની તરફ જોયું, પછી સ્વાભાવિક રીતે જ એની નજરો ઝૂકી ગઈ. એણે મંગલ સામે જોઈને કહ્યું, ‘આવી રીતે નહીં જો મારી સામે.’
‘કોણ જાણે હવે ક્યારે જોઈ શકીશ તને?’ મંગલે કહ્યું. એનો અવાજ ધ્રૂજ્યો, ‘કદાચ આ પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય અને મને અરેસ્ટ કરે એ પછીની થોડી મિનિટોમાં મને ખતમ કરી નાખે એવું પણ બને.’ એણે ગળું ખોંખારીને કહ્યું, ‘કદાચ એવું જ બનશે.’
‘એવું નહીં બને. ઈલેક્શન્સ નજીકમાં છે. રાહુલ તાવડેને એની કારકિર્દી અને ખાદીના ઝભ્ભા પર તારા લોહીનો ડાઘ પોષાય એમ નથી.’ શ્યામાએ સ્મિત કર્યું. એના તાંબાવર્ણ સહેજ ઘાટી ત્વચા ધરાવતા ચહેરા પર સફેદ દાંત ચમકી ઊઠ્યા.
‘મને નથી ખબર શું થશે?’ મંગલે કહ્યું. એણે એક હાથે પાંસળી દબાવીને મહામહેનતે શ્યામા તરફનો હાથ લંબાવ્યો, એનો હાથ પકડ્યો, ‘મને મારી મા ખાસ યાદ નથી, પણ તને જોઉ છું ત્યારે સમજાય છે કે, ઔરત જ એક મર્દને સાચા રસ્તા પર લાવી શકે. મને મારી માની વાત હવે સમજાય છે. એણે કોશિશ કરી હશે બાઉજીને બદલવાની, સુધારવાની, પણ બાઉજી તો…’ એની આંખો ભરાઈ આવી,
‘કોણ જાણે આ લોકોએ એમની સાથે શું કર્યું હશે!’
શ્યામા જે ગાડી ચલાવી રહી હતી એ કાળી-પીળી ટેક્સી હતી. શ્યામાને બરાબર ખબર હતી કે, એ પોતાની ગાડી લઈને ઘરેથી નીકળશે તો મંગલસિંઘને પ્રેસ કોન્ફરન્સના સ્થળે પહોંચાડવો અસંભવ બની જશે, એટલે એણે પોતાના ડ્રાઈવરને પોતાની ખાલી ગાડી લઈને રવાના કર્યો. એની પાછળ પાવન અને ભાસ્કરભાઈ એમની ગાડીમાં નીકળ્યા. એની પાછળ શ્યામા કાળી-પીળી ટેક્સી લઈને એના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગડાવીને પોતે ચલાવીને બહાર નીકળી. એને ખાતરી હતી કે, બીજી હજાર ગાડી પર નજર પડશે, પણ મુંબઈની અનેક ટેક્સીઓની વચ્ચે એની કાળી-પીળી ટેક્સી કોઈની નજરમાં નહીં આવે.
મીડિયાને હોસ્પિટલના પ્રાંગણમાં ભેગા થવાનું કહ્યા પછી શ્યામાએ પોલીસ કમિશનર ઓફિસને પોતાની પ્રેસ કોન્ફરન્સ માટે
પસંદ કરી હતી. નાનકડા કમ્પાઉન્ડમાં મીડિયાકર્મીઓ સિવાય કોઈ પ્રવેશી નહીં શકે, એ એક મહત્વની બાબત હતી અને બીજો મુદ્દો એ હતો કે, કમિશનર ઓફિસના પ્રાંગણમાં, આટલા બધા પોલીસોની વચ્ચે મંગલને નુકસાન પહોંચાડવાની કોઈની હિંમત થાય નહીં. એને ત્યાં જ અરેસ્ટ કરી લે એ પછી એણે મુંબઈના રસ્તા પર અસુરક્ષિત રીતે પ્રવાસ ન કરવો પડે. આ બધું શ્યામા અને સંકેત નાર્વેકરે મળીને ગોઠવ્યું હતું. મુંબઈના પોલીસ કમિશનરને વિશ્વાસમાં લઈને ત્યાં બધી જ તૈયારી કરવામાં આવી હતી, પરંતુ કોઈને જાણ ન થાય એવી રીતે!
કમિશનર ઓફિસમાં શ્યામા અને મંગલની રાહ જોવાઈ રહી હતી. ભાસ્કરભાઈ જાણી જોઈને પાવનને લઈને લાઈફ કેર
હોસ્પિટલ પહોંચ્યા, શ્યામાની ગાડી પણ ત્યાં જ લઈ જવામાં આવી. એટલે કદાચ કોઈ પીછો કરતું હોય તો એને સહેજ પણ શંકા ન રહે.
સંકેત નાર્વેકરે લાઈફ કેર હોસ્પિટલની બહાર ઊભેલી એક એમ્બ્યુલન્સની છત પર ચડીને હાથમાં લાઉડ સ્પીકર લઈને જાહેરાત કરી, ‘તમે સૌ મંગલસિંઘનું સ્ટેટમેન્ટ અથવા કન્ફેશન સાંભળવા માટે અહીં આવ્યા છો, પરંતુ મંગલસિંઘ અહીં નથી આવવાનો.’ આટલું સાંભળતાં જ લાઈફ કેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊભેલા લોકો, પાંચસો માણસોની હાજરી છતાં સન્નાટો છવાઈ ગયો. નાર્વેકરે આગળ કહ્યું, ‘મંગલસિંઘ તમને નહીં મળે એવું નથી કહ્યું મેં… એ મળશે, પ્રેસ કોન્ફરન્સ થશે અને સ્ટેટમેન્ટ પણ આપશે, પરંતુ અહીં નહીં.’ આટલું સાંભળતાં જ ઓબી વેનના વાઉટા સંકેલાવા માંડ્યા. ટ્રાઈપોડ ઉપર મૂકેલા કેમેરા ફટાફટ ખૂલવા માંડ્યા. નાર્વેકરે આગળ કહ્યું, ‘પોલીસ કમિશનર ઓફિસમાં માત્ર મીડિયાના લોકોની સામે સ્ટેટમેન્ટ આપશે મંગલસિંઘ. જે લોકો પાસે પોતાના આઈકાર્ડ છે એમને જ પ્રવેશ મળશે. ઝડપથી કમિશનર ઓફિસ પહોંચવાની સૌને વિનંતી છે.’ નાર્વેકર આટલી જાહેરાત પૂરી કરે એ પહેલાં તો કેટલીક ગાડીઓ સ્ટાર્ટ થઈ ચૂકી હતી. ત્યાં તમાશો જોવાની આશાએ આવેલા કેટલાય લોકો નિરાશ થઈ ગયા, વિખરાવવા લાગ્યા.
સંકેત નાર્વેકરે એમ્બ્યુલન્સની છત પરથી નીચે કૂદકો માર્યો. ગાડી સ્ટાર્ટ કરીને રાહ જોઈ રહેલા એના સ્ટાફની સાથે એ લાઈફ કેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સાઈરન વગાડતી પોલીસ વેન લઈને બહાર નીકળી ગયો.
*
રાહુલ તાવડે સાથે વાત થયા પછી અલતાફ હરકતમાં આવી ગયો. એ રાહુલ તાવડેને બરાબર ઓળખતો હતો. પોતે જે રીતે
એની મદદ કરવાની ના પાડી એનાથી હોમ મિનિસ્ટરનો ઈગો ઘવાયો હશે એ અલતાફ સમજી શકતો હતો. નોર્મલ અને સ્વસ્થ માણસ કરતાં ઘવાયેલા ઈગો સાથેનો માણસ કેટલો ખતરનાક હોઈ શકે એની પણ અલતાફને બરાબર ખબર હતી. એણે પોતાના માણસોને કહી દીધું હતું, ‘હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગોઠવાઈ જજો. લડકે કો કુછ નહીં હોના ચાહિએ.’
નાર્વેકરની જાહેરાત સાંભળીને અલતાફના માણસો ગૂંચવાઈ ગયા. એમાંથી કોઈની પાસે આઈડી કાર્ડ ન હોય એ સ્વાભાવિક હતું. હવે, કમિશનર ઓફિસમાં કેવી રીતે પ્રવેશવું, એનો જુગાડ કરવામાં એ લોકો ગૂંચવાયા, એટલે ત્યાં ઊભેલા રમીઝે થોડે દૂર જઈ અલતાફને ફોન કર્યો, ‘ભાઈ, ઈધર ગરબડ હૈ. યે લોગ કમિશનર ઓફિસ જા રહે હૈ. મંગલ વહાં મિલેગા.’ એણે સમસ્યા જણાવી, ‘ખાલી આઈડી વાલોં કો હી જાને દેંગે…’
અલતાફ હસ્યો, ‘આઈડી નહીં હૈ, તેરે પાસ… રિવોલ્વર તો હૈ કી નહીં?’
‘ઠીક હૈ ભાઈ.’ કહીને રમીઝે નજીકમાં ઊભેલા, કેમેરો પેક કરી રહેલા એક કેમેરામેનના પડખાંમાં રિવોલ્વર દબાવી, ‘કમિશનર
ઓફિસ જા રહા હૈ ના?’ પેલા માણસે ગભરાટમાં ડોકું ધૂણાવ્યું, ‘મુજે ભી લેકે જા.’ પેલાએ વિસ્ફારિત આંખે પરસેવે રેબઝેબ ચહેરા સાથે રમીઝ તરફ જોયું, રમીઝે સ્મિત કર્યું, ‘દોનોં ભાઈ સાથ સાથ મેં ચલેંગે ના!’ રિવોલ્વર સહેજ વધુ દબાવીને એ ગાવા લાગ્યો, ‘ઘૂમેંગે, ફિરેંગે, નાચેંગે, ગાયેંગે, ઐશ કરેંગે ઔર ક્યા?’ કેમેરામેન કશું બોલ્યા
વગર પોતાની બેગ લઈને બાજુમાં ઊભેલી ગાડીમાં બેઠો. આમંત્રણ કે સૂચનાની રાહ જોયા વગર રમીઝ બીજી તરફથી દરવાજો ખોલીને ગોઠવાઈ ગયો. આગળ બેઠેલા રિપોર્ટરે કેમેરામેનને પૂછ્યું, ‘કૌન હૈ?’ કેમેરામેને ખભા ઊલાળીને કોઈ જવાબ આપ્યા વગર નજરથી જ રમીઝના હાથમાં રહેલી રિવોલ્વર તરફ ઈશારો કર્યો. રિપોર્ટર ઊંધો ફરીને રમીઝને કંઈ કહેવા ગયો, પણ રમીઝે એના ખૂલેલા મોઢામાં પોતાની રિવોલ્વર ખોંસી દીધી, ‘ઉંઉંઉંઉં…’ રિપોર્ટરે બે હાથ ઊંચા કરી દીધા. ડ્રાઈવરે સૂચનાની રાહ જોયા વગર ગાડી ચાલુ કરી દીધી.
*
શ્યામાની ટેક્સી કમિશનર ઓફિસના મુખ્ય ગેટમાંથી દાખલ થઈ ત્યારે રોકાયા વગર સડસડાટ નીકળી શકી કારણ કે, ટેક્સીનો નંબર પહેલેથી ત્યાં ઊભેલા ગાર્ડને આપી દેવાયો હતો. શ્યામા ટેક્સી લઈને કમિશનર ઓફિસના પાછળના દરવાજે પહોંચી ગઈ. ત્યાં ઊભેલા બે જણાંએ મંગલસિંઘને સાચવીને નીચે ઉતાર્યો, અંદર લઈ ગયા. કમિશનર ઓફિસના નિયમ મુજબ શ્યામા ટેક્સી પાર્ક કરવા માટે બહાર ગઈ. પાર્ક કરીને શ્યામા જ્યારે ગેટમાં પ્રવેશતી હતી ત્યારે પહેલી ઓબી વેન અંદર દાખલ થઈ. પાંચ-સાત મિનિટની અંદર તો કમિશનર ઓફિસમાં પત્રકારો અને ટીવી રિપોર્ટર્સનું ધાડું જમા થઈ ગયું. મુખ્ય દરવાજે ઊભેલા ગાર્ડ સૌના આઈડી ચેક કરીને અંદર જવા દેતાં હતા. શ્યામા થોડી ક્ષણ ઊભી રહીને એ દ્રશ્ય જોતી રહી, પછી ચાલતી પાછળના દરવાજે પહોંચી જ્યાંથી અંદર દાખલ થઈને એ બિલ્ડિંગના મુખ્ય હોલ સુધી પહોંચી.
શ્યામા હોલમાં પહોંચી ત્યારે મંગલસિંઘ ત્યાં નહોતો. એને લાગ્યું કે, કદાચ પત્રકારોના આવી ગયા પછી મંગલને લઈને આવશે.
એ નિશ્ચિંત થઈને ત્યાં ગોઠવાયેલા ટેબલની પાછળ ખુરશી ઉપર બેઠી. એક પછી એક પત્રકારો દાખલ થવા માંડ્યા. શ્યામાને બેઠેલી જોઈને સૌ એક પછી એક ગોઠવાવા લાગ્યા. કેમેરા સેટઅપ થયા, લાઈટ્સ ઓન થવા લાગી.
નાર્વેકર, એના બે સબ ઓર્ડિનેટ સાથે દાખલ થયો. રમીઝ પણ કેમેરામેન અને રિપોર્ટર સાથે દાખલ થયો. એણે સામે બેઠેલી
શ્યામાને જોઈ. કોણ જાણે કેમ પણ રમીઝના મનમાં એક વિચિત્ર ખટકો થયો. મંગલસિંઘ કેમ શ્યામા સાથે નહોતો એવો વિચાર એને એક ક્ષણ માટે આવ્યો, પણ એણે ખંખેરી કાઢ્યો. પોલીસ કમિશનર એમની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆરઓ અને બે ઈન્સ્પેક્ટર પણ આવીને સ્ટેજ પર ગોઠવાયા. બધું ગોઠવાઈ ગયા પછી શ્યામા ઊભી થઈ. માઈક પાસે આવીને એણે કહ્યું, ‘તમારા સૌનો આભાર કે તમે આજે અહીં આવ્યા. મંગલસિંઘ યાદવ થોડી જ મિનિટોમાં અહીં આવશે અને પોતાનું કન્ફેશન તમારા સૌની સામે રજૂ કરશે. તમે સૌ જાણો છો અને સમજો છો કે, મંગલસિંઘ યાદવનું સ્ટેટમેન્ટ કેટલું સ્ફોટક હોઈ શકે. એના પિતા દિલબાગસિંઘનો ફ્લેશ ટ્રેડ અને એની સાથે જોડાયેલા અનેક લોકોના મહોરાં અહીંયા
ઉતરવાના છે. એમના સાચા ચહેરા ખૂબ વિકૃત અને વિહામણા હશે. હું આશા રાખું છું કે, તમે જરાક પણ ડર્યા વગર કે કોઈની શેહમાં આવ્યા વગર સત્યનો સાથ આપશો.’ તાળીઓનો ગડગડાટ થયો. શ્યામાએ પાછળ ફરીને કમિશનર સામે જોયું, ‘મંગલ?’ એણે પૂછ્યું.
કમિશનરે નવાઈથી આંખો પહોળી કરી, ‘ક્યાં છે?’
‘વ્હોટ આર યુ ટોકિંગ?’ શ્યામાને પરસેવો વળી ગયો. એની નજર સામે પોલીસનો યુનિફોર્મ પહેરેલા બે ગાર્ડ્સ મંગલસિંઘને ટેકો આપીને કમિશનર ઓફિસની અંદર લઈ ગયા હતા. હવે કમિશનર શ્યામાને પૂછતા હતા કે, મંગલસિંઘ ક્યાં છે! ‘તમારા માણસો એને ઓફિસની અંદર લાવ્યા છે.’ શ્યામાએ કહ્યું.
આ ચર્ચા ચાલતી હતી ત્યારે સામે બેઠેલા પત્રકારોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. રમીઝ ઊભો થઈ ગયો. એણે ખીસામાંથી ફોન કાઢ્યો, અલતાફને ફોન કરવો કે નહીં એની અસમંજસમાં એક પરિસ્થિતિનો તાગ લઈ રહ્યો હતો. સામે સ્ટેજ ઉપર શ્યામા અને કમિશનર વચ્ચે ધીમા અવાજે પણ ઉગ્ર ચર્ચા શરૂ થઈ ચૂકી હતી.’મારા માણસો?’
કમિશનર એવી રીતે વર્તી રહ્યા હતા જાણે એમને આ પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા જ ના હોય.
‘તમારા બે ગાર્ડ્સ… જેને તમે દરવાજે ઊભા રાખ્યા હતા.’ શ્યામાનો અવાજ સહેજ ઊંચો થયો અને એણે ફરી પાછો સંયમ
મેળવી લીધો.
‘મેં કોઈને ઊભા જ નહોતા રાખ્યા.’ કમિશનરે સાવ સહજતાથી કહ્યું, ‘મને તો એમ કે તમે પાછળના દરવાજે આવીને મને ફોન
કરશો.’ કમિશનરે શ્યામાની આંખોમાં જોયું, ‘તમારો ફોન ના આવ્યો એટલે હું પણ જરા ચિંતામાં હતો, પણ ત્યાં જ મને માણસે આવીને કહ્યું કે, તમે હોલમાં બેસી ગયા છો, એટલે મને લાગ્યું કે મંગલ તમારી સાથે હશે…’ કમિશનર બોલતા રહ્યા, ‘અહીંયા આવીને મંગલને ન જોયો ત્યારે જ મને લાગ્યું કે…’ શ્યામાના પગ નીચેથી જમીન સરકી રહી હતી, ‘પછી આ બધા આવી ગયા હતા એટલે મને લાગ્યું તમે એને ક્યાંક બેસાડ્યો હશે અને બધાના આવી ગયા પછી લઈ આવશો.’
શ્યામા ભાન ભૂલી ગઈ, એણે કમિશનરની વર્દીનો કોલર બે હાથે પકડી લીધો. સામે કેમેરા ચાલુ થઈ ગયા. લાઈટો ધડાધડ ફ્લેશ થવા માંડી, ‘શું કર્યું તમે મંગલ સાથે? વ્હેર ઈઝ મંગલ’ શ્યામાએ પૂછ્યું.
(ક્રમશઃ)