પ્રકરણ – 28 | આઈનામાં જનમટીપ

‘પ્રેમ?’ પ્રેસ કોન્ફરન્સમાં થોડી સેકન્ડો સુધી સન્નાટો રહ્યો, પછી એક યુવા રિપોર્ટરે ઊભા થઈને પૂછ્યું, ‘પ્રેમની જાળમાં
ફસાવીને શ્યામા પાસે કેસ પાછો ખેંચાવડાવાની કોઈ ચાલ છે આ?’ મંગલસિંઘે જવાબમાં માત્ર સ્મિત કર્યું, એ છોકરીએ શ્યામાને સીધો સવાલ કર્યો, ‘તમને પણ આ રેપિસ્ટ માટે પ્રેમ છે?’
‘આ સવાલ અહીં અગત્યનો નથી.’ શ્યામાએ વાત અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંગલસિંઘના આ સ્ટેટમેન્ટથી
પ્રેસમાં ચહલપહલ થઈ ગઈ હતી. હવે બધાને આ જ સ્ટોરીમાં રસ પડી ગયો હતો. શ્યામા અને મંગલસિંઘ ઉપર એમના સંબંધો અને એકબીજા પરત્વેની લાગણી વિશેના સવાલોનો મારો શરૂ થઈ ગયો. અંતે, શ્યામાએ દ્રઢતાથી સૌની સામે એક નજર નાખી.
એની આંખોમાં રહેલા તેજથી જાણે સામે ઊભેલા બધા સ્કૂપ શોધતા મીડિયાના માણસો સહેજ ઝંખવાઈ ગયા. શ્યામાએ ધીમા પણ, મજબૂત અવાજે કહ્યું, ‘અત્યારે હું એક પરણેલી સ્ત્રી છું. પાવન માહેશ્વરીની પત્ની. મારા પર બળાત્કાર થયો હતો. મેં અવાજ ઉઠાવ્યો, ફરિયાદ કરી, ત્યારે મને ન્યાય નહોતો મળ્યો… હવે જ્યારે મને ન્યાય મળી રહ્યો છે ત્યારે સૌથી પહેલાં મને
મારું આત્મસન્માન પાછું જોઈએ છે. પ્રેમ છે કે નથી, થશે કે નહીં થાય, મંગલસિંઘ સાચું બોલે છે કે ખોટું એનો જવાબ તો
સમય જ આપશે…’
ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. શ્યામાની વાતમાં એટલું વજુદ હતું કે મંગલસિંઘના સ્ટેટમેન્ટમાંથી ગરમાગરમ
સમાચાર શોધી રહેલા પત્રકારોને એક સ્ત્રીની ગરિમા, એનું ગૌરવ જાળવ્યા વગર છુટકો નહોતો.
બહાર કમિશનરનો ફોન ચાલતો હતો. ફોન ઉપર એને ડીઆઈજીએ ધમકાવી નાખ્યા. ડીઆઈજી પ્રામાણિક અને
પ્રમાણમાં સાચો માણસ હતો. પોલીસ કમિશનર ઓફિસમાં જે કાંડ થયું એ જાણીને એ અકળાઈ ગયા હતા.
પોતાનો ફોન પૂરો કરીને પોલીસ કમિશનર જ્યારે સવાલ-જવાબના ઘેરામાં દાખલ થયા ત્યારે એમને કલ્પના પણ
નહોતી કે એ ફસાવા માટે અંદર પ્રવેશ્યા છે. પહેલાં તો બહાર ફોન ઉપર એને ખૂબ ધમકાવવામાં આવ્યા હતા. ડીઆઈજીએ
પોલીસ કમિશનર ઓફિસની સુરક્ષા અને કમિશનરની બેદરકારી વિશે ઓલરેડી એમને લાંબુ લેક્ચર આપ્યું હતું. હવે એ રૂમમાં પ્રવેશ્યા કે તરત સામે ઊભેલા મીડિયા કર્મીઓમાંથી એક જણાંએ સવાલ પૂછ્યો, ‘પોલીસ કમિશનરની ઓફિસમાંથી કોઈનું અપહરણ થાય તો શહેરની સુરક્ષા વિશે શું સમજવું?’
‘મારે આ વિશે કંઈ કહેવાનું નથી.’ પોલીસ કમિશનરે જવાબ આપ્યો.
‘જવાબ તો આપવો પડે સર. કન્ફેશન કરવા આવતો એક માણસ આવી રીતે બારોબાર કિડનેપ થઈ જાય એમાં
પોલીસનો હાથ છે એવું માની લઈએ?’ મીડિયાના માણસો છોડે એમ નહોતા.
‘વેલ! દિલબાગસિંઘના ઘણા દુશ્મનો છે. મંગલસિંઘને ઉપાડી જાય તો દિલબાગ ઉપર ધોંસ જમાવી શકાય…’ એમણે
ગોળ ગોળ વાત કરવા માંડી. પોલીસ કમિશનર ઓફિસમાં પોલીસના યુનિફોર્મમાં કોઈ આવે, તો કેવી રીતે ખબર પડે?’
કમિશનરથી લોચો મરાઈ ગયો.
‘એટલે કોઈપણ યુનિફોર્મ પહેરીને આવે તો કમિશનર ઓફિસમાં દાખલ થઈ શકે?’ એક પછી એક સવાલોથી પોલીસ
કમિશનર અકળાઈ ગયા.
એમણે જોરથી કહ્યું, ‘મારું ઈન્ટરોગેશન ચાલે છે કે ગુનેગારનું? જે પૂછવું હોય એ મંગલસિંઘને પૂછો.’ એ ગુસ્સામાં
રૂમની બહાર નીકળી ગયા.

‘શીટ! હરામખોર સાલો…’ મંગલસિંઘનું લાઈવ કન્ફેશન જોઈ રહેલા પાવનનો ઉશ્કેરાટ હદ વટાવી ગયો, ‘હજી સુધી
તો મારી વાઈફ છે. હિંમત તો જુઓ એની…’ એ પોતાના ઘરમાં હતો. બંને હાથમાં સ્ટ્રેસ બોલ પકડીને જોર જોરથી દબાવી
રહ્યો હતો. પીળા રંગના રબરના સ્ટ્રેસ બોલ, ગુસ્સો અને ઉશ્કેરાટ, પીડા અને તકલીફ વખતે જાત ઉપર સંયમ રાખવાના કામમાં આવે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે, એ બોલ દબાવવાથી ગુસ્સો ઉતરી જાય. સ્ટ્રેસ બોલ દબાવતા પાવને બૂમ પાડી, ‘નહીં છોડું એને.’

‘કોને?’ એની બાજુમાં બેઠેલી એની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ નિકીતાએ હસીને પૂછ્યું, ‘મંગલને કે તારી વાઈફને?’
‘તું ચૂપ રહે.’ પાવને કહ્યું. એણે શ્યામાનો નંબર ટ્રાય કર્યો, પણ પ્રેસ કોન્ફરન્સમાં હોવાને કારણે એનો ફોન ડીએનડી પર
હતો, પાવન પહોંચી શક્યો નહીં. ઉશ્કેરાટ અને ગુસ્સામાં પાવને ખૂબ ગાળો બકવા માંડી.
નિકીતા ત્યાંથી કંટાળીને ઊભી થઈ ગઈ. એણે જતાં જતાં પાવનને કહ્યું, ‘બોલ! હજી ગાળો બોલ… એ સિવાય કશું
કરવાની તારામાં આમેય તાકાત નથી.’ એ રૂમની બહાર ચાલી ગઈ. હવે પાવન એને પણ ગાળો દેવા લાગ્યો.

કરજત જવા માટે પોલીસ વાનમાં બેસતા પહેલાં મંગલસિંઘ શ્યામાની નજીક આવ્યો. એણે શ્યામાનો હાથ પકડ્યો.
શ્યામાએ હળવેથી હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પણ મંગલસિંઘની મજબૂત પકડમાંથી એ હાથ છોડાવી શકી નહીં. મંગલે
અત્યંત સ્નેહથી ભરાયેલા ગળે શ્યામાને કહ્યું, ‘મને નથી ખબર કે, મારું શું થશે. આ લોકો મને જીવતો રહેવા દેશે કે નહીં, પણ
આજે જે મેં કહ્યું છે એ તારા સ્વમાન માટે પૂરતું છે. મેં તારી સાથે જે કંઈ કર્યું એ ગુનો જાહેરમાં સ્વીકાર્યો છે, કાયદો મને જે સજા
કરે એ તો હું સ્વીકારીશ જ, પણ તું મને માફ કરી શકીશ?’ શ્યામાની આંખો છેલ્લા કેટલાય કલાકોથી વહી રહી હતી. આંખની નીચેના આઈ પોકેટ્સ સુજી ગયાં હતાં. આંખો લાલચોળ થઈ ગઈ હતી. શ્યામાએ હળવેકથી પોતાનો હાથ છોડાવ્યો. એ થોડીવાર મંગલ સામે જોઈ રહી.
‘મને સાચે જ વિશ્વાસ નથી આવતો મંગલ.’ શ્યામાના અવાજમાં પ્રામાણિકતા હતી, ‘તે જે કંઈ કર્યું એ માટે તારો
આભાર માની શકું, પરંતુ હજી માફ કરી શકું એવી સ્થિતિમાં નથી હું. જેટલીવાર એ રાત યાદ કરું છું એટલીવાર મને મારું શરીર મેલું લાગે છે. એક અજબ જેવી ધૃણા થઈ જાય છે.’ શ્યામાનો અવાજ ધ્રૂજી ગયો, ‘કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આવું અમાનુષી કેવી રીતે વર્તી શકે!’ શ્યામાએ કહ્યું.
‘એક જાનવર સાથે દેવી જેવું વર્તી છે તું…’ મંગલે કહ્યું, ‘કદાચ, એટલે જ હું જાનવરમાંથી માણસ બની ગયો.’ મંગલનો
અવાજ સ્થિર હતો, ‘બહુ વાર સાંભળ્યું, માફ કરનાર મોટો હોય છે-પણ તેં તો…’ એનું ગળું ભરાઈ આવ્યું. એણે બહુ ધીમેથી,
કદાચ પોતે જ સાંભળી શકે એટલા ધીમેથી કહ્યું, ‘તેં બીજો જન્મ આપ્યો મને. હવે આ જન્મ હું તારી સાથે…’ બાકીના શબ્દો
એ ગળી ગયો.
‘પ્લીઝ.’ શ્યામાના અવાજમાં ભારોભાર દુઃખ હતું, ‘બચાવ્યો કારણ કે, મારી ફરજ હતી, એ વખતે મારું મગજ મારા
મન ઉપર હાવિ થઈ ગયું, પણ હવે, મન રહી રહીને મને પૂછે છે કે, શું કામ બચાવ્યો તને. હોસ્પિટલમાં, રાહુલના માણસોથી…’
શ્યામા અપલક મંગલ સામે જોઈ રહી. એની આંખોમાં સાચે જ એક અસમંજસ હતી, ‘હું શું કામ સાંભળું છું વારંવાર, તારો આ પ્રેમનો બકવાસ?’ શ્યામાની મોટી ભાવવાહી આંખોમાં મંગલ જાણે ડૂબવા લાગ્યો. થોડીક ક્ષણો એની આંખોમાં જોઈ રહેલા મંગલે અચાનક પોતાની જાતને સંભાળી લીધી. આંખો પટપટાવીને એણે ફરી એકવાર શ્યામાનો હાથ પકડી લીધો.
‘બકવાસ નથી શ્યામા. હું સાચે જ તને પ્રેમ કરવા લાગ્યો છું. હું જાણું છું કે આ પ્રેમ ક્યાંય પહોંચવાનો નથી. તું મને
ક્યારેય પ્રેમ નહીં કરે, નહીં કરી શકે એવી ખબર છે મને… પણ, મારી માના સોગંધ ખાઈને કહું છું, હું તારા જેવી સ્ત્રીને
જીવનમાં ક્યારેય મળ્યો નથી. તારું તેજ, તારી સચ્ચાઈ, તારી હિંમત અને તારો આત્મવિશ્વાસ…’ મંગલે ઊંડો શ્વાસ લીધો,
‘મારી બધી હેકડી નીકળી ગઈ. હું જે દુનિયામાં વસું છું એ દુનિયામાં મેં તાબે થતી સ્ત્રીઓને જોઈ છે અથવા પોતાના ફાયદા
માટે કોઈનો ફાયદો ઉઠાવતી સ્ત્રીઓ મળી છે મને, પણ તું અલગ છે. જેને ન્યાયથી ઓછું કંઈ ખપતું નથી અને સ્વમાન સિવાય જેને કશાંયની ઝંખના નથી એવી તું પહેલી છે. હું અંજાઈ ગયો છું તારાથી.’
‘બોલી લીધું?’ શ્યામાએ પૂછ્યું.
‘હા.’ મંગલના સોહામણા નિર્દોષ દેખાતા ચહેરા પર મોહક સ્મિત આવી ગયું, ‘બોલી લીધું. આનાથી વધારે બોલતાં
નથી આવડતું મને.’ એણે કહ્યું. આ બધી વાતચીત દરમિયાન મંગલે ફરી પકડી લીધેલો હાથ છોડાવવા માટે શ્યામા ગડમથલ
કરતી રહી, પણ મંગલે એના બંને હથેળીની વચ્ચે શ્યામાનો હાથ પકડી રાખ્યો હતો. એ હાથમાંથી અજબ જેવી એક ઉષ્મા, કોઈ વશીકરણ કરતી લાગણીનો પ્રવાહ જાણે શ્યામાના હાથમાં થઈને એની રગરગમાં પ્રવેશી રહ્યો હતો. શ્યામાની આંખો તરલ થઈ ગઈ. થોડીક ક્ષણો માટે જાણે એ મંગલસિંઘના સ્પર્શમાં, એના શબ્દોના પ્રવાહમાં વહેવા લાગી… એક તરફ શ્યામાને
મંગલસિંઘની વાત માનવાનું મન થતું હતું, તો બીજી તરફ બળાત્કારની એ રાત્રિ, કોર્ટના પ્રસંગો શ્યામાને ફરી ફરીને એ અપમાન,

એણે પાછળ ફરીને શ્યામા તરફ જોયું. એની આંખો ભીની હતી, એ આંખોમાં કશુંક એવું હતું જે શ્યામા સહી શકી નહીં. એ
ઊંધી ફરી ગઈ. મંગલસિંઘે એક સ્મિત કર્યું, એ પોલીસ વાનમાં બેસી ગયો.
એ અવહેલના યાદ કરાવતા હતા. એણે ઝાટકો મારીને પોતાનો હાથ છોડાવ્યો.
‘પ્લીઝ મંગલસિંઘ યાદવ.’ શ્યામાની આંખોમાં ફરીથી એ નફરત, એ પીડા છલકાયાં, ‘આ બધી વાતોનો કોઈ અર્થ નથી.’
એણે દ્રઢ અવાજે કહ્યું, ‘તારે જવું જોઈએ.’ મંગલસિંઘ કશુંય બોલ્યા વગર પોલીસ વાન તરફ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં
એણે પાછળ ફરીને શ્યામા તરફ જોયું. એની આંખો ભીની હતી, એ આંખોમાં કશુંક એવું હતું જે શ્યામા સહી શકી નહીં. એ
ઊંધી ફરી ગઈ. મંગલસિંઘે એક સ્મિત કર્યું, એ પોલીસ વાનમાં બેસી ગયો.

જઈ રહેલી પોલીસ વાનના દરવાજાની જાળીમાંથી ઊંધી ફરી ગયેલી શ્યામાની પીઠ દેખાતી રહી ત્યાં સુધી મંગલસિંઘ
એને જોતો રહ્યો, પછી એણે આંખો લૂછી નાખી.

મંગલસિંઘનો એક્સિડેન્ટ જુહુ પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો. એટલે જુહુ પોલીસ સ્ટેશન અથવા બળાત્કારના
કિસ્સામાં કરજત પોલીસ સ્ટેશનમાં એને બંધ કરવો પડે. એની ચાર્જશીટ પણ એ જ પોલીસ સ્ટેશનમાંથી બને. પોલીસ
કમિશનર કોઈપણ હિસાબે દિલબાગ અને મંગલને ભેગા રાખવા તૈયાર નહોતા. અત્યારે તો મંગલને પોલીસ સ્ટેશનમાં નહીં,
પણ હોસ્પિટલમાં રાખવો પડે એમ હતો. એકવાર સાજો થાય પછી જ કાર્યવાહી થઈ શકે, એટલે એને સરકારી હોસ્પિટલ તરફ લઈ જવા માટે વાન નીકળી ગઈ, ત્યાં જ પોલીસ કમિશનર ઉપર રાહુલ તાવડેના પીએ અવિનાશકુમારનો ફોન આવ્યો, ‘તૂટેલા પગે, ભાંગેલી પાંસળીએ એ હરામખોરે મારા ચાર માણસોને પાડી દીધા. પહેલીવાર એનો બાપ અને આ મૂરખી ડૉક્ટર એને બચાવીને લઈ ગયા ને બીજી વખત જે ઝનૂનથી લડ્યો છે આ મંગલસિંઘ…’ અવિનાશકુમારનું મગજ ગયું હતું, ‘મને તો સમજાતું નથી કે જે રાયતું ફેલાયું છે એ કેવી રીતે સમેટીએ?’

‘હું શું કરી શકું, સર?’ કમિશનર થોથવાયા, ‘એણે કન્ફેશન કરી લીધું મીડિયાની સામે…’
‘એ જ તો!’ અવિનાશે કહ્યું, ‘મારા હાથમાંથી તો કિસ્સો નીકળી ગયો.’ હવે તો જે કરી શકો એ તમે જ કરી શકો.
પોલીસ કસ્ટડીમાં આવે એ પહેલાં હોસ્પિટલમાં જ પૂરું કરવું પડે. આપઘાત કરી શકે. એન્કાઉન્ટર થઈ શકે…’ અવિનાશકુમારે
કહ્યું.
‘નો સર.’ કમિશનરે હતી એટલી બધી હિંમત ભેગી કરીને કહી નાખ્યું, ‘હવે અઘરું છે. આખા મીડિયાની નજર એના પર છે.’
‘તો વધારે સારું.’ અવિનાશકુમારે કહ્યું, ‘તમારી અક્કલ ચાલી હોત તો એ વખતે મીડિયાની સામે જ પતાવી દીધો હોત…’
‘સર, હું પોલીસમાં નોકરી કરું છું. ગુંડો નથી.’ કમિશનરથી રહેવાયું નહીં, ‘તમારા માણસો ત્યાં જ હતા. તમે કેમ ન કર્યું?’
અવિનાશકુમારના અવાજમાં કટાક્ષ હતો, ‘ઓહ! હવે તમે મને સવાલ કરો છો?’ એણે ફોન ડિસકનેક્ટ કર્યો. સામે
બેઠેલા રાહુલ તાવડેએ નજરથી જ પૂછ્યું, ‘શું કહે છે?’ અવિનાશકુમારે ડોકું ધૂણાવીને કહ્યું, ‘આ કંઈ નહીં કરે. પાણીમાં બેસી
ગયો છે.’
‘ટ્રાન્સફર કરી નાખો સાલાની.’ રાહુલ તાવડે ઉશ્કેરાઈ ગયો, ‘નાખી દો નાનકડા ગામડામાં.’

‘એ ભૂલ તો કરતા જ નહીં સર.’ અવિનાશકુમારે કહ્યું, ‘અત્યારે ટ્રાન્સફર કરીએ એટલે મીડિયા ચડી બેસશે. જેમ ચાલે
છે એમ ચાલવા દો… આ છોકરાનો તો કોઈને કોઈ રસ્તો મળી રહેશે.’ કહીને એણે ઉમેર્યું, ‘આમ પણ, એ આપણને બહુ નુકસાન કરી શકે એમ નથી.’ રાહુલ તાવડે એની સામે જોઈ રહ્યો, ‘પ્રોબ્લેમ દિલબાગનો છે. છોકરાને બચાવવા માટે એ આપણને બ્લેક મેઈલ કરશે. એની પાસે તમારા અને સાહેબના ઘણા રહસ્યો છે.’ અવિનાશકુમારે અર્થસૂચક દ્રષ્ટિએ હોમ મિનિસ્ટર સામે જોયું, ‘શતરંજની બાજીમાં વજીર મરે પછી રાજા કોઈ કામનો નથી રહેતો…’
‘હમમ. તો?’ રાહુલે ભવાં ઉલાળ્યાં.

‘તો શું?’ અવિનાશકુમારે કહ્યું, ‘એકવાર જેલમાંથી ભાગ્યો છે, બીજીવાર પણ ભાગી શકે.’ એ હસી પડ્યો, ‘ભાગે તો
એક્સિડેન્ટ પણ થઈ શકે. પોલીસે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવવી પણ પડે.’ રાહુલ તાવડે વિચારમાં પડી ગયો. અવિનાશની
વાત ખોટી નહોતી. દિલબાગને પતાવી દે તો રાહુલની સામેનો મોટામાં મોટો ખતરો એની મેળે જ ખતમ થઈ જાય. રાહુલ ઘણા સમયથી દિલબાગનો ઉપાય કરવાની ગણતરીમાં હતો જ, પરંતુ જ્યાં સુધી દિલબાગનું રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી એને મારી નાખવાથી જ રાહુલના હાથપગ પાંગળા થઈ જાય એવી એને ખબર હતી, સાથે જ અત્યાર સુધી દિલબાગે ચૂં કે ચાં કરી નહોતી. વફાદારી નિભાવી હતી એટલે એવો વારો આવ્યો નહોતો, પણ હવે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં ક્રૂર નિર્ણય લીધા વિના છુટકો નથી એવું રાહુલને લાગવા માંડ્યું હતું. એણે વિચાર્યું હતું કે, દિલબાગનો ઉપાય કરતા પહેલાં મંગલને તૈયાર કરી લેવો, પરંતુ મંગલ તો હવે સાવ જ નકામો થઈ ગયો. રાહુલને હવે સમજાતું નહોતું, દિલબાગને હટાવી દેવો કે મંગલને! એ ગૂંચવણમાં પડી ગયો…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *