દિલબાગ લોક-અપમાં બેચેન હતો. છેલ્લા 20 વર્ષમાં દિલબાગ ક્યારેય આટલા લાંબા સમય માટે ધંધા
પર ગેરહાજર નહોતો રહ્યો. તડીપાર હોવાને કારણે મુંબઈની બહાર રહેતો પણ ધંધાની ઝીણામાં ઝીણી
હિલચાલ પર એની નજર રહેતી. પહેલાં મંગલસિંઘના એક્સિડેન્ટ અને પછી એના કિડનેપિંગના પ્રસંગને
કારણે દિલબાગનું ફોકસ હલી ગયું હતું. એના એજન્ટ્સ પણ સ્વતંત્ર થઈ ગયા હતા. ‘નજર હટી દુર્ઘટના
ઘટી’ની કહેવત મુજબ અત્યાર સુધી દિલબાગના નામથી ધ્રૂજી ઊઠતાં એના માણસોએ ધીમે ધીમે પોતાનો
રસ્તો શોધવા માંડ્યો હતો. દિલબાગના શોખીન ગ્રાહકો તરસ્યા હતા તો કેટલાક સ્ત્રી-વ્યસનીઓએ પોતાનો
પ્લાન-બી ઊભો કરી લીધો હતો. દિલબાગ પહેલાં શફકનાં શૂટઆઉટને લીધે પોલીસ લોક-અપમાં હતો, પછી
દીકરાને બચાવવા માટે લોક-અપ તોડીને ભાગ્યો ને ફરી પાછો લોક-અપમાં સપડાયો… આ બધાને કારણે
એના ‘ધંધા’ પર માઠી અસર થઈ હતી.
એક બાજુથી દિલબાગને લાગતું હતું કે, લોક-અપ એને માટે સૌથી સુરક્ષિત જગ્યા હતી, બીજી તરફ
રાહુલ તાવડે માટે એના સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો પોલીસ લોક-અપ જ હતું એ વાત પણ દિલબાગ
સમજતો હતો. એણે મનોમન કેટલીયે ગણતરીઓ કરી નાખી. મરવાની બીક નહોતી એને, પરંતુ મંગલસિંઘને
કોઈ આંગળી પણ અડાડે એ વાતે દિલબાગ ડરી જતો હતો.
એણે પોતાના વકીલ સાથે મુલાકાત માગી હતી. આમ પણ, ચોવીસ કલાકથી વધારે એને લોક-અપમાં
રાખી ના શકાય. મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીને રિમાન્ડ અથવા જ્યુડિશિયલ કસ્ટડીનો નિર્ણય લેવો જ પડે એટલે
દિલબાગે વકીલ સાથે ચર્ચા કરવાના બહાને એના સૌથી વિશ્વાસુ માણસોમાંના એક ચંદ્રકાંત પાઠારેને
બોલાવ્યો હતો. દિલબાગના ગુનાખોરીના દિવસોથી શરૂ કરીને આજ સુધી ચંદ્રકાંત જ એનો વકીલ હતો.
દિલબાગને ચંદુ પર અને ચંદુને દિલબાગ પર આંધળો વિશ્વાસ હતો. ચંદુના સંતાનોની મોંઘી સ્કૂલ, એનો ચાર
બેડરૂમનો ફ્લેટ અને દર વર્ષે પરિવાર સાથેનો એક વિદેશ પ્રવાસ બરાબર ગોઠવાઈ જાય એનો ખ્યાલ દિલબાગ
પૂરી નિષ્ઠાથી રાખતો. સામે ચંદુ સામ-દામ-દંડ-ભેટ વાપરીને દિલબાગને કાયદાની ચુંગલથી દૂર રાખતો. મંગલે
જ્યારે અકસ્માત કર્યો ત્યારે ચંદુ પોતાના પરિવાર સાથે વિદેશ પ્રવાસે ગયો હતો, એ પાછો ફર્યો કે તરત એને
આ બધા સમાચાર મળી ગયા. પોતાની જવાબદારી વધવાની છે એ ખ્યાલ સાથે જ ચંદુ લોક-અપમાં
દિલબાગને મળવા પહોંચી ગયો.
વિક્રમજીતે શફક પર ગોળી ચલાવી હતી. એ તો ઓપન એન્ડ શટ કેસ હતો. વિક્રમજીતના રિમાન્ડ
પૂરા થઈ ગયા હતા. એટલે વિક્રમજીતને જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાન્સફર કરી દેવાયો. હવે કેસ ચાલે ત્યાં સુધી
વિક્રમજીત આર્થર રોડ જેલમાં બંધ રહેવાનો હતો. મંગલસિંઘ જેલમાં ગયો એના આગલા દિવસે જ
વિક્રમજીત આર્થર રોડ જેલ પહોંચ્યો. બધા જાણતા હતા કે વિક્રમજીત સૌથી વધુ વિશ્વાસુ અને દિલબાગની
સૌથી નજીકનો માણસ હતો. એટલે જેલમાં સૂચના આપી દેવાઈ હતી કે, મંગલ અને વિક્રમજીત ન મળે એનું
ખાસ ધ્યાન રાખવું.
આર્થર રોડ જેલમાં આવી કોઈ સૂચના કે નિયમોનું પાલન થતું નથી, બલ્કે જે વાતની ના પાડવામાં
આવી હોય એની કિંમત વધુ મળશે એવું જાણતા કેટલાક મુઠ્ઠીભર લોકો આવા કેટલાક કામો માટે ખાસ
ગોઠવણ કરવા તૈયાર રહેતા.
*
શૌકત હસતાં હસતાં ઊભો થયો અને એણે દિલબાગની સોપારી સૂરીએ લીધી હોઈ શકે એ વાતની
ખબર મંગલને આપી દીધી જોકે, સૂરીએ સોપારી લીધી છે એ વાતની પોતાને ખાતરી નથી, એ પણ શૌકતે
કહી દીધું હતું. મંગલનું મગજ વિચારે ચડ્યું. શૌકતે કહ્યું કે, પહેલાં પોલીસવાળાને એન્કાઉન્ટર કરવાનું કહ્યું
એટલે એ પોલીસવાળો જુહુ પોલીસ સ્ટેશનનો કોઈ માણસ હોવો જોઈએ. જુહુ પોલીસ સ્ટેશનનો માણસ
એટલે વણીકર કે નાર્વેકર… વણીકરમાં તાકાત નથી! મંગલ મનોમન દાખલા ગણી રહ્યો હતો, ‘એ લોકોને
ભરોસો નથી એટલે નાર્વેકર હોવો જોઈએ. એણે કદાચ હોમ મિનિસ્ટરના પ્રેશરમાં આવીને કામ કરવાની હા
પાડી હોય તો પણ ખોટી રીતે એ દિલબાગને નુકસાન નહીં કરે એ વાતની મંગલસિંઘના હૃદયે એને ખાતરી
આપી.’
દિલબાગને મારી નાખવાનો નિર્ણય રાહુલ તાવડેનો જ હોવો જોઈએ, અને એ નિર્ણયનું
એક્ઝિક્યુશન-અમલ અવિનાશકુમાર કરાવશે, એટલી વાત મંગલસિંઘને સમજાતી હતી, આ એન્કાઉન્ટર, ખૂન,
મર્ડર કે સાફસફાઈ માટે સૂરીને સોપારી આપવી સહેલી પડે એ પણ મંગલને સમજાયું. હવે એણે કોઈપણ રીતે
પિતાને બચાવવાના હતા… જેલમાં બંધ મંગલ આટલે દૂર જુહુ પોલીસ સ્ટેશનના લોક-અપમાં પિતાની મદદ
કેવી રીતે કરી શકે એ વાત એને સમજાતી નહોતી. એ એકવાર પિતા સાથે વાત કરવા બેચેન થઈ ગયો. હજી તો
સાંજ પડી હતી. પંચમે રાત્રે વાત કરાવવાનું વચન આપ્યું હતું. મંગલ રાતની પ્રતીક્ષા કરી રહ્યો હતો.
*
નાર્વેકર બરાબર સમજતો હતો કે, એ વખતે જો અવિનાશકુમારને દિલબાગનું એન્કાઉન્ટર કરવાની ના
પાડી હોત તો અવિનાશકુમારે કોઈક બીજી વ્યવસ્થા કરી હોત, એટલે તાત્કાલિક એ પરિસ્થિતિને ટાળીને
નાર્વેકરે એટલો સંતોષ લીધો કે એણે દિલબાગનો જીવ બચાવી લીધો.
વિક્રમજીતના રિમાન્ડમાં એને પૂરેપૂરી વિગતો મળી ગઈ. એકવાર પણ હાથ ઉઠાવ્યા વગર વિક્રમજીતે
એને બધી વિગતો આપી દીધી, ગુનો પણ સ્વીકારી લીધો. શફકના મોત વખતે હાજર સાક્ષીઓના
સ્ટેટમેન્ટ્સ, વિક્રમજીતની રિવોલ્વર, એના પર ફિંગરપ્રિન્ટ્સ અને બાકીની વિગતો સાથે એટલો જડબેસલાક
કેસ તૈયાર થયો હતો કે, વિક્રમજીત તો અંદર જવાનો જ હતો. હાલ તુરત દિલબાગ ઉપર એવો કેસ નહોતો,
પણ એકવાર એકાદ કેસ પણ ખૂલે તો દિલબાગ પૂરેપૂરો ફસાવાનો હતો, એ વાતની નાર્વેકરને ખાતરી હતી.
કોઈપણ કેસ વગર લાંબો સમય દિલબાગને લોક-અપમાં રાખી શકે એમ નહોતો. ભારતીય બંધારણ મુજબ
દરેક નાગરિકને મળતા અધિકારોમાં દિલબાગ સામે કેસ ઊભો કરીને એને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો અનિવાર્ય
હતો. નાર્વેકર મનોમન ગૂંચવાયા કરતો હતો.
એને સતત એવો ભય હતો કે, અવિનાશકુમારને એણે આપેલા વચન મુજબ આજે નહીં તો કાલે
દિલબાગનું એન્કાઉન્ટર કરવાનું દબાણ પોતાના ઉપર આવવાનું હતું. નાર્વેકર મનોમન જવાબો તૈયાર કરી રહ્યો
હતો, પરંતુ એને એક પણ જવાબ એટલો મજબૂત કે યોગ્ય લાગતો નહોતો. ફોનની દરેક રિંગ સાથે નાર્વેકર
ચોંકી જતો. અંતે, અવિનાશકુમારનો ફોન આવ્યો જ, નાર્વેકરે મનોમન ગોઠવેલા જવાબો સાથે ફોન ઉપાડ્યો.
‘ઈન્સ્પેક્ટર…’ અવિનાશકુમારના અવાજમાં મશ્કરી જેવો એક વિચિત્ર સૂર હતો, ‘તમને હશે કે હું
ભૂલી ગયો, પણ મને યાદ છે કે તમે મને વચન આપ્યું હતું. શું થયું એનું?’
‘સાહેબ તમે તો સમજો છો…’ નાર્વેકર સહેજ ઝંખવાઈ ગયો, ‘એમ સહેલાઈથી… આઈ મીન…
એટલે કે…’
‘તમને તમારી ચિંતામાંથી મુક્ત કરવા જ મેં ફોન કર્યો છે.’ અવિનાશ હસવા લાગ્યો, ‘મને ખબર જ
હતી કે, તમે ફટ્ટુ છો.’ એણે ફરી એકવાર કડવું, તિરસ્કારથી ભરેલું હાસ્ય કરીને કહ્યું, ‘મેં મારી વ્યવસ્થા કરી
લીધી છે. તમારે એક જ કામ કરવાનું છે. મેજિસ્ટ્રેટને ત્યાં લઈ જતી વખતે હું કહું તે પોઈન્ટ ઉપર પોલીસ
વેન ધીમી પાડવાની.’
‘તમે… તમે શું કરવાના છો?’ નાર્વેકરે પૂછ્યું, જો કે જવાબ એને ખબર હતી.
‘જે તમે નથી કરી શકવાના એ…’ અવિનાશકુમારે હસતાં હસતાં કહ્યું, ‘પોઈન્ટ હું કહી દઈશ.
મેજિસ્ટ્રેટને ત્યાં ક્યારે લઈ જવાના છો એ તમારે મને કહેવાનું.’
‘પણ…’ નાર્વેકર કશું બોલી શક્યો નહીં.
‘હવે પણ, ને બણ… હોમ મિનિસ્ટરની સૂચના છે.’
‘ભલે. મને લેખિતમાં સૂચના મોકલી આપજો.’ નાર્વેકરે કહ્યું.
‘તમે મારી સામે થાઓ છો? આની કિંમત ખબર છે?’ અવિનાશકુમાર છંછેડાયો.
‘નોકરી જશે, ટ્રાન્સફર થશે, સસ્પેન્ડ કરશો…’ નાર્વેકરે ભય મૂકીને અવિનાશકુમારને ચોપડાવી દીધી,
‘હોમ મિનિસ્ટરની સૂચના હોય તો લખીને મોકલવી પડશે, એમ મૌખિક સૂચના પર અમલ કરવાનું મારી
ફરજમાં નથી આવતું.’ એણે કહ્યું.
‘બહુ મોંઘું પડશે.’ અવિનાશકુમાર ઉશ્કેરાઈ ગયો, ‘એક ગુંડા, એક દલાલ માટે તું હોમ મિનિસ્ટરની
સામે પડે છે?’
‘દિલબાગ ગુંડો છે, દલાલ છે, ના નહીં…’ નાર્વેકરે પૂરી હિંમતથી કહ્યું, ‘પણ એની સજા કોર્ટ નક્કી
કરશે, હું નહીં.’ સહેજ અટકીને, થૂંક ગળે ઉતારીને એણે કહ્યું, ‘ને તમે પણ નહીં જ!’
‘તું ગમે તે કર, એ મરવાનો છે.’ અવિનાશકુમારે કોઈ જજ મોતની સજા સંભળાવતા હોય એમ કહ્યું.
‘મરવાના તો બધા ય છે, હું પણ ને તમે પણ…’ નાર્વેકરે કહ્યું, ‘પણ દિલબાગ મારા હાથે નહીં મરે.’
કહીને એણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. છંછેડાયેલા અવિનાશકુમારે નાર્વેકરને પાઠ ભણાવવાની મનોમન ગાંઠ
વાળી લીધી.
‘એવો ફસાવીશ કે, જિંદગીભર ઈન્કવાયરીમાંથી બહાર નહીં નીકળી શકે. હાથ-પગ જોડવા પડશે
મને… જોઈ લે જે.’ અવિનાશે મનોમન નાર્વેકરને ધમકી આપી.
‘મેં તો તમને કહ્યું જ હતું સાહેબ.’ અવિનાશકુમારે સામે બેઠેલા રાહુલને કહ્યું, ‘એ છેલ્લી ઘડીએ
પાણીમાં બેસી ગયો. હવે આપણી પાસે સૂરી સિવાય કોઈ રસ્તો નથી.’
‘સૂરી ફસાવી તો નહીં દે.’ રાહુલ ડબલ શ્યોર થવા માગતો હતો, ‘કાલે ઊઠીને આપણને દિલબાગની
જેમ બ્લેકમેઈલ કરે તો આપણે સૂરી માટે બીજો સૂરી ગોતવો પડે…’ રાહુલે કહ્યું, ‘આ ચક્કર કોઈ દિવસ પૂરું
જ ના થાય.’
‘તમે ચિંતા ના કરો. મેં સૂરી માટે બીજો સૂરી શોધી જ લીધો છે.’ અવિનાશકુમાર એક નંબરનો ખંધો
અને શિયાળ જેવો લુચ્ચો માણસ હતો. એના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘એક તરફથી સૂરી દિલબાગને
વેનમાં ખતમ કરશે ને બીજી તરફથી નાર્વેકર ઉશ્કેરાઈને એના પર ગોળી ચલાવશે. બેઉ જણાં ત્યાં જ ઓન ધ
સ્પોટ ખતમ થઈ જશે.’ એણે પોતાનો પ્લાન સમજાવ્યો.
‘દિલબાગ ખરેખર એટલો ખતરનાક છે?’ રાહુલ હજીએ દિલબાગને ઉડાવી દેવાના પ્લાનમાં પૂરેપૂરો
સંમત નહોતો, ‘એણે હજી સુધી આપણું કંઈ બગાડ્યું નથી.’
‘બગાડે ત્યાં સુધી રાહ જોવી છે?’ અવિનાશે પૂછ્યું. રાહુલ પાસે એનો જવાબ નહોતો, પણ
બાળપણથી રાજકારણ જોઈને, રાજરમતો ખાઈ-પીને ઉછરેલા રાહુલને એટલું ચોક્કસ સમજાયું કે,
અવિનાશકુમાર કોઈપણ રીતે દિલબાગને ખતમ કરવા માગતો હતો. રાહુલનું મગજ પણ કામે લાગ્યું. હજી
સુધી દિલબાગે કોઈ ધમકી નહોતી આપી કે, બ્લેકમેઈલ કરવાનો, રાહુલને નુકસાન કરવાનો કોઈ પ્રયત્ન સુધ્ધાં
કર્યો નહોતો તો પછી અવિનાશકુમાર દિલબાગને ખતમ કરવા આટલો બેચેન, આટલો બેબાકળો કેમ હતો…
એ સવાલનો જવાબ રાહુલને મળતો નહોતો અને જ્યાં સુધી આ જવાબ ન મળે ત્યાં સુધી રાહુલ દિલબાગ
જેવા કામના અને અગત્યના માણસને ફક્ત એક પીએના કહેવા પણ મારી નાખે એટલો મૂરખ કે ભોળો પણ
નહોતો જ.
‘જોઈએ…’ રાહુલે કહ્યું, ‘એકવાર મને દિલબાગને મળવા દો પછી નક્કી કરીએ.’ કહીને એ ઊભો થઈ
ગયો. અવિનાશકુમારે પોતાની બે હથેળીઓ પરસ્પર ઘસી. હવે રાહુલની પરવાનગી વગર દિલબાગને ઉડાવવો
અશક્ય છે અને જો રાહુલ દિલબાગને મળ્યો તો જે રહસ્યો પરથી પડદા ઊંચકાય એ અવિનાશને પોસાય એમ
નહોતું.
અંતે, અવિનાશે નક્કી કરી લીધું, દિલબાગ અને રાહુલ એકબીજાને નહીં જ મળે… દિલબાગને રાહુલ
સુધી પહોંચતા પહેલાં કોઈપણ રીતે ખતમ કરી નાખવાનો એણે નિર્ણય કરી લીધો.
રાહુલ પણ કંઈ ઓછો નહોતો. મિટિંગ રૂમની બહાર નીકળીને એ પોતાના પર્સનલ રૂમમાં પહોંચ્યો.
ત્યાં પહોંચીને એણે નાર્વેકરને ફોન લગાવ્યો, ‘રાહુલ.’ એણે કહ્યું.
‘યસ સર, જય હિન્દ.’ કહેતાં કહેતાં નાર્વેકરના પેટમાં ઊકળતું તેલ રેડાયું. અવિનાશને તો એણે જવાબ
આપી દીધો હતો, પણ જો રાહુલ એને દિલબાગને ખતમ કરવાની સૂચના આપશે તો એનો શું જવાબ
આપશે, એ નાર્વેકરને સમજાયું નહીં.
‘લાંબી વાત કરતાં મને ફાવતી નથી.’ રાહુલે કહ્યું, ‘દિલબાગ સાથે એક મિટિંગ ફિક્સ કરો.’ એક ક્ષણ
માટે રોકાઈને એણે ઉમેર્યું, ‘આ મિટિંગની જાણ મને, તમને અને દિલબાગ સિવાય કોઈને ન થવી જોઈએ.’
એણે ફરી કહ્યું, ‘કોઈને નહીં… આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.’
‘યસ સર.’ નાર્વેકરે કહ્યું. આટલું સાંભળતાં જ નાર્વેકરના મનમાં એક વિચિત્ર પ્રકારની રાહત થઈ ગઈ.
એને પણ અવિનાશકુમારના ઈરાદાઓમાં કોઈ અંગત વેરની ગંધ આવ્યા કરતી હતી, પરંતુ પોતે તો એક અદનો
ઈન્સ્પેક્ટર હતો. હોમ મિનિસ્ટર સુધી પહોંચવાની એની હેસિયત કે એની પાસે કોઈ કારણ નહોતું. આજે
રાહુલ તાવડેનો સામેથી ફોન આવ્યો એનાથી નાર્વેકરને મજા પડી ગઈ. એ ઈચ્છતો હતો કે, એકવાર દિલબાગ
અને રાહુલ સામસામે થઈ જાય… કોણ જાણે કેમ પણ, નાર્વેકરને ખાતરી હતી કે, રાહુલ તાવડે અને દિલબાગ
જો સામસામે આવશે તો ઘણી બધી ગેરસમજો દૂર થશે એટલું જ નહીં, મંગલસિંઘના કેસમાં પણ આ
મિટિંગથી મદદ મળશે. રાહુલને દિલબાગની જરૂર હતી અને દિલબાગ સુધરવા તૈયાર હતો, આ પરિસ્થિતિમાં
જો દિલબાગને બચાવી શકાય તો દેહવ્યાપારના કેટલાય અડ્ડાઓ અને એની સાથે સંકળાયેલા કેટલાય
માણસોની વિગતો દિલબાગ પાસેથી મેળવીને નાર્વેકર બહુ મોટું ઓપરેશન પાર પાડી શકે એમ હતો…
‘આપ સમય અને સ્થળ કહી દો સર. આઈ વીલ મેનેજ.’ એણે કહ્યું.
‘કાલે ફોન કરીશ.’ રાહુલે ફોન મૂકી દીધો. નાર્વેકરના ચહેરા પર એક હળવું, વિજયનું સ્મિત આવ્યું અને
નીકળી ગયું.
(ક્રમશઃ)