પ્રકરણ – 33 | આઈનામાં જનમટીપ

દિવાલને અઢેલીને બેઠેલા મંગલના મગજમાં જાતભાતના વિચારો ચાલતા હતા. એને તો કલ્પના પણ
નહોતી કે, વિક્રમજીત આર્થર રોડ સુધી પહોંચી ગયો છે. પંચમ પોતાની જગ્યાએથી ઊભો થયો અને મંગલની
બાજુમાં ગોઠવાયો. એણે એકદમ ધીમા અવાજે મંગલને કહ્યું, ‘જીતાભાઈ પણ આવી ચૂક્યા છે.’ મંગલે ચોંકીને
એની સામે જોયું, ‘એમનો કેસ પણ થોડા દિવસમાં ચાલશે. ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. હોસ્પિટલના કેટલાક
લોકો નજરે જોનાર સાક્ષી છે, પણ દિલ્લુ બાદશાહ કેસ ફેરવી કાઢશે એની મને ખાતરી છે.’ મંગલસિંઘ કશું
બોલ્યા વિના નીચું જોઈને બેસી રહ્યો, પંચમ ઉત્સાહમાં કહેતો રહ્યો, ‘શફક જેવી બાઈઓને મારવાની તે કઈ
સજા હોય? સાલી રાં…’
પંચમ કશું સમજે એ પહેલાં મંગલનો હાથ ઉઠ્યો, અને એણે બાજુમાં બેઠેલા પંચમને એક તમાચો
જડી દીધો. એની આંખો પહોળી થઈ ગઈ. પંચમને સમજાયું નહીં કે, એણે એવું શું કહી નાખ્યું જેને માટે એને
આ લાફો પડ્યો. ગાલ પંપાળતા એણે ધીમેથી કહ્યું, ‘મેં જાનતા હું, આપકા બહુત ઈન્ટ્રેસ્ટ થા ઉસમે…
લેકિન…’ એ થોડીવાર ચૂપ રહ્યો ને પછી હિંમત કરીને એણે કહ્યું, ‘રજનીશ દત્ત કે સાથ સોતી થી. રજનીશ
ઔર અલતાફભાઈ એક થાલી મેં ખાતે હૈ. ભાઈ કો સબ માલૂમ હૈ.’ એક સેકન્ડ માટે મંગલ ચોંક્યો, પણ એણે
જાત પર પૂરો સંયમ મેળવીને પંચમને બોલવા દીધો, ‘અલતાફભાઈ કો પતા હૈ કે, આપ સિરિયસ હો ગયે થે.
બાઉજી સે લડ ગયે થે ઉસકે લિયે લેકિન વો લડકી તો રજનીશ દત્ત સે શાદી કરના ચાહતી થી. ઉસ દિન
આપકી ગાડી પલટી નહીં મારતી તો લાઈફ પલટી માર જાતી…’
‘કેમ કહે છે આ બધું?’ મંગલે પૂછ્યું.
‘એટલા માટે કહું છું જેથી તમને સાચું સમજાય. આ શફક કંઈ દયા ખાવા જેવી છોકરી નહોતી. એ
દિવસે તમે ક્યાં છો એનું લોકેશન શફકે જ મોકલ્યું હતું અલતાફભાઈના માણસને.’ પંચમે કહ્યું, ‘એણે તમારો
પીછો કર્યો… તમારો એક્સિડેન્ટ થયો એનું કારણ બીજું કોઈ નહીં, એ હરામખોર શફક હતી.’
મંગલસિંઘ સાંભળતો રહ્યો. એને એ રાત યાદ આવી ગઈ. એને ખબર પડી ગઈ હતી કે, શફકે એની
વિરુધ્ધ મુંબઈના ડૉન અલતાફનો સંપર્ક કર્યો હતો. અલતાફે ફોન કરીને મંગલસિંઘને કડક ભાષામાં શફકથી દૂર
રહેવાની સૂચના આપી હતી. આ ફોન પરની વાતચીત પછી મંગલસિંઘનું મગજ છટક્યું હતું. એણે ખૂબ
શરાબ પીધી હતી. હવે ગાડી ચલાવતાં એ શફકને બેફામ ગાળો દઈ રહ્યો હતો. પોતે અલતાફ પાસે ગઈ એ
વાતની મંગલસિંઘને ખબર પડી ગઈ છે એ જાણ્યા પછી શફકના હોશહવાશ ઊડી ગયા હતા. હવે મંગલ
પોતાને નહીં છોડે એ ભયમાં સંકોચાઈને, કોકડું વળીને બેઠેલી શફક મંગલસિંઘ સામે ઘાયલ હરણ જેવી
નજરથી જોઈ રહી હતી.
‘બેચ ડાલુંગા તુજે’ મંગલસિંઘ બેફામ ગાળો બકી રહ્યો હતો, ‘સાલી! રાં… કપડે ઉતાર કે હર ચાર રસ્તે
પર ખડી હો જાતી હૈ ઔર મૈં હાથ લગાતા હું, તો સાવિત્રી બનતી હૈ? મુજસે બચેગી? વો અલતાફ બચાયેગા
તુજે? આજ મૈં નહીં મેરે સારે પંટર મજે લેંગે… એક કે બાદ એક… તુ દેખતી જા’ મંગલસિંઘ બરાડી રહ્યો
હતો.

પોતે એ સમયે કેવો લાગતો હશે, એ વિચાર આવતાં જ મંગલસિંઘને પોતાની જાત પર નફરત થઈ
ગઈ. શફક પોતાને નહોતી ચાહતી, તો ના સહી! પોતે કંઈ સાચો અને ચોખ્ખો માણસ તો નહોતો જ! મંગલ
અત્યારે પંચમની વાત સાંભળીને શફક સાથે પોતાની જાતની સરખામણી કરી રહ્યો હતો. શ્યામા સાચું કહેતી
હતી, ‘એક સ્ત્રીનો સંબંધ એકથી વધારે પુરુષ સાથે હોય તો એને માટે જાતજાતના અપશબ્દો વપરાય, પરંતુ
એક પુરુષ એકથી વધારે સ્ત્રીઓ સાથે સૂએ તો એ લેડીકિલર, કેસેનોવા, ચાર્મર કહેવાય.’ શ્યામાએ એ રાત્રે
મંગલસિંઘને કહ્યું હતું, ‘તને લાગતું હશે નહીં, કે તું બહુ બહાદુર છે… સ્ત્રીને ફસાવીને, પટાવીને, બળાત્કાર
કરીને તેં બહુ મોટું કામ કર્યું છે, પણ તને એક વાત કહી દઉ! સ્ત્રીનું શરીર ભોગવી લેવાથી એને જીતી શકાતી
નથી. એનું મન જીતવું પડે છે અને તારી જિંદગીમાં તું એક પણ સ્ત્રીનું મન જીતી શક્યો નથી! દયા આવે છે
તારી… તને એક પણ સ્ત્રી સન્માનથી જુએ છે? આદર આપે છે તને? તો મેળવ્યું શું તેં?’ અત્યારે પણ
મંગલસિંઘને એ યાદ આવતાં જ એક ધ્રુજારી પસાર થઈ ગઈ.

*

એ રાત્રે શરાબ પીધેલા મંગલસિંઘે એક હાથે ગાડી ચલાવતાં એણે શફકના શરીર પર હાથ ફેરવવા
માંડ્યો હતો. મુંબઈના ટ્રાફિક ભરેલા રસ્તાઓ પર ભયાનક સ્પીડમાં ભાગી રહેલી ગાડી, બેકાબૂ બની ગયેલો
મંગલસિંઘ… ડરી ગયેલી શફકે એને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મંગલસિંઘે ચાલુ ગાડીએ એનો હાથ
પકડીને એટલા જોરથી મરોડ્યો હતો કે, એના કાંડાનું હાડકું ક્રેક થવાનો અવાજ શફકને પોતાને સંભળાયો
હતો.
આ બધી ઝપાઝપી અને ખેંચતાણમાં, ભયાનક વરસાદ અને રોડ પર ભરાયેલાં પાણીની સાથે
શરાબના નશામાં ધૂત મંગલસિંઘનો કાબૂ એના સ્ટીયરિંગ પરથી છૂટ્યો હતો. જુહુતારા રોડ પર હોટેલ
રામાડાથી ટર્ન લેતી વખતે ગાડી બેવાર ડિવાઈડરને ટકરાઈ ને બેવાર ફૂટપાથને. ડિવાઈડર તૂટી ગયું. એના
ધક્કાથી ગાડી ફૂટપાથ પર ચડી ગઈ. ફૂટપાથ પર સૂતેલા લોકોમાંથી ત્રણ જણાંને કચડીને ગાડી ફૂટપાથ પરથી
ઉતરીને ઊંધી થઈ ગઈ. મંગલસિંઘની છાતીમાં સ્ટીયરિંગ પેસી ગયું, વિન્ડસ્ક્રીન તૂટીને ગાડીની અંદર પડ્યો…
લોહીલુહાણ હાલતમાં મંગલસિંઘ બેહોશ થઈ ગયો. શફકનું માથું સામે ડેશબોર્ડ પર અથડાયું, થોડીક ક્ષણો માટે
એ પણ બેહોશ થઈ ગઈ. સીટબેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવી રહેલા મંગલસિંઘ માટે આટલી હાઈટેક ગાડીની
એરબેગ્સ પણ ન ખૂલી…
મંગલસિંઘને સામેની દિવાલ પર જાણે કોઈ ફિલ્મની જેમ એ બધા દ્રશ્યો દેખાતાં હતાં. શરાબના
નશામાં ધૂત, મંગલસિંઘનો ગુસ્સો એના કાબૂ બહાર નીકળી ગયો હતો.
એ ખરેખર શફક સાથે લગ્ન કરવા માગતો હતો. શફકે એક સીધીસાદી ઘરરખ્ખુ છોકરીની એવી ઈમેજ
મંગલસિંઘના મનમાં ઊભી કરી હતી કે, મંગલસિંઘ જાણે-અજાણે એની સાથે ઘર વસાવવાના સપનાં જોવા
લાગ્યો હતો.
એ પછી મંગલને ઘણા બધા સત્યોની જાણ થઈ હતી… આજે પંચમ જે કંઈ કહી રહ્યો હતો એ બધું
મંગલ જાણતો હતો, પરંતુ પંચમના મોઢે આ બધું ફરી સાંભળીને એને શફક માટે એક પ્રકારનો તિરસ્કાર થઈ
આવ્યો. એકથી વધારે વખત એણે શફકને લગ્ન કરવા માટે વિનંતી પણ કરી હતી, પરંતુ એણે ક્યારેય ‘ચોખ્ખી’
ના નહોતી પાડી. રજનીશ દત્ત સાથેના સંબંધો વિશે મીડિયામાં વારંવાર સાંભળીને મંગલે સ્પષ્ટ પૂછ્યું હતું,
શફકે ત્યારે પણ રજનીશ સાથે કોઈ સંબંધ નહીં હોવાના સોગંધ ખાધા હતા. આજે પંચમ પાસે રજનીશ દત્ત
સાથેના સંબંધોનું કન્ફર્મેશન સાંભળીને મંગલને સહેજ દુઃખ તો ચોક્કસ થયું.

અત્યાર સુધી શફકના મૃત્યુ માટે એ જે રીતે પોતાની જાતને જવાબદાર ઠેરવતો હતો, અપરાધી
અનુભવતો હતો એમાંથી શફકના આ ‘ટુ ટાઈમિંગ’ની વાત સાંભળીને એને સહેજ રાહતનો અનુભવ થયો.
એણે ધીમે રહીને પંચમને પૂછ્યું, ‘રજનીશ કે અલાવા ભી કોઈ થા?’
પંચમ હસવા લાગ્યો, ‘બહોત થે મંગલભાઈ.’ પંચમની આંખોમાં જરાય છળ કે બનાવટ નહોતી, ‘વો
જીતની બેચારી દીખતી થી ઉતની થી નહીં.’ મંગલ માટે આ એક સમાચાર હતા. એની સામે રડતી, ડરી જતી
અને બિચારી દેખાતી શફકનો એક નવો જ ચહેરો એની સામે ખૂલ્યો હતો, ‘ઉસકા એર ઔર ભી દોસ્ત થા.
જાનકર આપકો 440 વોલ્ટ કા ઝટકા લગેગા.’ પંચમે હસતાં હસતાં કહ્યું, ‘આપ કી લૈલા કા હેસબન્ડ.’
‘હેં?!’ મંગલની આંખો ઝીણી થઈ ગઈ ને ભવાં સંકોચાયાં.
‘હેં નહીં, હાં…’ પંચમે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘વો બહોત હી ચાલુ આદમી હૈ. આપ પર જબ
કેસ ચલ રહા થા તબ આપ કે બાઉજી સે એક કરોડ રૂપિયા લીધા હતા એણે.’ કહીને એણે ઉમેર્યું, ‘બધી લેનદેન
શફકે કરી હતી.’ મંગલ છેક ભીતર સુધી ધ્રૂજી ગયો. જે અંધારી દુનિયામાં એ જીવતો હતો એ દુનિયામાં હજી
કેટલા રહસ્યોના પડ ઉકેલવાના બાકી હતા એ વિચારમાત્રથી એનું ભેજું ચકરાઈ ગયું.
‘સાચું બોલે છે?’ એનાથી પૂછ્યા વગર ના રહેવાયું.
‘મને જુઠ્ઠું બોલીને શું ફાયદો. ત્યારે તો હું તમારી વિરોધી પાર્ટીનો માણસ હતો. શફક જ્યારે
અલતાફભાઈને મળવા આવી ત્યારે હું હાજર હતો ત્યાં. એણે જ ભાઈને પૂછ્યું હતું કે, દિલબાગની મદદ કરાય
કે નહીં? ભાઈએ એને કહ્યું હતું કે, જો દીકરાને બચાવવા માટે કરોડ રૂપિયા છોકરીના વરને આપતા હોય તો તું
પણ તારો ભાગ માંગી લે. એણે પચાસ માગ્યા હતા. વાત ત્રીસમાં સેટલ થયેલી. મારી સામે ફોન ઉપર વાત
થઈ હતી.’
‘અરેરે…’ મંગલે કપાળ કૂટ્યું, ‘હું આજ સુધી એવું માનતો રહ્યો કે, બિચારી શફક મારે લીધે મરી.’
‘હવે એક બીજી વાત સાંભળી જ લો. શફક તમને મારવા આવી હતી… એ તો બધું ઊંધું પડી ગયું અને
તમારું નસીબ જોર કરતું હતું બાકી એ દિવસે જો ગોળી ના ચાલી હોત તો તમે આજે આ દુનિયામાં ના
હોત.’ મંગલના કપાળે પરસેવો વળી ગયો. અલતાફના માણસે ઓક્સિજનનું માસ્ક કાઢી નાખ્યું એ ક્ષણે જે
અનુભવ એને થયો હતો, લગભગ એવા જ અનુભવમાંથી એ અત્યારે પસાર થઈ ગયો. એને શ્વાસ લેવામાં
તકલીફ પડવા માંડી.
એને શ્યામા યાદ આવી ગઈ, ‘જિંદગીના બધા સત્યો જાણવા જેવા નથી હોતા.’ શ્યામાએ કહ્યું હતું.
મંગલસિંઘની આંખમાં પાણી આવી ગયાં. એના પિતા કેટલા સાચા હતા અને એને શફકથી શા માટે દૂર
રાખવા માગતા હતા એ વાત એને આ ક્ષણે સમજાઈ હતી. એને અત્યારે જ પિતા પાસે જઈને એમને ભેટીને
રડવાનું મન થઈ આવ્યું.
મંગલસિંઘ કોઈ વિચિત્ર પ્રકારની મનોદશામાંથી પસાર થતો હતો. એક તરફ એને પિતા માટે ગુસ્સો
અને આક્રોશ હતા. મા જે રાત્રે મરી ગઈ એ રાત્રે પોતે ચૂપ રહ્યો એ બાબતે મંગલસિંઘ પોતાની જાતને ગુનેગાર
માનતો હતો.
એણે નક્કી કરી લીધું હતું કે, આ વખતે પિતા સાથે વાત કરતી વખતે એ જે કંઈ થયું હતું એ વિશે સત્ય
જાણ્યા વગર નહીં રહે. એ રાત્રે માને ઉપાડી ગયેલા લોકો કોણ હતા? એ માને કેમ ઉપાડી ગયા હતા? એ પછી
દિલબાગે પોતાની પત્નીનાં બળાત્કાર અંગે કેમ કશું ન કર્યું, એવા તે કયા પાવરફૂલ લોકો હતા કે જેની સામે
દિલબાગ જેવા માણસે ચૂપ રહેવું પડ્યું… આ બધા સવાલો મંગલસિંઘને પજવતા રહ્યા, પરંતુ એણે કોઈ
દિવસ આ સવાલ પોતાના પિતાને પૂછવાની હિંમત ના કરી કારણ કે, એને ભય હતો કે જો એ પિતા સાથે આ
વાત કરવા જશે તો કદાચ, પિતા-પુત્ર વચ્ચે રહેલી આ ભ્રમની દિવાલ તૂટી જશે. અત્યાર સુધી જે પિતા સાથે
પોતે અત્યંત આદર અને સન્માનથી વર્તતો આવ્યો હતો એ સન્માન અને આદર કદાચ સત્યના નાનકડા
ધક્કાથી વિખરાઈ જશે, એ ભયે મંગલસિંઘે કોઈ દિવસ પિતા સાથે એ રાત કે માતાનાં મૃત્યુ અંગે સવાલ
પૂછવાની હિંમત નહોતી કરી, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ એવો વળ ખાઈ ગઈ હતી કે, કદાચ દિલબાગનું
મૃત્યુ થાય કે પછી મંગલસિંઘ જીવનભર માટે જેલના સળિયાની પાછળ ધકેલાઈ જાય ત્યારે જો આ સવાલનો
જવાબ નહીં મળે તો પોતે જીવી નહીં શકે એવો ભય મંગલસિંઘને સતાવવા લાગ્યો હતો…
એણે ફરી પંચમને પૂછ્યું, ‘રાત્રે વાત કરાવીશ ને?’
પંચમે એના ખભે હાથ મૂકીને કહ્યું, ‘એકવાર કહ્યું કે, કરાવીશ તો કરાવીશ…’
પંચમ બાજુમાં બેસીને વધુ બકવાસ ન કરે એ માટે મંગલે આંખો મીંચી દીધી. એની મીંચેલી આંખોની
ભીતર સૂરી, શફક, શ્યામા અને દિલબાગના ચહેરા એકમેક સાથે અથડાઈ-ભટકાઈને ભુક્કા થતા રહ્યા. ક્યારેક
દિલબાગનો ચહેરો રાક્ષસ જેવો થઈ જતો તો ક્યારેક શફકની લાલચોળ આંખો અને ડ્રેક્યુલા જેવા દાંત બહાર
નીકળી આવતા. ક્યારેક શ્યામાની આંખોની નમણાશ એના દુઃખતા દિલ પર હાથ ફેરવતી તો ક્યારેક હાથમાં
ગન લઈને ઊભેલો સૂરી દિલબાગને વીંધી નાખતો હોય એવા દ્રશ્યોની કલ્પના મંગલને ડરાવતી રહી…

*

વણીકરની ખાસ પરમિશનથી ચંદુ દિલબાગ માટે ટિફિન લઈને આવ્યો હતો. પૂરા ચેકિંગ પછી
દિલબાગને લોક-અપમાં સારું ખાવાનું જમવાની છૂટ આપવામાં આવી હતી, પણ સાથે જ ચંદુને દસ જ
મિનિટ મળવાની પરવાનગી મળી હતી. ચંદુના શર્ટમાં નાનકડું માઈક ભરાવવામાં આવ્યું હતું. એ એટલું
સેન્સિટિવ હતું કે, ધીમેથી કહેવાયેલી વાત પણ બહાર બેઠેલા નાર્વેકરના હેડ ફોનમાં સ્પષ્ટ સંભળાઈ શકે.
ચંદુએ ટિફિન ખોલ્યું. એણે દિલબાગની સામે જોઈને પોતાના શર્ટના બટન તરફ આંગળી ચીંધી.
દિલબાગ સમજી ગયો. હવે નાર્વેકરને જે માહિતી આપવાની હતી એની સ્ક્રીપ્ટ દિલબાગના મગજમાં લખાવા
માંડી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *