ચંદુએ ટિફિન ખોલ્યું. દિલબાગની ફેવરિટ નલ્લી અને ગરમ પાઉંની સુગંધ લોક-અપની નાનકડી
કોટડીમાં ફેલાઈ ગઈ. દિલબાગે બંને હથેળી એકમેક સાથે ઘસીને ખાવાની તૈયારી કરી. મોહંમદ અલી રોડ પર
મળતી નલ્લી, નિહારી, પાયા અને ગરમ પાઉં દિલબાગનું ફેવરિટ ભોજન હતું. એની સાથે મળતી આદુ-
મરચાની કતરણ, કાંદાની ચીરીઓ જોઈને એના મોઢામાં પાણી છૂટ્યું, ‘ચંદુ! તું જોરદાર માણસ છે. આટલા
દિવસથી સરખું ખાધું નથી. આજે આઠ દિવસનું ભેગું ખાઈ લઈશ.’ કહીને દિલબાગ ભોજન પર તૂટી પડ્યો.
એ સાચે જ અકરાતિયાંની માફક ખાઈ રહ્યો હતો. ચંદુએ ધીમેથી વાત શરૂ કરી, ‘તો ક્યા કરના હૈ અભી?’
‘દેખ! મારા વિરુધ્ધ તો કેસ બનાવી નહીં શકે કારણ કે, એમની પાસે અત્યારે કોઈ સાબિતી નથી.
શકની બિના પર બે-ચાર મુદ્દા ઊભા કરશે તો પણ તું કોર્ટમાં ટકવા નહીં દે એની ખબર છે મને. ડર રાહુલનો
છે. એ કોઈપણ રીતે મારા સુધી પહોંચી જશે.’ જેવું દિલબાગ આટલું બોલ્યો કે તરત જ નાર્વેકરના કાન સરવા
થઈ ગયા, ‘મારે એને નુકસાન નથી કરવું. ‘ નાર્વેકર ધ્યાનથી સાંભળતો હતો, ‘એ વાત જો કોઈ એના સુધી
પહોંચાડે તો મારા પરનો ખતરો ટળી જાય. એને ફક્ત એટલી જ બીક છે કે, હું એના વિરુધ્ધની કોઈ માહિતી
પોલીસને ના આપું… એની મને ખબર છે.’
‘પણ, એના વિરુધ્ધ કોઈ માહિતી છે ખરી?’ ચંદુએ અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું.
નાર્વેકર વધુ સાવધ થયો. દિલબાગે પણ એ રમતને આગળ વધારી, ‘એક્ચ્યુઅલી એની વિરુધ્ધ ખાસ
કશું નથી. એના બાપે ઘણા ઊંધા-ચત્તા ધંધા કર્યા છે, પણ આ છોકરો પ્રમાણમાં સારો છે. બાપ ખાસ્સું
કમાઈને મૂકી ગયો છે એટલે પૈસાનો ભૂખ્યો પણ નથી.’
‘તો પછી એ શું કામ ડરે છે?’ ચંદુએ પૂછ્યું.
‘રાહુલ તાવડે કોઈનાથી ડરે એવો નથી.’ દિલબાગે કહ્યું, ‘ચૂંટણીઓ આવે છે. કારણ વગરનો વિવાદ
ઊભો નહીં કરવો હોય એને. છબિ ખરડાય તો પાર્ટીમાં જવાબ આપવો પડે.’ કહીને દિલબાગ હસ્યો, ‘પાર્ટીમાં
પણ એના દુશ્મનો ઓછા નથી.’ એણે સહેજ અટકીને ઉમેર્યું, ‘ચંદુ મારે એને ફસાવવો નથી, પણ એ વાત એને
સમજાવે કોણ? એ તો ભૂરાયો થયો છે. અમારા બે વચ્ચે અત્યારે વાઘ અને શિકારી જેવી સ્થિતિ છે. વાઘને ડર
છે કે, શિકારી એને મારી નાખશે અને શિકારીને ડર છે કે, વાઘ એને મારી નાખશે. કોઈ કારણ વગર અમે બંને
એકબીજાથી ડરી રહ્યા છીએ…’
‘તું નાર્વેકરને કેમ નથી કહેતો?’ ચંદુએ પૂછ્યું.
‘શું કહું?’ દિલબાગે ઈરાદાપૂર્વક પૂછ્યું.
‘નાર્વેકરને કહે કે તારી અને રાહુલની મિટિંગ કરાવે.’ ચંદુએ એક એક શબ્દ સાવધાનીથી મૂક્યો.
દિલબાગ હસવા લાગ્યો. એણે કહ્યું, ‘નાર્વેકરના બસનો રોગ નથી.’ આટલું સાંભળતા જ નાર્વેકર
ઉશ્કેરાઈ ગયો. દિલબાગનો ઈરાદો પણ એ જ હતો, ‘રાહુલ તાવડે સાથે મિટિંગ કરવી હોય તો હું ય કરી લઉ,
પણ એને સમજાવવો પડે. હું એને નુકસાન નહીં કરું, એનો ફાયદો કરાવીશ એ વાત એને ગળે ઉતારવી પડે.
એક રીતે એ પિત્તળ ભેજું છે. મનાવવો સહેલો નથી.’ કહીને દિલબાગે મોટેથી ઓડકાર ખાધો. નાર્વેકરે કાન
પરથી હેડફોન હટાવી દેવા પડ્યા. દિલબાગે કહ્યું, ‘ક્યા બાત હૈ! માંગ ચંદુ… આજે તો જાન માંગે તો પણ
આપી દઉ.’ એણે કહ્યું.
‘જાન તો રાહુલ લઈ જ લેશે.’ ચંદુએ કહ્યું, ‘જો સમયસર તમે એના સુધી તમારો સંદેશો નહીં
પહોંચાડો તો એ રાહ નહીં જુએ.’ એણે ઉતાવળથી કહ્યું, ‘મારી પાસે દસ મિનિટ છે. હમણાં આવશે નાર્વેકર.
તમે કહો તો હું વાત કરું…’ આટલું સાંભળતાં જ નાર્વેકરે ઘડિયાળ જોઈ. ચંદુની વાત સાચી હતી. દસ મિનિટ
થઈ ગઈ હતી. સાચું પૂછો તો નાર્વેકરને બગાસું ખાતા પતાસું મોઢામાં પડ્યું હતું. રાહુલ તાવડે સાથે વાત થયા
પછી એ મનોમન ગૂંચવાયા કરતો હતો કારણ કે, દિલબાગ ફરેલા મગજનો અને વિચિત્ર માણસ હતો. એ જો
રાહુલ તાવડે સાથે મિટિંગ કરવાની ના પાડી દે, તો નાર્વેકર કશું કરી શકે નહીં, એને બદલે હવે દિલબાગ જ
રાહુલ તાવડેને મળવા તૈયાર થયો હતો એ વાતે નાર્વેકર ગેલમાં આવી ગયો. હેડફોન હટાવીને એ ચંદુના બહાર
આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. હવે એણે દિલબાગને વિનંતી નહોતી કરવાની બલ્કે, દિલબાગની વિનંતી
અનુસાર એણે રાહુલ તાવડે અને દિલબાગની મિટિંગ કરાવવાની હતી… એના તો બંને હાથમાં લાડુ હતો!
ખુશખુશાલ નાર્વેકર બસ, ચંદુના બહાર આવવાની રાહ જોતો હતો ત્યાં અચાનક નાર્વેકરને ઝબકારો
થયો. ચંદુના બટનમાં ભરાવેલા માઈક વિશે ચંદુ તો સભાન હતો જ, પરંતુ એ એટલો ચાલાક હતો કે, એણે
ઈશારો કરીને દિલબાગને પણ આ માઈક વિશે જાણ કરી જ હોવી જોઈએ. એ બંને જણે કરેલી વાતચીત પર
કેટલો ભરોસો કરી શકાય, નાર્વેકર વિચારવા લાગ્યો. અંતે, એણે ઝડપથી નિર્ણય કરીને ચંદુ પર ભરોસો કરવાનું
નક્કી કર્યું.
રેકોર્ડેડ વાતચીત વચન આપ્યા મુજબ એણે રાહુલના અંગત સેલફોન પર મોકલી આપી.
ચંદુ અંદરથી બહાર આવ્યો. એના હાથમાં ખાલી ટિફિન હતું. એણે નાર્વેકરની આંખમાં આંખ નાખીને
કહ્યું, ‘તમે બધું સાંભળ્યું જ હશે એટલે મને વધારે પ્રશ્નો પૂછવાની જરૂર નહીં પડે.’
‘પ્રશ્ન તો હું પૂછીશ.’ કહીને નાર્વેકર હસ્યો, ચંદુની નજીક આવ્યો, એણે ચંદુને પૂછ્યું, ‘સાચું બોલજો.
દિલબાગને તે કહી દીધું હતું કે, તારા બટનમાં માઈક છે.’ ચંદુ કંઈ બોલવા ગયો, પણ નાર્વેકરે એનું કાંડું
સખ્તાઈથી પકડી લીધું, ‘હા કે ના?’ નાર્વેકરની પકડ એટલી સખત હતી કે, સુંવાળો ચંદુ એ દબાણ સહી શક્યો
નહીં. એણે ડોકું ધૂણાવીને ‘હા’ કહી. નાર્વેકરે કાંડું છોડી દીધું, ‘મને હતું જ. તું કાંડ કર્યા વગર નહીં રહે… મારી
જ ભૂલ!’ ચંદુએ કહ્યું, ‘કે તારા પર ભરોસો કર્યો.’
‘તમને શું લાગે છે?’ ચંદુએ પણ ડર્યા વગર નાર્વેકરની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘દિલબાગને ખબર
ન પડી હોત? શિયાળથી ય ચાલાક અને ચિત્તાથી ય ચપળ છે એ. ઉલ્ટાનું એને કહી દીધું એનાથી એ આપણા
વિશ્વાસમાં રહેશે.’ ચંદુએ સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘આપણો ઈરાદો રાહુલ તાવડે અને દિલબાગની મિટિંગ
કરાવવાનો છે. બંને જણાં ખુશી ખુશી મિટિંગ કરે એવી સ્થિતિ મેં ગોઠવી આપી, બીજું શું જોઈએ?’ એ
નાર્વેકરની સામે જોઈ રહ્યો.
સંકેત નાર્વેકર આમ તો હોંશિયાર માણસ હતો. એને ચંદુની વાત સાચી લાગી. થોડીવાર વિચારીને
એણે ડોકું ધૂણાવ્યું. ‘તો હવે?’ એણે પૂછ્યું.
‘તો હવે શું? આને બહાર કાઢવો પડે.’ ચંદુએ કહ્યું, ‘રાહુલને અહીં નહીં લવાય. હોમ મિનિસ્ટર તમારા
પોલીસ સ્ટેશનમાં આવશે તો કારણ વગર ન્યૂઝ બની જશે.’ નાર્વેકર વિચારમાં પડ્યો. ચંદુની વાત ખોટી
નહોતી. એ થોડીવાર વિચારતો રહ્યો, પછી નિર્ણય કરીને એણે રાહુલ તાવડેના પર્સનલ ફોન પર રિંગ વગાડી.
‘હંમમ.’ રાહુલે ફોન ઉપાડ્યો.
‘ક્યાં મળી શકાય?’ નાર્વેકર સીધો મુદ્દા પર આવ્યો.
‘મારા ફાર્મ હાઉસ પર.’ રાહુલે જવાબ આપ્યો, ‘ટિફિન લેતા આવજો. ત્યાં માણસો નથી એટલે
જમવાની વ્યવસ્થા નહીં થઈ શકે.’ બે વાક્યમાં રાહુલે સમજાવી દીધું કે ત્યાં બીજું કોઈ નહીં હોય અને ચંદુને
સાથે લઈને આવવાનું છે. નાર્વેકર, રાહુલની બુધ્ધિ પર આફરીન થઈ ગયો. કદાચ, આ ફોન રેકોર્ડ થતો હોય તો
પણ રાહુલને કોઈ રીતે વાંધો ન આવે એવાં વાક્યો વાપરીને એ વાત કરી રહ્યો હતો.
‘મારે ડ્યુટી છે એટલે હું બહુ વાર નહીં રોકાઈ શકું. તમારો આગ્રહ છે એટલે થોડીવાર આવી જઈશ.’
નાર્વેકરે પણ એવી જ કોડ લેન્ગવેજમાં વાત કરી. લેખિત પરમિશન વગર દિલબાગને અહીંથી બહાર કાઢવામાં
જોખમ રહેલું છે એ વાત નાર્વેકરે રાહુલને સમજાવી દીધી.
‘કોઈ ચિંતા નહીં. તમારી હાજરી જ કાફી છે. પૂજા પતાવીને નીકળી જજો.’ રાહુલે એ જ રીતે વાત
કરી, ‘આજે રાત્રે નવ વાગ્યે.’ સંકેત નાર્વેકર કશું બોલવા જાય એ પહેલાં સામેથી ફોન કપાઈ ચૂક્યો હતો.
સેલફોન હાથમાં પકડીને ઊભેલો સંકેત વિચારમાં પડી ગયો. એની સામે ઊભેલો ચંદુ એને જોઈ રહ્યો હતો.
ચંદુએ ભ્રમર ઊલાળીને ‘શું થયું’ એવું પૂછ્યું. નાર્વેકરે કહ્યું, ‘નવ વાગ્યે.’ બંને જણાં એકબીજાની સામે જોઈ
રહ્યા હતા. નાર્વેકર મનોમન વિચારતો હતો કે, ચંદુને સાથે લઈ જવો જોઈએ કે નહીં અને ચંદુ વિચારી રહ્યો
હતો કે નાર્વેકર એને સાથે આવવાની રજા આપશે કે નહીં…
*
રાતના આઠ વાગ્યા હતા. ત્રણ જગ્યાઓએ ત્રણ જુદા પ્રકારની પ્રવૃત્તિની પ્રતીક્ષા થઈ રહી હતી. ફાર્મ
હાઉસ પર પહોંચી ગયેલો રાહુલ તાવડે દિલબાગના આવવાની રાહ જોઈ રહ્યો હતો. નાર્વેકર પોલીસ
સ્ટેશનમાંથી દિલબાગને કેવી રીતે બહાર કાઢવો એની ગણતરીમાં લાગ્યો હતો અને ત્રીજી જગ્યાએ, જેલમાં
પંચમે આપેલા વચન મુજબ મંગલસિંઘ પિતા સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યો હતો.
બેરેક બંધ થઈ ચૂક્યા હતા. જેલના કોરિડોર્સમાં અને મેદાનમાં લાઈટો ચાલુ હતી. બેરેક્સમાં ભરાઈને
બેઠેલા કેદીઓમાંથી કેટલાક પત્તા રમી રહ્યા હતા, કેટલાક ટોળટપ્પા કરી રહ્યા હતા તો કેટલાક ઊંઘવાનો
પ્રયત્ન કરતા હતા. કેટલાક વળી ઘરવાળા અને પત્નીનાં વિરહમાં મોઢાં લટકાવીને બેઠાં હતા. મંગલસિંઘ
ઊભો થયો અને પંચમની બાજુમાં જઈને બેઠો. એણે ધીમેથી કહ્યું, ‘મેરી બાત કરાઓગે ના?’
‘હા ભાઈ હા.’ પંચમે સહેજ અકળાઈને કહ્યું, પછી એ ઊભો થયો. બેરેકમાંથી પસાર થઈને કેદીઓના
ટોઈલેટ્સ તરફ આગળ ચાલવા લાગ્યો. ઊભા થતાં એણે મંગલ જ સાંભળી શકે એ રીતે કહ્યું, ‘પાંચ મિનિટ કે
બાદ આના.’ મંગલ ત્યાં જ બેસી ગયો. પંચમ ટોઈલેટ તરફ ગયો. પ્લાસ્ટિકની ત્રણ થેલીઓમાં વીંટાળીને
સંડાસની ટાંકીની પાછળ ચોંટાડેલો મોબાઈલ એણે બહાર કાઢ્યો. મોબાઈલની ઉપર કાળી પટ્ટી એવી રીતે
લપેટેલી હતી જાણે પ્લમ્બિંગનો કોઈ પ્રશ્ન સોલ્વ કરવા માટે એ પટ્ટી લપેટીને પાણી ટપકતું અટકાવ્યું હોય.
ફોન બહાર કાઢીને એ મંગલસિંઘની પ્રતીક્ષા કરવા લાગ્યો.
*
ફાર્મ હાઉસમાં પહોંચીને રાહુલ તાવડેએ એના છ માણસોને એવી જગ્યાએ ઊભા રાખ્યા જ્યાંથી એ
માણસો રાહુલ અને દિલબાગસિંઘ વચ્ચેની મિટિંગ સ્પષ્ટ જોઈ શકે, પરંતુ દિલબાગની ખુરશી પર બેસીને
રાહુલે બરાબર ચેક કરી લીધું કે એ ખુરશી પરથી વૃક્ષને આડે, બેન્ચની પાછળ બેઠેલા માણસનો અણસાર
સુધ્ધાં આવી શકે એમ નહોતો. છુપાયેલા માણસોને રાહુલે કડક સૂચના આપી હતી, ‘જરાક પણ શંકા લાગે કે
ભય જેવું લાગે તો દિલબાગને વીંધી નાખતા અચકાતા નહીં. મારા ફાર્મ હાઉસ પર મરશે તો હુમલો કરવા
આવ્યો હતો એવી સ્ટોરી બનાવીને સેલ્ફ ડિફેન્સમાં નાખી દઈશું.’
એના છએ વિશ્વાસુ માણસો પોતપોતાના હાથમાં રગર મિનિ થર્ટી ગન્સ લઈને તૈયાર હતા. રાહુલે
રોજના નિયમ મુજબ સિંગલ મોલ્ટનો પેક બનાવ્યો. એમાં બરફના ટુકડા નાખ્યા. ફાર્મ હાઉસ પર કાયમ
રહેતો એનો માણસ ટ્રોલીમાં સલાડ, ઓટ્સના બનાવેલા નાના નાના ઢોકળાના પીસ અને બાફેલા સ્પ્રાઉટ્સ
લઈને આવ્યો. રાહુલ નિરાંતે ખુરશી પર ગોઠવાયો અને સિંગલ મોલ્ટ્સની ચુસ્કી લેવા લાગ્યો. એણે તો
પોતાના માણસોને એવી સૂચના આપી હતી કે, જો શંકા લાગે તો જ હથિયારનો ઉપયોગ કરવો, પરંતુ રાહુલને
કલ્પના પણ નહોતી કે એના જ માણસ અવિનાશકુમારે ત્યાં જ સૂરીને પણ ગોઠવ્યો હતો. એણે રાહુલની
ઉપરવટ જઈને સૂરીને સૂચના આપી હતી કે, દિલબાગને અહીંથી જીવતો પાછો ન જવા દેવો. એક તરફ
રાહુલના માણસો સુરક્ષામાં તૈનાત હતા અને બીજી તરફ સુખવિન્દર સૂરી પોતાની ઓટોમેટિક મશીન ગન
સાથે તૈયાર હતો, દિલબાગની સુપારીનું કામ તમામ કરવા માટે.
*
નાર્વેકરે તૈયારી કરવા માંડી. એની સર્વિસ રિવોલ્વર ચેક કરી. છએ બુલેટ બરાબર હતી. એણે
દિલબાગના હાથમાં હાથકડી પહેરાવી. હાથકડીની વચ્ચેથી પસાર થતી સાંકળ પોતાના કાંડે બાંધીને તાળું
માર્યું. દિલબાગને ગાડીમાં બેસાડ્યો ત્યાં સુધી ચંદુ બહાર જ ઊભો હતો. ચંદુએ મનોમન નક્કી કર્યું હતું કે, એ
સામેથી નાર્વેકરને નહીં પૂછે, એવી જ રીતે નાર્વેકરે પણ છેલ્લી મિનિટ સુધી પ્રતીક્ષા કરી કે, ચંદુનો કોઈ પ્લાન
હોય તો એ સાથે આવવાનું જરૂર પૂછશે… અંતે, ચંદુની ધીરજ રંગ લાવી. ગાડીમાં બેસી ગયેલા નાર્વેકરે
બારીમાંથી ડોકું બહાર કાઢીને ચંદુને પૂછ્યું, ‘આવવું છે?’ સવાલથી ઉત્સાહમાં આવવાને બદલે ચંદુએ બંને
ખભાં ઊલાળીને એવો પ્રતિભાવ આપ્યો કે, તમારે લઈ જવો હોય તો લઈ જાઓ. નાર્વેકરે ફક્ત ડોકાના
ઈશારેથી જ ચંદુને ગાડીમાં ગોઠવાઈ જવાનું કહ્યું.
બરાબર એ જ વખતે નાર્વેકરનો ફોન વાગ્યો. ફોન ઉપાડવો કે નહીં એની અસમંજસમાં નાર્વેકરે
ખીસામાં હાથ નાખ્યો. નંબર અજાણ્યો હતો. એણે ફોન રિસિવ કરીને કહ્યું, ‘સંકેત નાર્વેકર, જુહુ પોલીસ
સ્ટેશન.’
‘પંચમ કુમાર, આર્થર રોડ જેલ.’ આટલું સાંભળતાં જ ગાડીનો સેલ બંધ કરીને નાર્વેકર સતેજ થઈ
ગયો.
(ક્રમશઃ)