પ્રકરણ – 36 | આઈનામાં જનમટીપ

છેલ્લા ત્રણ દિવસથી શ્યામા પોતાના રૂટિનમાં ગોઠવાઈ જવાનો પ્રયાસ કરતી હતી. લાઈફ કેર હોસ્પિટલ,
એના દર્દીઓ, ઓપીડી, સર્જિકલ રૂટિન્સ અને રૂમ્સના, વોર્ડ્સના રાઉન્ડની વચ્ચે પણ જાણે રહી રહીને મંગલસિંઘનો
વિચાર શ્યામાએ ચસોચસ ભેદી દીધેલા એના મન અને મગજના બારણા તોડીને ધસી આવતો હતો. શ્યામાને પોતાને
પણ નવાઈ લાગતી હતી કારણ કે, એની સાથે પહેલાં આવું કોઈ દિવસ થયું નહોતું. એને પાવન સાથે પ્રેમ થયો, લગ્ન
થયાં એ પછી કે પહેલાં પણ એના આખા અસ્તિત્વનો કબજો લઈને એવો કોઈ માણસ શ્યામાને ક્યારેય મળ્યો નહોતો.
શ્યામા ડરી ગઈ હતી, જે એ પોતાના મન સામે સ્વીકારતી નહોતી!

છૂટા પડતી વખતે મંગલસિંઘે એને કહ્યું હતું, ‘ડોન્ટ હેઈટ મી શ્યામા, પ્લીઝ મને નફરત નહીં કરતી.’ એ વાત
શ્યામાના મનમાંથી કોઈ રીતે ખસતી જ નહોતી. એ વારંવાર પોતાના મન સાથે સંવાદ કરી રહી હતી. હોસ્પિટલમાં
કામ કરતી, ભણેલી-ગણેલી ડૉક્ટર હતી એ! એણે દુનિયા જોઈ હતી, એનું મન એને પૂછતું હતું, ‘સમાજમાં જેટલા
ગુનેગારો ઊભા થાય છે એ બધા પોતાની મરજીથી, ઈચ્છાથી, ફક્ત પૈસા કમાવા માટે કે ગુનાખોર માનસને લીધે જ
ઊભા થાય છે? ક્યાંથી આવે છે આ ગુનાખોર માનસ…’ એ ઘણો પ્રયત્ન કરતી હતી, પોતાના મનને, વિચારોને
રોકવાનો, પરંતુ એનું મન રોકાતું નહોતું. કોઈ બેલગામ ઘોડાની જેમ ચારે પગે ચોકડીઓ ભરતું, હવા સાથે વાત કરતું,
ક્યારેક બે પગ પર ઊભું થઈ જતું અને હણહણતું એનું મન ક્યારે મંગલસિંઘની તરફેણમાં દલીલ કરતું થઈ ગયું એની
શ્યામાને પોતાને ખબર નહોતી પડી!
એ પોતે એક સંભ્રાંત-સુશિક્ષિત પરિવારમાં ઉછરી હતી. સુરક્ષા અને સ્નેહ મળ્યા હતા પોતાને… તો આજે
પોતે ડૉક્ટર બની શકી હતી. એનું મન એને પૂછતું હતું, ‘જેની માને એની નજર સામે મારી નાખવામાં આવી હોય,
જેના પિતા પરિવારનું પેટ ભરવા માટે નાનામોટા અપરાધ કરતા હોય એવા અસુરક્ષિત અને સ્નેહ વગરના એકલવાયા
માહોલમાં ઉછરેલો છોકરો ગુનેગાર બની જાય તો એમાં માત્ર એને જવાબદાર ઠેરવી શકાય?’
‘આ દલીલ સાચી હોય તો બધા ઝુંપડપટ્ટીમાં રહેતા કે અનાથ બાળકો ગુનેગાર બની જાય…’ એના મગજે
જવાબ આપ્યો.
‘મંગલસિંઘ દિલનો ખરાબ નથી. એણે જે જોયું-જે અનુભવ્યું, અને એની આસપાસની દુનિયામાંથી જે એને
મળ્યું એવો એ બની ગયો.’ એનું મન મંગલસિંઘનું બચાવ કરી રહ્યું હતું.
‘હવે એવું નહીં કહેતી કે તારે કેસ પાછો લેવો છે.’ શ્યામાના મગજે ચાબુક ફટકારી. શ્યામા સતેજ થઈ ગઈ.
એણે પોતાની જાતને ઢંઢોળી. શું કરી રહી હતી પોતે! કેવી રીતે ભૂલી ગઈ એ ક્રિસમસ ઈવની એ રાત! કોર્ટમાં પૂછાયેલા
સવાલો! કેસ જીતીને જતી વખતે મંગલસિંઘે કહેલી એ ક્રૂર, કડવી અને ભયાનક વાતો ભૂલીને પોતે આજે એનો
બચાવ કરી રહી હતી એ વિચારમાત્રથી શ્યામાને પોતાની જાત ઉપર ગુસ્સો આવી ગયો. એણે માથું હલાવીને વિચારોને
ખંખેરવાનો પ્રયાસ કર્યો, પણ મંગલસિંઘની એ આંખો, એની વાતો અને એનો વિચાર શ્યામાનો પીછો નહોતા છોડતા.
નવાઈની વાત એ હતી કે, જે માણસને સજા કરાવવા માટે શ્યામાએ જમીન આસમાન એક કરી નાખ્યા હતા
એનો કેસ ખૂલવાને ફક્ત એક દિવસ બાકી હતો ત્યારે શ્યામાનું મન એ માણસનો બચાવ કરતી દલીલો પેશ કરી રહ્યું
હતું. એણે પોતાના બંને હાથ આંખ ઉપર ઢાંકી દીધા. થોડીવાર માટે શાંત થવાનો પ્રયાસ કર્યો, પણ મન ઉચાટમાં હતું.
અંતે એણે સેલફોન ઊઠાવીને ભાસ્કરભાઈને ફોન લગાવ્યો. સામે છેડેથી ભાસ્કરભાઈ હસ્યા, ‘મારી બીઝી બી! આજે
ભરબપોરે તને બિચારો બાપ કેવી રીતે યાદ આવી ગયો? આ સમય તો તારા પેશન્ટ્સનો છે…’
‘મગજ કોઈ રીતે કાબૂમાં નથી.’ શ્યામા સીધી મુદ્દા પર આવી, ‘જાતજાતના વિચાર આવે છે.’ કહીને એ
થોડીવાર ચૂપ રહી. ભાસ્કરભાઈ પણ કંઈ બોલ્યા નહીં, ‘આવતીકાલે મંગલસિંઘનો કેસ રિ-ઓપન થવાનો છે.’ શ્યામા
આગળ બોલે એની પ્રતીક્ષામાં ભાસ્કરભાઈ હજીયે ચૂપ હતા. થોડીક ક્ષણોના મૌન પછી શ્યામાએ કહ્યું, ‘કોણ જાણે કેમ
મને લાગે છે કે… આઈ મીન…’

‘હું અત્યાર સુધી એવું માનતો હતો કે, તું એક લોજિકલ, મેચ્યોર અને બહાદુર છોકરી છે.’ ભાસ્કરભાઈનો
અવાજ સખ્ત થઈ ગયો, ‘મને ખોટો નહીં પાડતી, પ્લીઝ!’
‘ડેડ!’ શ્યામાનું ગળું ભરાઈ આવ્યું, ‘તમે તો સમજવાની કોશિશ કરો.’
‘શું સમજું? જે મુદ્દાને તેં તારી જિંદગી અને કારકિર્દી કરતાં વધારે મહત્વ આપ્યું, જે કારણે તેં તારા લગ્ન તોડી
નાખ્યા, પાવનની કારકિર્દીને નુકસાન થયું…’ એ સહેજ અચકાયા, પણ અંતે કહી જ નાખ્યું, ‘આટલી બદનામી,
આટલી ચર્ચા પછી હવે તું જે કંઈ વિચારે છે એ મને સમજાય છે, પણ સ્વીકારવાનો સવાલ નથી આવતો.’ એમણે ઊંડો
શ્વાસ લીધો, ‘શામુ, એ છોકરાએ તારા મગજમાં કોઈક કારણ વગર તારા મગજમાં જે વિચારો નાખ્યા છે એનાથી
તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. બીજું કંઈ નથી આ, બચવાના પેંતરા છે એના…’
‘ડેડ!’ શ્યામા સહેજ ગળગળી થઈ ગઈ હતી, ‘એ એનો ગુનો માની લે, ક્ષમા માગે એ જ તો આપણો ઈરાદો
હતો. જેલમાં જશે તો…’ એણે પણ સહેજ અચકાઈને કહ્યું, ‘જેલમાં જશે તો કંઈ બદલાઈ નહીં જાય. જે થયું એ તો
થઈ જ ચૂક્યું છે.’
ભાસ્કરભાઈ હસવા લાગ્યા, ‘આવું જ્યારે પાવને કહ્યું ત્યારે તેં વિરોધ કર્યો હતો, ગુસ્સો આવ્યો હતો તને. તેં
પાવનને કાયર, ભાગેડું કહ્યો હતો.’
‘તમે પાવનના પક્ષમાં છો કે મારા?’ શ્યામાએ અકળાઈને પૂછી નાખ્યું.
‘સવાલ પક્ષનો નથી, આપણે જે યુધ્ધ શરૂ કર્યું છે એમાં અધવચ્ચે અટકી નહીં શકાય. હવે બેમાંથી એક પક્ષે
ખુવાર થવું જ પડશે.’ ભાસ્કરભાઈથી નિઃશ્વાસ નંખાઈ ગયો, ‘…ને તને ખુવાર નહીં થવા દઉ, હું.’ તેમણે કહ્યું. પિતા-
પુત્રી બંને થોડીવાર માટે ફોન હોલ્ડ કરીને વિચિત્ર પ્રકારના મૌનમાંથી પસાર થઈ ગયા. બંનેને સમજાતું નહોતું કે હવે
આની આગળ શું વાત થઈ શકે.
‘કેસ પાછો નહીં ખેંચીએ.’ શ્યામાએ કહ્યું, ‘પરંતુ એનો વકીલ જ્યારે સજા ઘટાડવાની વાત કરે ત્યારે આપણે
એનો વિરોધ ન કરીએ…’ એણે સહેજ અટકીને કહ્યું, ‘એટલું તો થઈ શકે ને?’ ભાસ્કરભાઈ ફરી હસવા લાગ્યા, એમના
હાસ્યમાં વ્યંગ હતો, પીડા હતી ‘તને નથી દેખાતું, પણ હું જોઈ શકું છું. તારી મૂર્ખતા અને એની ચાલાકી બંને.’
‘હું તમને જે કંઈ કહી રહી છું એમાંનું કશું એણે નથી કહ્યું મને.’ શ્યામાએ ઉશ્કેરાઈને કહ્યું.
‘એમ?’ ભાસ્કરભાઈ કશું જ સાંભળવા તૈયાર નહોતા એ વાત શ્યામાને સમજાઈ ગઈ.
એ આગળ કશું બોલે એ પહેલાં ભાસ્કરભાઈએ કહ્યું, ‘બીજું કંઈ હતું કે, હું મારા કામે લાગું?’ શ્યામા કશું બોલી
નહીં. ભાસ્કરભાઈએ ફોન ડિસકનેક્ટ કરતાં પહેલાં ઉમેર્યું, ‘એવી કોઈ મૂર્ખામી નહીં કરતી જેનાથી હું અને તું બંને
મજાકનું કારણ બની જઈએ.’ ભાસ્કરભાઈનો ફોન ડિસકનેક્ટ થઈ ગયો. શ્યામા આંખો મીંચીને થોડીક ક્ષણ એમ જ
ચૂપચાપ બેસી રહી. એને સમજાતું હતું કે, એના પિતાએ જે કહ્યું એ ખોટું નહોતું. મંગલસિંઘને સજા થાય એ માટે પોતે
ઘણા ઉધામા કર્યા હતા, પરંતુ હવે જ્યારે પોતાનો ગુનો કબૂલીને એ સજા સ્વીકારવા તૈયાર થયો ત્યારે પોતે જ એને
બચાવવા તૈયાર થઈ હતી! શું હતું આ? શ્યામાને સમજાયું નહીં…

*

જીપમાં પડેલા નાર્વેકરના ખભામાંથી લોહી વહી રહ્યું હતું. નજીકની હોસ્પિટલના જીપીએસ પ્રમાણે પહોંચવા
માટે દિલબાગ ઝડપથી જીપ ભગાવી રહ્યો હતો. એની બાજુમાં ચંદુ બેઠો હતો. કાચા રસ્તા પર ઉછળી રહેલી જીપમાં
એના હાડકાં-પાંસળા છૂટા પડી જશે એવો એને ભય લાગ્યો. ચંદુએ કહ્યું, ‘ગોળી ખભામાં જ વાગી છે. નાર્વેકર
મજબૂત છે. એને કંઈ નહીં થાય, જરા આરામથી ચલાવ.’ એણે પાછળ ફરીને જોયું. સીટમાં સૂતેલા નાર્વેકરની વર્દીની
ડાબી બાજુનો ભાગ લગભગ લાલ થઈ ગયો હતો. નાર્વેકર હજી ભાનમાં હતો. દુઃખતા ખભા પર જમણો હાથ
દબાવીને વચ્ચે વચ્ચે ઉંહકારા કરતાં એણે કહ્યું, ‘ડોન્ટ વરી. આપણે આરામથી પહોંચી જઈશું.’ કહીને એણે હસતાં
હસતાં ઉમેર્યું, ‘એટલી જલદી નહીં મરું હું.’

‘તું તો મરીશ અને આ ત્રણેય પણ નહીં બચે.’ કહેતો જીપના પાછળના ભાગમાંથી સૂરી પોતાના ઘૂંટણિયે બેઠો
થયો. કન્વર્ટેબલ જીપનું કેન્વાસનું કવર ઢાંકેલું હતું. એ ખોલીને સૂરી એમાં દાખલ થઈ ગયો એ વાતની કોઈને ખબર જ
નહોતી પડી. નાર્વેકરના ઘાવ અને બીજી ધમાચકડીમાં જીપ બહાર નીકળી ગઈ ત્યારે પણ સૂરી ટૂંટિયું વળીને પાછળની
સીટમાં છેક નીચેના ભાગમાં સંતાયો હતો. હવે, એને લાગ્યું કે પોતે સુરક્ષિત છે એટલે રિવોલ્વરનું સેફ્ટી લોક ખોલીને
એણે રિવોલ્વર સીધી દિલબાગની ખોપરી તરફ તાકી, ‘હવે કોણ બચાવશે તને?’ સૂરીએ કહ્યું.
બધો ક્ષણોનો ખેલ હતો. સોપારી લીધા પછી સૂરીનો શિકાર બચતો નથી એ વાત આખા અંડરવર્લ્ડમાં મશહૂર
હતી. જીપની સ્પીડ એટલી બધી હતી કે, સૂરી જો અત્યારે દિલબાગની ખોપરી વીંધે તો બાકીના ત્રણ જણાં પણ ન
બચે એ વાત દિલબાગને સમજાઈ ગઈ. એણે ધીમેથી કહ્યું, ‘થોડીવાર રાહ જો. આને હોસ્પિટલ પહોંચાડી દઈએ.
પછી…’
‘તું જેટલો મૂરખ માને છે એટલો છું નહીં. ત્યાં પહોંચ્યા પછી તું કોઈને કોઈ ચાલાકી કર્યા વગર નહીં રહે. તને
તો અહીં જ મારવો પડે.’ સૂરીએ કહ્યું, ‘હમણાં જ.’
‘હું સ્પીડ નહીં ઘટાડું. જેવી ગોળી છૂટશે એવો કંટ્રોલ જશે અને આ સ્પીડમાં ચાલતી જીપ ઉથલી પડશે.’
દિલબાગના અવાજની સ્વસ્થતા અને નિરાંત જોઈને ચંદુ ડઘાઈ ગયો હતો, ‘હું તો મરીશ જ, તમે ત્રણે પણ મરશો.’
‘ત્રણ નહીં, બે. હું કૂદી જઈશ.’ સૂરીએ કહ્યું, ‘ચાલતી ગાડીમાંથી કૂદવાનો અનુભવ અને આવડત બંને છે.’
એણે તાકેલી રિવોલ્વર અડધો ઈંચ પણ આમતેમ નહોતી થઈ, ‘ચલ… તારા ભગવાનનું નામ લઈ લે.’ સૂરીએ કહ્યું. એ
ગોળી છોડે તે પહેલાં જે હાથમાં રિવોલ્વર હતી એ હાથ ઉપર એક ભયાનક ફટકો પડ્યો. રિવોલ્વર નીચે પડી ગઈ.
સૂરી પોતાનું કાંડુ પસવારતો સહેજ ઢળી પડ્યો. આગલી અને ફ્રંટ સીટની વચ્ચે પડેલી રિવોલ્વર જોતો સૂરી પોતાના
બેધ્યાનપણા માટે જાતને જ ગાળો દેતો રહ્યો. એણે સ્વપ્નમાં પણ નહોતું ધાર્યું કે, લોહીલુહાણ થઈને અર્ધ બેહોશ
હાલતમાં પડેલો નાર્વેકર આવો ફટકો મારી શકે!
‘રિવોલ્વર ઉઠાવ.’ નાર્વેકર હજી સીટમાં જ સૂતો હતો. એણે ચંદુને કહ્યું. ચંદુએ પાછળ ફરીને ઘૂંટણિયે બેસીને,
નીચા નમીને રિવોલ્વર ઉપાડી લીધી, ‘ચલ કુદ.’ નાર્વેકરે કહ્યું. આટલા દુઃખાવા અને આવી પરિસ્થિતિમાં પણ એના
ચહેરા પર સ્મિત આવ્યું, ‘ચાલતી ગાડીમાંથી કુદવાનો અનુભવ અને આવડત બંને છે તારામાં.’ સૂરી અચકાયો, ‘કુદે છે
કે ચંદુને ગોળી ચલાવવાનું કહું?’ નાર્વેકરે પૂછ્યું. પીડાને કારણે એનો અવાજ મંદ હતો, પણ સખ્તાઈ ઓછી નહોતી.
એકાદ ક્ષણ વિચારીને સૂરીએ ગાડીનું કેન્વાસ ઊંચું કર્યું. એ કુદવાની તૈયારીમાં હતો ત્યારે જ નાર્વેકર અને દિલબાગની
નજર મળી. સામે દેખાતા રિઅર વ્યૂમાં દિલબાગ જોઈ રહ્યો હતો. નાર્વેકરે એને ઈશારો કર્યો. ચંદુએ પકડેલી રિવોલ્વર
છીનવીને દિલબાગે એક જ ક્ષણમાં સૂરીને ગોળી મારી. સૂરી જીપમાંથી નીચે પછડાયો. જીપ આગળ વધી ગઈ. સૂરી
નીચે રસ્તા પર પડ્યો હતો. એની પીઠની ઉપરના ભાગમાં વાગેલી ગોળીને કારણે વહેતા લોહીથી કાચા રસ્તા પરની
ધૂળમાં એક નાનું લાલ વર્તુળ વિસ્તરવા લાગ્યું હતું.
પાંચ-સાત મિનિટમાં ગાડી નજીકની તાલુકા હોસ્પિટલના આંગણામાં ઊભી રહી. દિલબાગ કુદીને ઉતર્યો,
‘ઈમરજન્સી… ઈમરજન્સી…’ એણે બૂમો પાડી.
મોડી રાતના આળસમાં આડા પડેલા, અડધા ઊંઘમાં અને અડધા જાગતા સ્ટાફને આ બૂમોથી જાણે
વિજળીનો કરંટ લાગ્યો હોય એમ સહુ દોડતા થઈ ગયા. દિલબાગ જાતે સ્ટ્રેચર ધસડી લાવ્યો. એણે પાછલી સીટમાં
સૂતેલા નાર્વેકરને પોતાના હાથે ઉપાડ્યો અને સ્ટ્રેચર પર સૂવાડ્યો. સ્ટ્રેચર ધસડતો એ અંદરની તરફ જવા લાગ્યો. સ્ટાફ
પાછળ દોડ્યો. દિલબાગ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો, ‘જલદી કરો, પોલીસ છે, ગોળી વાગી છે.’ અડધી
ઊંઘમાં આંખો ચોળતો સ્ટાફ ધડાધડ કામે લાગ્યો. સહુ નાર્વેકરને બચાવવા માટે ઝડપથી ઓપરેશન થિયેટરની લાઈટ
જલાવીને તૈયારી કરવા લાગ્યા. દિલબાગ ઉશ્કેરાયેલો હતો. એ જોર જોરથી કહી રહ્યો હતો, ‘આને કંઈ થયું ને તો
કોઈને જીવતા નહીં છોડું. આ પોલીસ છે. ડ્યૂટી પર ગોળી વાગી છે.’ સ્ટાફ ગંભીરતા સમજીને કામે લાગ્યો અને
દિલબાગ ઓપરેશન થિયેટરની બહાર બેસી નાર્વેકરનો જીવ બચી જાય એવી પ્રાર્થના કરતો રહ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *