પ્રકરણ – 38 | આઈનામાં જનમટીપ

નાર્વેકરને લઈને દિલબાગ જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે સવારના સાડા સાત થઈ ગયા હતા. સંકેત
નાર્વેકરના ખભા પર બાંધેલો પટ્ટો અને જીપ દિલબાગ ચલાવતો હતો એ જોઈને વણીકરના મોતિયાં મરી ગયાં. એ
સડસડાટ પગથિયાં ઉતરીને જીપ પાસે આવ્યો. એનું ગળું સૂકાઈ ગયું હતું, ‘કાય ઝાલા?’ એણે પૂછ્યું.
‘ખેળાયેલા ગેલે હોતે…’ નાર્વેકરે કહ્યું. એના ચહેરા પર સ્મિત હતું. વહી ગયેલા લોહીની નબળાઈને કારણે
એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો, ‘ખેલ બરાબર જામ્યો.’
‘દેવા રે દેવા.’ વણીકરે કપાળ કૂટ્યું, ‘તને કંઈ થઈ ગયું હોત તો!’
‘થયું તો નથી ને?’ દિલબાગ જીપમાંથી નીચે ઉતર્યો, ‘એની ચિંતા કરો છો, અમે ભાગી ના ગયા ને એને પાછો
લઈ આવ્યા એને માટે થેન્ક યૂ તો કહો.’ દિલબાગ હસવા લાગ્યો. એની સાથે ચંદુ પણ નીચે ઉતર્યો. બધા પોલીસ
સ્ટેશનમાં દાખલ થયા ત્યારે ખુલ્લેઆમ લોક-અપના કેદીને બહાર લઈને જઈને પાછો લાવવા માટે ત્યાં હાજર હતો
એ બધો સ્ટાફ નાર્વેકરની સામે થોડો આઘાત અને થોડા અહોભાવથી જોઈ રહ્યો હતો.
દિલબાગને ફરી લોક-અપમાં લઈ જવાની તૈયારી શરૂ થઈ એ પહેલાં દિલબાગે વણીકર સામે જોઈને કહ્યું,
‘લંબી રાત થી સા’બ, મસ્કા પાંવ ઔર ચાય તો પીલા દો.’ વણીકરને પણ એની દયા આવી. એણે દિલબાગને પોતાની
કેબિનમાં આવવાનો ઈશારો કર્યો. એની પાછળ પાછળ ચંદુ પણ આવ્યો.
બધા ટેબલ પર ગોઠવાયા ત્યારે વણીકરે ધીમેથી કહ્યું, ‘એક બીજા પણ સમાચાર છે.’ કહીને એણે પોતાના
ફોનમાં દરેક ચેનલ પર ચાલી રહેલા શ્યામાના સમાચારમાંથી એક ક્લિપ ઓન કરીને દિલબાગના હાથમાં આપી.
દિલબાગ ધ્યાનથી સાંભળતો રહ્યો. એની આંખો, એના ચહેરાના હાવભાવ બદલાવવા લાગ્યા.
‘યે લડકીને કમાલ કર દિયા.’ ચંદુની સામે બેઠેલો દિલબાગસિંઘ હજી આઘાતમાંથી બહાર નહોતો આવી શક્યો.
જે સતત મંગલસિંઘને સજા કરાવવા માટે ઝઝૂમતી હતી એ છોકરીએ મંગલસિંઘની સજા ઓછી કરાવવા માટે
ખીચોખીચ ભરેલી કોર્ટમાં વિનંતી કરી એ સાંભળીને દિલબાગની આંખો ભરાઈ આવી હતી, ‘કભી સોચા નહીં થા, કિ
મેરે બેટા કા નસીબ ઈતના બદલ જાયેગા.’
દિલબાગને ઈમોશનલ થઈ ગયેલો જોઈને ચંદુએ ધીમેથી કહ્યું, ‘દેખ! અબ તુ ભી બદલ જા.’ એણે દિલબાગના
ખભે હાથ મૂક્યો, ‘દો-તીન સાલ કી સજા હોગી તેરે બેટે કો. એ બહાર આવે ત્યાં સુધી તું તારું રજવાડું લપેટી લે.
સાફસૂફી કરીને બંને જણાં એક નવી ક્લિન જિંદગી શરૂ કરો.’
‘ઈચ્છા તો એ જ છે… હું સાહેબને મળવાનો છું, એ કહેવા કે હવે આ ધંધો મારે નથી કરવો.’ દિલબાગે કહ્યું,
‘મારે પણ બુઢાપામાં શાંતિથી મારા ફાર્મહાઉસ પર બેસવું છે.’ એણે આંખો લૂંછી નાખી, ‘મંગલના છોકરાંઓને
રમાડવા છે.’
‘દિલબાગ! આ છોકરી તારા દીકરાના જીવનમાં અચ્છાઈનું અજવાળું લઈને આવી છે…’ ચંદુથી કહેવાઈ ગયું,
‘એ તારા દીકરાના જીવનમાં કાયમ માટે ટકી જાય એવું કંઈ કર.’
જેને લોકો દિલ્લુ બાદશાહના નામે ઓળખતા હતા, સ્ત્રીને જે વસ્તુની જેમ ખરીદતો અને વેચતો, પિસ્તોલ કે
રિવોલ્વર જેને માટે રમકડાં હતા અને માણસનો જીવ લેતાં જેને સહેજ પણ અચકાટ થતો નહીં એવો દિલબાગ
અચાનક જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો, ‘ચંદુ! મને જિંદગીમાં જે મળ્યું ને એ બધું મોડું જ મળ્યું છે… સમય વિતી ગયા
પછી મળેલું સુખ પણ ક્યારેક એનો અર્થ ખોઈ બેસતી હોય છે.’ એ રડતો રહ્યો અને ચંદુ એની પીઠ પસવારતો રહ્યો.

સામે બેઠેલા વણીકરની આંખોમાં પણ પાણી આવી ગયાં. એનાથી બોલાઈ ગયું, ‘એક સારી વ્યક્તિ દીવા જેવી
હોય છે. કેટલાંયના જીવનમાં અજવાળું લઈ આવે…’ વણીકરની કેબિનમાં થોડીક ક્ષણો માટે વાતાવરણ ભીનું થઈ ગયું.
સહુ શ્યામાને મનોમન આદર આપી રહ્યા હતા.

*

હાથમાં ફોન પકડીને એક પછી એક ક્લિપ જોઈ રહેલા પાવન માહેશ્વરીનું મગજ ફાટફાટ થતું હતું. ટીવી
ન્યૂઝની દરેક ક્લિપમાં શ્યામાએ જે રીતે મંગલસિંઘની સજા ઘટાડવાની માગણી કરી એના પર ન્યૂઝ એન્કર
પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. કેટલીક ક્લિપ્સમાં ઓડિયન્સ પાસેથી પ્રતિભાવ માગવામાં આવી રહ્યા હતા
તો કેટલીક જગ્યાએ યુટ્યુબર્સ અને ઈન્ફ્લ્યુએન્સર્સ આ ઘટના વિશે પોતાના વિચાર રજૂ કરી રહ્યા હતા… પાવન સર્ફ
કરતો જતો હતો, અને વધુને વધુ ઉશ્કેરાતો જતો હતો.
શરાબના ગ્લાસમાં બરફનો ટૂકડો નાખતા પાવને ઉશ્કેરાટથી બે-ચાર ગાળો દીધી, એક શ્વાસે એ સિંગલ
મૉલ્ટનો લાર્જ પેગ ગટગટાવી ગયો. એની નજર સામે સુધાકર સરિન એના સૌથી પોપ્યુલર ટીવી શોમાં આજે
કોર્ટરૂમમાં બનેલી ઘટના વિશે જણાવી રહ્યો હતો, ‘ક્યા ડૉક્ટર શ્યામા ઉસ બલાત્કારી નરપિચાશ સે પ્યાર કરને લગી
હૈં?’ એ પૂછી રહ્યો હતો. સાથે સાથે આજે શ્યામાએ કોર્ટરૂમમાં મંગલસિંઘને ઓછી સજા મળે એ માટે કરેલી વિનંતીની
વાતો મરચું, મીઠું, ચાટ મસાલો, લીંબુ નાખીને ચટપટી રીતે વારંવાર કહી રહ્યો હતો. પાવને બીજો પેગ ભર્યો. એણે
ફરી ગાળો દીધી…

બેડમાં સ્કાય બ્લ્યૂ કલરનું સ્પગેટી ટોપ અને રેડ પેન્ટી પહેરીને સૂતેલી નિકીતા ખડખડાટ હસી રહી હતી, ‘તું
## છે!’ નિકીતાએ કહ્યું, ‘તને તારા પીઆર એજન્સીવાળાએ સમજાવ્યો. મેં કેટલીવાર કહ્યું, પણ આ બધી
સિચ્યુએશનનો ફાયદો ઉઠાવવાને બદલે તેં તારી જાતને વધુને વધુ ઊંડા કાદવમાં ધકેલી. છેલ્લે જોકર પૂરવાર થયો તું.’
પાવન કશું કહેવા જાય એ પહેલાં નિકીતા પોતાના પગ ઉપર પડેલું એનિમલ પ્રિન્ટનું બ્લેન્કેટ ફગાવીને ઊભી થઈ.
બ્યૂટી પેજન્ટના કોઈ સ્ટેજ પર રેમ્પ વૉક કરતી હોય એમ સ્પગેટી ટોપ અને પેન્ટી પહેરીને એ પાવન તરફ આગળ
વધી. એણે પાવનની નજીક જઈને એના ખભે હાથ મૂક્યો. લગભગ તિરસ્કારથી એની સામે જોયું અને પછી કહ્યું, ‘એ
વખતે જો સિમ્પથીનો ફાયદો લીધો હોત તો તારી પિક્ચર ડબ્બો ના થઈ હોત.’
‘શું કરું? જાહેરમાં બૈરાંની જેમ રોદણાં રડું? મારી ડૉક્ટર બૈરી, મારા જેવા હેન્ડસમ સ્ટારને છોડીને પેલા
ગલીના ગુંડા સાથે લફરું કરે છે એ વાતને હું પણ સ્વીકારી લઉ? ગામમાં કોઈ ઈજ્જત છે કે નહીં મારી?’
‘ઈજ્જત!’ પોતાના માટે પાવને તૈયાર કરેલો પેગ ઊઠાવીને નિકીતા એમાંથી સિપ કરવા લાગી. એણે પાવન
સામે અદાથી જોયું, ‘તારી ઈજ્જતના તો ધજાગરા કર્યા તારી બૈરીએ. કોર્ટરૂમની વચ્ચે કહી દીધું કે, બળાત્કારની સજા
ઓછી કરો… પ્રેમની આનાથી વધારે સાબિતી શું હોય? શી લવ્ઝ હીમ.’ કહીને નિકીતા આખો પેગ એક ઘૂંટડે પી ગઈ.
‘હું શું કરું એમ કહે ને?’ પાવન ગૂંચવાયેલો અને ધૂંધવાયેલો હતો.
‘હું કહીશ એમ કરીશ?’ નિકીતાએ પૂછ્યું. એની આંખોમાં કંઈક અણધાર્યું, ભયાનક કરી શકવાનો ઈરાદો
વંચાતો હતો, ‘પછી ફરી તો નહીં જાય ને?’
‘તું બોલ ને, યાર!’ પાવને પૂછ્યું.
‘એની પાસે જા, માફી માગ. એની ઉદારતા. એની હિંમત અને એના આ પગલાં માટે એના વખાણ કર. એને
કહે કે, તું એના વિના જીવી નહીં શકે.’ કહીને નિકીતાએ પાવનની આંખોમાં જોયું.
‘બધા બૈરાં એકસરખાં મૂરખ જ હોય.’ પાવને કહ્યું. એણે નિકીતાને હળવો ધક્કો માર્યો, ‘તારી વાત માનું તો
રહીસહી ઈજ્જત પણ જાય એવું છે…’
‘મને ખબર જ હતી કે, અક્કલવાળી કોઈ વાત તને સમજાશે નહીં.’ નિકીતાએ કહ્યું, એણે પલંગની પાસે પડેલું
પોતાનું પેન્ટ ઉપાડ્યું. પેન્ટ પહેરતાં એણે પાવનને કહ્યું, ‘હું સમજી ગઈ છું કે, તારી અક્કલ બે કાન વચ્ચે નથી, બે પગ
વચ્ચે છે. ઈડિયટ.’ કહીને એણે નીચે પડેલું ઝીણું શિફોનનું શર્ટ ઉપાડી લીધું. શર્ટના બટન મારતા એણે વાળ સરખા
કર્યાં. ત્યાં પડેલી પર્સ ઊપાડીને સેન્ડલમાં પગ નાખતાં એણે કહ્યું, ‘ક્યારેક લાંબો કૂદકો મારવા માટે બે ડગલાં પાછળ
જવું પડે, પણ આ વાત તને નહીં સમજાય.’ કહીને એ બહાર નીકળવા લાગી.

પાવન એની પાછળ દોડ્યો. એણે નિકીતાનો હાથ પકડી લીધો, ‘લાંબો કૂદકો? તારા મગજમાં શું ચાલે છે?’
‘##’ ગાળ દઈને નિકીતાએ પોતાનો હાથ છોડાવ્યો, ‘અત્યાર સુધી તું એક હાર્ટલેસ, પત્નીની મદદ નહીં કરનારો કાયર પતિ હતો. બળાત્કારના કેસ માટે એ એકલી લડી અને તેં એનો સાથ ન આપ્યો… કરેક્ટ?’ પાવને ડોકું ધૂણાવીને હા પાડી. નિકીતાએ આગળ કહ્યું, ‘હવે જ્યારે કેસ ફરી ઉઘડ્યો છે, મીડિયાનું અટેન્શન મળી રહ્યું છે ત્યારે એનો સાથ આપ. એની બાજુમાં ઊભો રહે. મંગલસિંઘને સજા કરાવવામાં એની મદદ કર અને પછી જ્યારે એ તને છોડે ત્યારે બિચારો થઈ જા. તેં તો તારાથી બનતું બધું કરી નાખ્યું, પણ એણે તને છોડી દીધો એ વાતે સિમ્પથી લે… હીરો બન. સોશિયલ મીડિયાનું અટેન્શન લે. તારી ઈમેજ સાફ કર. ##’
નિકીતા પુરુષોની જેમ બેફામ ગાળો બોલતી. જે વાત પાવનને નહોતી સમજાતી એ ગાળો દઈને નિકીતાએ
સમજાવી. પાવનના મગજમાં થોડું ઉતર્યું, થોડું ન ઉતર્યું. પાવન ટિપીકલ પૈતૃક સત્તા ધરાવતા પરિવારમાં ઉછરેલો એક
અહંકારી પુરુષ હતો. પોતે ખૂબ દેખાવડો હતો એ વાતનો એને ખૂબ ગર્વ હતો. એણે અત્યાર સુધી જે રીતે શ્યામા
સાથેના સંબંધમાં બધું બગાડ્યું હતું એ પછી હવે ક્યાંથી શરૂ કરવું અને શું સુધારવું એ પાવનને સમજાતું નહોતું.
‘એકવાર તારી વાત માની પણ લઉં, તો…’ પાવન વિચારવા લાગ્યો, ‘અત્યાર સુધીમાં બધું એટલું ચીતરાયું છે
કે, શ્યામા મારો ભરોસો નહીં કરે.’ એણે ધીમેથી ઉમેર્યું, ‘એમાં ઉપરથી પેલો પ્રેમ-પ્રેમ… કરીને એને ચગાવે છે.’ એ
ફ્રસ્ટ્રેટ થઈ ગયો, ‘સાલું બધું મારી સાથે જ આવું કેમ થાય છે?’
નિકીતા હસવા લાગી, એણે પાવનનો કોલર પકડ્યો, ‘આનો જવાબ છે મારી પાસે. પેલા હરામખોરે બળાત્કાર
પણ ઈમાનદારીથી કર્યા અને તેં પ્રેમમાં પણ બેઈમાની કરી!’ કહીને નિકીતાએ પાવનને હળવો ધક્કો માર્યો, ‘એ રાક્ષસ
હતો ત્યાં સુધી ખુલ્લંખુલ્લા રાક્ષસ જ હતો, હવે સાધુ બન્યો છે તો પૂરેપૂરો સાધુ થઈ ગયો છે ને તું, ન સાધુ રહ્યો, ન
શેતાન!’
એ હસતી રહી ને પાવન ચિડાતો રહ્યો.

*

ભાસ્કરભાઈ અને શ્યામા અડધો કલાકથી એકમેકની બાજુમાં હિંચકા પર બેઠાં હતાં, પરંતુ બેમાંથી કોઈ કશું
બોલ્યું નહોતું. શ્યામા વારેવારે પિતાના પ્રતિભાવ માટે એમની તરફ જોઈ રહી હતી, પરંતુ ભાસ્કરભાઈ દૂર શૂન્યમાં
તાકી રહ્યા હતા. શ્યામા પોતાના પિતાને બરાબર ઓળખતી હતી. એમના મગજમાં કંઈ કેટલીય વાતો ચાલતી હશે
એવું એમના ચહેરા પર બદલાઈ રહેલા હાવભાવથી શ્યામાને સમજાતું હતું. એ વાતની શરૂઆત કરવા માગતી હતી,
પણ ક્યાંથી શરૂ કરવું એ એને સમજાતું નહોતું.
ખાસી વારના મૌન પછી ભાસ્કરભાઈએ ધીમેથી પૂછ્યું, ‘બેટા! જે વાત માટે તેં આટલું બધું છોડ્યું, આટલો
મોટો મુદ્દો બનાવ્યો એ વાતને હવે તું જ…’ એમણે ડોકું ધૂણાવ્યું, ‘મજાક બની ગઈ છે.’
‘ડેડ.’ શ્યામાએ પોતાનો હાથ પિતાના હાથમાં લપેટીને ખભા પર એનું માથું મૂકી દીધું, ‘આખી દુનિયાના ધર્મો
કહે છે કે, કોઈ માણસ બદલાય તો એને ક્ષમા કરવી જોઈએ. દુનિયાના મોટામાં મોટા ગુનેગારને પણ પસ્તાવો
કરવાનો, ક્ષમા માગવાનો અને ક્ષમા મેળવવાનો અધિકાર છે.’
‘કહેવા માટે સારું લાગે છે, બેટા પરંતુ જ્યારે જીવનમાં ખરેખર આવું કંઈ કરીએ ત્યારે વાત બદલાઈ જાય છે.
લોકો એને ક્ષમા તરીકે નહીં, મૂર્ખામી તરીકે જુએ છે.’
‘લોકો શું વિચારે છે એની ચિંતા તો મેં ત્યારે ય નહોતી કરી ને આજે ય નથી કરતી… મેં ત્યારે પણ મારા મનની
વાત સાંભળી ને આજે પણ મારા જ મનની વાત સાંભળીને મેં નિર્ણય કર્યો છે, છતાં તમે કહેતા હો તો…’
‘મેં ત્યારે ય તને કશું નહોતું કહ્યું ને આજે પણ કંઈ નથી કહેતો. એટલું ચોક્કસ કહીશ કે, જે કંઈ કરી રહી છે,
એનો પસ્તાવો થાય ત્યારે તારી આસપાસ કોઈ નહીં હોય.’ ભાસ્કરભાઈનું ગળું ભરાઈ આવ્યું, ‘ખાતરીપૂર્વક નથી કહી
શકતો, પણ કોણ જાણે કેમ મને એમ લાગે છે કે, એ છોકરો તારી લાગણીને, તારી સરળતાનો, તારી ભલાઈનો
દુરુપયોગ કરી રહ્યો છે.’ એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં, ‘એ તને મૂરખ બનાવી રહ્યો છે.’ કહીને એમણે
પોતાનું રૂંધાયેલું ગળું ખોંખાર્યું, ‘એટલિસ્ટ એવું મને લાગે છે.’

‘ડેડ, મેં જોયું છે એની આંખોમાં. એ બદલાઈ ગયો છે.’ શ્યામાએ સહેજ સંકોચ સાથે ઉમેર્યું, ‘જે ક્ષણે એ મારી
ઉપર હતો ત્યારે એની આંખોમાં એક રાક્ષસ હતો. આજે એ મારી સામે હોય છે ત્યારે એની આંખોમાં પશ્ચાતાપ,
પીડા અને પ્રેમ વાંચી શકું એટલી સમજણ છે મારામાં.’ એણે પિતાના ખભે મૂકેલું માથું થોડું વધું ઢાળી દીધું, ‘આ
સમજણ તમે જ આપી છે મને.’ ભાસ્કરભાઈ એની સામે જોઈ રહ્યા, ‘મારામાં ભલે બીજું કોઈ વિશ્વાસ કરે કે ન કરે,
પરંતુ જો તમે પણ તમારા ઉછેરમાં, તમારા સંસ્કારમાં, તમે આપેલી સમજદારીમાં અને માણસને ઓળખવાની
સમજણમાં ભરોસો નહીં કરો, તો હું કોના ભરોસે ટકીશ?’ ભાસ્કરભાઈએ શ્યામાની આંખોમાં જોયું. સ્વચ્છ, કાળી,
નિષ્પાપ આંખોમાં જે સવાલ હતો એનો જવાબ ભાસ્કરભાઈ પોતે પણ પૂરી દૃઢતાથી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે
આપી શકે એમ નહોતા…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *