‘તું અહીંયા શું કરે છે?’ પોતાની આસપાસ લપેટાયેલો હાથ અને ભીડમાંથી પોતાને સાચવીને બહાર કાઢી
રહેલા પાવન તરફ જોઈને શ્યામાએ પૂછ્યું.
‘તારી સુરક્ષા કરું છું, કેર કરું છું તારી.’ પાવને કહ્યું. એના ચહેરા પર આખી બત્રીસી દેખાય એવું એક તદ્દન
બનાવટી સ્મિત કોઈ પ્લાસ્ટિકની ટેપની જેમ ચિપકાવેલું હતું, ‘દરેક પતિએ પોતાની પત્ની માટે એમ જ કરવું
જોઈએ.’
‘બહુ જલદી યાદ આવી.’ શ્યામાએ કહ્યું. એ અભાવપણે પાવનનો હાથ પોતાના ખભેથી હટાવવાનો પ્રયાસ
કરી રહી હતી, પરંતુ પાવને એનો ખભો મજબૂતીથી પકડી રાખ્યો.
‘અત્યારે કોઈપણ પ્રકારનો તમાશો કર્યા વગર બહાર નીકળી જા.’ પાવને કહ્યું, ‘આ મીડિયાની ક્લિપ્સ અને
ફોટોગ્રાફ્સ મારે માટે બહુ કામના છે.’ સવાલોના શોરમાં, કોર્ટરૂમના પ્રાંગણમાં ઊભેલા લોકોની ભીડ અને
મીડિયાકર્મીઓના ઘોંઘાટમાં શ્યામા અને પાવનની વાત કોઈને સંભળાતી નહોતી. પાવનના ચહેરા પરનું સતત સ્મિત
જોઈને સામેનાને તો એવું જ લાગ્યું કે, એ સંભાળપૂર્વક શ્યામાને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ‘ઈમેજ બિલ્ડિંગ
થઈ જશે.’
‘મને તારી માનસિકતા નથી સમજાતી.’ શ્યામાથી કહેવાઈ ગયું.
‘અને, મને તારી.’ પાવને કહ્યું, ‘ઘડીકમાં સજા કરાવવાનું કહે છે, ઘડીકમાં એની સજા ઘટાડે છે. એકવાર મને
કાયર કહીને છૂટાછેડા માગે છે ને બીજી બાજુ એની પ્રેમકથાઓ મીણ જેવી થઈને સાંભળે છે. તારું મગજ કન્ફ્યૂઝ છે,
ડૉક્ટરને બતાવ.’
‘મીડિયા જતું રહ્યું છે. હવે તું હાથ લઈ શકે છે.’ શ્યામાએ કહ્યું. બંને જણાં કોર્ટના પગથિયાં ઉતરી ચોગાનમાં
થઈ અને શ્યામાની ગાડી સુધી આવી પહોંચ્યા હતા. કોઈ જવાબ કે મસાલો ન મળતા પાવન અને શ્યામાના ફોટા
પાડીને મીડિયાકર્મીઓ ધીમે ધીમે વિખરાઈ ગયા હતા.
‘હવે? ક્યાં જઈશ?’ પાવને પૂછ્યું.
‘મારે નાઈટ ડ્યૂટી છે.’ શ્યામાએ કહ્યું.
‘હોસ્પિટલમાં કે પછી જેલમાં?’ પાવનનું સ્મિત હવે કડવું અને બિભત્સ બની ચૂક્યું હતું.
એના સવાલનો જવાબ આપ્યા વગર શ્યામા ગાડીમાં બેસી ગઈ. એણે હોસ્પિટલ તરફ ગાડી હંકારી દીધી.
નાઈટ ડ્યૂટી કરીને શ્યામા જ્યારે ઘરમાં દાખલ થઈ ત્યારે અંજુ રસોડામાં કામ કરી રહી હતી અને ટેબલ પર
એક લાલ ગુલાબનો ગુછ્છો હતો. એની સાથે ઓફ વ્હાઈટ કલરનું ગોલ્ડન કલરનું કિનારીવાળું કવર પડ્યું હતું. કોઈ
પેશન્ટે થેન્ક યૂ કહેવા માટે ફૂલ મોકલ્યા હશે એમ માનીને શ્યામા પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ, પણ હજી રૂમમાં
જઈને પલંગમાં આડી પડે એ પહેલાં એના બારણા પર ટકોરા પડ્યા.
‘હંમમ.’ શ્યામાએ કહ્યું. દરવાજો ખોલ્યો. ભાસ્કરભાઈ હાથમાં એ કવર લઈને ઊભા હતા. શ્યામા કશું પૂછે
એની રાહ જોયા વગર ભાસ્કરભાઈએ રૂમમાં દાખલ થઈને શ્યામાના હાથમાં એ કવર પકડાવી દીધું. શ્યામાની
આંખોમાં પ્રશ્નાર્થચિહ્ન હતો એ જવાબમાં ભાસ્કરભાઈએ આંખોથી જ ઈશારો કરીને એને વાંચવાનું કહ્યું. થોડા
કુતૂહલ અને નાઈટ ડ્યૂટીની ઊંઘના ભારણ સાથે શ્યામાએ કવર ખોલ્યું.
કવરમાંથી એક ઓફ વ્હાઈટ કાગળ નીકળ્યો જેની ચારે તરફ સોનેરી બોર્ડર હતી. કાગળની અંદર સુંદર ફોન્ટમાં
ટાઈપ કરેલું હતું, ‘કેન યુ ફરગીવ મી? હું જાણું છું કે, મેં ભૂલ કરી છે, પણ એ ભૂલ સુધારવાનો મોકો આપીશ તો હું તને
ફરિયાદ કરવાનો મોકો નહીં આપું.’ પત્ર વાંચીને શ્યામાએ ફરી એની ગડી વાળી દીધી. પત્ર પિતાના હાથમાં આપતા
એણે કહ્યું, ‘તમે પણ શું! મને આનાથી કોઈ ફરક નથી પડતો.’
‘બેટા! ફરક તો પડે છે, નહીં તો તે એની સજા ઓછી કરાવવાની માગણી ન કરી હોત.’ શ્યામા કશું બોલી નહીં.
ફક્ત પિતા સામે જોઈ રહી. એને ચૂપ જોઈને ભાસ્કરભાઈએ કહ્યું, ‘એક ક્ષણ માટે આ છોકરાની વાત માની લેવાનું
મન થાય છે. એ સાચું બોલતો હોય તો કેટલું સારું એવો પણ વિચાર આવે છે, પણ…’ ભાસ્કરભાઈ આગળ કશું
બોલ્યા નહીં. પત્ર પોતાના હાથમાં લઈ ઓરડાની બહાર નીકળી ગયા. રાતનો થાક અને ઉજાગરાથી ઘેરાતી આંખો
સામે શ્યામા પલંગમાં પડી. એ ઝાઝું વિચારી શકે એ પહેલાં જ એની આંખો મીંચાઈ ગઈ. એના સપનાંમાં જાતભાતના
દ્રશ્યો અને ચહેરા દેખાતાં રહ્યા. થોડી તંદ્રા અને થોડી ગાઢ ઊંઘ સાથે આરામ કરીને શ્યામા જ્યારે લંચ માટે ઊઠી ત્યારે
ભાસ્કરભાઈ જઈ ચૂક્યા હતા. પેલું એન્વેલપ હજી એ જ રીતે ટેબલ પર પડ્યું હતું. ફૂલોને ગુલદસ્તામાંથી ખોલીને
અંજુએ ફૂલદાનીમાં સજાવી દીધા હતા. શ્યામા ઘડી ઘડી ફૂલો સામે જોઈ રહી. એની આંખો સામે મંગલસિંઘનો ચહેરો
ચિતરાતો અને ભૂંસાતો રહ્યો. એણે એ વિચારને મગજમાંથી ખંખેરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ લંચ દરમિયાન જ
અને એ પછી ફરી ઊંઘવા ગયેલી શ્યામાના મગજ ઉપર મંગલસિંઘ છવાયેલો રહ્યો.
કદાચ, શૌકતનો આઈડિયા કામ કરવા લાગ્યો હતો!
*
ઘણું વિચાર્યા પછી સૂરિએ નક્કી કર્યું કે, દિલબાગને મારી નાખવાથી એનો અંગત કોઈ ફાયદો નહોતો. જેણે
સોપારી આપેલી એ પોતે જ મરી ગયો હતો. દિલબાગ અને મંગલના માથે અલતાફે હાથ મૂક્યો હતો એટલે હવે
અલતાફ સાથે દુશ્મની વહોરવાને બદલે પોતે આમાંથી ચૂપચાપ ખસી જવું એ વધુ યોગ્ય છે.
આમ પણ, સૂરિ ઝડપથી સાજો થઈ રહ્યો હતો. એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે, પછી
પોતાને ગામ પાછો જતો રહેશે એમ વિચારીને સૂરિએ અવિનાશકુમાર, દિલબાગ, રાહુલ તાવડે અને બાકીના લોકોને
પોતાના મગજની સ્લેટ પરથી ધીરે ધીરે ભૂંસવા માંડ્યા.
પણ, રાહુલ તાવડે એમ સહેલાઈથી કોઈને પોતાનું નામ ભૂંસવા કે પોતાના મગજમાંથી કોઈનું નામ ભૂંસાવા દે
એમ નહોતો. સેમી સ્પેશિયલ વોર્ડમાં ચાર બેડમાંનો એક સૂરિનો હતો. બાકીના ત્રણ બેડ પર સગાં વહાલાની
અવરજવર રહેતી, પણ સૂરિને મળવા હજી સુધી કોઈ નહોતું આવ્યું. આજે અચાનક એક આધેડ વયના બેન ટિફિન
લઈને સીધા સૂરિના પલંગ પાસે પહોંચ્યા. એમણે ટેબલ લગાવ્યું, ટિફિનમાંથી સૂરિની સામે ભોજન પીરસ્યું. સૂરિ
એમની સામે નવાઈથી જોઈ રહ્યો, સૂરિ જ શું કામ, છેલ્લા ત્રણ દિવસથી જેને કોઈ મળવા નહોતું આવ્યું એને માટે
આવું મઘમઘતું ટિફિન આવેલું જોઈને બાકીના પલંગ પર સૂતેલા લોકો પણ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.
‘તમે તો મને ભૂલી જ ગયા.’ ટિફિન લઈને આવેલી સ્ત્રીએ સૂરિની આંખોમાં એવી રીતે જોયું જાણે કે,
ચેતવણી આપતી હોય. સૂરિ માટે આ ભાવ કે આવી આંખો કોઈ નવાઈની વાત નહોતી. એણે શાંતિથી જમવા માંડ્યું,
‘તમારું કામ પણ ભૂલી ગયા.’ હવે સૂરિ ચોંક્યો, પણ એણે એ સ્ત્રીને જણાવા દીધું નહીં, ‘એક-બે દિવસમાં ડિસ્ચાર્જ
થઈ જશે. પછી ઘરે આવીને તમારું કામ પતાવો.’ પેલી સ્ત્રીએ કહ્યું. આ ત્રણ વાક્યમાં સૂરિને એટલું ચોક્કસ સમજાયું
કે, દિલબાગનું મૃત્યુ ઈચ્છનાર માત્ર અવિનાશકુમાર નહોતો. એ તો એક મ્હોરું કે પ્યાદું હતું. એની પાછળ કોઈ બીજું
હતું જે કોઈપણ ભોગે દિલબાગને ખતમ કરવા માગતું હતું.
‘તમને કોણે કહ્યું કે, હું હોસ્પિટલમાં છું.’ આજુબાજુના પેશન્ટ સાંભળી શકે છે એ વાતનો પૂરો ખ્યાલ રાખીને
સૂરિએ પૂછ્યું.
‘કહે, કોણ?’ એ સ્ત્રી વહાલથી પીરસી રહી હતી, ‘પોતાના માણસની ખબર તો રાખવી જ પડે ને?’ એણે
લાડથી કહ્યું, ‘હવે જલદી સાજા થઈ જાઓ અને કામે લાગો.’ સૂરિએ જમી લીધું ત્યાં સુધી એ શાંતિથી બેઠી. ટિફિન પેક
કરીને જતાં જતાં એણે સૂરિના હાથમાં થોડાં પૈસા પકડાવ્યા, ‘હું તો રોજ નહીં આવી શકું, પણ તમારી દવા કે બીજા
કશાની જરૂરિયાત હોય તો…’ કહીને એણે ઊંડો શ્વાસ લીધો, ‘સાહેબે મોકલાવ્યા છે.’ એ સ્ત્રી સ્મિત કરીને નીકળી
ગઈ. એના ગયા પછી સૂરિએ પૈસા ગણવા માટે વાળેલી નોટોની થોકડી ખોલી તો એની વચ્ચે એક નાનકડી ચિઠ્ઠી
હતી.
‘એમ નહીં માનતો કે, અમે ભૂલી ગયા છીએ. દિલબાગની સુપારી લીધી છે તેં. કામ પૂરું કરવું પડશે.’ ચિઠ્ઠી
વાંચીને સૂરિ એક સેકન્ડ વિચારમાં પડ્યો, પછી એ નાનકડી કાપલી જેવી ચિઠ્ઠીનો ડૂચો વાળીને એણે કચરા ટોપલીમાં
નાખી દીધો.
‘કોણ છે આ?’ રાહુલ તાવડેના હાથમાં એ જ ચિઠ્ઠી હતી જે સૂરિએ કચરા ટોપલીમાં ફેંકી હતી. સૂરિ ઉપર
નજર રાખવાનું અને એને મળવા આવતા માણસો વિશે તપાસ રાખવાનું કામ રાહુલે એના એક અંગત માણસને સોંપ્યું
હતું. એણે રાહુલને આ સ્ત્રી વિશે રૂપિયા અને એમાંથી નીકળેલી ચિઠ્ઠી વિશે માહિતી આપતા સૂરિએ કચરા
ટોપલીમાંથી ઉઠાવેલી એ ચિઠ્ઠી પણ આપી દીધી. એ ચિઠ્ઠી વાંચીને રાહુલને નવાઈ લાગી. અવિનાશના ગયા પછી
કોઈ દિલબાગનું મૃત્યુ ઈચ્છતું હતું. એ કોણ હોઈ શકે… રાહુલને સમજાયું નહોતું.
‘એ તો ખબર નથી સાહેબ, પણ બાઈ બહાર નીકળીને એક રીક્ષામાં બેઠી. એણે એ રીક્ષા ટોલનાકા પર છોડી
દીધી. ત્યાંથી એસટી બસ લીધી, બોરિવલી બસ સ્ટોપ પર ઉતરી. ત્યાંથી લોકલ લીધી અને પરેલ ઉતરી. પરેલથી
બીજી ટ્રેન લીધી, ચર્ચગેટ જવા…’
‘બસ… બસ…’ રાહુલે હાથ ઊંચો કર્યો, ‘ટૂંકમાં, બાઈનો પીછો કરવાથી કંઈ મળશે નહીં. એ તો સંદેશો લઈને
આવી હતી. સંદેશો કોનો છે એ સમજવું પડે.’
‘હું પણ એ જ વિચારું છું સાહેબ.’ રાહુલ તાવડેનો અંગત માણસ મનોજ મરાઠે રાહુલના બાળપણનો દોસ્ત
પણ હતો અને એનો રહસ્ય મંત્રી પણ. મનોજ બહુ જ ઓછું બોલતો. રાહુલના દરેક કાર્યક્રમમાં દરેક જગ્યાએ એની
સાથે હોવા છતાં તસવીરકારોથી દૂર રહેતો. રાહુલ જ નહીં, એની પત્ની પણ મનોજ પર ભરોસો કરતી. મનોજે
ધીમેથી કહ્યું, ‘મને શક છે કે, દિલબાગને એવું લાગશે કે, આ ચિઠ્ઠી તમે મોકલી છે.’
‘હું પણ એ જ વિચારી રહ્યો હતો.’ રાહુલે કહ્યું.
‘આપણે હમણા કંઈ ક્લેરિફાય નથી કરવું. સૂરિ આજકાલમાં છૂટશે, પછી શું થાય છે એ જોઈએ.’ રાહુલે કહ્યું.
પછી પૂછ્યું, ‘પેલી દાક્તરણ અને મંગલના શું હાલ છે?’ જવાબમાં મનોજે છેલ્લા ત્રણ દિવસથી શ્યામાને ઘરે આવેલા
ફૂલ, ગિફ્ટ અને ચોકલેટના ડબ્બાની વાત કહી સંભળાવી. એક અજાણ્યો ડિલિવરી બોય આવીને એના ઘરની બહાર
વોચમેનને કે એની નોકરાણી અંજુને આવી વસ્તુઓ આપીને ચાલી જતો હતો. મનોજે એની જાણ રાહુલને કરી.
‘હંમમ.’ રાહુલે એ વાતની નોંધ લઈને ડોકું હલાવી દીધું.
ચર્ચગેટ સ્ટેશનની ભીડમાં એક બાકડા પર બેસેલા ભાસ્કરભાઈ કોઈની રાહ જોઈ રહ્યા હતા. ગળામાં ટાઈ-
શૂટ પહેરીને સ્ટેશનના બાકડા પર બેસેલો આ માણસ થોડો વિચિત્ર લાગતો હતો. લગભગ દસેક મિનિટ રાહ જોયા
પછી ફૂલોવાળી સાડી પહેરેલી એક જાડી સરખી આધેડ સ્ત્રી ત્યાં આવી. એ પહેલાં ભાસ્કરભાઈની બાજુમાં બેસવા
ગઈ, પછી એ વિચાર છોડીને એણે બાકડાથી થોડા દૂર ઊભા રહીને પોતાનો ફોન કાઢ્યો. ફોન પર વાત કરતી હોય
એવી રીતે એણે કહ્યું, ‘ચિઠ્ઠી આપી દીધી છે.’
‘એણે શું કહ્યું?’ ભાસ્કરભાઈએ પૂછ્યું. એમણે કાનમાં બ્લૂ ટૂથ પહેર્યું હતું.
‘એ તો હવે કહેશે. મારા ગયા પછી વાંચી હશે ચિઠ્ઠી.’ એ સ્ત્રીએ ફોનમાં જવાબ આપ્યો.
‘મને દિલબાગ મરેલો જોઈએ.’ ભાસ્કરભાઈએ કહ્યું.
‘કરશે.’ એ સ્ત્રીના હાથમાં હજી ફોન પકડેલો જ હતો, ‘એકવાર બહાર તો નીકળવા દો.’
‘દિલબાગની ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે. બે દિવસ પછી મેજિસ્ટ્રેટ સામે લઈ જશે. એ પહેલાં…’
ભાસ્કરભાઈનો ચહેરો તમતમી ગયો હતો.
‘મને એ નથી સમજાતું કે તમે…’ પેલી સ્ત્રીએ પૂછ્યું.
‘સમજવાનું કામ તારું નથી.’ ભાસ્કરભાઈએ કહ્યું, ‘આ છોકરો કોર્ટમાં જીત્યો કારણ કે, એના બાપે એની મદદ
કરી. મંગલસિંઘ જીવે કે મરે, એને સજા થવાની છે, નાની કે મોટી એમાં મારે બહુ પડવું નથી, પણ મારી દીકરી જેવી
અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરનાર દિલબાગ જીવતો ન રહેવો જોઈએ.’ ભાસ્કરભાઈએ કહ્યું, ‘અવિનાશકુમાર
સાથે મળીને કેટલો સુપર્બ પ્લાન કર્યો હતો, પણ સાલો નસીબનો બળિયો છે. હોમ મિનિસ્ટરના ફાર્મ હાઉસથી ભાગી
છૂટ્યો.’
‘હવે તમે બાકીના પૈસા આપો કે નહીં, સૂરિ પોતાની જીભ માટે, પોતાની ઈમ્પ્રેશનને બજારમાં સાચવવા,
પોતાની ધોંસ જમાવવા માટે પણ દિલબાગને મારી નાખશે.’ એ સ્ત્રીએ કહ્યું, ‘આખા અંડરવર્લ્ડમાં સૌ જાણે છે કે,
સૂરિએ દિલબાગની સોપારી લીધી છે. દિલબાગ જેટલા દિવસ જીવતો રહે એટલા દિવસ સૂરિની ઈજ્જત પર ખતરો
છે.’ કહીને એ સ્ત્રીએ ધીમેથી ભાસ્કરભાઈ તરફ જોયું, ‘તમે ચિંતા છોડી દો સાહેબ અને ઘરે જાઓ. બધું એની મેળે જ
પતી જશે.’
ભાસ્કરભાઈ ઊભા થયા, બ્લૂ ટુથ ઉપર વાત કરવાનો ડોળ કરતાં કરતાં એમણે પેન્ટના ખીસામાં હાથ નાખીને
ચાલવા માંડ્યું, ‘દિલબાગ મરવો જોઈએ અને મંગલની જિંદગી જેલમાં જ પૂરી થવી જોઈએ.’ એમણે કહ્યું. એ
ઝડપથી ચાલીને ચર્ચગેટ સ્ટેશનની બહાર નીકળી ગયા. પેલી સ્ત્રી પણ સામે ઊભેલી લોકલ ટ્રેનમાં ચડી ગઈ.
(ક્રમશઃ)