‘બાઉજી…’ મંગલનું ગળું ભરાઈ આવ્યું, પણ એ રડ્યો નહીં. જાળીની બીજી તરફ બેઠેલી શ્યામા એને જોઈ
રહી હતી. મંગલના ચહેરા પર કશુંક અત્યંત કિંમતી, પ્રિય ગૂમાવી દીધાનો ખાલીપો હતો, પણ આંખમાં આંસુ નહોતાં.
એણે શ્યામા તરફ જોયું. એ સાવ ચૂપ હતો. પંદર મિનિટની એકાંત મુલાકાત મળી હતી શ્યામાને. એ પણ એના
પિતાના મૃત્યુના સમાચાર આપવા માટે. દસ મિનિટ થઈ ગઈ હતી. જાળીની પેલી તરફ સામે ખાલી ઓરડામાં બેઠેલો
મંગલ સતત ફર્શ તરફ જોઈ રહ્યો હતો. શ્યામા ઈચ્છતી હતી કે, એ રડી લે. કંઈ બોલે, પરંતુ મંગલ તો જાણે પત્થરનો
બન્યો હોય એમ આવીને બેન્ચ ઉપર બેઠો એ પછી માત્ર એકવાર ‘બાઉજી’ સિવાય કશું જ બોલ્યો નહોતો.
‘મંગલ…’ આખરે શ્યામાએ ઘડિયાળ જોઈને ચૂપકીદી તોડી, ‘મારી સામે જો. વાત કર મારી સાથે. એક દિવસ
દિલબાગનું આ જ થવાનું હતું. આપણે જાણતા જ હતા.’ એણે કહ્યું. મંગલ છતાંય કશું બોલ્યો નહીં, ‘દિલબાગસિંઘનું
બોડી પોસ્ટમોર્ટમ માટે ગયું છે, અગ્નિસંસ્કાર કરવા માટે તને રજા આપશે. મેં અરજી કરી છે.’
આ સાંભળીને મંગલે સહેજ ઊંચું જોયું. એની આંખોમાં જે ભાવ હતા એ જોઈને શ્યામા ભીતરથી હચમચી
ગઈ. એમાં હિંસા કે ગુસ્સો નહોતો, ન કોઈ વેરની ભાવના દેખાઈ શ્યામાને. મંગલની આંખોમાંથી જાણે પ્રાણ ચાલી
ગયા હતા. પત્થરના ટૂકડા ચોંટાડ્યા હોય એવી બે આંખોએ જિંદગી છોડી દેવાનું નક્કી કરી લીધું હોય, એવું કંઈક
અપાર્થિવ-લાઈફલેસ હતું એની આંખોમાં!
‘મંગલ! જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે. હવે…’ શ્યામાએ ફરી એકવાર વાત કરવાનો પ્રયાસ કર્યો.
‘હવે…’ મંગલના ગળામાંથી જાણે માંડ અવાજ નીકળતો હોય એમ એણે કહ્યું, ‘હવે મને ફાંસી જોઈએ છે.’
આ સાંભળીને શ્યામાની આંખો પહોળી થઈ ગઈ, ‘આજે નહીં તો કાલે… મારું પણ આ જ થવાનું છે. કોઈ મારી
નાખે એના કરતા હું જાતે મારું મોત માગી લઉં તો…’
‘મરી જવાથી બધું પતી જશે?’ શ્યામાએ રૂંધાયેલા ગળે પૂછ્યું. ખરેખર તો એને પોતાને પણ નહોતું સમજાતું
કે, એનું હૃદય મંગલસિંઘ માટે આટલું કેમ પીગળી રહ્યું હતું.
‘હું અહીંથી બહાર નહીં નીકળી શકું એ ખબર છે મને.’ મંગલસિંઘે કહ્યું. એના અવાજમાં કોઈ સંત જેવી
સ્થિરતા હતી જે શ્યામાને વધુને વધુ વિચલિત કરી રહી હતી, ‘હવે જીવવા માટે કોઈ કારણ નથી મારી પાસે.’ એણે
કહ્યું, ‘એક બાઉજી હતા જે બહાર મારી રાહ જોતા હતા હવે એ પણ નથી.’ કહીને મંગલ ઊભો થઈ ગયો. એણે ઊભા
ઊભા જ કહ્યું, ‘બાઉજી સાથે એક મુલાકાત થઈ શકી હોત તો સારું થાત. એમણે મારી મા સાથે જે કર્યું તે શું કામ કર્યું,
બસ આ સવાલનો જવાબ મળી ગયો હોત તો…’ શ્યામાને લાગ્યું કે જાણે મંગલની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં, પણ
મંગલ પોતાના આંસુ પી ગયો. એણે થૂંક ગળા નીચે ઉતારીને શ્યામા તરફ જોયા વિના જ કહ્યું, ‘એમણે મારી મા વિશે
મને ખોટું કહ્યું. મને યાદ હતું, હું જાણતો હતો છતાં એમનું માન રાખ્યું મેં. દલીલ નથી કરી કોઈ દિવસ કે નથી સવાલો
પૂછીને એમને હેરાન કર્યા. જતા પહેલાં એમણે એમનું ખાતું ખાલી કરીને જવું જોઈતું હતું.’ મંગલે કહ્યું.
‘એ કહેવા માગતા હોય કદાચ, પણ…’ શ્યામાએ દબાયેલા અવાજે દિલબાગનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો,
પણ એને શબ્દો ન જડ્યા.
‘કહેવા માગતા હોય તો કહી દેવું જોઈએ. આખી જિંદગી મેં એમનો આદર કર્યો છે. પગે લાગ્યા વગર ઘરમાંથી
નીકળ્યો નથી ને ઘરે આવીને પહેલાં એમના ચરણ સ્પર્શ કર્યા છે. એમણે પણ મારી મા ઉપરનો આરોપ મિટાવીને જવું
જોઈતું હતું.’ કહીને મંગલે આંખો મીંચી દીધી, ‘મારી મા એમને માફ નહીં કરે…’ ઊંડો શ્વાસ લઈને એણે ઉમેર્યું,
‘કદાચ હું પણ…’ એણે જતાં જતાં કહ્યું, ‘હિસાબ બાકી રહી ગયો.’
જાણે એણે પોતાના તરફથી જ વાત પૂરી કરી નાખી હોય. શ્યામાએ એને રોકવાનો પ્રયાસ કર્યો. મંગલને જાણે
હવે શ્યામા તરફ પણ કોઈ આસક્તિ કે અનુરાગ ન હોય એમ પાછળ જોયા વગર એ મુલાકાતના ઓરડામાં બહાર
નીકળી ગયો. શ્યામા ત્યાં જ ઊભી રહી ગઈ. ઊભી ઊભી એને જતો જોઈ રહી.
એના ગયા પછી શ્યામા અન્યમનસ્ક થઈ ગઈ. એને સમજાયું નહીં કે એણે શું કરવું જોઈએ. એક તરફ
દિલબાગના પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવવાની રાહ જોવાતી હતી તો બીજી તરફ મંગલને જાણે જીવનથી મોઢું જ ફેરવી
લીધું હતું. શ્યામા ભાંગેલા પગે બહાર નીકળી. ગાડીમાં બેઠી અને હોસ્પિટલ તરફ નીકળી ગઈ.
શ્યામાનાં જવાની રાહ જોતો નાર્વેકર જેલરની ઓફિસમાં બેઠો હતો. શ્યામાને ખબર ન પડે એ રીતે એ
મંગલસિંઘને મળવા માગતો હતો. શ્યામા બહાર નીકળી કે જેલરે મંગલને બોલાવવા માટે એક વોર્ડરને મોકલ્યો.
થોડીવારમાં મંગલસિંઘ અને વોર્ડર આવી પહોંચ્યા. મંગલસિંઘના ચહેરા પર એ જ સ્તબ્ધતા અને સ્મશાનવત્
વૈરાગ્યનો ભાવ હતો. એ આવીને જેલરના ટેબલની સામે ઊભો રહ્યો. એણે નાર્વેકરને જોયો, પણ એના ચહેરા પર
કોઈ ફેરફાર ન થયો.
‘મંગલ!’ નાર્વેકરે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો. મંગલે નાર્વેકર તરફ જોયું સુધ્ધાં નહીં, ‘આઈ એમ
સોરી.’ એણે કહ્યું. મંગલ એમ જ સ્થિર કોઈપણ પ્રકારના પ્રતિભાવ વગર ઊભો રહ્યો. થોડીક ક્ષણો ચૂપ રહ્યા પછી
નાર્વેકરે કહ્યું, ‘તારા બાઉજી તારી સાથે ગઈકાલે રાત્રે વાત કરવા માગતા હતા, મેં પ્રયત્ન કર્યો, પણ હું તારી સાથે વાત ન
કરાવી શક્યો. એમને તને કંઈ કહેવું હતું… કશું બહુ ઈમ્પોર્ટન્ટ.’
‘શું?’ મંગલના ચહેરા પર જરાય જિજ્ઞાસા નહોતી.
‘એમણે આ પત્ર આપ્યો છે તારા માટે. કહ્યું છે કે, ફાર્મહાઉસ, મુંબઈનો ફ્લેટ અને બાકી બધી પ્રોપર્ટીમાં તારું
નામ છે. બાકીની વિગતો વિક્રમજિત તને સમજાવશે.’ નાર્વેકરે કહ્યું.
‘જિતાચાચા?’ અત્યાર સુધી કોઈપણ પ્રકારના પ્રતિભાવ વગર સાંભળી રહેલો મંગલ અચાનક હસી પડ્યો,
‘એ જ નથી જીવવાનો…’ મંગલ અદબવાળીને ઊભો હતો. એણે પત્ર લેવા માટે હાથ લંબાવ્યો નહીં.
‘આ તારા પિતાની છેલ્લી કેફિયત છે.’ નાર્વેકરે કહ્યું.
‘હશે.’ મંગલે હજીયે અદબ છોડી નહીં, ‘હું આ પત્ર વાંચું કે ન વાંચું, શું ફરક પડશે? એ તો ગયા ને… કદાચ
વાંચીને મને બધું સમજાય, મારા સવાલોના જવાબો મળે તો પણ હું એમને ભેટીને માફી નહીં માગી શકું ને કદાચ પત્ર
વાંચીને એમના પર ગુસ્સો આવે, તિરસ્કાર થાય તો પણ એમને કંઈ કહી નહીં શકું.’ મંગલે કહ્યું, ‘જે હિસાબ બાકી રહી
ગયો છે એને બાકી જ રહેવા દઈએ. નથી જોઈતો મારે પત્ર.’ એણે કહ્યું.
‘આ પત્ર વાંચી લે મંગલ.’ નાર્વેકરે ધીમેથી કહ્યું, ‘તારા ઘણા સવાલોના જવાબો છે આ પત્રમાં.’ નાર્વેકરના
અવાજમાં અફસોસ હતો, ‘કાશ! હું ગઈકાલે એને તારા સુધી લાવી શક્યો હોત…’ નાર્વેકર સહેજ ઈમોશનલ થઈ ગયો.
એને યાદ આવી ગયું, દિલબાગે એને લોકઅપમાં જ કહી દીધું હતું કે, મોટેભાગે ઓમ અસ્થાનાના માણસો એને
જીવતો નહીં રહેવા દે. પોતે દિલબાગની એ ચેતવણીને ગંભીરતાથી ન લીધી એ વાતે નાર્વેકર પસ્તાઈ રહ્યો હતો. એણે
સ્નેહથી મંગલના ખભે ફરી હાથ મૂક્યો, ‘આપણે આપણા મા-બાપને આજના સંજોગોમાં સાચા-ખોટા ઠેરવીએ
છીએ. એમણે આજથી વર્ષો પહેલાં જે કર્યું એ વાતને આપણે આજે આપણી જગ્યાએથી જોઈએને ત્યારે કદાચ,
આપણે એમના વિશે ન્યાય કરવામાં ખોટા પડીએ.’ આ કહેતી વખતે નાર્વેકરને દિલબાગનો ચહેરો પોતાની નજર સામે
દેખાઈ રહ્યો હતો. મંગલ એવો જ, સ્થિર ઊભો હતો, પણ નાર્વેકરની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ પોલીસ
ઈન્સ્પેક્ટર હતો, અનેક કેદીઓ સાથે કામ પાડ્યું હતું. ટૂંકી કારકિર્દીમાં ઘણી ઊંચ-નીચ જોઈ લીધી હતી નાર્વેકરે, પરંતુ
આ બાપ-દીકરાનો કિસ્સો એને માટે જાણે અંગત બાબત બની ગયો હતો.
‘વાત સાચી છે.’ જેલરે ટાપસી પૂરાવી, ‘મંગલ! હવે જે માણસ છે જ નહીં, એની છેલ્લી વાત સાંભળી
લેવામાં કશું ખોટું નથી.’ જેલરે પણ સહાનુભૂતિથી ઓર્ડર કર્યો, ‘લઈ લે પત્ર.’
મંગલસિંઘે અદબ છોડી, હાથ લંબાવ્યો. લગભગ 18-20 પાનાંનો ફૂલસ્કેપ ચોપડાના કાગળ ફાડીને લખેલો
પત્ર ત્રણ ગડીમાં વાળેલો હતો. પત્ર હાથમાં લઈને મંગલસિંઘે જેલરને નમસ્તે કર્યા. નાર્વેકરની આંખોમાં એકવાર જોયું,
પછી પૂછ્યું, ‘મને ખરેખર સમજાતું નથી કે તમને મારા બાઉજી માટે આટલી સહાનુભૂતિ કેમ છે?’
નાર્વેકરની આંખો ભીની હતી, પણ એના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘સ્વાભાવિક છે તને આવો સવાલ
થાય. અમે તો રોજ ગુનેગારો સાથે કામ કરીએ. કોઈના માટે આવી પર્સનલ જવાબદારી લેતા નથી.’ એણે ઉમેર્યું, ‘લઈ
શકીએ નહીં… પોષાય નહીં અમને.’ ગળું ખોંખારીને એણે કહ્યું, ‘દિલબાગ સારો માણસ હતો. ખોટા ધંધામાં હતો.
ખોટું કરતો હતો, પણ એ માણસ ખોટો નહોતો.’ મંગલસિંઘ પલક ઝપકાવ્યા વગર નાર્વેકર સામે જોઈ રહ્યો, ‘ક્યારેક
સંજોગો, ક્યારેક મજબૂર, ક્યારેક ભય તો ક્યારેક પરિસ્થિતિનો સામનો નહીં કરી શકવાની નબળાઈ માણસને ગુનેગાર
બનાવે છે… એકવાર ગુનેગાર બની ગયા પછી એ ગલીમાંથી બહાર નીકળવાના રસ્તા એક પછી એક બંધ થતા જાય
છે. છેલ્લો એક જ રસ્તો બાકી રહે છે, જે રસ્તે દિલબાગ ગયો.’ એણે ફરી એકવાર મંગલસિંઘના ખભે હાથ મૂક્યો,
‘પત્ર લઈ લીધો છે, પણ વગર વાંચ્યે ફાડી નહીં નાખતો. તારા પિતાની આખરી કેફિયત છે એમાં. શક્ય છે તારા રસ્તા
હજી ખુલ્લા હોય, તારા પિતા કદાચ તને એ રસ્તે બહાર કાઢવા માગતા હોય…’ આગળ સાંભળવાની દરકાર કર્યા વગર
મંગલસિંઘ પત્ર લઈને ચાલી ગયો.
નાર્વેકર અને જેલરે એકમેક સામે જોયું, પછી આભાર માનીને, હાથ મિલાવીને નાર્વેકર ત્યાંથી નીકળ્યો. બહાર
જઈને પોલીસ જીપમાં બેસતી વખતે નાર્વેકરને એવી લાગણી થઈ જાણે એના જીવનનું મહત્વનું કામ એણે પૂરું કરી
નાખ્યું હોય. પોતાની સીટ પર માથું ઢાળીને નાર્વેકરે એના કોન્સ્ટેબલને કહ્યું, ‘સ્ટેશન લઈ લે.’
*
શ્યામા હોસ્પિટલ પહોંચી ત્યારે એણે પોતાના સાયલન્ટ કરેલા ફોનમાં જોયું કે, ભાસ્કરભાઈને અનેક
મિસ્ડકોલ હતા. એણે ભાસ્કરભાઈને ફોન કર્યો.
‘કોન્ગ્રેચ્યુલેશન.’ ભાસ્કરભાઈએ કહ્યું. એમના અવાજમાં સાચે જ આનંદ હતો. એક વિચિત્ર પ્રકારની રાહતની
વેર લઈ લીધા પછી મળતા ક્રૂર વિજયની લાગણી એમના અવાજમાં સ્પષ્ટ સંભળાતી હતી, ‘દિલબાગ તો પતી ગયો.’
‘ડેડ! આ ખુશ થવા જેવી બાબત છે?’ શ્યામાથી પૂછાઈ ગયું.
‘અફકોર્સ. આજે નહીં તો કાલે એ મરવાનો જ હતો. ચાર્જશીટ દાખલ થયા પછી એને ફાંસીથી ઓછી સજા
નહોતી જ થવાની. થોડો વહેલો પતી ગયો, બીજું શું? આઈ હોપ તને એના મોતથી દુઃખ નથી થયું.’
‘થયું, ડેડ.’ શ્યામાએ કહ્યું. ભાસ્કરભાઈને સહેજ ઝટકો લાગ્યો, એ પોતાની દીકરીને ઓળખતા હતા. એની
સંવેદના અને ઋજુતા જાણતા હતા એટલે કશું બોલ્યા નહીં. શ્યામાએ આગળ કહ્યું, ‘જેણે પણ આ કર્યું, એણે પોતાના
અંગત સ્વાર્થ માટે કર્યું છે. દિલબાગ જો કોર્ટ સુધી પહોંચી જાય તો એ માણસના પત્તા ખૂલી જાય એટલી માહિતી
હોવી જોઈએ દિલબાગ પાસે. એ માહિતી છુપાવવા એણે દિલબાગને મારી નાખ્યો.’ શ્યામાએ સહેજ અટકીને કહ્યું,
‘મંગલ તો જેલમાં છે, પણ મેં નક્કી કર્યું છે કે, દિલબાગના ખૂનીને શોધ્યા વગર નહીં રહું.’
આટલું સાંભળતાં જ ભાસ્કરભાઈના પેટમાં તેલ રેડાયું, ‘તારે શું જરૂર છે આ બધામાં પડવાની, જે થવાનું હતું
એ થઈ ગયું છે. દિલબાગને એના કર્મોની સજા મળી છે અને મંગલને એના કર્મની સજા મળી જશે. આપણી
જવાબદારી પૂરી થઈ. બાકીનું કોર્ટ અને કાયદાને કરવા દે.’
‘સાચું કહું ડેડ, દિલબાગના ખૂનીને કાયદો નહીં શોધે. એમને તો લાગે છે કે, એમનું કામ ઓછું થયું.
દિલબાગના ગુના પ્રૂવ કરવા, એને સજા કરાવવી, સજાનો અમલ થાય ત્યાં સુધી દિલબાગને સાચવવો… આ બધી
જવાબદારીમાંથી છટક્યાનો આનંદ છે. પોલીસ અને કાયદાના રખેવાળોને. એ લોકો આમાં નહીં પડે. એમને માટે આ
ઓપન એન્ડ શટ કેસ છે.’ શ્યામાએ કહ્યું, ‘પણ હું એવું નહીં થવા દઉં.’ સહેજ અટકીને એણે ઉમેર્યું, ‘મંગલ પણ એવું
નહીં જ થવા દે.’ ભાસ્કરભાઈ કંઈ આગળ કહેવા જાય એ પહેલાં શ્યામાએ કહી નાખ્યું, ‘જો મંગલ એના પિતાના
ખૂનીને શોધવા માટે જેલમાંથી ભાગવા માગશે ને તો પણ હું એની મદદ કરીશ.’
(ક્રમશઃ)