પ્રકરણ – 44 | આઈનામાં જનમટીપ

શ્યામાની વાત સાંભળીને ભાસ્કરભાઈ ડરી ગયા હતા. દિલબાગને એ મરાવવા માગતા હતા એ વાત સાચી,
પરંતુ એમનો માણસ સૂરિ તો પોતાનું નિશાન તાકે તે પહેલાં દિલબાગ કોઈ બીજાની ગોળીનું નિશાન બની ગયો હતો.
અર્થ એ હતો કે, દિલબાગનો જીવ લેનાર માણસ કોઈ જબરજસ્ત ગેંગસ્ટર કે પોતાની વગ અને પહોંચ ધરાવતો
માણસ હતો. શ્યામા આવા કોઈ લફરાંમાં પડે એ ભાસ્કરભાઈને મંજૂર નહોતું. બીજી તરફ શ્યામાએ તો જાણે નક્કી કરી
લીધું હતું, ‘જો મંગલ એના પિતાના ખૂનીને શોધવા માટે જેલમાંથી ભાગવા માગશે ને તો પણ હું એની મદદ કરીશ.’
આ સાંભળીને ભાસ્કરભાઈ થોથવાઈ ગયા. મૂરખ છોકરી આખી વાતને પર્સનલી લઈને જો ખરેખર
દિલબાગના ખૂનીને શોધવા નીકળશે તો શું થશે એ વિચારે એમને સાચે જ ચિંતા થવા લાગી, ‘જો બેટા, ઈટ્સ ઓલ
ઓવર. આપણે શાંતિથી…’
‘ના ડેડ.’ શ્યામાએ વચ્ચેથી જ એમની વાત કાપી નાખી, ‘આ વાતનો નીવેડો તો લાવવો જ પડશે. દિલબાગ
કો-ઓપરેટ કરવા તૈયાર હતો. મંગલસિંઘ પોતાનો ગુનો કબૂલી ચૂક્યો છે એવી સ્થિતિમાં દિલબાગનું ખૂન કરનાર
માણસ કોણ છે એ જાણવું જ પડે. એ કોઈ એવો માણસ છે જે દિલબાગના ઓપરેશનનું મોટું માથું છે. આ દેશના
રાજકારણ અને અર્થતંત્રમાં એની વગ હોવી જોઈએ. એની પોઝિશન એટલી ઊંચી હોવી જોઈએ કે દિલબાગનું એક
સ્ટેટમેન્ટ એને પળવારમાં કરોડોનું નુકસાન કરાવી શકે એમ હોય… તો જ એણે દિલબાગને મારવો પડે.’
‘તને લાગે છે કે… રાહુલ?’ દાણો દબાવી જોવાના વિચારથી ભાસ્કરભાઈએ પૂછ્યું.
‘રાહુલ સાથે મારી વાત થઈ છે. એણે નથી કર્યું.’ શ્યામાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
‘તો પછી?’ ભાસ્કરભાઈ પણ સહેજ વિચારમાં પડ્યા.
‘એ જ તો શોધવું છે મારે…’ શ્યામાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘આજે જેણે દિલબાગને માર્યો છે એ કાલે
મંગલ પર ગોળી ચલાવતાં નહીં અચકાય. આઈ ડોન્ટ વોટ મંગલ ટુ ડાય સચ ઓર ડેથ.’ શ્યામાએ કહ્યું, ‘હું એને એમ
નહીં મરવા દઉં.’ શ્યામાની વાત સાંભળીને ભાસ્કરભાઈના પગ પાણી પાણી થઈ ગયા. એ પોતાની દીકરીને ઓળખતા
હતા. શ્યામા હવે આ વાતના છેડા સુધી પહોંચ્યા વગર નહીં જંપે એની ભાસ્કરભાઈને ખાતરી હતી.
એમણે શ્યામાને કંઈ ન કહેવાનું નક્કી કર્યું, પણ બીજી તરફ એ કંઈ પણ આવું વગર વિચાર્યું પગલું ભરે તો એની
કાળજી લેવા માટે એમણે સૂરિનો સંપર્ક કર્યો.
‘બોલો સાહેબ.’ સૂરિએ એમનો ફોન ઉપાડ્યો.
‘મારી દીકરી પર નજર રાખજે.’ ભાસ્કરભાઈએ સીધી મુદ્દાની વાત કરી.
‘કેમ લફરાંબાજી કરે છે?’ સૂરિએ હસતાં હસતાં પૂછ્યું.
‘લફરાંબાજી કરે તો વાંધો નથી, આ લફરાંમાં સંડોવાય એવા ચાન્સ વધારે લાગે છે.’ ભાસ્કરભાઈએ કહ્યું, ‘તેં
મારું એક કામ તો નથી કર્યું, પણ આ બીજું કામ એકદમ સાવચેતીથી અને સિરિયસલી કરજે.’ એમણે ઉમેર્યું, ‘મોં
માગ્યા પૈસા આપીશ. તારે ડગલે ને પગલે એનું ધ્યાન રાખવાનું છે. ક્યાંક ફસાય તો સાચવી લેવાની છે.’
‘વાત શું છે?’ સૂરિએ અકળાઈને પૂછ્યું.
‘એ દિલબાગના ખૂનીને શોધવા નીકળવાના મિજાજમાં છે.’ ભાસ્કરભાઈનો અવાજ ધ્રૂજ્યો, ‘બેવકૂફ છે, પણ
મંગલની મદદ કર્યા વિના નહીં રહે એ મને ખબર છે. મંગલ જેલમાં છે.’ ભાસ્કરભાઈ સહેજ અટક્યા, ‘કદાચ, ભાગે તો
પણ એ બે જણાં કંઈ નહીં કરી શકે. મંગલનો જીવ જાય એમાં મને વાંધો નથી, મારી દીકરી સલામત ઘેર પાછી ફરવી
જોઈએ.’ એમણે કહ્યું.
‘રોક લો ઉસે…’ સૂરિએ કહ્યું, ‘શું કામ આ બધા ચક્કરમાં પડવા દો છો.’

‘નહીં માને.’ ભાસ્કરભાઈથી કહેવાઈ ગયું, ‘મેં જ બગાડી છે. હવે એણે નક્કી કર્યું છે એટલે કોઈનું નહીં માને.’
એમણે ફરી એકવાર સૂરિને તાકીદ કરી, ‘એ મંગલ સાથે મળીને જ આ ચક્કર ચલાવશે. પેલો રાસ્કલ પતી જાય તો મને
કોઈ પ્રોબ્લેમ નથી, મારી દીકરીને ઉઝરડો ય ના પડવો જોઈએ. તું પડછાયાની જેમ એની સાથે રહેજે.’ કહીને
ભાસ્કરભાઈએ ઉમેર્યું, ‘એને ખબર ન પડવી જોઈએ કે, મેં તને એની કાળજી લેવા માટે હાયર કર્યો છે.’
‘ઠીક છે.’ કહીને સૂરિએ ફોટો, ફોન નંબર અને બીજી વિગતો મોકલવાની સૂચના આપી, ને ફોન કાપ્યો.
સૂરિ વિચારમાં પડ્યો. મંગલ એના બાપના ખૂનીને શોધવા માગે છે. હું મારા શિકારને બારોબાર ઉડાવી જનાર
શિકારીને શોધવા માગું છું, પણ આ છોકરીને શું ઈન્ટ્રેસ્ટ હોઈ શકે… સૂરિ ક્યાંય સુધી વિચારતો રહ્યો, પણ એને
પોતાના સવાલનો જવાબ જડ્યો નહીં.

*

પત્ર હાથમાં લઈને મંગલ પોતાના બેરેકમાં પાછો ફર્યો. એક ખૂણામાં જ્યાં એની જગ્યા હતી ત્યાં બેસીને
દિવાલને ટેકો દઈને એ હાથમાં પકડેલા પત્ર સામે જોતો રહ્યો. પત્ર વાંચ્યા વિના ફાડી નહીં નાખવાની વિનંતી કરી હતી
નાર્વેકરે, પણ કોણ જાણે કેમ મંગલનું મન અને મગજ બંને એને કહી રહ્યા હતા કે, આ પત્ર વાંચવાથી ભયાનક ધરતીકંપ
આવશે. એ અત્યારે પોતાની સજા ભોગવવા તૈયાર હતો. પિતા મૃત્યુ પામ્યા હતા. દિલબાગસિંઘની એક આખી
સલ્તનતનો અંત આવ્યો હતો. જે મુંબઈ પર રાજ કરતા લોકોમાંથી એક હતો એ ઈતિહાસ બની ચૂક્યો હતો ત્યારે એ
વિતી ગયેલા વર્ષોના પાનાં કે પૂરા થઈ ગયેલા ઈતિહાસના પ્રકરણ ખોલવાનો કોઈ અર્થ હતો કે નહીં, એ સવાલ
મંગલને મૂંઝવી રહ્યો હતો.
મંગલના હાથમાં કાગળનો જાડો એવો થપ્પો જોઈને શૌકત એની બાજુમાં આવીને બેઠો, ‘ભાભી મિલને આઈ
થી… વટ હૈ ભાઈ!’ એણે કહ્યું. મંગલ કશું બોલ્યા વગર હાથમાં પકડેલા પત્ર સામે જોતો રહ્યો. ‘ખત દે કે ગઈ?’ એણે
પૂછ્યું. મંગલે કોઈ ભાવ વગર કોરી આંખોએ એની સામે જોયું, ‘ક્યા લિખા હૈ ભાભીને, પઢો તો સહી…’ શૌકતના
નિર્દોષ કુમળા ચહેરા પર કોઈ ફિલ્મી રોમેન્સ જોઈ રહ્યો હોય એવા રસપ્રદ ભાવ હતા.
‘ભાભી કા નહીં હૈ.’ મંગલે કહ્યું.
‘મતલબ ભાભી હૈ, ઐસા તો માનતે હો…’ શૌકત ખુશ થઈ ગયો. એણે મંગલસિંઘના ખભાની આજુબાજુ
હાથ લપેટીને એને વહાલ કરી દીધું, ‘યહ સે બહાર નીકલ કે સીધા પ્રપોજ કર ડાલો. ભાભી મના નહીં કરેંગી.’ એણે
કહ્યું. મંગલને આ નાનકડા વહાલસોયા છોકરા પર ગુસ્સો નહોતો આવતો. એ એની રીતે દુનિયાને જોઈ રહ્યો હતો
અને એની નાનકડી સમજમાં જે કંઈ ઉતરતું એ ઝાઝું વિચાર્યા વગર બોલી નાખતો હતો. એટલે મંગલ એના પર
ચીડાતો નહીં બલ્કે, એને સિરિયસલી લેવાને બદલે હસી કાઢતો. જોકે, આજે મંગલને હસવું ના આવ્યું.
‘તું જા…’ મંગલે કહ્યું.
‘અકેલે મેં પઢોગે, હાં!’ શૌકતે કહ્યું, ‘ઠીક હૈ ભાઈ, એન્જોય.’ કહીને એ ચાલી ગયો. જતાં જતાં પાછળ જોઈને
એ લુચ્ચું હસતો હતો. મંગલને એના પર વહાલ આવી ગયું. સાથે સાથે થોડી ઈર્ષા પણ થઈ. કેટલી નિર્દોષ અને
નાનકડી દુનિયા હતી આ માણસની. એ વિચારીને મંગલની આંખો ભરાઈ આવી. આપણે પોતે જ આપણી દુનિયાને
ગૂંચવી નાખતા હોઈએ છીએ. સાદું અને સરળ હોય એમાંથી બધું કન્ફ્યુઝ કરી નાખતાં શીખી ગયા છીએ આપણે
સહુ… એ વિચારતો રહ્યો. હાથમાં પકડેલો કાગળ ખોલવો કે નહીં એ વિશે, મંગલ હજી પણ મૂંઝવણમાં હતો. એને
પળેપળ પોતાના પિતાનો ચહેરો દેખાતો હતો. દિલબાગ જાણે કહી રહ્યો હતો કે, ‘આ કાગળ ખોલ બેટા! એમાં મેં મારું
હૈયું ઠાલવી દીધું છે.’
અંતે, મંગલે પત્ર ખોલ્યો. એણે પત્ર વાંચવાની શરૂઆત કરી. એ જેમ જેમ પત્ર વાંચતો ગયો તેમ તેમ એની
નજર સામે ઘટનાઓ ભજવાતી રહી. જે લોકો એની માને ઉપાડી ગયા હતા એ ઓમ અસ્થાનાના માણસો હતા.
દિલબાગે ઓમ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આજે ઓમ અસ્થાના જે કંઈ છે એ ત્યારે નહોતો. સીધોસાદો
વ્યાજખાઉ, હપ્તાખાઉ હવાલદાર હતો એ. સમય સાથે કેટલાક પાવરફૂલ બિલ્ડર્સના સંપર્કમાં આવ્યો. કઈ રીતે એમની
જમીનો ખાલી કરાવી, ચાલીઓ પર કબજો કરવામાં મદદ કરી અને રાતોરાત મોટો માણસ બની ગયો એની કથા હતી
એ પત્રમાં. ઓમ અસ્થાના પાસેથી વ્યાજે લીધેલા પૈસા ચૂકવી ન શકવાને કારણે દિલબાગે એને જમીનો ખાલી
કરાવામાં મદદ કરવી પડતી. મારામારી અને માણસોને ડરાવાના કામમાં ઓમ દિલબાગની મદદ લેતો. એક દિવસ
આવી જ કોઈ હાથોહાથની મારામારીમાં દિલબાગથી ખૂન થઈ ગયું. ઓમ અસ્થાનાએ એને બચાવી તો લીધો, પણ
દિલબાગ જીવનભર માટે અસ્થાનાનો ગુલામ થઈ ગયો. એના બધા કાળાધોળા કામમાં અસ્થાનાએ દિલબાગનો
ઉપયોગ કરવા માંડ્યો. સરકારી અફસરો અને બીજા લોકોને ખુશ કરવા માટે જે છોકરીઓને ઓમ પૈસા આપીને
લાવતો એ જ છોકરીઓ જો પોતે સપ્લાય કરે તો કેટલા પૈસા કમાઈ શકે એ અસ્થાનાને સમજાઈ ગયું. એણે નેટવર્ક
વધાર્યું અને દિલબાગને એનો સૂત્રધાર બનાવી દીધો.
આ બધા પછી પણ અસ્થાનાને સંતોષ ન થયો એટલે એણે દિલબાગને ડ્રગ્સમાં ધકેલવાનો પ્રયાસ કર્યો.
દિલબાગે ડ્રગ્સના ધંધામાં પડવાની ના પાડી એ વાતે અસ્થાનાનો અહંકાર ઘવાયો. એણે પોતાના પાછલા બાકી
રૂપિયાનો હિસાબ કાઢ્યો અને એના પર વ્યાજ, ચક્રવૃધ્ધિ વ્યાજ લગાવીને એટલી મોટી રકમ માગી જે ચૂકવી શકવાની
દિલબાગની તાકાત જ નહોતી. અસ્થાનાના માણસો દિલબાગની પત્નીને ઉપાડી ગયા. એના પર બળાત્કાર કર્યો. એને
ઘેર પાછી મૂકી ગયા એ પછી દિલબાગની પત્નીએ આત્મહત્યા કરી. આ વાત દિલબાગે એના દીકરાથી એટલા માટે
છુપાવી કે મંગલ માના બદલામાં પાગલ થઈને એવું કંઈ ન કરી બેસે જેનાથી દિલબાગે દીકરાને પણ ખોવો પડે…
આ સિવાય પણ ઓમ અસ્થાનાના ઘણા ગુનાઓની કથા દિલબાગે પોતાના પત્રમાં લખી હતી. શાહપુરના
ફાર્મહાઉસમાં તિજોરીની અંદર અસ્થાના વિરુધ્ધ ભેગા કરેલા ખૂબ બધા પૂરાવા પડ્યા છે એ વાત દિલબાગે પોતાના
પત્રમાં મંગલને જણાવી હતી. એ તિજોરીમાં 20-25 કરોડ રૂપિયા કેશ છે, અને સાથે જ અસ્થાનાના ગુનાને સાબિત
કરતા ફોટોગ્રાફ, કોન્ટેક્ટ્સની ડિટેલ્સ અને ફોન પર થયેલી વાતોના રેકોર્ડિંગ્સ, કેટલાક વીડિયો પણ પેનડ્રાઈવમાં એ
કબાટમાં પડ્યા છે… આખો પત્ર પૂરો થયો ત્યારે રાતના સાડા અગિયાર થયા હતા. બેરેકની લાઈટો બંધ થઈ ગઈ તેમ
છતાં પોતાની પાસે રહેલી સાવ નાનકડી ટોર્ચથી અને બેરેકના સળિયામાંથી આવતા આછા પ્રકાશમાં આંખો ખેંચી
ખેંચીને મંગલસિંઘ એ પત્ર વાંચતો રહ્યો. આ બધું વાંચીને મંગલનું મગજ ભમી ગયું. એને ખબર જ હતી કે પત્ર વાંચ્યા
પછી એ નોર્મલ નહીં રહી શકે, કદાચ એટલે જ એ દિલબાગનો આ પત્ર વાંચતા ડરતો હતો. જિંદગી અત્યારે એવા
મકામ પર આવી હતી જ્યાંથી બે રસ્તા ફંટાતા હતા. એક, અત્યારે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં ગુના સ્વીકારીને જે
સજા મળે તે ભોગવીને જિંદગીને બદલી નાખવી, કદાચ જો શ્યામાનું મન પીગળે તો એની સાથે વધેલાં વર્ષો જીવી
નાખવાં અને બીજું, આ પત્ર વાંચ્યા પછી માથા પર કફન બાંધીને મા સાથે જે થયું એનો, પિતાના ખૂનનો બદલો લેવો
અને અસ્થાનાના આ સામ્રાજ્યને કાયમ માટે ખતમ કરી નાખવું… મંગલ ક્યાંય સુધી વિચારતો રહ્યો. કોઈ એક
વ્યક્તિએ તો શરૂઆત કરવી પડશે એ વાત મંગલને સમજાતી હતી. આવા અનેક દિલબાગની જિંદગી બરબાદ થતી
રહેશે જ્યાં સુધી ઓમ અસ્થાનાને ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી!
જો ખરેખર અસ્થાનાને ખતમ કરવો હોય તો જેલ તોડીને ભાગવું પડે. જો ભાગે તો શ્યામાનો વિશ્વાસ પણ
તૂટે. મંગલ બધું કરી શકે, પણ શ્યામાને દુઃખ પહોંચાડીને કે એનો વિશ્વાસ તોડીને એ કશું કરવા માગતો નહોતો. એણે
વિચાર્યું, આ વિશે શ્યામાને વાત કરવી જોઈએ કે નહીં, મંગલનું મન એને પૂછી રહ્યું હતું. પોતે શ્યામાને વચન આપ્યું
હતું કે, ગુનો સ્વીકારીને, કન્ફેશન કરીને એ શ્યામાને ન્યાય અપાવશે. હવે ભાગવાનો નિર્ણય કરે તો પણ એણે શ્યામાની
પરવાનગી લેવી જ પડે એવું રહી રહીને એનું મન એને કહી રહ્યું હતું.
આ બધું વિચારતો, મનોમંથન કરતો, ગૂંચવાતો અને ગૂંચ ઉકેલતો મંગલ અંતે, ખૂબ મોડી રાત્રે ઊંઘી ગયો. એ
ઊઠ્યો ત્યારે બેરેકના કેદીઓ બહાર નીકળવાની તૈયારીમાં હતા. શૌકત એની પાસે આવ્યો, ‘ક્યા ભાઈ, બહોત લંબા ખત
લિખા હૈ. કલ રાત કો આપ બહોત દેર તક પઢ રહે થે.’
શૌકત હજી આગળ મજાક કરે એ પહેલાં મંગલે એની આંખમાં જોયું, ‘યહાં સે ભાગેગા?’ મંગલે પૂછ્યું.
શૌકતની આંખો પહોળી થઈ ગઈ, ‘બહુ મોટું કામ છે. જાન પણ જઈ શકે. મદદ કરીશ મારી?’ મંગલે પૂછ્યું. શૌકતે ડોકું
ધૂણાવીને ‘હા’ પાડી. મંગલે ફરી કહ્યું, ‘જોખમનું કામ છે.’

‘કરીશ.’ શૌકતે દ્રઢતાથી કહ્યું, ‘ચચાજાનને પણ કહીએ. એ આપણી મદદ કરશે.’ એ અલતાફની વાત કરી રહ્યો
હતો. શૌકત પોતાના પિતાના એક નંબરના વિરોધી અલતાફનો ભત્રીજો હતો, પરંતુ મંગલે જ્યારે કન્ફેશન કરવાનો
નિર્ણય કર્યો ત્યારે એની સલામતીની જવાબદારી અલતાફે પોતાના ખભે લઈ લીધી હતી. શૌકતને પણ એણે જ
મંગલનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. અલતાફનો એક બીજો માણસ પંચમ પણ મંગલના જ બેરેકમાં એની સલામતી માટે
ગોઠવાયો હતો, ‘ચચાજાન પાવરફૂલ છે. તમારું કામ તરત થઈ જશે.’ શૌકત કહી રહ્યો હતો. મંગલ આ નાનકડા
જુવાનજોધ છોકરા સામે જોઈ રહ્યો. એણે હજી સુધી એવું પણ નહોતું પૂછ્યું કે, કામ શું છે. પોતાનામાં આટલો
વિશ્વાસ અને પોતાના માટે આટલો પ્રેમ જોઈને મંગલનું હૃદય દ્રવી ગયું. એણે વહાલથી મંગલના ગાલ પર હાથ
મૂક્યો. શૌકતે ગાલ પર મૂકાયેલા હાથ પર પોતાનો હાથ મૂકી દીધો, ‘આપ હીરો હૈં. મને તમે બહુ ગમો છો. તમારી
સાથે હું કોઈપણ કામ કરવા તૈયાર છું.’ શૌકતે કહ્યું. મંગલની આંખો ભરાઈ આવી. શૌકતનો ગાલ થપથપાવીને એ
ઊભો થયો. એણે પત્ર સાચવીને પોતાના તકિયા નીચે મૂક્યો. પછી એના પર કામળો લપેટી દીધો. બેરેકની બહાર
નીકળીને એ ટોઈલેટ અને બાથરૂમ્સના બ્લોક તરફ ચાલવા લાગ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *