પ્રકરણ – 46 | આઈનામાં જનમટીપ

સવારે મંગલ ઊઠ્યો ત્યારે શૌકત અને પંચમ ઓલરેડી નાસ્તો કરવા પહોંચી ગયા હતા. મંગલને ખાસ ખાવાની
ઈચ્છા નહોતી. એને પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહેવાનો છે એવી જાણ હોવા છતાં મનમાં ક્યાંક ભય અને
ઉદ્વેગનું દ્વંદ્વ ચાલતું હતું. નાહી-ધોઈને એણે જેલનો ધોયેલો યુનિફોર્મ પહેર્યો. ઘડિયાળમાં પોણા દસ થયા હતા.
પંચમ અને શૌકત આરામથી બેરેકમાં દાખલ થયા. આજુબાજુમાં બીજા પણ ત્રણ-ચાર જણાં બેઠાં હતા તેમ છતાં
પંચમે સહજતાથી કહ્યું, ‘ચલો ભાઈ, આપ તો ઉડને વાલે હો.’ ત્યાં બેઠેલા ત્રણ-ચાર કેદીમાંથી કોઈએ જરાક પણ
રિએક્શન ના આપ્યું. એમના ચહેરા પરથી એવું લાગતું હતું કે જાણે બધા, બધું જ જાણે છે.
મંગલને ખરેખર નવાઈ લાગી. આમ તો અહીં બધા ગુનેગારો હતા, પરંતુ બહારની દુનિયામાં વસતા, કહેવાતા
સફેદ પોશ લોકો કરતા અહીંના લોકોમાં એકમેક પરત્વે વધુ સહકાર, વધુ સ્નેહ અને સમજદારીની ભાવના હતી. કોઈ
એક વ્યક્તિ પોતાના અંગત કારણસર ભાગવાનો નિર્ણય કરે તો એને અટકાવવા કે ફસાવવાને બદલે અહીંના લોકો એને
મદદરૂપ થવાનો પ્રયાસ કરતા, મદદરૂપ ન થઈ શકાય તો પણ એને નડવું નહીં, એવો ભાવચારો તો અહીંયા કોઈ
વણલખ્યા નિયમની જેમ સ્વીકારાયેલી બાબત હતી. મંગલે ત્યાં બેઠેલા બધા જ કેદીઓ સામે જોઈને સ્મિત કર્યું. પછી
કહ્યું, ‘જવાનો છું, પણ બહુ જલદી પાછો આવીશ.’
ત્યાં બેઠેલો રમણ હસી પડ્યો, ‘તુમ તો ઐસે કહ રહે હો જૈસે જેલ સે નહીં ભાગ રહે, કિસી તીર્થયાત્રા પે જા
રહે હો.’
આટલું સાંભળતા જ મંગલની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એણે કહ્યું, ‘તીર્થયાત્રાથી ઓછું નથી આ.
મારા પિતાને ગુનાના રસ્તે ધકેલનાર, અમારા ત્રણેયની જિંદગી બરબાદ કરનાર એક એવા માણસને ખતમ કરવા જાઉં
છું જે તીર્થયાત્રાથી ઓછું નથી.’
છેલ્લા કેટલાય સમયથી એમની સાથે રહેતો હોવા છતાં ભાગ્યે જ કોઈની સાથે વાત કરતો, કે સ્મિત કરતો
લાલસિંગ, જેને સૌ લલ્લુ કહેતા, એણે પહેલી વખત સ્થિર દ્રષ્ટિએ મંગલસિંઘ સામે જોયું, ‘તું જે કરવા જઈ રહ્યો છે
એ બહુ મોટું કામ છે. તને ખરેખર લાગે છે કે, તું એકલા હાથે પહોંચી વળીશ?’ એણે શૌકત અને પંચમ તરફ જોયું. હું
જાણું છું કે આ બે જણાં તારી સાથે છે, પણ… કહીને લાલસિંગ સહેજ અચકાયો. શૌકતનો ચહેરો જરાક તંગ થયો
અને પંચમના ચહેરા પર સ્મિત આવ્યું.
‘સાથ મેં આના ચાહતે હો તો સીધું કહે, કારણ વગર અમારી ઈમેજ શું કામ બગાડે છે?’ પંચમે કહ્યું, પછી
એણે મંગલસિંઘ તરફ ફરીને ઉમેર્યું, ‘આ લાલસિંગ ઓમનો જૂનો માણસ છે. ઓમે એને ફસાવીને જેલમાં મોકલ્યો છે.
20-20 વર્ષ સુધી ઓમની વફાદારી નિભાવ્યા પછી એ રાક્ષસે એના દીકરાને મરવા દીધો…’ પંચમ લાલસિંગની કથા
કહેતો રહ્યો, પણ લાલસિંગના ચહેરા પર સુખ કે દુઃખ, ગુસ્સો કે નફરત કોઈ ભાવ આવ્યા જ નહીં. પત્થર જેવો
ભાવવીહિન ચહેરો લઈને લાલસિંગ પોતાની જ કથા સાંભળતો રહ્યો.
વાત અધૂરી હતી ત્યાં જ કોન્સ્ટેબલ દાખલ થયો. બેરેકના સળિયા પર દંડો ફટકારીને એણે કહ્યું, ‘ચલ બે, તેરે
બાપ કો જલાને જાના હૈ.’ મંગલસિંઘની આંખો ફરી ગઈ, પણ પંચમે આંખો નમાવીને એને શાંત રહેવાનો ઈશારો કર્યો.
મંગલ કશું બોલ્યા વગર જ ઊભો થઈને એની સાથે ચાલવા લાગ્યો. શૌકત અને પંચમે એકબીજા સામે જોયું.
લાલસિંગે જતા મંગલને પૂછ્યું, ‘હું આવું સાથે?’
કોન્સ્ટેબલે કશું સમજ્યા વિના મૂર્ખની જેમ જવાબ આપ્યો, ‘લગનમાં નથી જતો…’ પછી લાલસિંગ તરફ
જોઈને એણે ઉમેર્યું, ‘પૂછે છે તો એવી રીતે જાણે જેલમાં નહીં, હોટેલમાં રહેતો હોય.’ એ હસતો હસતો ચાલવા
લાગ્યો, પણ પાછળ રહેલા ત્રણ જણાંની આંખો જ્યારે એકબીજા સાથે ટકરાઈ ત્યારે એમણે હવે શું કરવાનું છે એ
કહેવાની જરૂર નહોતી. બસ, કેવી રીતે કરવાનું છે એની જ ચર્ચા કરવાની બાકી હતી!

*

શ્યામા આખી રાત ઊંઘી નહોતી શકી. એણે મંગલસિંઘની આંખોમાં દ્રઢ નિર્ધાર જોયો હતો. ઓમ અસ્થાના
પરત્વે ભડકે બળતું વેર જોઈને શ્યામા ડરી ગઈ હતી. સૂરજ ઊગે એ પહેલાં શ્યામા ઊભી થઈ ગઈ. આકાશ લાલ થઈ
ગયું હતું. એણે પોતાના રૂમના પડદા ખોલ્યા અને આકાશ તરફ જોઈને અન્ય મનસ્ક ઊભી હતી ત્યાં જ બારણે ટકોરા
પડ્યા. ભાસ્કરભાઈ એના ઓરડામાં દાખલ થયા, ‘હું જાણું છું તું શું વિચારી રહી છે.’ ભાસ્કરભાઈએ સમય ગૂમાવ્યા
વગર સીધી મુદ્દાથી જ વાત શરૂ કરી, ‘આ એની લડાઈ છે બેટા, એને લડી લેવા દે. તું આમાં સંડોવાય એ મને મંજૂર
નથી.’
‘હું? હું શું કરવાની છું?’ શ્યામાની આંખો ભરાઈ આવી, ‘ડેડ! મારા મનમાં શું ચાલે છે એ હું જ નથી સમજી
શકતી. મંગલને ધિક્કારું છું કે…’ શ્યામા આ કહેતી કહેતી ભાસ્કરભાઈની નજીક આવી. એણે પિતાની છાતી પર માથું
મૂકી દીધું, ‘તમે જ કહેતા હતા, ગુનેગાર એક ક્ષણ પૂરતો જ ગુનેગાર હોય છે. એ પછી જો એને પસ્તાવો થાય અને એ
બદલાવવા તૈયાર હોય તો એ સારો માણસ બની શકે છે.’
‘હું માનું છું, બેટા…’ ભાસ્કરભાઈ દીકરીની પીઠ પર હાથ ફેરવતા રહ્યા. મંગલ તરફ કુણું પડી ગયેલું શ્યામાનું
મન એમને સમજાતું હતું. પરિણિત, ભણેલી-ગણેલી ડૉક્ટર છોકરી જે રીતે આ અર્ધશિક્ષિત, ગુનાહના કાદવમાં
ખરડાયેલા માણસ તરફ ખેંચાઈ રહી હતી એ પિતા તરીકે એમને મંજૂર નહોતું તેમ છતાં એમની ભીતર રહેલા એક
માણસને શ્યામાની લાગણીઓ ચોક્કસ સ્પર્શતી હતી. એ પોતે પણ શ્યામા જેવી જ મનઃસ્થિતિમાં હતા. શ્યામાને
રોકીને કે એના ઉપર કોઈ પ્રકારની સખ્તી કે જબરજસ્તી કરીને હવે કંઈ અટકાવી શકાય એમ નહોતું. જે થઈ રહ્યું હતું
અને જે થવાનું હતું એમાં પોતે પોતાનો રોલ કેટલી સારી રીતે ભજવી શકે એ જ વિચારી રહ્યા હતા ભાસ્કરભાઈ!
એમણે ધીમેથી કહ્યું, ‘મને ખબર છે કે એ અત્યારે ભાગવાનો છે.’ શ્યામાએ સાંભળ્યું, છતાં પિતાની છાતી પરથી માથું
હટાવ્યા વગર, ચોંક્યા વગર એ સાંભળતી રહી, ‘એ લેશે એના પિતાનું વેર. તને કંઈ થશે તો હું નહીં સહન કરી શકું.’
એમણે શ્યામાની આસપાસ પોતાના હાથ એવી રીતે લપેટી લીધા જાણે એમની દીકરીને એમનાથી કોઈ દૂર ન કરી શકે,
‘હું તને ક્યાંય નહીં જવા દઉ. એની રઝળપાટ અને જીવ સટોસટની લડાઈમાં તને હોમવા તૈયાર નથી હું.’
‘ભલે.’ શ્યામાએ કહ્યું. પિતા-પુત્રી ક્યાંય સુધી એકમેકને વળગીને સ્નેહ અને સમજણની વચ્ચે ઝુલતાં રહ્યાં,
શ્યામાએ પિતાની છાતી પરથી માથું ઊઠાવ્યું. પોતાના હાથ છોડ્યાં. બે ડગલાં પાછળ ગઈ અને એણે ભાસ્કરભાઈની
આંખોમાં જોયું, ‘સાચું કહું? મંગલ મને કોઈ જોખમમાં નહીં નાખે. મને એના પર…’ કહેતાં શ્યામા અચકાઈ ગઈ,
પણ પછી એણે પોતાનું વાક્ય પૂરું કરી જ નાખ્યું, ‘…અતૂટ વિશ્વાસ છે.’
‘જાણું છું.’ ભાસ્કરભાઈએ દીકરીના માથે હાથ ફેરવ્યો. એમની આંખો ભરાઈ આવી, ‘સાચું કહું તો હું પણ
એના પર વિશ્વાસ કરવાનો પ્રયાસ કરી જ રહ્યો છું.’ આટલું કહીને ભાસ્કરભાઈ સડસડાટ ઓરડાની બહાર નીકળી
ગયા. શ્યામાએ ઘડિયાળ જોઈ, પછી આજના અઘરા અને લાંબા દિવસની શરૂઆત કરવા માટે એણે મનને તૈયાર
કરવા માંડ્યું.

*

જેલની ડોકાબારીમાં બહાર નીકળીને મંગલે આસપાસ જોયું. એની આંખોમાં સૂર્યના તેજ કિરણો ભોંકાયા.
હાથની છાજલી કરીને એણે સૂર્યના તેજને થોડું રોક્યું. ખુલ્લી હવામાં શ્વાસ લીધો અને થોડે દૂર ઊભેલી વેન તરફ
ચાલવા માંડ્યો. બે કોન્સ્ટેબલ અને એક સબ ઈન્સ્પેક્ટર એની સાથે હતા. સબ ઈન્સ્પેક્ટર નીતિન શેલારે એના હાથમાં
હાથકડી પહેરાવતા કહ્યું, ‘ભાગને કે બારે મેં સોચના ભી મત, વરના ગોલી માર દૂંગા.’ એણે આ કહ્યા પછી જે રીતે
મંગલની આંખોમાં જોયું એનાથી મંગલને સમજાઈ ગયું કે, નીતિનને યોગ્ય સૂચના મળી ચૂકી છે. હાથકડી પહેરાવ્યા
પછી નીતિન વેન તરફ ચાલવા લાગ્યો. એની પાછળ મંગલ અને મંગલની પાછળ બે કોન્સ્ટેબલ વેનમાં ચડ્યા.
વેન જ્યારે કોલિવાડા સ્મશાન ભૂમિ આવીને ઊભી રહી ત્યારે મંગલ હાથકડી સાથે જ વેનમાંથી ઉતર્યો.
સ્મશાન ભૂમિના ગેટમાંથી અંદર દાખલ થતી વખતે મંગલની ભીતર જાણે કશું વલોવાઈ ગયું. જે પિતા સાથે લડવા-
ઝઘડવા, પ્રેમ કરવાનો સંબંધ હતો, જેમનો વિરોધ થઈ શકતો હતો અને પોતાના સારા-ખરાબ તમામ સમયમાં જે
છત્રછાયાની જેમ માથે પોતાનો સ્નેહ લઈને ઊભા રહેતા એવા પિતા હવે આ દુનિયામાં નહોતા એ વિચાર મંગલને
સવારથી પજવી રહ્યો હતો, પરંતુ દિલબાગનું શબ જોયા પછી એ વિચારે જાણે આકાર લઈ લીધો હોય તેમ મંગલની
આંખો ભરાઈ આવી.
શ્યામા ક્યારની આવીને ઊભી હતી. ઓફ વ્હાઈટ કલરના સલવાર કમીઝમાં બાંધેલા વાળ સાથે શ્યામા
અદબવાળીને ઊભી હતી. મુંબઈમાં સામાન્ય રીતે અત્યંત ગરમી હોય, પરંતુ આજનું વાતાવરણ કંઈક વાદળછાયું અને
પ્રમાણમાં થોડી ઠંડકવાળું હતું. સ્મશાન ભૂમિના વિચિત્ર સન્નાટામાં એકલી ઊભેલી શ્યામા કોઈ પીડાની મૂર્તિ જેવી
દેખાતી હતી. મંગલ એની નજીક ગયો. એની સામે ઊભો રહ્યો. શ્યામાએ અદબ છોડ્યા વગર એની સામે જોયું. એની
આંખોમાં હળવી ભીનાશ હતી. મંગલની આંખોમાં પણ ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એ ત્યાં વધુ ઊભો ન રહી શક્યો.
જ્યાં દિલબાગનું શબ હતું એ તરફ એણે ચાલવા માંડ્યું. એની પાછળ સબ ઈન્સ્પેક્ટર શેલાર, બે કોન્સ્ટેબલ અને એની
પાછળ શ્યામા પણ ચાલવા લાગી.
સ્મશાનના ઈલેક્ટ્રીક ક્રિમેટોરિયમની નજીક આવીને નીતિન શેલારે મંગલની હાથકડી ખોલી નાખી. ચાવી
ખીસામાં મૂકતા એણે મંગલ સામે એકદમ અર્થપૂર્ણ નજરે જોયું. મંગલને એમાં રહેલો સંદેશો વંચાયો.
દિલબાગની નનામીને ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહની ટ્રેમાં ગોઠવી દેવામાં આવી હતી. નાકમાં રૂ અને કપાળ ઉપર
કંકુની પિયળ કરવામાં આવી હતી. મંગલે નજીક જઈને પિતાના ગાલને હળવો સ્પર્શ કર્યો. ગઈકાલ સુધી જે ‘દિલ્લુ
બાદશાહ’ના નામથી સૌ કાપી ઊઠતા હતા એ જ દિલબાગસિંઘ આજે નિશ્ચેષ્ટ-નિષ્પ્રાણ થઈને સૂતો હતો, મંગલની
આંખમાંથી આંસુના ટીપાં દિલબાગના ચહેરા પર પડ્યાં. મંગલે જ પોતાની આંગળીઓના ટેરવાંથી એ ટીપાં લૂછી
નાખ્યાં. એણે ઘીનો ઘડો લઈને બ્રાહ્મણે બતાવ્યું તે બધી વિધિ કરવા માંડી. વિધિ કરતાં કરતાં એ ચકોર નજરે ચારેતરફ
જોઈ રહ્યો હતો. ક્યાંથી છટકી શકાય એનો નકશો એના મનમાં ચિતરાવા લાગ્યો હતો. અંતિમ વિધિની બધી ક્રિયાઓ
પૂરી થઈ. ઈલેક્ટ્રીક ક્રિમિટોરિયમમાં હળવેકથી દિલબાગનું શબ ધકેલાવા લાગ્યું. અત્યાર સુધી મન પર રાખેલો બધું જ
કાબૂ એક ક્ષણમાં છૂટી ગયો. મંગલ અચાનક મોટા અવાજે રડવા લાગ્યો. શ્યામાએ નજીક આવીને એના ખભે હાથ
ફેરવ્યો. મંગલે એનું માથું શ્યામાનાં ખભે મૂકી દીધું. શ્યામાએ ધીમેથી એના કાનમાં કહ્યું, ‘પાછળની તરફના ગેટ પાસે
સફેદ આઈટેન ઊભી છે. ચાવી અંદર જ છે.’ કશું સાંભળ્યું જ ન હોય એમ શ્યામાનાં ખભે માથું મૂકીને મંગલ ક્યાંય
સુધી રડતો રહ્યો. ઈલેક્ટ્રીક ક્રિમિટોરિયમની ટ્રે અંદર ગઈ. જ્વાળાઓએ દિલબાગના શબને પોતાની અંદર સમેટી લીધું.
થોડીક ક્ષણો પછી જાણે સ્વસ્થ થયો હોય તેમ મંગલે ઈન્સ્પેક્ટર શેલાર તરફ જોયું. શેલારની આંખમાં નીકળી
જવાની સૂચના હતી. મંગલે ધીમેથી કહ્યું, ‘બાથરૂમ જઈ આવું?’ શેલારે ડોકું ધૂણાવીના ‘હા’ પાડી. દૂર સ્ત્રી અને પુરુષ
શૌચાલયની સાઈન લગાડેલા નાનકડા વોશરૂમના સ્ટ્રક્ચર તરફ મંગલ ચાલવા લાગ્યો.
5-7 મિનિટ થઈ, મંગલ બહાર ન આવ્યો એટલે શેલારે કોન્સ્ટેબલને કહ્યું, ‘જરા બગ, કુઠે ગેલા તે હરામી?’
કોન્સ્ટેબલ એકદમ ધમધમાવીને દોડ્યો. એણે ત્યાંથી જ બૂમ પાડી, ‘અહીં નથી…’ શેલાર અને બીજો કોન્સ્ટેબલ એની
પાછળ દોડ્યા. શ્યામા પણ એની પાછળ દોડી.
બધા શૌચાલયના સ્ટ્રક્ચર પાસે પહોંચ્યા, અંદર જોયું તો કોઈ નહોતું. શેલારે આમતેમ જોઈને ગુસ્સામાં કહ્યું,
‘પળુન ગેલા, હરામી…’ કોન્સ્ટેબલ હાંફળો ફાંફળો થઈને ચારેતરફ દોડવા લાગ્યો. બીજા કોન્સ્ટેબલે શ્મશાન ગૃહમાં
દોડાદોડી કરી મૂકી. નીતિન શેલારે જેલમાં ફોન લગાડ્યો, ‘સાહેબ, મંગલસિંઘ…’
‘શું વાત કરે છે?’ અગાઉથી નક્કી થયા મુજબ જેલરે પણ સ્ક્રીપ્ટનો ડાયલોગ ફટકાર્યો. એણે જોરજોરથી બૂમો
પાડવા માંડી, ગાળો દેવા માંડી, ‘તમે બધા શું હજામત કરતા હતા? ખબર તો હતી કે, આવું કંઈ થશે તો ય
સાલાઓ…#$^#… હવે મારે ઉપર શું જવાબ આપવાનો?’ ફોન કાન ઉપર મૂકીને સાંભળી રહેલા નીતિન શેલારે
શ્યામા સામે જોયું. એ બંને જણાંની આંખ મળી અને નીતિન શેલારથી અનાયાસે સ્મિત થઈ ગયું. શ્યામાએ નજર
ફેરવી લીધી. જે કંઈ થયું એ પ્લાન મુજબ જ થયું હતું. ઈન્સ્પેક્ટર શેલાર અને ડૉ. શ્યામા બંનેના ચહેરા પર એમણે
ગોઠવેલો પ્લાન બરાબર પાર પડ્યાની રાહત હતી, ને શ્યામાનાં હૃદયમાં હવે શું થશે એની દહેશત પણ શરૂ થઈ ચૂકી
હતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *