મલેશિયાના તમન દુત્તા વિસ્તારના એક સુંદર બંગલાના સ્વિમિંગ પુલ પાસે ચાર જણાં બેઠાં હતા. એમાંના
ત્રણ જણાંના ચહેરા એકમેક સામે એટલા મળતા આવતા હતા કે એ ત્રણ ભાઈઓ છે એ વાત જણાયા વગર રહે નહીં.
સૌથી મોટો ભાઈ સ્કાય બ્લ્યૂ રંગના અરમાનીના સૂટમાં, રોલેક્સ ઘડિયાળ અને કાર્ટિયરના ચશ્મા પહેરીને બેઠો હતો.
ટેબલ ઉપર સિંગલ મોલ્ટના ક્રિસ્ટલ ગ્લાસ હતો. એની બાજુમાં બેઠેલા વચલા ભાઈએ વરસાચેનું રંગીન શર્ટ પહેર્યું
હતું. એના ફેન્સી ચશ્મા, હાથની ઘડિયાળ અને એના ગોલ્ડન રંગના બૂટ પરથી દેખાઈ આવતું હતું કે એ વરણાગી અને
ફેશન ફિતુર ધરાવતો વિચિત્ર માણસ હતો. સૌથી નાનો અને ત્રીજો ભાઈ સફેદ લિનનનું શર્ટ અને જીન્સ પહેરીને બેઠો
હતો. પગમાં સ્પોર્ટ્સ શુઝ અને કાંડા ઉપર સાદી પણ મોંઘી ઘડિયાળ હતી. ત્રણ ભાઈઓના ત્રણ જુદા સ્વભાવ અને
માનસિકતા એમના વસ્ત્રો ઉપરથી જ સમજાઈ જતા હતા. અત્યારે ત્રણેય જણાં સામે બેઠેલી ચોથી વ્યક્તિ સાથે કોઈ
બિઝનેસ ડીલ ફાઈનલ કરી રહ્યા હતા. શરાબ મંગાવ્યાને દસ મિનિટ થઈ ગઈ હતી, પરંતુ ‘ચિયર્સ’ કરીને પહેલો સિપ
પીધા પછી ચારમાંથી કોઈએ શરાબને હાથ નહોતો લગાડ્યો. વાત ગરમાગરમીમાં થઈ રહી હતી. એ ચોથો માણસ
પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સામે બેઠેલા વચલો અને નાનો ભાઈ એની સાથે દલીલ કરી રહ્યા
હતા. સૌથી મોટો ભાઈ અદબવાળીને આંખોમાં ઠંડી ક્રૂરતા સાથે એને જોઈ રહ્યો હતો. એક પણ અક્ષર બોલ્યા વગર
એ આ દલીલો સાંભળી રહ્યો હતો. વાત કોઈ કન્સાઈનમેન્ટ ઉપર અટકી હતી.
લગભગ 15-20 મિનિટ એકમેકને સમજાવવાનો પ્રયત્ન કર્યા પછી ચર્ચા જ્યારે ક્યાંય પહોંચી ન શકી ત્યારે
સામે બેઠેલા ચોથા માણસે પોતાનો ગ્લાસ ઊંચકીને એક ઘૂંટડે શરાબ પૂરી કરી, ‘તમે પ્રોમિસ કર્યું હતું કે, કોઈપણ
સંજોગોમાં માલ ડિલિવર થશે. હું ક્લાયન્ટ્સને પ્રોમિસ કરીને બેઠો છું. તમને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવ્યું છે… હવે તમે કહો
છો કે…’
‘અરે યાર!’ વચલા ભાઈએ ફરી એકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘અમે પૂરી કોશિશ કરી છે, પણ માલ
વચ્ચેથી જ ક્યાંક…’
‘વ્હોટ ધ હેલ!’ પેલા માણસે જરા ઉશ્કેરાટથી કહ્યું, ‘મારે ક્લાયન્ટ્સ સુધી માલ પહોંચાડવાનો. હું એમને શું
સમજાવું કે તમારી બાઈઓ રસ્તામાં જ ઉતરી ગઈ?’
અત્યાર સુધી ચૂપ બેઠેલો મોટા ભાઈએ હવે ધીમા અને ઘોઘરા અવાજે કહ્યું, ‘બાઈ?’ એના અવાજમાં એક
જલ્લાદની ક્રૂરતા હતી, ‘આપણે કન્સાઈનમેન્ટની વાત કરીએ છીએ.’
‘અરે છોડો યાર.’ પેલાએ જરા ઉશ્કેરાટમાં કહ્યું, ‘આપણે ખૂલીને વાત કરીએ. મારે કોઈપણ સંજોગોમાં કાલ
રાતની પાર્ટી માટે બાઈઓ મોકલવી પડશે. ફ્રેશ, વર્જિન છોકરીઓ. ગોળ ગોળ વાત કર્યા વગર સીધો જવાબ આપો.
તમારી ટોળકી ક્યારે પહોંચશે?’ નાના ભાઈની આંખોમાં લોહી ધસી આવ્યું. એનું ચાલ્યું હોત તો એણે થપ્પડ મારી
દીધી હોત, પણ કોઈ કશું બોલ્યું નહીં.
થોડીક ક્ષણો તદ્દન સન્નાટો છવાયેલો રહ્યો અને પછી મોટા ભાઈએ કહ્યું, ‘તમને કાલે પેમેન્ટ પાછું મળી જશે.’
એ ઊભો થઈ ગયો. એણે પોતાના બંને ભાઈઓ તરફ જોયું અને માત્ર ડોકું હલાવ્યું. બંને ભાઈઓ ઊભાં થઈ ગયા.
સામે બેઠેલો માણસ પણ ઊભો થયો. એણે ઉશ્કેરાટમાં કહ્યું, ‘હું તો જઈને કહી દઈશ કે તમે ફરી ગયા. પછી જે થાય તે
શેખ સાહેબ સાથે…’ હજી એ માણસનું વાક્ય પૂરું થાય એ પહેલાં નાના ભાઈએ એક થપ્પડ રસીદ કરી દીધી. ગાલ
પંપાળતો એ માણસ બહાર નીકળવા જતો હતો કે અચાનક એક ગન ફાયર થયો. દરવાજા પાસે ઊભેલો એ માણસ ત્યાં
જ ઢગલો થઈને પડી ગયો. સૌથી નાનો ભાઈ હાથમાં નાનકડી લિલિપુટ રિવોલ્વર પકડીને ઊભો હતો. ત્રણેય
ભાઈઓએ એકબીજા તરફ જોયું. થોડીક ક્ષણો સ્તબ્ધતામાં પસાર થઈ ગઈ ને પછી ત્રણેય જણાં હસી પડ્યા.
ગન ફાયરનો અવાજ સાંભળીને બહાર ઊભેલા ગાર્ડ્સમાંથી બે જણાં અંદર આવ્યા. એક જણે પેલા માણસની
લાશના હાથ પકડ્યા અને બીજાએ પગ. એ લાશને લઈને બંને ગાર્ડ્સ બહાર નીકળી ગયા. થોડી જ ક્ષણોમાં યુનિફોર્મ
પહેરેલી એક હાઉસ મેઈડ હાથમાં મોપ લઈને આવી અને ત્યાં ભરાયેલાં લોહીના ખાબોચિયાંને લૂછી નાખ્યું. થોડી જ
ક્ષણોમાં બધું જે સ્થિતિમાં હતું એમ જ થઈ ગયું.
ત્યાં બેઠેલા ત્રણે ભાઈઓ પણ એક પછી એક ત્યાંથી નીકળી ગયા.
*
લગભગ 27 જેટલી 14 અને 17 વચ્ચેની ઉંમરની છોકરીઓ એક લોખંડના કન્ટેનરમાંથી એક પછી એક
ઉતરી રહી હતી. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કશ્મીર અને ઉત્તર પ્રદેશના ગામડાંઓમાંથી લાવવામાં આવેલી આ
છોકરીઓમાંથી ઘણાને પોતાના ગામના નામ સિવાય બીજી કશી ખબર નહોતી. એ બે દિવસથી આ કન્ટેનરમાં બંધ
હતી, એટલે એમની કુદરતી હાજત પણ ત્યાં જ પૂરી કરવામાં આવી હતી. કન્ટેનરમાંથી ભયાનક વાસ આવી રહી
હતી. ખાધા-પીધા વગર આ છોકરીઓના ચહેરા મૂરઝાઈ ગયા હતા. એ જ્યાં ઉતરી રહી હતી એ મુંબઈથી થોડે દૂર
શાહપુરની નજીક આવેલું એક ફાર્મ હાઉસ હતું. ઉતરતાંની સાથે જ છોકરીઓ ઘરની અંદર દોડી. કેટલીક બાથરૂમમાં
ઘૂસી ગઈ તો કેટલીક જમીન પર ફસડાઈ પડી અને રડવા લાગી. એ કન્ટેનર જે ટ્રકમાં ગોઠવ્યું હતું એ ટ્રકમાંથી બે
જણાં નીચે કૂદી પડ્યા. એક હતો પંચમ અને બીજો લાલસિંગ. છોકરીઓ ઉતરી ગઈ. એની પૂરી ચકાસણી કરીને બંને
જણાં ફરી ટ્રકમાં ગોઠવાયા. ટ્રકને ફાર્મ હાઉસની ઝાડીઓમાં છુપાવીને એ બંને પાછા ફર્યા ત્યારે એક સફેદ રંગની
આઈટેન ફાર્મ હાઉસના ગેટમાંથી પ્રવેશી. એમાંથી મંગલસિંઘ નીચે ઉતર્યો. ત્રણેય જણાંએ ઉભા રહીને થોડી વાત કરી
અને પછી ત્રણેય જણાં ફાર્મ હાઉસમાં દાખલ થઈ ગયા.
ઘરમાં દાખલ થઈને મંગલસિંઘે સૌથી પહેલાં તાળી પાડીને બધી છોકરીઓને બોલાવી. ભેગી થયેલી છોકરીઓ
પવનમાં પાંદડું ધ્રૂજે એમ ધ્રૂજતી હતી. કેટલીકના શરીર પર માર ખાધાના સોળ હતા તો કેટલીક ભૂખી-તરસી રહીને
સાવ નિષ્પ્રાણ જેવી થઈ ગઈ હતી. મંગલસિંઘે જોરથી કહ્યું, ‘હું તમને વેચવા નથી લાવ્યો. તમે અહીં તદ્દન સલામત
છો. અંદરના રૂમમાં કપડાં છે. અહીં ચાર બાથરૂમ છે. સૌ નાહી-ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ પછી રસોડામાં જમવાનું છે.
જમી લો એટલે તમને તમારા ઘરે મોકલવાની વ્યવસ્થા વિશે વિચાર કરીએ.’ આટલું સાંભળતાં જ છોકરીઓ રડવા
લાગી. મંગલસિંઘે ફરી કહ્યું, ‘હવે ડરવાની જરૂર નથી. ઓમ અસ્થાનાના માણસો પાસેથી મેં તમને છોડાવી લીધા છે.’
એમાંની કેટલીક છોકરીઓ આવીને નાના બાળકની જેમ મંગલસિંઘને વળગી પડી. મંગલસિંઘે પિતાના
વાત્સલ્યથી એમના માથે હાથ ફેરવ્યો, ‘જાઓ, ફ્રેશ થઈ જાઓ.’ એણે કહ્યું. એક પછી એક છોકરીઓ પોતાની રીતે
અંદરના ઓરડાઓમાં જવા લાગી. એ પછી મંગલસિંઘ, લાલસિંગ અને પંચમ ત્રણ જણાં ડ્રોઈંગ રૂમની બાજુમાં
આવેલા એક નાનકડા મિટિંગ રૂમ જેવા એન્ટી ચેમ્બરમાં ગોઠવાયા. ત્રણેય જણાંએ આગળની સ્ટ્રેટેજી વિચારવા માંડી.
હવે શું થઈ શકે અને કેવી રીતે થઈ શકે એ વિશે એમણે પ્લાન બનાવવા માંડ્યો. ટેબલ ઉપર કાગળ મૂકીને નકશા,
ટાઈમિંગ અને એની સાથે જોડાયેલી ઝીણી ઝીણી વાતોની ચર્ચા એમણે કરી લીધી.
વાત પૂરી થઈ એટલે ત્રણેય જણાંએ જાણે એકમેકને સિગ્નલ આપી દીધો. લાલસિંગે પોતાના ખીસામાંથી
નાનકડો નોકિયાનો ફોન કાઢ્યો. એણે ઓમ અસ્થાનાને ફોન લગાવ્યો. સામેથી ખોખરો, ઠંડો, ક્રૂર અવાજ સંભળાયો,
‘નમસ્તે, ઓમ અસ્થાના હિયર.’
‘સાંભળ્યું છે તારું કન્સાઈનમેન્ટ ગૂમ થઈ ગયું છે?’ આટલું સાંભળતાં જ ઓમ અસ્થાનાની તરફ એક ચૂપ્પી
છવાઈ ગઈ, ‘હંમેશની જેમ પેમેન્ટ તો તે લઈ લીધું હશે, નાક કપાવીને પેમેન્ટ પાછું આપવું પડશે, અસ્થાના…’
‘લાલસિંગ!’ અસ્થાનાએ કહ્યું, ‘જેલમાંથી ક્યારે છૂટ્યો? કે પછી ભાગ્યો છે?’ અસ્થાનાના અવાજમાં
કન્સાઈનમેન્ટ ખોવાયાનો, ડિલિવરીના ટેન્શનનો કે પેમેન્ટ પાછું આપવું પડશે એ વાતનો કોઈ અણસાર પણ નહોતો,
‘મને થયું જ! જીપીએસ વગર મારા સુધી કોઈ પહોંચે નહીં.’ અસ્થાનાએ હસીને ઉમેર્યું, ‘તારો દીકરો પાછો નહીં આપી
શકું. બાકી તું જે માંગે એ આપું. માલ પાછો આપી દે.’
‘માલ? એ જીવતી જાગતી છોકરીઓને તું માલ કહે છે?’ લાલસિંગે પૂછ્યું.
‘તું પણ કહેતો… ભૂલી ગયો?’ અસ્થાનાએ કહ્યું, ‘જેલમાં જઈને સંત થઈ ગયો લાગે છે.’ એ હસવા લાગ્યો,
‘ચલ બોલ, શું ઓફર છે તારી?’
‘શિવ.’ લાલસિંગે કહ્યું. અસ્થાનાને જાણે કોઈકે વિજળીનો લાઈવ વાયર પકડાવી દીધો હોય એવો ઝટકો
લાગ્યો. થોડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં, ‘તેં મારા દીકરાને માર્યો, તો સામે તારા દીકરા જેવો ભાઈ… શિવ જોઈએ
છે મને.’
‘પાગલ છે તું?’ અસ્થાનાએ પૂછ્યું, ‘શિવને કોઈ હાથ પણ ન લગાડી શકે.’
‘ભલે.’ લાલસિંગે કહ્યું, ‘તો પછી શેખના માણસો તમને ત્રણેયને ઉડાવે ત્યારે યાદ કરજે મને.’ કહીને લાલસિંગ
ફોન કાપી નાખ્યો. ફોન કાપીને લાલસિંગે સામે બેઠેલા મંગલ અને પંચમ સામે જોયું. બંને જણાંની આંખોમાં એક
પ્રશ્નાર્થ ચિહ્ન હતું. લાલસિંગે કહ્યું, ‘હજી તો પહેલો ફોન કર્યો છે મેં. આ રમત લાંબી ચાલશે. સામેના ખેલાડીનું નામ
ઓમ અસ્થાના છે. ફ્લેશ ટ્રેડનો બેતાજ બાદશાહ છે એ. આ 27 છોકરીઓ ગૂમ થવાથી એના જીવનમાં કોઈ ફેર નહીં
પડે. એની સાથે કામ કર્યું છે એટલે ખબર છે મને, એની પાસે બેકઅપ પ્લાન તૈયાર જ હશે. એ સહેલાઈથી ફસાય
એવો નથી.’
‘એના કિલ્લામાં ગાબડું તો પડ્યું છે. કંઈક તો કરશે…’ પંચમે કહ્યું.
‘ભૂલ છે તમારી.’ લાલસિંગ હસી પડ્યો, ‘એ કશું જ નહીં કરે. તમે ઓમ અસ્થાના જેવો શિકારી જોયો નહીં
હોય. શિકાર જ્યાં સુધી એની સામે આવીને ઊભો ન રહે ત્યાં સુધી એ શિકાર નહીં કરે. એના કિલ્લામાં ગાબડું તો શું
એક કાંકરો ય ખેરવી શકવાની તાકાત નથી આપણામાં એટલું સમજી લેજો.’ બંને જણાં આશ્ચર્યથી એની સામે જોતા
રહ્યા, ‘જેમ રાક્ષસનો જીવ પોપટમાં હોય એમ ઓમનો જીવ શિવમાં છે, એનો સૌથી નાનો ભાઈ. એનો વચલો ભાઈ
સાંઈ એને બહુ નથી ગમતો. શિવ એનો સગો ભાઈ નથી, રસ્તા પરથી મળેલો એક છોકરો છે, પણ ઓમને ખૂબ
વહાલો છે. મેં કન્સાઈનમેન્ટ પાછું આપવાના બદલામાં શિવ માગ્યો એટલે ઓમ સમજી ગયો હશે કે, વહેલા-મોડા
આપણે શિવ પર નિશાન સાધીશું. એ સાવધ થઈ જશે.’
‘તો એવું શું કામ કર્યું તેં?’ પંચમે પૂછ્યું.
‘કારણ કે, એ શિવને બચાવવાનો પ્રયત્ન કરે, તો પોતાની સિક્યોરિટી પરથી એનું ધ્યાન હટે. શિવ આપણો
દુશ્મન નથી. આપણે તો ઓમ…’ મંગલ કહેવા ગયો, પણ લાલસિંગે એને રોક્યો.
‘એકલા ઓમને મારવાથી કંઈ નહીં થાય. એનું તંત્ર ખતમ કરવું હોય તો ત્રણેય ભાઈઓને ખતમ કરવા પડશે.’
લાલસિંગની આંખોમાં અચાનક ઝેર ઉતરી આવ્યું. એના ચહેરા ઉપર ઓમ અસ્થાના માટેનો તિરસ્કાર ઉભરાવવા
લાગ્યો, ‘ખરેખર તો સૌથી મોટો રાક્ષસ શિવ છે. ઓમ માત્ર ક્લાયન્ટ્સને સાચવે છે. છોકરીઓને પસંદ કરવાથી શરૂ
કરીને એને રાખવાવાળી બાઈઓ, એના પર અત્યાચાર કરવા માટેની ટોર્ચર પધ્ધતિઓ અને એમને ઊઠાવી લાવવા
માટે તૈયાર કરવામાં આવતા એજન્ટ સુધીનું બધું કામ શિવ જુએ છે. અસ્થાનાના સામ્રાજ્યનો પાયો છે શિવ. જો
શિવ નહીં, તો અસ્થાનાની તાકાત સાંઈઠ ટકા ઓછી થઈ જશે.’ લાલસિંગે આગળ કહ્યું, ‘તારા પિતાને મારવાના
ઓર્ડર પણ શિવે આપ્યા હશે. અસ્થાના તો એક વ્હાઈટ કોલર ઈન્ડસ્ટ્રિયાલિસ્ટનો રોલ કરે છે. આ બધી ગંદકી તો શિવ
જ હેન્ડલ કરે છે.’
‘હંમમ.’ મંગલસિંઘે ડોકું ધૂણાવ્યું, ‘હવે?’
‘હવે શું?’ પંચમે બંને હાથ ઊંચા કરીને આળસ મરડી, ‘આ છોકરીઓને પોતપોતાને ઘેર મોકલવાની વ્યવસ્થા
કરો.’
‘ને પછી?’ મંગલે પૂછ્યું, ‘છોકરીઓને બચાવવી એ આપણો મકસદ નથી. મારે ઓમ સુધી પહોંચવું છે.
કોઈપણ સંજોગોમાં.’ મંગલની આંખોમાં લોહી ઉતરી આવ્યું, ‘બને એટલા જલદી. મારી પાસે બહુ ટાઈમ નથી.
જેલમાં પાછા જવાનું છે મારે.’
‘ઓમ અસ્થાના મલેશિયામાં છે. સૌથી પહેલાં તો ત્યાં પહોંચવાનો રસ્તો શોધવો પડશે. તું આ જ રીતે તો
દેશના એરપોર્ટ પર જઈ શકે એમ નથી. નકલી પાસપોર્ટ અને આપણા લૂક બનાવવા પડશે.’ પંચમે કહ્યું, ‘ચલો,
આજથી જ કામે લાગી જઈએ.’ એણે લાલસિંગ તરફ ફરીને કહ્યું, ‘પેલો ગાંડો ક્યાં છે?’
લાલસિંગે હસીને કહ્યું, ‘સૂતો હશે અંદર… આટલી બધી છોકરીઓ જોઈને એનું મગજ ચકરાઈ ગયું છે.’ એ
ઊભો થયો, ‘હું બોલાવી આવું.’ લાલસિંગ અંદરની તરફ ગયો એટલે પંચમે કહ્યું, ‘શૌકતને આ છોકરીઓને પાછી
મોકલવાનું કામ સોંપી દે. એ સિવાય કંઈ બીજું કરી શકે એમ છે નહીં. આપણે આપણા કામે લાગીએ.’
લાલસિંગે અંદર જઈને શૌકતને જગાડ્યો. એને આ છોકરીઓનાં સરનામા શોધીને એમને ઘેર પાછી
પહોંચાડવાનું કામ સોંપ્યું. શૌકતને લાગ્યું કે, એને કોઈક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી મળી ગઈ છે એટલે એણે
ખુશખુશાલ થઈને પોતાનું કામ કરવા માંડ્યું. બીજી તરફ પંચમે એના ઓળખીતાને ફોન કરીને નકલી પાસપોર્ટ અને
બીજા કામ પતાવવાના શરૂ કર્યા.
અંતે, નક્કી એવું થયું કે, બે દિવસ પછી નકલી પાસપોર્ટ પર ત્રણ જણાં અલગ અલગ ફ્લાઈટ્સમાં
ક્વાલાલમ્પુર (મલેશિયા) જવા નીકળશે. આ બધું પૂરું થયું ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. મંગલે અંદર જઈને જોયું
ત્યારે નિરાંતે ઊંઘતી નિશ્ચિંત છોકરીઓને જોઈને એને એની માનો ચહેરો યાદ આવી ગયો. એને લાગ્યું કે, જાણે એની
મા એને પૂરા હૃદયથી આશીર્વાદ આપી રહી છે.
(ક્રમશઃ)