પ્રકરણ – 49 | આઈનામાં જનમટીપ

ટેબલ પર કોકેઈન પાવડરની બે લાઈનો કરેલી હતી. હાથમાં પકડેલા ક્રેડિટ કાર્ડથી એ લાઈનને સરખી કરીને
સાંઈ અસ્થાનાએ પોતાના હાથમાં પકડેલી બે હજાર રૂપિયાની હવે નહીં ચાલતી નોટની ભૂંગળી નાક પાસે લીધી. એક
શ્વાસે એણે કોકેઈનની એ આખી લાઈન પોતાના એક નસકોરામાં ઉતારી અને પછી બીજા નસકોરા પાસે ભૂંગળી લઈ
જઈને બીજી લાઈન પણ શ્વાસમાં ખેંચી લીધી. માથું ધૂણાવી, આંખો મીંચકારી એ જ્યારે ઊભો થયો ત્યારે એના
ચહેરા પર વિચિત્ર પ્રકારની તાજગી દેખાતી હતી.
‘મારી સામે ન જુઓ, હવે શું કરવાનું છે એનો વિચાર કરો?’ એણે પોતાની સામે ઊભેલા એના ગાર્ડ્સ અને
બીજા માણસોને કહ્યું, ‘શિવ કોઈ રીતે આ સોદો તૂટવા નહીં દે. આપણી પાસે ગોડાઉનમાં કેટલો માલ છે?’
’15-17 હશે.’ ત્યાં ઊભેલા એક માણસે જવાબ આપ્યો.
’15 કે 17?’ લાલ અને ભૂરા રંગનું સાટિન જેવા મટિરિયલનું ચમકતું શર્ટ, કાનમાં કડી, હાથમાં ડાયમંડ
જડેલી ઘડિયાળ અને બીજા હાથમાં લકી પહેરેલો સાંઈ ફેન્સી દેખાતો હતો.
’15.’ પેલા માણસે કહ્યું.
‘તો બાકીની 12 છોકરીઓ ક્યાંથી લાવશું? શેખને ત્યાં પાર્ટી છે. કોઈપણ રીતે માલ સપ્લાય કરવો પડશે. એણે
મહેમાનોને વર્જિન, ફ્રેશ છોકરીઓનું નજરાણું પેશ કરવાનું વચન આપ્યું છે.’
’12 છોકરીઓ…’ ત્યાં ઊભેલા એક માણસે ધીમેથી કહ્યું, ‘હજી મોડું નથી થયું. આપણે ક્વાલાલમ્પુરમાંથી
ઊઠાવી લઈએ?’
સાંઈએ આગળ વધીને એને એક થપ્પડ મારી દીધી, ‘અહીં કોઈપણ પ્રકારની ગરબડ નહીં કરવાના વચન પછી
જ સરકારે આપણને આશ્રય આપ્યો છે. એ લોકો માટે આપણે બિઝનેસમેન છીએ. એમની સરકાર માટે એમ્પ્લોયમેન્ટ
જનરેટ કરીએ છીએ. ઓમજીના નામને જરાક પણ ડાગ લાગે તો ત્રણેય ભાઈઓ જેલમાં જશે.’ એ પછી એણે
ચિંતામાં હાથ પાછળ બાંધીને એ મોટા રૂમમાં આંટા મારવા માંડ્યા. રૂમના એક ખૂણે નાનકડો બાર હતો. બે પગથિયાં
ચડીને ઉપર બનાવેલા એક જુદા વિભાગમાં ગોળ પલંગ હતો. પલંગની ચારેતરફ પડદા એવી રીતે બાંધવામાં આવ્યા
હતા કે જાણે કેનીપી બાંધવામાં આવી હોય. પલંગ અને મુખ્ય ઓરડાની વચ્ચે સ્લાઈડિંગ ડોર હતો જે રિમોટથી બંધ
થઈ શકતો. આ સાંઈનો રંગ મહેલ હતો. શરાબ, ડ્રગ્સ, નાચગાન અને છોકરીઓની એની બધી મહેફિલો અહીં જ
થતી, પણ આજે અહીંનું વાતાવરણ તંગ હતું.
એક તરફ સાંઈ ખૂટતી 12 છોકરીઓની વ્યવસ્થા કરવામાં પડ્યો હતો કારણ કે એને શેખનો ડર લાગતો હતો.
એ જાણતો હતો કે, શેખ સાદીક ખુર્શીદ સુલેમાન પૈસા આપવામાં પાછું ફરીને જોતો નહીં, પણ જો એનું કામ
સમયસર ન થાય તો લોહીની નદી વહાવી દેવામાં એ સહેજેય અચકાય એમ નહોતો.
બીજી તરફ, શિવ ગઈકાલ રાતથી એકસરખા મુંબઈ ફોન કરી રહ્યો હતો. રાતની ડિલિવરી પહેલાં કોઈપણ રીતે
જો છોકરીઓ મળી જાય તો સંબંધ ન બગડે, એ માટે શિવ એના તમામ એજન્ટ્સને એક પછી એક એક્ટિવ કરી રહ્યો
હતો. કોઈ પાસે એક, કોઈ પાસે બે… એમ છોકરીઓ એકઠી કરીને પણ જો સાંજ પહેલાં 12 છોકરીઓ ભેગી થઈ
જાય તો એ ચાર્ટર્ડ ફ્લાઈટ પણ ક્વાલાલમ્પુરના એરપોર્ટ પર લેન્ડ કરાવવાની તૈયારી સાથે બેઠો હતો. અત્યાર સુધીમાં
એ આઠ છોકરીઓ ભેગી કરી શક્યો હતો. સાંજ સુધીમાં બીજી ચાર મળી જ રહેશે એવા વિશ્વાસ સાથે હવે એ
નિશ્ચિંત હતો.

*

જુદા જુદા સમયે ત્રણ જણાં જુદા જુદા એરપોર્ટ પર ઉતર્યા. પંચમ પેનાંગ પર, લાલસિંગ શેનાઈ પર અને
મંગલસિંઘ ક્વાલાલમ્પુરના સુલ્તાન અબ્દુલ અઝીઝ શાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો. લાલસિંગનો એક માણસ
એને લેવા આવવાનો હતો. બહાર નીકળીને ઊભેલા મંગલસિંઘની બાજુમાં આવીને એક માણસ ઊભો રહ્યો, ‘ટેક્સી
સર?’ એણે પૂછ્યું. મંગલસિંઘે ડોકું ધૂણાવીને ‘ના’ પાડી. એણે ફરી કહ્યું, ‘લાલસિંગ નામ હૈ મેરા, હિન્દુસ્તાની હું સર,
ચલિયે… આપ કી મંઝિલ તક મેં હી પહુંચા સકતા હૂં.’ મંગલસિંઘે ચોંકીને એની આંખમાં જોયું. એણે ખૂબ ધીમેથી ડોકું
હલાવીને ‘હા’ પાડી.
મંગલસિંઘે એના ખભે ધબ્બો માર્યો, ‘અરે યાર, ફિર તો મલેશિયા તુમ્હારે સાથ હી ઘૂમેંગે. પરદેસ કી ધરતી પર
જબ કોઈ અપના મિલ જાયે તો અચ્છા લગતા હૈ…’ પેલા માણસે મંગલનો સામાન, એની સુટકેશ રોલ કરવા માંડી.
મંગલ એની સાથે ચાલવા માંડ્યો અને એણે મલેશિયાના ટુરિઝમ સંબંધી સવાલો પૂછવા માંડ્યા. બંને જણાં ટેક્સીમાં
બેઠા એ પછી પેલા માણસે કહ્યું, ‘મનોહરસિંઘ નામ હૈ મેરા, મન્નુ કહેતે હૈ સર! લાલભાઈના ગામનો છું.’ પછી સહેજ
અચકાઈને ઉમેર્યું, ‘શિવની સાથે કામ કરું છું.’ કહેતાં કહેતાં એની આંખોમાં એ પાપ અને અપરાધનો ભાવ છુપાવી
શક્યો નહીં, ‘પહેલાં પેટની ભૂખ મિટાવવા માટે એમની સાથે જોડાયો. અહીં પરદેશમાં બીજો કોઈ આશરો નહોતો.
હવે એ ચક્કરમાં એવો ફસાયો છું કે, બહાર નીકળી શકું એમ નથી.’ મંગલ સાંભળતો રહ્યો, ‘તમારી સાથે જોડાવા માટે
લાલભાઈએ કહ્યું ત્યારે જ મેં નક્કી કરી દીધું હતું કે, હવે જીવ જાય તો ભલે…’ પછી એ હસવા લાગ્યો, ‘લગન નથી
કર્યા એટલે જવાબદારી નથી. મા હતી, ગામમાં. ગયે વર્ષે એણે પણ જિંદગી સમેટી લીધી. મારી ચિંતા કરે, રાહ જુએ
એવું હવે કોઈ નથી.’ પછી એણે હસતાં હસતાં ઉમેર્યું, ‘મેં તો મારી આખી કથા સંભળાવી દીધી ને તમારી કથા મને
લાલભાઈએ કીધી છે. જરાય ફિકર નહીં કરતા શિવની પળેપળની ખબર હોય છે મારી પાસે. બસ, બે-ચાર દિવસ…’
મંગલ એને સાંભળતો રહ્યો, પણ એના મગજમાં જાતભાતના વિચારોનું દ્વંદ્વ ચાલી રહ્યું હતું. એણે મન્નુ
પાસેથી સમજી લીધું કે, લાલસિંગ અને પંચમ જે એરપોર્ટ પર ઉતર્યા છે ત્યાંથી ક્વાલાલમ્પુર પહોંચતા પાંચ-છ કલાક
લાગશે. જમવાનો સમય થયો હતો એટલે મંગલસિંઘે જમીને ઊંઘી જવાનું નક્કી કર્યું. મન્નુ એને એક ભારતીય
રેસ્ટોરાંમાં લઈ ગયો, જ્યાં એણે પેટ ભરીને હિન્દુસ્તાની ભોજન કર્યું ને પછી મંગલે રાખેલા સર્વિસ એપાર્ટમેન્ટમાં
જઈને એણે આંખો મીંચી દીધી. આંખ મીંચતા જ એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કારણ કે, છેલ્લા 48 કલાકના
ઉજાગરાએ, ટેન્શન અને થાકને કારણે એનું શરીર આરામ માંગતું હતું.
શેનાઈ અને પેનાંગ એરપોર્ટ પર ઉતરેલા લાલસિંગ અને પંચમ જ્યારે સર્વિસ એપાર્ટમેન્ટ પહોંચ્યા ત્યારે
ક્વાલાલમ્પુરમાં સાંજ ઢળી ગઈ હતી. એ લોકો પણ થાકેલા હતા છતાં, લાલસિંગે એક મિટિંગ કરી, ‘જુઓ, હું જ્યાં
સુધી શિવને ઓળખું છું ત્યાં સુધી એની પાસે બેકઅપ પ્લાન હશે જ. આપણે ભલે એ છોકરીઓને બચાવી લીધી, પણ
શિવ ગમે તેમ કરીને આજે માલની ડિલિવરી કરશે.’
‘કરેક્ટ.’ મન્નુએ કહ્યું, ’10 છોકરીઓની વ્યવસ્થા થઈ ગઈ છે. 15 એના ગોડાઉનમાં હતી જ. બે ખૂટે છે,
પણ શિવ મેનેજ કરી લેશે. શેખની પાર્ટી બગડવા નહીં દે.’ એણે સમાચાર આપ્યા.
‘ક્યાં છે ડિલિવરી?’ પંચમે પૂછ્યું.
મન્નુ હસવા લાગ્યો, ‘તમે શું ધાડ પાડવાનો વિચાર કરો છો?’ સૌ મન્નુની સામે નવાઈથી જોઈ રહ્યા, ‘શિવ
જે રીતે ગોઠવે છે એ શેતાનની બુધ્ધિ અને શિયાળની ચાલાકીથી ગોઠવે છે. કોઈને કાનોકાન ખબર નહીં પડે કે,
છોકરીઓને કઈ ગાડીમાં કઈ રીતે લઈ જવામાં આવશે. ત્રણ-ચાર છોકરીઓ એક ગાડીમાં હોય એવી અનેક ગાડીઓ
જુદી જુદી જગ્યાએથી નીકળશે. એ પછી ગાડીઓની ફેરબદલ કરવામાં આવશે. ક્વાલાલમ્પુરના જુદા જુદા પાર્લરમાં
છોકરીઓને તૈયાર કરવામાં આવશે. એ પછી ફરી એકવાર ફેરબદલ કરીને ગાડીઓ ડિલિવરીની જગ્યાએ પહોંચશે. માત્ર
ગાડીઓ જ નહીં, ડ્રાઈવર અને છોકરીઓને ગાર્ડ કરનારા માણસો પણ બેથી ત્રણવાર બદલાશે.’ એણે સૌની સામે એક
સરસરી નજર ફેરવી, ‘એ ત્રણેય ભાઈઓ મલેશિયામાં બિઝનેસ કરે છે. રેસ્ટોરાં, હોટેલ્સ અને પામ ઓઈલ
પ્રોસેસિંગની સાથે સાથે ફાર્માસ્યુટિકલ્સની ફેક્ટરીઝ છે એમની. એમના આ ધંધા વિશે કોઈને કલ્પના પણ નથી. મિડલ
ઈસ્ટનો પૈસો લાગ્યો છે આ ફેક્ટરીઝમાં અને હોટલ્સમાં, એટલે શેખોને ખુશ રાખવા આ બે નંબરનો ધંધો ચાલે છે.’

ત્રણેય જણાં સ્તબ્ધ થઈ ગયા. જો આટલી પાકી વ્યવસ્થા હોય તો આજની રાતે છોકરીઓને છોડાવવી
અસંભવ છે એવું ત્રણેય જણાંને સમજાઈ ગયું. લાલસિંગે ઘડિયાળ જોઈ. પોણા આઠ થવા આવ્યા હતા. અત્યારે તો
ડિલિવરી થઈ રહી હશે અથવા થઈ ચૂકી હશે એ વાત એને ભીતરથી હચમચાવી ગઈ. એને જવાબ ખબર હતી તેમ
છતાં એણે મન્નુને પૂછ્યું, ‘આ ડિલિવરીની જગ્યાએ પહોંચવાનો કોઈ રસ્તો નથી?’
‘તમારે આજે જ બધું કરી લેવું છે…’ મન્નુએ જરા ગુસ્સે થઈને કહ્યું, ‘તમે આજે એની સામે ખૂલી જશો તો
મલેશિયામાં 24 કલાક નહીં ટકવા દે તમને. એ લોકોના પાવરનો, પહોંચનો અને ક્રૂરતાનો તમને ખ્યાલ નથી.’ એણે
લાલસિંગ સામે જોઈને કહ્યું, ‘તમે તો જાણો છો લાલભાઈ, આજ કુછ નહીં હો સકતા.’
‘હમમ…’ લાલસિંગે ડોકું ધૂણાવ્યું. એના અવાજમાં નિરાશા હતી. એ બરાબર સમજતો હતો કે, પૂરી તૈયારી
અને પ્લાનિંગ વગર આજે છાપો મારવો એ આત્મહત્યાથી ઓછું પૂરવાર નહીં થાય. એણે સ્નેહથી મંગલસિંઘના ખભે
હાથ મૂક્યો, ‘અત્યાર સુધી આમ જ ચાલતું હતું. આપણે શું અટકાવી શક્યા? આજ કા ગુનાહ ભી હો જાને દો. હમ
કુછ નહીં કર પાયેંગે. જો જીતવું હશે તો બે ડગલાં પાછા જઈને લાંબી છલાંગ મારવી પડશે.’
મંગલસિંઘ નીચું જોઈ ગયો. મન્નુ અને પંચમ પણ થોડીક ક્ષણો ચૂપ બેસી રહ્યા. સૌને આજની નિષ્ફળતા
ખૂંચી, પણ વ્યવહારિક રીતે વિચારતાં આજે કંઈપણ કરવું શક્ય નહોતું એ વાત સૌએ સ્વીકારવી જ પડી.

*

‘દો આઈટમ કમ હૈ.’ શિવે કહ્યું, ‘તમારા લાયક નહોતી એટલે મેં જ કાઢી નાખી.’
‘તું મારો ટેસ્ટ બરાબર સમજે છે. આજ સુધી તેં આપેલા માલમાં કદી ખોટ નથી નીકળી.’ શેખ સાદીક ખુર્શીદ
સુલેમાન આનંદથી શિવનો ખભો થાબડ્યો, ‘આજની પાર્ટીમાં મારા મહેમાનો પૂરેપૂરું જશ્ન મનાવશે.’ એણે કહ્યું. પછી સામે
ઊભેલી છોકરીઓ તરફ જોયું. એ જ, 12થી 17 વર્ષની ભારતીય છોકરીઓ હતી. બ્યૂટી પાર્લરમાં લઈ જઈને એમને
સજાવવામાં આવી હતી. એમાંની કેટલીકના કપડાંમાં સ્તનની જગ્યાએ મૂકેલા પેડ સ્પષ્ટ દેખાતા હતા. લિપસ્ટિક અને
આધુનિક હેર સ્ટાઈલ સાથે રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઊભેલી આ છોકરીઓનાં ચહેરા લાશ જેવા ભાવવિહીન હતા.
ગોડાઉનમાં પૂરેલી છોકરીઓ તો કેટલા દિવસથી આ તકલીફ સહી રહી હશે એ કોણ જાણે! ભારતથી આજે જ આવેલી
10 છોકરીઓ પોતાની સાથે શું થઈ રહ્યું છે એ સમજી શકતી હતી, પરંતુ હજી એમને આ પરિસ્થિતિ ગળે ઉતરી
નહોતી.
‘ચલો.’ શેખે કહ્યું અને સાથે જ સફેદ ઝભ્ભો પહેરેલા શેખના માણસોએ એ 25 છોકરીઓને ઘેરી લીધી. એ
લોકો અર્ધગોળાકારમાં એવી રીતે આગળ વધ્યા કે પેલી છોકરીઓને ચાલ્યા વગર છૂટકો નહોતો. ટોળું વળીને એ
છોકરીઓને આગળ ધકેલતા શેખના માણસો એમને લઈને બહાર નીકળી ગયા. હવે ઓરડામાં શેખ સાદીક ખુર્શીદ
સુલેમાન, એનો ખાસ માણસ શહેનવાઝ અને શિવ ઊભા હતા. શિવ પોતાની સાથે કોઈ માણસ રાખતો નહીં.
ડિલિવરીના છેલ્લા કલાક દરમિયાન એ સૌને છૂટા કરી દેતો. તમામ છોકરીઓની ગાડીઓની ફેરબદલ પૂરી થઈ જાય એ
પછી એક બસમાં બેસાડી એ બસને ફાર્માસ્યુટિકલનો માલ લઈ જતા બંધ કન્ટેનરમાં ચડાવી દેવામાં આવતી. એ
કન્ટેનર ચલાવનાર ડ્રાઈવરને પણ ડિલિવરીના સ્થળથી થોડે દૂર ઊભો રાખી દેવામાં આવતો. બસ કન્ટેનરની બહાર
કાઢીને એનું ડ્રાઈવિંગ શિવ જાતે કરતો!
મિડલ ઈસ્ટના દરેક ગ્રાહકને શિવ છોકરીઓની ડિલિવરી કરવા એકલો જ જતો. ડિલિવરીના બદલામાં શું
મળ્યું એની માહિતી ક્યારેય ઓમ સિવાય કોઈના સુધી પહોંચતી નહીં.
શેખ સુલેમાને એક નાનકડી ઝવેરાતની પેટી કાઢી. એમણે એ પેટી ખોલી ત્યારે એક વેંત પહોળી અને ચારથી
પાંચ આંગળ ઊંડી એ પેટીમાં કરોડોના હીરા ઝગમગતા હતા…
એ પેટી હાથમાં લઈ શિવ જ્યારે ડિલિવરીના સ્થળેથી બહાર નીકળ્યો અને બસમાં બેઠો ત્યારે એણે ઓમને
ફોન કર્યો, ‘પતી ગયું છે. હું નીકળું છું.’
સર્વિસ એપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર અને બાકીના સાધનો લગાવીને બેઠેલા લાલસિંગ, પંચમ, મંગલ અને મન્નુએ
શિવના આ શબ્દો પોતાના હેડફોનમાં સાંભળ્યા. ચારેય જણાંએ એકબીજા સામે જોયું. ત્યાં બેઠેલો 19-20 વર્ષનો એક
છોકરો જે રીતે લેપટોપના કીબોર્ડ પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો એ જોઈને ત્રણેયને નવાઈ લાગી. માઈકલ
નામથી ઓળખાતા છોકરાનું મૂળ નામ મનોજ હતું. મજૂર તરીકે મલેશિયા આવેલો આ છોકરો કમ્પ્યુટર ઝિનિયસ
હતો. એક દિવસ મન્નુને ભટકાયો ત્યારથી મન્નુ એને હેકિંગના આવા નાનામોટા કામ અપાવતો. બંનેની દોસ્તી ખૂબ
પાકી હતી અને આજે એ દોસ્તી બરાબર કામ લાગી હતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *