એમએચ 1 એમએસ 9999 મર્સિડિસ જી ક્લાસ એસયુવી ગાડી જુહુતારા રોડ પર રસ્તાની વચ્ચોવચ ઊંધી
પડી હતી. દોઢ દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ટ્રાફિક વધુ ને વધુ
અઘરો બની રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા આ તોતિંગ હાથીને તરત હટાવવા માટે 100 પર આઠ-દસ ફોન આવી
ચૂક્યા હતા.
સામેની ફૂટપાથ પર સૂતેલા ત્રણ જણાંને કચડીને પછી આ એસયુવી ઊંધી પડી હતી. ફૂટપાથ પર ભેગા થયેલા
લોકો કાગારોળ મચાવી રહ્યા હતા. ત્રણ લાશ પર ચાદરો ઓઢાડી હતી અને વરસતા વરસાદમાં એ લાશ પલળી રહી
હતી. થોડીવારમાં બે એમ્બ્યૂલન્સ આવી અને ત્રણેય લાશને અંદર નાખીને સાથે એક-બે સગાંને લઈને ચાલી ગઈ.
માથા ઉપર પ્લાસ્ટિકની કોથળીઓ ઓઢેલા, તાડપત્રી ઓઢેલા, છત્રી ઓઢેલા અને થોડા પલળતા લોકોનું ટોળું હજી
ત્યાં જ ઊભું હતું.
જુહુ પોલીસ સ્ટેશનમાંથી ઈન્સ્પેક્ટર સંકેત નાર્વેકર અને ત્રણ કોન્સ્ટેબલ મળીને ક્રેઈન પાસે ગાડી સીધી
કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પીળા રેઈનકોટની અંદર યુનિફોર્મ પૂરેપૂરા ભિંજાઈ ગયા હતા. આખી રાત જાગેલા
નાર્વેકરના ચહેરા પર કંટાળો અને ગુસ્સો બંને છુપાવી શકાય એમ નહોતા. ગાડી સીધી થઈ એ પછી નાર્વેકરે દરવાજો
ખોલીને પ્રાથમિક તપાસ કરવાની શરૂઆત કરી. આખી રાત વરસાદમાં ભિંજાયેલી ગાડીમાંથી કોઈ પુરાવા મળે એવી
સંભાવના ઓછી જ હતી તેમ છતાં, એક પ્રોટોકોલ, પ્રોસિજર તરીકે નાર્વેકરે આવતા-જતા લોકોને રોકીને, સામે
પાનની દુકાનમાં સૂઈ રહેલા અલ્હાબાદના ચંદુ શુક્લાને પકડીને પંચનામું પૂરું કર્યું. દરેક માણસે કહ્યું કે, એમણે કશું
જોયું નથી, છતાં નાર્વેકર જાણતો હતો કે, આ ગાડી કોની છે એ બધા જ જાણતા હતા!
ગાડીની હાલત ખરાબ હતી. સીટ ઉપર લોહીના ડાઘ ધોવાઈ ગયા હતા, પરંતુ હજી ગાડીની અંદર લોહી,
કાચના ટૂકડા અને એક લેડીઝ સ્કાર્ફની સાથે માઈકલ કોર્સનું ઓરિજિનલ ક્લચ પર્સ નાર્વેકરને મળી આવ્યા.
દિલબાગસિંઘના દીકરા મંગલસિંઘની ગાડીમાંથી છોકરીનો સ્કાર્ફ કે પર્સ મળે એ બહુ નવાઈની વાત નહોતી, પરંતુ
છોકરી ન મળી એ વાતે નાર્વેકર જરા સાવચેત થઈ ગયો. જો મંગલ ગાડી ચલાવતો હતો તો એની શું હાલત થઈ હશે
એ પણ હવે તપાસનો વિષય બની ગયો. કોન્સ્ટેબલે એકવાર નાર્વેકરને પૂછ્યું યે ખરું, ‘દિલબાગ ચા મુલઘા આત હોતા
કા? જિંકલા કી ગેલા?’
જવાબમાં નાર્વેકરે ખભા ઊછાળીને કહ્યું, ‘ગેલા અસેલ. આવી ભયાનક ગાડી ઠોક્યા પછી બચવું અઘરુ છે.’
એણે લેડીઝ સ્કાર્ફ અને પર્સ એક પ્લાસ્ટિકની બેગમાં મૂક્યાં. બંને પલળી ગયા હતા. નાર્વેકરે એના કોન્સ્ટેબલને કહ્યું,
‘છોકરો બચ્યો પણ હોય, પણ આ…’ એણે પ્લાસ્ટિકની થેલી ઝૂલાવી, ‘કોણ હતી ને ક્યાં ગઈ?’
હજી તો ગાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ટોઈંગ વાન આવે એ પહેલાં બે કાળા રંગની પજેરો ગાડીઓ
આવીને થોડે દૂર ઊભી રહી. ફટાફટ કાળી છત્રીઓ ખોલી અને અંદરથી થોડા માણસો બહાર નીકળ્યા. નાર્વેકરની
આજુબાજુ ગોઠવાઈ ગયેલા એ ચાર-છ જણાંએ છત્રીની આડશમાં નાર્વેકર સાથે સવાલજવાબ શરૂ કર્યા. ગાડીમાં કોઈ
નહોતું એ જાણીને પેલા બધાની હવા ઊડી ગઈ. એમાંના એક માણસે થોડે દૂર જઈને દિલબાગને ફોન લગાવ્યો,
‘બાઉજી, ગાડી તો મિલ ગઈ હૈ લેકિન ભીતર તો કોઈ ભી નહીં.’
‘હમમ’ કહીને દિલબાગે ફોન કાપી નાખ્યો. સામે સૂતેલા એકના એક વહાલસોયા દીકરાની હાલત જોઈને
દિલબાગ જેવો રાક્ષસ પણ હચમચી ઊઠ્યો હતો. મંગલસિંઘના બંને હાથમાં ડ્રીપ લાગેલી હતી. એની આંગળી પર
હાર્ટરેટ મોનિટરિંગ અને ગળામાંથી વિગો લઈને દવા એના શરીરમાં ધકેલાઈ રહી હતી. એનો આખો ચહેરો સાફ થઈ
ચૂક્યો હતો, પરંતુ કાચની કરચોને કારણે ચહેરા પર ઝીણા ઝીણા ઘા હતા. આખી છાતી પર પાટા હતા અને પગમાં
ફ્રેક્ચર. હાર્ટરેટ સાવ ધીમા ચાલતા હતા. દિલબાગસિંઘની સાથે જબરજસ્તી આઈસીયુમાં ઘૂસી આવેલા એના
માણસો એની પાછળ ઊભા હતા. દિલબાગસિંઘે એમાંના એક માણસ તરફ જોઈને કહ્યું, ‘કોન કિયે યે સબ? કોન
બચાયે હમારી જાન કો?’
‘એક દાક્તરની હૈ’ કહેતાં કહેતાં દિલબાગસિંઘનો માણસ સહેજ ઝંખવાઈ ગયો.
‘હમ મિલેંગે’ દિલબાગે પૂરી નમ્રતા સાથે કહ્યું, ‘હાથ જોડ કે પરણામ કરેંગે ઉસે.’
‘બાઉજી, જાને દો’ એના એક વિશ્વાસુ મનાતા જમણા હાથ જેવા ખાસ વિક્રમજીત ઉર્ફે જિતાએ ધીમેથી
દિલબાગસિંઘને રોકવાનો પ્રયત્ન કર્યો.
‘કાહે?’ દિલબાગની આંખો ફરી ગઈ, ‘હમારે બચ્ચે કી જાન બચાયે હૈ. હમ આભાર માનેંગે, પરણામ કરેંગે
ઉસે.’
‘યે વોહી હૈ’ જિતાએ ડરતાં ડરતાં પણ સત્ય કહી નાખ્યું. આટલું સાંભળતા જ દિલબાગને વિજળીનો કરંટ
લાગ્યો હોય એમ એ સ્ટુલ પરથી ઊભો થઈ ગયો. એણે જિતાની આંખમાં જોયું. જિતાએ ડોકું ધૂણાવ્યું, ‘હમ તો અબ
તક માન નહીં સકતે. ઉસકી જગહ કોઈ ભી હોતી તો…’ શ્યામા શું કરી શકી હોત, એ ભયનો ઓથાર જિતાની
આંખમાં દિલબાગને વંચાયો.
‘ઉસીને બચાયા?’ દિલબાગે ફરી ખાતરી કરી, ‘ક્યા નામ થા?’
‘શામા’ જિતાએ કહ્યું. દિલબાગ થોડીક ક્ષણો તદ્દન અવિશ્વાસ અને આશ્ચર્યથી જિતા સામે જોતો રહ્યો. પછી
એણે પોતાની જાત પર નિયંત્રણ મેળવીને વિચાર ખંખેરતો હોય એમ જોરથી માથું ધૂણાવ્યું, ‘ભૈયાજી ઠીક હો જાયેંગે’
કહીને જિતાએ દિલબાગ સામે હાથ જોડ્યા, ‘ચલેં?’ દિલબાગ જેટલી મિનિટ હોસ્પિટલમાં રોકાય એ દર મિનિટે
એની જિંદગી પર ખતરો વધતો જતો હતો. દિલબાગ અનિચ્છાએ આઈસીયુની બહાર નીકળ્યો. બહાર નીકળતાની
સાથે એણે જિતાને કહ્યું, ‘વો કુતિયા કહાં ગઈ?’
‘પતા કરતે હૈ બાઉજી’ જિતાએ કહ્યું. એ થોડે દૂર જઈને એક પછી એક ફોન કરવા લાગ્યો.
આ તરફ દિલબાગે પોતાનો ફોન કાઢીને જુહુ પોલીસ સ્ટેશનમાં ફોન લગાવ્યો. પીઆઈ વણીકરે પોતાના
ફોનમાં ‘ડીબીએસ’ વાંચીને ફોન ઉપાડ્યો, ‘બચ્ચા તો ઠીક હૈ ના?’ વણીકરે પૂછ્યું.
‘વો તો ઠીક હૈ.’ દિલબાગે નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘હો હી જાયેગા. મેરા બેટા હૈ, સખ્ત જાન હૈ.’ પછી એણે
જરા સાવચેત થઈને પૂછ્યું, ‘કોઈ લડકી મિલી ક્યા?’
‘નહીં સર’ વણીકરે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું, ‘એવું કોઈ હોત તો અત્યાર સુધીમાં નાર્વેકરનો ફોન આવી જ
ગયો હોત.’ પછી એણે પણ સાવધાનીથી પૂછ્યું, ‘કોઈ હતી એની સાથે?’
‘શફક…’ દિલબાગે કહ્યું, ‘શફક રિઝવી.’
‘મર ગઈ ક્યા?’ વણીકરે પૂછ્યું.
‘વો હી તો નહીં પતા’ દિલબાગે કહ્યું, ‘મરી હો તો જાન છૂટે.’ એ બોલ્યો.
વણીકર સાંભળતો રહ્યો પછી એણે કહ્યું, ‘હિટ એન્ડ રન હૈ. રામડા સે ટર્ન લેતે વક્ત ગાડી કા કંટ્રોલ ગયા
હોગા. દો બાર ડિવાઈડર સે ટકરાઈ, દો બાર ફૂટપાથ સે. ડિવાઈડર તૂટ ગયા હૈ. રસ્તે પર સોએ હુએ તીન લોગ મરે
હૈ… મીડિયાવાલે ફોટોબોટો ખીંચકે ચલે ગયે.’
વણીકરની વાત ખોટી નહોતી. આટલા વરસાદમાં પણ એક્સિડેન્ટની વાત ફેલાઈ ગઈ હતી. તમામ ન્યૂઝ
ચેનલ પર લાલ રંગની મર્સિડિસ એસયુવીના ચાર નવડાની વિગતો ‘બ્રેકિંગ ન્યૂઝ’ બનીને ચમકી રહી હતી. એ ગાડીમાં
મંગલસિંઘ હતો એ વાત હજી કોઈએ ખૂલીને કહી નહોતી. દિલબાગના સંબંધો મીડિયા, રાજકારણીઓ સાથે ગાઢ
હતા એટલે પોતાની સાથે વાત કર્યા વગર કોઈ મંગલસિંઘનું નામ નહીં લે એ વાતની દિલબાગને ખાતરી હતી. એને ડર
હતો તો બસ એક જ વાતનો, શફક રિઝવી પોતાનું મોઢું ખોલે તો મંગલસિંઘ ફસાઈ શકે.
છેલ્લા થોડા સમયથી મંગલસિંઘની સાથે શફક રિઝવી અવારનવાર દેખાતી હતી. મીડિયા અને
પોલીસકર્મીઓમાં આ વાત ફેલાઈ ચૂકી હતી. તદ્દન હિન્દુવાદી અને શિવના પરમભક્ત દિલબાગસિંઘને પોતાના
દીકરાની એક મુસલમાન છોકરી સાથેની દોસ્તી બિલકુલ મંજૂર નહોતી. મંગલ સાથે કોઈ પણ છોકરી અઠવાડિયા-દસ
દિવસથી વધારે ટકતી નહીં, પણ આ શફક રિઝવી તો જાણે પોતાની સાથે ગુંદર લઈને આવી હોય એમ છ મહિનાથી
ચોંટી હતી. દિલબાગે એક-બે વાર મંગલસિંઘને ટોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મંગલે પિતાની વાત કાને ધરી
નહોતી.
આમ મંગલસિંઘ એકદમ આજ્ઞાંકિત દીકરો હતો. મુંબઈમાં મોટો થયો હોવા છતાં સવારે પિતાના ચરણ સ્પર્શ
કર્યા વગર ઘરની બહાર નીકળતો નહીં. રાત્રે ગમે તેટલો મોડો આવે, નશામાં ધૂત્ત હોય તો પણ પિતાના ઓરડાની
બહાર ઊભેલા હથિયારબંધ માણસોને ખસેડીને એકવાર ઊંઘતા કે જાગતા પિતાના દર્શન કર્યા વગર પોતાના ઓરડામાં
નહીં જવાનો એનો નિયમ હતો. સમય કે પૈસા, દિલબાગને હિસાબ આપી દેવો એ મંગલસિંઘની ફરજનો એક ભાગ
હતો, પણ શફકની બાબતમાં જાણે એ વિદ્રોહી થઈ ગયો હતો. દિલબાગને ભય હતો કે, એકાદ દિવસ મંગલ જો શફક
સાથે લગન કરીને ઘરે લઈ આવશે તો પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી જશે.
દિલબાગના કનેક્શન અનેક હિન્દુવાદી નેતાઓ સાથે પણ હતા. એ લોકો દિલબાગને પાછલે બારણે સપોર્ટ
કરતા. દિલબાગ પણ ઈલેક્શન ટાઈમે એમના ઉપકારનો બદલો વાળી દેતો. બૂથ કેપ્ચરિંગથી શરૂ કરીને અપહરણ,
ધાકધમકી જેવા અનેક કામો એણે રાજકારણીઓ માટે કર્યા હતા. એ પોતાની જાતને હિન્દુ માફિયા તરીકે ઓળખાવતો
એટલે મુસલમાન માફિયાઓ સાથે પણ એની મુઠભેડ થયા કરતી. હવે આવા સમયમાં જો એનો પોતાનો દીકરો કોઈ
મુસલમાન અને એ પણ દરેક ચાર રસ્તે જેના અર્ધનગ્ન પોસ્ટર લાગ્યા હોય એવી છોકરી સાથે લગન કરે તો
દિલબાગના કનેક્શન્સ ઉપર અસર થાય, એની ઈમેજ જોખમાય, એટલું જ નહીં, પોતાના ઘરમાં આવી બદનામ અને
મોડેલ અભિનેત્રી વહુ બનીને આવે એ દિલબાગ કોઈ રીતે ચલાવી શકે એમ નહોતો… શફક મરી ગઈ હોય તો
દિલબાગ માટે ટાઢા પાણીએ ખસ જવા જેવી, ઈચ્છનીય સ્થિતિ હતી, પણ જો શફક બચી ગઈ હોય તો પેલા ત્રણ
મરેલા માણસોના હિટ એન્ડ રન કેસમાં શફક એક માત્ર નજરે જોયેલ સાક્ષી હતી. એ જ્યાં પણ હોય ત્યાં પોલીસને
મળે એ પહેલાં દિલબાગ માટે એના સુધી પહોંચવું જરૂરી હતું.
*
આઈસીયુની બહાર ઊભેલો દિલબાગ લિફ્ટ તરફ આગળ વધ્યો. બરાબર એ જ વખતે વોશરૂમ જઈને પાછી
ફરતી શ્યામાને એણે જોઈ. શ્યામાએ પણ દિલબાગને જોયો. બંનેની નજર મળી, પરંતુ શ્યામાએ ચહેરો ફેરવી લીધો.
જિતો ફોન કરીને દિલબાગ તરફ આવી રહ્યો હતો. એણે જોયું કે, શ્યામા અને દિલબાગ સામસામે ઊભા છે. એ થોડે
દૂર જ અટકી ગયો. શ્યામાએ ચહેરો ફેરવીને આઈસીયુ તરફ ચાલવા માંડ્યું, પણ દિલબાગ ઉતાવળે પગલે એની સામે
જઈને ઊભો રહી ગયો. શ્યામાએ એની સામે જોયા વગર અદબ વાળી.
‘અચ્છા કિયા જો મેરે બેટે કો બચા લિયા’ દિલબાગે કહ્યું, ‘તુમ્હારા અહેસાન રહેગા…’
‘મૈંને મેરા કામ કિયા હૈ’ શ્યામાએ દિલબાગની સામે જોયા વગર એની સાઈડમાં થઈને આઈસીયુ તરફ પગ
ઉપાડવાનો પ્રયાસ કર્યો, ‘ડૉક્ટર એ નથી જોતા કે પેશન્ટ સારો માણસ છે કે ખરાબ. ડૉક્ટરની ફરજ બચાવવાની છે…
મેં ફરજ પૂરી કરી.’
‘પરણામ’ દિલબાગે બે હાથ જોડ્યા, ‘હું કંઈ કરી શકું તો કહેજો.’
‘કેસ રિ-ઓપન કરાવો’ શ્યામાએ ચાબખો માર્યો, ‘તમારા દીકરાને કહેજો કે, ગુનો કબૂલી લે’ કહીને જવાબની
રાહ જોયા વગર એ આઈસીયુ તરફ ચાલવા માંડી. જિતાને લાગ્યું કે, વાત પૂરી થઈ ગઈ, પણ દિલબાગ ઊંધો ફરીને
એના તરફ લગભગ દોડ્યો. એણે શ્યામાનો હાથ બાવડેથી પકડી લીધો.
‘એની સાથે એક છોકરી હતી.’ શ્યામાએ દિલબાગ તરફ જોયા વગર જ ખભા ઊલાળ્યાં. દિલબાગે એનો હાથ
છોડ્યો નહીં, ‘છોકરી મળવી જોઈએ, છોકરીને ક્યાં લઈ ગયા?’
શ્યામાએ દિલબાગ તરફ જોયું, ‘મને શું ખબર?’ એણે લગભગ મજાક ઉડાવતી હોય એવી રીતે કહ્યું, ‘અહીં
નથી લાવ્યા.’ કહીને એણે ઝટકો મારીને બાવડું છોડાવ્યું અને ચાલવા માંડી. એ આગળ વધે એ પહેલાં દિલબાગે ફરી
એનો હાથ પકડ્યો, ‘મંગલને ભાન આવે ત્યારે પોલીસને પહેલાં હું મળીશ.’ દિલબાગે ચેતવણી આપતો હોય એમ કહ્યું.
‘એને ભાન આવશે ત્યારે સૌથી પહેલાં હું મળીશ…’ શ્યામાના ચહેરા પર એક વિચિત્ર, વિજયનું સ્મિત હતું,
‘એ પછી કોણ પહેલાં મળશે એ હું જ નક્કી કરીશ.’ કહીને એણે દિલબાગની આંખોમાં આંખો મેળવી, ‘ઈશ્વરને ઘેર
દેર છે, અંધેર નથી… સાંભળ્યું હતું, આજે જોઈ લીધું.’
દિલબાગ કશું બોલી શક્યો નહીં. શ્યામાને ધમકાવવી કે ડરાવવી શક્ય નથી એ તો એને કેસ દરમિયાન સમજાઈ
જ ગયું હતું. શું કરવાથી એ પોતાની વાત માનશે, એ વિચારવામાં દિલબાગ અટવાયો ત્યાં સુધીમાં શ્યામા આઈસીયુનો
કાચનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ. જિતો ધીરેથી દિલબાગની પાસે આવ્યો, ‘ચલેં? બાઉજી…’ એણે
હતી એટલી હિંમત એકઠી કરીને પૂછ્યું.
*
જુહુતારા રોડ પર એક અપાર્ટમેન્ટમાં ડૉ. કનુ શાહ એક છોકરીની પાટાપિંડી કરી રહ્યા હતા. છોકરીને હાથમાં
ફ્રેક્ચર હતું. પ્લાસ્ટર માર્યું પણ એણે ઉંહકારો ય નહોતો કર્યો, એના ચહેરા પર પડેલા નાનકડા ઘા વિશે એ વધુ ચિંતિત
હતી, ‘આ સ્કાર નીકળી જશે ને?’ એણે મૃદુ અવાજમાં પૂછ્યું. એના કપડાં ઠેર ઠેર ફાટેલાં હતાં, રસ્તા ઉપર ઘસડાઈને
એવાં ઘસરકાં પડ્યાં હતાં એના શરીર પર. ડૉક્ટર તરીકે કનુ શાહ સમજી શક્યા કે, આ ફ્રેક્ચર પડવા કે વાગવાથી નહીં,
હાથ મરડવાથી થયું છે. કોઈ બળવાન વ્યક્તિએ આ નાજુક, નમણી છોકરીનો હાથ પકડીને એટલા જોરથી મરડ્યો છે
કે એને ફ્રેક્ચર થયું હોવું જોઈએ… જોકે, એમણે એ અંગે કશું પૂછ્યું નહીં કારણ કે, એ શફક રિઝવીના ફેમિલી ડૉક્ટર
હતા. આ પહેલાં કેટલીયે વાર એમણે શફકનાં ઘા ઉપર મલમ લગાડ્યો હતો. એ જાણતા હતા કે, મંગલસિંઘ અને શફક
વચ્ચે અવારનવાર ઝઘડા થતા. એટલું જ નહીં, મંગલસિંઘ માટે સ્ત્રી પર હાથ ઉપાડવાની કોઈ નવાઈ નહોતી.
શફકના સેલફોનની રિંગ વાગી. એણે નામ જોયું… કનુભાઈને અટકાવીને એણે ફોન કાને ધર્યો. તદ્દન નજીક
બેઠેલા કનુભાઈ સાંભળી શકે એવા કરડા અવાજે કોઈકે કહ્યું, ‘એ બચી ગયો છે.’ આટલું સાંભળતા જ શફકને એર
કન્ડીશન્ડ રૂમમાં પરસેવો વળવા લાગ્યો. એ ધ્રૂજવા લાગી. એની આંખોમાં પાણી ધસી આવ્યાં, ‘એ મને નહીં છોડે.’
એણે ફોન પર કહ્યું.
(ક્રમશઃ)