પ્રકરણ – 58 | આઈનામાં જનમટીપ

એકવાર તો શિવને થયું કે, શફકનું ગળું દબાવીને એને ત્યાં જ મારી નાખે, પણ અત્યારે ઓમ ખરેખર મરી ગયો
હતો કે જીવતો હતો એ જાણવું અગત્યનું હતું. મંગલસિંઘ ખરેખર મલેશિયામાં હોય તો પરિસ્થિતિ ગંભીર હતી અને
અત્યારે શફક એટલી મહત્વની નહોતી.
શફકના એપાર્ટમેન્ટમાંથી નીકળીને શિવ પોતાની ગાડીમાં બેઠો. એણે સાંઈ સાથે વાત કરી, પણ સાંઈ ક્યાં
હતો એ શિવને ખબર પડી નહીં. આવડા મોટા ક્વાલાલમ્પુર શહેરમાં સાંઈને ક્યાં શોધવો એ શિવને સમજાતું નહોતું,
સાથે જ જેમ શફક કહેતી હતી એમ ખરેખર જો ઓમનું ખૂન થયું હોય તો એની લાશ ક્યાં હતી?
ઓમના મોતથી દેખીતો ફાયદો શિવને થવાનો હતો. હજી હમણાં જ ખુર્શીદ સુલેમાન પાસેથી એણે લીધેલા
હીરાની કિંમત જ ઈન્ટરનેશનલ બજારોમાં કરોડોની હતી. જે ઓમને સોંપવાના હતા, પણ એ પહેલાં જ ઓમનું
અપહરણ થઈ ગયું હતું. ઓમના ઘરમાં આવેલા સેફનો કોડ નંબર પણ ફક્ત શિવ જ જાણતો હતો. ઓમના સેફમાં
હીરા, કેશ અને બીજી કેટલીયે પ્રોપર્ટીના પેપર્સ હતા. બિઝનેસની ડિટેલ્સ અને બીજી એવી ઘણી ચીજો હતી જેનાથી
શિવ ઓમના આખાય સામ્રાજ્યનો માલિક થઈ શકે એમ હતો. પહેલાં ઘેર જવું કે સાંઈને શોધવો એ બેની વચ્ચે
અટવાયેલો શિવ નિર્ણય કરી શક્યો નહીં… થોડીવાર તમન દુત્તા વિસ્તારના રસ્તાઓ પર ગાડી ચલાવ્યા કરી, પછી
એણે નિર્ણય કર્યો કે સૌથી પહેલાં ઓમના ઘરમાં ઘૂસીને સેફમાં રહેલી વસ્તુઓનો કબજો લઈ લેવો જોઈએ.
એ ગાડી લઈને ઘેર પહોંચ્યો. ઓમના ઘરમાં દાખલ થવાનો ગરાજ કોડ એને ખબર હતી. એટલે ગરાજના
રસ્તેથી દાખલ થઈને એ ઓમના રૂમમાં ગયો. એના વોર્ડરોબની અંદર મૂકેલી લગભગ ચાર ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ
પહોળી કસ્ટમ મેઈડ સુપર લોકિંગ સેફ્ટી ધરાવતી અમેરિકન મેઈકની સેઈફની સામે ઊભા રહીને એણે કોડ નાખવાની
શરૂઆત કરી. ઓમ એનો ભાઈ હતો એ સાચું, શિવ માટે ઓમને ખૂબ પ્રેમ હતો એ પણ સાચું, પરંતુ ઓમ સ્વભાવે
જ શંકાશીલ અને ગણતરીબાજ માણસ હતો. એ શિવ પાસે જ સેઈફ ખોલાવતો, બધો વ્યવહાર પણ શિવ જ
સંભાળતો, પણ શિવ જાણતો હતો કે, ઓમ શિવના ખોલ્યા પછી કોડ બદલી શકે એટલો ચાલાક અને ધૂર્ત માણસ
હતો. અત્યારે સેઈફની સામે ઊભા રહીને શિવે મનોમન પ્રાર્થના કરી, ઓમે છેલ્લી ઘડીએ કોડ ન બદલ્યો હોય તો
સારું! આ એટલી બધી સલામત તિજોરી હતી કે, એમાં ત્રણ વખત ત્રણ જુદા કોડ નાખવા પડે અને દરેક વખતે એ
કોડ પછી એક અલાર્મ વાગે, એનો અર્થ એ કે કોડ સાચો છે. શિવે પહેલી વખતનો કોડ નાખ્યો. એ અલાર્મ વાગવાની
અધ્ધર શ્વાસે પ્રતીક્ષા કરતો રહ્યો. સાત સેકન્ડ પછી અલાર્મ વાગ્યો. શિવે બીજો કોડ નાખ્યો, અલાર્મ વાગ્યો. શિવે
ત્રીજો કોડ નાખ્યો… સાત સેકન્ડ પસાર થઈ અલાર્મ વાગ્યો અને સેઈફમાં ગ્રીન લાઈટ થઈ. ગ્રીન લાઈટની સાથે જ
સેઈફના દરવાજામાં મૂકેલો સીસીટીવી કેમેરા ઓન થઈ જતો. સેઈફ કોણે ખોલી છે એનું રેકોર્ડિંગ આ સીસીટીવી
કેમેરામાં થઈ જતું, જે ઓમના ફોનમાં જોઈ શકાતું. આ સીસીટીવી કેમેરાનો બીજો કોઈ એક્સેસ નહોતો એની શિવને
ખબર હતી. એણે સીસીટીવી કેમેરા ઉખાડી અને વાયર સાથે કાઢી લીધો. ઓમ જો મરી જ ગયો હોય તો એનો ફોન
પણ એની સાથે જ ક્યાંક સગેવગે કરી દેવાયો હશે એવી એને ખાતરી હતી. હવે જો ઓમ જ નથી તો સીસીટીવી
કેમેરામાં થયેલા રેકોર્ડિંગ સુધી પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી એવા આત્મવિશ્વાસ સાથે શિવે સેઈફ ખોલી. એની
આંખો પહોળી થઈ ગઈ. કરોડો રૂપિયાના હીરા, અગણિત કેશ અને એની સાથે નામી-બેનામી પ્રોપર્ટીઝના અનેક
દસ્તાવેજની થપ્પીઓ એ સેઈફમાં હતી. શિવ ખુશ થઈ ગયો. એણે ઓમના ઘરના સ્ટોરમાં જઈને બે મોટી બેગ
લીધી. ધીરે ધીરે બધું બેગમાં ટ્રાન્સફર કર્યું, સેઈફ બંધ કરી. એ જ કોડ ફરી પાછા નાખી દીધા. એક પછી એક બેગ
ગરાજના રસ્તે બહાર કાઢીને ઘરનો દરવાજો પાછો બંધ કરી દીધો.

બેગ લઈને શિવ ઘરે ગયો. બંને બેગ એના સ્ટોરમાં એવી રીતે ગોઠવી દીધી જાણે ખાલી બેગોની વચ્ચે મૂકેલી
એક બેગ હોય. સ્ટોર બહારથી લોક કર્યું ને પછી એના વોક ઈન વોર્ડરોબમાં જઈ નાઈટ સુટ પહેરી એ નિરાંતે પલંગમાં
પડ્યો. સાંઈને શોધવા જવાની એને જરૂર ના લાગી. થોડું વિચારતાં એને સમજાયું કે, જો મંગલસિંઘ ખરેખર
ક્વાલાલમ્પુરમાં હશે અને શફક કહેતી હતી એમ જો એણે ઓમને મારી જ નાખ્યો હશે તો હવે એ સાંઈને નહીં છોડે.
સાંઈ જે રીતે બૂમો પાડતો હતો અને ઓમને શોધવા જવાનું કહેતો હતો એ રીતે એ મોટેભાગે મંગલસિંઘ સુધી પહોંચી
જ ગયો હશે અથવા તો મંગલસિંઘ એના સુધી પહોંચી ગયો હશે… બંને સ્થિતિમાં હવે સાંઈ ઘેર પાછો નહીં આવે
એવી રાહત સાથે એણે ઉંઘવાનો પ્રયાસ કરવા માંડ્યો.
પૂર્વ દિશામાં આકાશ લાલ થવા માંડ્યું હતું. સાંઈને લઈને અંજુમ પુલાઉ ઈન્ડાહ પહોંચ્યો ત્યાં સુધી સાંઈ
એકસરખી ગાળાગાળ કરતો શિવને મારી નાખવાની ધમકી આપતો બૂમાબૂમ કરતો રહ્યો. પુલાઉ ઈન્ડાહ પાસે જઈને
અંજુમે જ્યારે ગાડી પાર્ક કરી ત્યારે થોડો હોશમાં અને થોડો બેહોશ સાંઈ જગ્યા ઓળખવાનો પ્રયાસ કરવા લાગ્યો.
‘આ તો…’ સાંઈએ ગાડીની બહાર નીકળીને ચારેતરફ જોયું, ‘આ તો ડમ્પિંગ યાર્ડ છે. અહીં શું કરીએ છીએ?’
એણે પૂછ્યું. અંજુમ થોડો ચિંતામાં હતો કારણ કે, અહીં કામ કરવાવાળા લોકો સાડા સાત વાગ્યાથી આવવાના શરૂ થઈ
જતા. ડમ્પિંગ યાર્ડનો કચરો કોમ્પ્રેસ કરીને, એની કેક્સ બનાવીને, એને સોલીડ વેસ્ટમાં બાળી નાખવા માટે ભઠ્ઠીમાં
મોકલવામાં આવતો. કચરાની કેક બનાવનારા માણસો અને ટ્રક ડ્રાઈવર્સની ચહલપહલ સાડા સાત વાગ્યાથી શરૂ થઈ
જતી. એણે આસપાસ જોયું, હજી સુધી કોઈ આવ્યું નહોતું.
‘ભાઈ અહીં જ છે.’ અંજુમે કહ્યું. સાંઈ ચારેતરફ જોવા લાગ્યો. એ કશું સમજે એ પહેલાં કચરાના એક ઢગલાં
પાછળ છુપાયેલા મંગલ અને લાલસિંગ એની સામે આવી ગયા. સાંઈ લાલસિંગને ઓળખી ગયો.
‘તું? સાલા… જેલમાંથી ભાગી આવ્યો?’ સાંઈએ પૂછ્યું, ‘આ કોણ છે?’ સમય વેડફવાની બિલકુલ જગ્યા
નહોતી. એના ડેડ બોડીને ઠેકાણે પાડીને 45 મિનિટમાં બહાર નીકળી જવાનું હતું. મંગલસિંઘ જવાબ આપે તે પહેલાં
અંજુમે ઘડિયાળ જોઈ. બંનેની આંખો મળી અને એમને સમજાઈ ગયું કે, હવે સવાલ-જવાબનો સમય રહ્યો નથી.
મંગલસિંઘે પોતાની રિવોલ્વર કાઢીને સાંઈની છાતી પર મૂકી, ‘તું… આ શું કરે છે?’ એણે અંજુમ સામે જોયું, ‘આ…
આ…’ અંજુમ કશું જ બોલ્યા વગર અદબવાળીને ઊભો રહ્યો. સાંઈએ લાલસિંગ તરફ જોયું, ‘ઓમભાઈને ખબર
પડશેને તો તમને બધાંને…’ એ લોકોના ચહેરા જોઈને સાંઈને ફાળ પડી. એણે જોરથી પૂછ્યું, ‘ઓમભાઈ ક્યાં છે?’
‘અહીં… ડમ્પિંગ યાર્ડમાં ડમ્પ કરી દીધા એમને, ને હવે તને પણ…’ કહીને મંગલસિંઘે ટ્રીગર દબાવી દીધું.
સાયલેન્સરવાળી રિવોલ્વરમાં ‘ફટ્’ એટલો જ અવાજ થયો. સાંઈ ઢળી પડ્યો, છતાં મંગલે બીજી બુલેટ પણ એની
છાતીમાં ઉતારી દીધી. ત્રીજી… અને સાંઈનું હલતું શરીર સ્થિર થઈ ગયું. લોહીનો એક રેલો નીકળ્યો, જે ધીમે ધીમે
નાનકડા ખાબોચિયાંમાં પરિવર્તિત થવા લાગ્યો. પ્લાસ્ટિકના થેલામાં સાંઈનું બોડી ઝડપથી ભરી લઈને એ લોહીના
રેલા પર કચરો ઢાંકી દેવામાં આવ્યો. થેલાનું મોઢું બાંધીને ઓમને જ્યાં નાખ્યો હતો એનાથી સાવ વિરુધ્ધ દિશામાં
કચરાનો ઢગલો ઉલેચીને સાંઈનું બોડી ડમ્પ કરી દીધું. એના ઉપર લગભગ બીજો દસ કિલો જેટલો કચરો ઢાંકીને એ
ત્રણેય જણાં જ્યારે બહાર નીકળ્યા ત્યારે અંજુમે ઘડિયાળ જોઈ, સવારના 6.45 થયા હતા. અંજુમ અને લાલસિંગના
કપડાં પર લોહીના ડાઘ હતા. એમના કપડાં ઉતારીને સાથે લાવેલા ટી-શર્ટ અને બરમૂડા પહેરીને એ કપડાંને
પ્લાસ્ટિકની થેલીમાં ભરી લીધા. ત્રણેય જણાં બહાર નીકળ્યા ત્યારે સાંઈની ગાડી એમની પ્રતીક્ષા કરી રહી હતી.
સાંઈની ગાડી લઈને ત્રણેય જણાં ફરી એકવાર લી યુંગ તરફ જવા લાગ્યા. રસ્તામાં એક મોલના બેઝમેન્ટમાં
ગાડી પાર્ક કરીને ત્રણેય જણાં જુદી જુદી દિશામાં બહાર નીકળ્યા ત્યારે માથા પર પહેરેલી કેપ અને માસ્ક એવી રીતે
ગોઠવ્યા હતા કે બેઝમેન્ટના સીસીટીવી કેમેરામાં ત્રણમાંથી એકેયનો ચહેરો દેખાય નહીં.
ત્રણેય જણાં જુદી જુદી રીતે બસ, મેટ્રો અને ટેક્સીમાં લી યુંગ પહોંચ્યા ત્યારે સવારના સાડા સાત થયા હતા.
દાખલ થતાંની સાથે અંજુમે બૂમ પાડી, ‘શૌકત, ચાય પિલાઓ. કુછ ખિલાઓ…’ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં
શૌકત રસોડામાંથી ટ્રેમાં ચાના મગ લઈને નીકળ્યો. ત્રણેયના ચહેરા પર જે રાહત અને આનંદ હતા એ જોઈને શૌકત
સમજી ગયો કે, સાંઈનું કામ તમામ થઈ ગયું છે.


શિવના ગયા પછી ખાસ્સીવાર સુધી શફક હતપ્રભ જેવી બેસી રહી. એણે જે આત્મવિશ્વાસથી મંગલસિંઘને
કહ્યું હતું કે, શિવ એનું કહ્યું માનશે, બંને જણાં મલેશિયા છોડી દેશે અને શિવ આ જિસ્મ ફરોશીનો ધંધો પણ છોડી
દેશે… એ ત્રણેય વાત ખોટી પડી હતી. આજે એણે જે શિવનું રૂપ જોયું હતું એ પછી શફકને એટલું તો ચોક્કસ
સમજાઈ ગયું હતું કે, અત્યાર સુધી એ પ્રેમના નામે ફક્ત મૂરખ બનતી રહી.
પૂર્વ દિશામાં આકાશ લાલ થયું અને સ્લાઈડિંગ વિન્ડોમાંથી પ્રકાશ ડ્રોઈંગ રૂમમાં રેલાયો ત્યારે શફકને ખ્યાલ
આવ્યો કે સવાર થઈ ચૂકી હતી. એણે કોઈક નિર્ણય તો કરવો જ પડશે. સાંઈ કે શિવના સહારા વગર મલેશિયામાં રહેવું
એને માટે સરળ નહીં હોય, પણ આ દેશમાં એ સહેલાઈથી ખોવાઈ શકતી હતી. નાનું મોટું કામ મળી જાય તો એની
પાસે એટલા પૈસા હતા કે, એ આવનારા બે-ત્રણ વર્ષ સુધી શાંતિથી રહી શકે અને છતાંય એટલી બચત થઈ શકે
જેનાથી એની બાકીની જિંદગી નિરાંતે પસાર થઈ શકે… ભાગી જવું કે અહીં જ રહેવું, એની વચ્ચે એણે નિર્ણય
કરવાનો હતો.
ખૂબ વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે, એ મંગલસિંઘ સાથે વાત કરીને આગળ શું કરવું એ વિશે પ્લાન
બનાવશે. એણે મંગલને ફોન કરવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ મંગલ એ સમયે ડમ્પિંગ યાર્ડમાં હતો. એણે ફોન ઉપાડ્યો
નહીં. સાડા સાત વાગ્યે ઘરે પહોંચીને ચા-નાસ્તો કર્યા પછી નાહી-ધોઈને મંગલે જ્યારે ફોન જોયો ત્યારે સવારના
પોણા નવ વાગ્યા હતા. એણે શફકના નંબર પરથી આવેલા અસંખ્ય મિસ્ડ કોલ્સ જોયા… ક્ષણભર માટે ચિંતા થઈ,
પછી એણે એ ચિંતા ખંખેરીને કોલબેક કર્યો.
‘હું… હું… શફક છું.’ કદાચ, નંબર અજાણ્યો હોય અને મંગલ ન ઓળખે એમ વિચારીને એણે કહ્યું.
‘હંમમ્.’ મંગલે માત્ર હોંકારો ભણ્યો.
‘શિવ આવ્યો હતો. તારી વાત સાચી છે. એ માણસ નથી, રાક્ષસ છે. એણે મને મારી. એણે…’ કહેતાં કહેતાં
શફકને ડૂમો ભરાઈ ગયો, ‘એણે ધંધો છોડવાની ના પાડી. એ મલેશિયા નહીં છોડે. એને તો ઓમના ધંધાના માલિક
બનવું છે. ઓમની જગ્યા લેવી છે એને…’ કહીને એ રડી પડી, ‘યુ વેર રાઈટ. તું સાચો હતો.’
‘હંમમ્.’ મંગલ હજી કંઈ બોલ્યો નહીં.
‘મારે… મારે શું કરવું જોઈએ? એને ખબર પડી ગઈ છે કે, તું ક્વાલાલમ્પુરમાં છે. ઓમ મરી ગયો છે.’ સહેજ
અપરાધભાવ સાથે એણે ઉમેર્યું, ‘મેં જ કહ્યું.’ એણે ધીમેથી સ્વીકાર્યું, ‘કહેવું પડ્યું.’
‘હવે સાંઈ પણ નથી.’ મંગલે સ્વસ્થતાથી કહ્યું.
‘વ્હોટ?’ શફકનો અવાજ ફાટી ગયો, ‘તેં એને મારી નાખ્યો?’
‘હંમમ્.’ મંગલની સ્વસ્થતામાં કોઈ ફરક ન પડ્યો, ‘શિવ ક્યાં ગયો છે?’
‘ઓમને શોધવા.’ શફકે કહ્યું, ‘આઈ થિન્ક.’
‘એ નહીં શોધે…’ મંગલે કહ્યું. થોડીવાર બંને તરફ ચૂપકીદી છવાયેલી રહી. પછી મંગલે કહ્યું, ‘બીજું કંઈ?’
‘હું શું કરું?’ શફકે પૂછી નાખ્યું, ‘મને કંઈ સમજાતું નથી.’ એ ફરી રડી પડી, ‘ઈન્ડિયા પાછા નહીં જવાય
મારાથી.’
‘તારી પાસે પૈસા છે, ખોટો પાસપોર્ટ છે, મલેશિયા છોડી દે.’ મંગલે કહ્યું.
‘પૈસા કેવી રીતે લઈ જાઉ?’ શફકે પૂછ્યું. મંગલને એના ભોળપણ પર દયા આવી ગઈ, ‘મને કંઈ નથી આવડતું. હું
ફસાઈ જઈશ. પોલીસ તપાસ કરશે ત્યારે…’
ઝબકારો થયો હોય એમ મંગલે કહ્યું, ‘ક્યાંય નહીં જતી. ત્યાં જ રહે. હું તને કહીશ તારે શું કરવું. અત્યારે ઊંઘી જા.
કંઈ જાણતી જ ન હોય એમ આરામથી…’
‘પણ…’ શફક કંઈ કહેવા ગઈ, પણ મંગલે એની વાત કાપી નાખી.
‘ઊંઘી જા.’ મંગલના અવાજમાં દ્રઢ નિશ્ચય ને કાતિલની ક્રૂરતા હતી, ‘હું શિવને ખતમ કરીને તને ફોન કરીશ.’ એણે
ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. ફોન હાથમાં પકડીને થોડીવાર શફક સેલફોન તરફ જોતી રહી. પછી જાણે કોઈ પૂતળાને ચાવી
દીધી હોય એમ ઊભી થઈને બેડરૂમ તરફ ચાલી ગઈ.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *